યુગવંદના/યાચના
< યુગવંદના
← સોના-નાવડી | યુગવંદના યાચના ઝવેરચંદ મેઘાણી ૧૯૩૧ |
ઈજન → |
મોરલા હો ! મુંને થોડી ઘડી
તારો આપ અષાઢીલો કંઠ :
ખોવાયેલી વાદળીને હું
છેલ્લી વાર સાદ પાડી લઉં.
ઈંદ્રધનુ ! તારા રંગ-ધોધોમાંથી
એક માગું લીલું બુન્દ :
સાંભરતાંને આંકવા કાજે
પીંછી મારી બોળવા દેજે !
મેઘમાલા ! તારા લાખ તારોમાંથી
ખેંચવા દે એક તાર :
બેસાડીને સૂર બાકીના
પાછી સોંપી દૈશ હું વીણા.
ઘોર સિંધુ ! તારા વીંજણાનું નાનું
આપજે એક કલ્લોલ :
હૈયું એક નીંદવિહોણું —
ભાલે એને વાયરો ઢોળું.
રાતરાણી ! તારા ઝાકઝમાળનું
મારે નથી કાંઈ કામ :
ગાઢ અંધકાર-પછેડા
ઓઢાડી દે ઊંઘની વેળા.