યુગવંદના/સુખ-દુઃખ
< યુગવંદના
← થાકેલો | યુગવંદના સુખ-દુઃખ ઝવેરચંદ મેઘાણી ૧૯૩૧ |
સમર્પણ → |
કૂડાં સુખની વાતો મેલો રે, સુખડાંએ તો દીધા દગા;
હું તો દુઃખની વાટે હાલ્યો રે, દુઃખડાં મારાં સાચાં સગાં.
સગાં બનીને સુખ સવારે આવ્યાં.
સાંજ સુધી રોકાણાં;
રાત પડી ત્યાં રસ્તા લીધા,
પાછાં નવ ડોકાણાં :
એવી જૂઠી એની યારી રે, જૂઠાં એનાં મુખડાં હસે;
ઓલ્યાં દુઃખની પ્રીત્યું ન્યારી રે, મુખડાં એનાં મીઠાં દીસે.
— કૂડાંo
દયા કરીને સુખ મુજ ઘર આવે,
(એનું) ચરણામૃત મારે પીવું
રૂદો રુવે આંસુડાંની ઊભરે,
તોયે હસતા રે'વું !
એવી આંસુડાંની ધારા રે, દેખી સુખડાં આડું જુએ.
એવે ટાણે દુઃખડાં ધાતાં રે. ખોળે લઈને લોચન લુએ.
— કૂડાંo