← વિશ્વંભર ! યુગવંદના
પ્રત્યેક વર્ષે
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
બાળુડાંને →




પ્રત્યેક વર્ષે


'દંભી રસમ્ છે’ – નવ કોઈ ક્‌હેજો !
પ્રત્યેક વર્ષે અભિનંદવાની :
આનંદ ન્હૈ તોય બતાવવાની,
રોવું છુપાવી હસતા જવાની.

રોવું સદાકાળ ભલે લખાયું,
એકાદ દી યે હસવા નહિ દ્યો?
માલૂમ છે — જીવનની નળી
છે સાંકડી, ઘોર અને બીકાળી;
ખોંખરવા તેથી જ ટેવ પાડી.

ખોંખારતા સૌ ગલીપાર થાશું,
ઠોકારતા લાકડી ઘેર જાશું,
બીતાં જ તેથી દળ બાંધી ભેળાં
થોડીક તો છાતી ફુલાવી ગાશું.