યુગવંદના/તારાં પાતકને સંભાર !
← હાલરડું | યુગવંદના તારાં પાતકને સંભાર ! ઝવેરચંદ મેઘાણી ૧૯૩૧ |
અમે ! → |
તારાં પાતકને સંભાર, મોરી મા
રે હિન્દ મોરી મા !
પોતાના પાપભારે પોતે તું ચોપાણી —
એવી કાળજૂની જુલમકમાણી હો મા !
રે હિન્દ મોરી મા !
પરને પટકીને નીચાં, ઊંચી તું કે'વાણી !
આખર અંગે અંગે આપેથી છેદાણી હો મા !
રે હિન્દ મોરી મા !
તારે મંદિરિયે આજ કોનાં ચાલે શાસન?
જો જો દેવ કે અસુરનાં એ આસન, હો મા !
રે હિન્દ મોરી મા !
આભમંડળ લગ એનાં શિખર ખેંચાણાં :
એના પાયામાં તુજ છોરુડાં ઓરાણાં, મા !
રે હિન્દ મોરી મા !
પાયા હેઠળથી આજે હાહાકાર જાગે !
ભૂખી ધરતી નવલા ભોગ ભરી માગે, હો મા !
રે હિન્દ મોરી મા !
તારો ધુરીધર આજે સમાધ ગળાવે !
તારા ઈશ્વરને આહુતિ એવી ભાવે, હો મા !
રે હિન્દ મોરી મા !
તારા દેવળના ઘોર ઘુમ્મટ ઊંચા તૂટે :
જેને છૂંદ્યાં'તાં તે જાગી તુજને લૂંટે, હો મા !
રે હિન્દ મોરી મા !
સાંભળ સાંભળ, હો બે'રી ! ભાવિના ભણકારા
તારા ભોગળ-ભીડ્યા ભાંગે ઠાકરદ્વારા, હો મા !
રે હિન્દ મોરી મા !
ચિરાડચિરાડે જોતો અવધૂત એક ઝૂરે :
અંદર પોતાનાં શોણિત ને હાડ પૂરે, હો મા !
રે હિન્દ મોરી મા !
એ રે પૂરણહારને પૃથ્વી કેમ ખોશે?
ભૂંડી ! એ મરશે તો જીવન કોનો રે'શે હો મા !
રે હિન્દ મોરી મા !
તારાં પાતકને સંભાર, મોરી મા!
રે હિન્દ મોરી મા !