યુગવંદના/વૈશાખી દાવાનલ આવો !
← ફાગણ આયો | યુગવંદના વૈશાખી દાવાનલ આવો ! ઝવેરચંદ મેઘાણી ૧૯૩૧ |
કાલ જાગે ! → |
વૈશાખી દાવાનલ ! આવો, દિલદાર !
ચોગમ હુતાશન ચેતાવો, દિલદાર !
રંકોનાં બાળ હજુ થોડી થોડી છાયા
ગોતી ગોતીને રહ્યાં રક્ષી નિજ કાયા :
ધરતી નાની ને જનો જાય ઊભરાયાં.
સાત નવા સૂરજ બોલાવો, દિલદાર !
પાંચ પાંદ ઝાડનાં જલાવો, દિલદાર !
સહરા – બસ, સહરા પથરાવો, દિલદાર !
વૈશાખી દાવાનલ ! આવો, દિલદાર !
ક્રોડો કંગાલ હજુ કેમ કરી જીવે !
અરધી રોટી – ને ઉપર પાણી ઘૂંટ પીવે !
શીતળ રાતોમાં સુખે ભોંય પડી સૂવે !
રાત્રિની ઠંડક સળગાવો, દિલદાર !
લાવાની નદીઓ રેલાવો, દિલદાર !
ભૂકમ્પે ડુંગર ડોલાવો, દિલદાર !
વૈશાખી દાવાનલ ! આવો, દિલદાર !
હજુયે બેકાર નાર શિરે સાળુ નાખે !
ધાવંતા બેટડાને પાલવડે ઢાંકે !
થીગડથાગડ કરીને દેહ-લાજ રાખે !
ક્યાંથી આ ફાજલ ટુકડાઓ, દિલદાર !
ફાજલ સબ સાયબી જલાવો, દિલદાર !
વંટોળા-આંધી ફરકાવો, દિલદાર !
વૈશાખી દાવાનલ ! આવો, દિલદાર !
જનની નિજ બાળને ન હજુ ખાઈ જાતી !
હજુયે ટપકે સફેદ નીર એની છાતી !
હજુ એની રક્તધાર રાતી ને રાતી !
છેલ્લાં એ અમૃત શોષાવો, દિલદાર !
દિલ દિલ વિષ-વેલડીઓ વાવી, દિલદાર !
કુદરતના ક્રમ સબ પલટાવો, દિલદાર !
વૈશાખી દાવાનલ ! આવો, દિલદાર !
ખુલ્લે પગ માનવી મદાંધ બની ચાલે;
ધખતે મધ્યાહ્ન ભોજ વગડાની મ્હાલે :
ચરણોનાં હાડચામ હજુ કેમ હાલે !
લાવો રે અદકાં દુઃખ લાવો, દિલદાર !
રંકોની ધીરજ સબ ખાઓ, દિલદાર !
પામરતા પ્રભુની દિખલાવો, દિલદાર !
વૈશાખી દાવાનલ ! આવો, દિલદાર !
નિર્જલ દુષ્કાળ, મહારોગ, મહામારી,
નરનારી બાળકોની જૂજવી બીમારી
જગવો ! ઘર ઘર કરો કૃતાંતની પથારી.
નિર્બલને જીવવા ન દાવો, દિલદાર !
રિદ્ધિવંતોનાં ગીત ગાઓ, દિલદાર !
જગને જનભીડથી બચાવો, દિલદાર !
થોડાં બડભાગીને વસાવો, દિલદાર !
વૈશાખી દાવાનલ ! આવો, દિલદાર !
ચોગમ હુતાશન ચેતાવો, દિલદાર !