← સુખ-દુઃખ યુગવંદના
સમર્પણ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
આપઘેલી →




સમર્પણ


આજે લાવી છું, પ્યારાજી, તારી પાસ નવલ સુહાસ;
મારાં રૂપ-રંગ-રાસ તારે પાયે ધરવા;
સારી જિંદગીની સકલ સુવાસ, સકલ મીઠાશ,
મારા હૈયાના હુલાસ તારે પાયે ધરવા.

આજે જીવન-પુષ્પોની થાળી
તારાં ચરણોમાં ઢાળી
કંઠે તારે આરોપું છું માળ;
પ્યારા બાપૈયા, તું થાજે ના ઉદાસ, છિપાવી લે પ્યાસ,
લાવી હૈયાની સુધા હું તારે હોઠે ધરવા. — આજે લાવી છું૦

આજે હૈયાની સકલ આશા
પ્રીતિની કાળી પિપાસા
શોક મોહ વેદના નિઃશ્વાસ –
સર્વ શામી જાજો તારા સ્નેહ પાસ, સુખના ઉજાસ
તારે મિલને પ્રગટ થાજો તમ હરવા. — આજે લાવી છું૦

આજે મ્હેકે છે જોબન-વાડી
ઝૂલે છે જીવન-વારિ
છોળો એની છલ છલ થાય;
આજે ચંદ્રિકાનાં મુખ મલકાય, બપૈયાઓ ગાય,
મન મરવા લોભાય તારે ખોળે ઢળવા. — આજે લાવી છું૦

આજે તારા ઉર-પારાવારે
પ્રાણ પડવા પોકારે
ડૂબીને જો નીરવ થવાય.
તારે નયન-બિછાને જો પોઢાય, સ્વરગ પમાય,
એવી આશાએ આવી છું તારો શ્રમ હરવા. — આજે આવી છું૦