← કાળ-સૈન્ય આવ્યાં યુગવંદના
ફાગણ આયો
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
વૈશાખી દાવાનલ આવો ! →




ફાગણ આયો


ફાગણ આયો, ફાગણ આયો, ફાગણ આયો રે !
ઋતુઓ કેરો રાજન આયો - ફાગણ આયો રે !
ફૂલડે છાયો : રંગ સુહાયો :
'મલયાનિલની ફોરમ વાયો' :
જૂઠજૂઠો કવિજન ગાયો.
ફાગણ આયો રે —
સળગતો ફાગણ આયો રે !

વસંત ક્યાં છે? કોનાં પૂજન?
ક્યાં દીઠાં ભમરાનાં ગુંજન?
રસઘેલાનાં કૌમુદી-કૂજન
કોઈ ન લાયો રે —
ધધખતો ફાગણ આયો રે !

ક્યાં ફૂલવાડી? કોયલડી ક્યાં?
કૂવે-નવાણે પાણી ડૂક્યાં,
માએ રડતાં બાળક મૂક્યાં :
સ્નેહ સુકાયો રે —
મહાનલ ફાગણ આયો રે !

પ્રભુ-મંદિરિયે પુષ્પ-હિંડોળા :
દ્વાર ખડાં ક્ષુધિતોનાં ટોળાં :
'હૂ હૂ' સૂર કરે વંટોળા :
નટવર ના'યો રે —
ભયંકર ફાગણ આયો રે !



થેઈ થેઈકાર દઈ કર-તાલી
નવ નાચે ગોપી મતવાલી;
આ તો કાલી કોપ-કરાલી :
તાંડવ ગાયો રે —
પ્રલયકર ફાગણ આયો રે !

સંતોષી પુરજનને આંગણ
નવ ચેતાયા હોમ-હુતાશન;
આ તો કાલ-ચિતાના દર્શન :
ધૂમ્ર છવાયો રે —
ધૂંધળો ફાગણ આયો રે !