યુગવંદના/સ્વતંત્રતાની મીઠાશ
← પરાજિતનું ગાન | યુગવંદના સ્વતંત્રતાની મીઠાશ ઝવેરચંદ મેઘાણી ૧૯૩૧ |
નવ કહેજો ! → |
તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી !
મુરદા મસાણેથી જાગતાં – એવી શબ્દમાં શી સુધા ભરી !
પૂછી જોજો કોઈ ગુલામને –
ઊડ્યા કેવા ઓઘ એને મને
મળી મુક્તિ મંગલ જે દિને :
એને કાને શબ્દ પડ્યો ‘તું સ્વાધીન !' – શી ઓહો સુખની ઘડી !
એની આંખ લાલમલાલ : છાતીમાં છોળો છલકાઈ પડી !
— તારા નામમાં, ઓ સ્વતંત્રતા૦
એને ભાન મુક્તિ તણું થયું
એનું દૈન્ય ક્યાં ટપકી ગયું?
એનું દિલગુલાબ ઝૂલી રહ્યું :
એના મસ્તકે નમવાનું ભૂલી આભ-શું માંડી આંખડી;
એની ઊર્મિ રાંક મટી રૂડા જગબાગમાં રમવા ચડી.
— તારા નામમાં, ઓ સ્વતંત્રતા ૦
પડું કેદખાનાને ઓરડે,
લટકુંયે ફાંસીને દોરડે,
લાખો ગોળી તોપ તણી ગડે:
તારો હાથ હોય લલાટ, તો ભલે આવે જુલ્મ તણી ઝડી !
તારું નામ હોય જબાન, તો શી છે ભીતિ, ઓ મારી માવડી !
— તારા નામમાં, ઓ સ્વતંત્રતા૦
કાળી રાત ચોગમ ઘૂઘવે,
લાખો શાપ બંધુજનો લવે,
વા'લાં વેરી થૈ રોવે-મૂંઝવે :
છૂપ્યા ચંદ્ર-સૂરજ-તારલા, મધસાગરે મારી નાવડી;
ત્યાંયે જોઉં દૂર ઝબૂકતી, તારા દ્વારની ઝીણી દીવડી.
— તારા નામમાં, ઓ સ્વતંત્રતા૦
મારા દેશનાં સહુ શોષિતો,
દુનિયાનાં પીડિતો-તાપિતો.
ખૂણે ખૂણે ગાય તારાં ગીતો :
એનાં ભૂખ્યા પેટ છતાં એને કેવી મોંઘી તું, કેવી મીઠડી !
એનાં બેડીબંધન તૂટશે, એવી આશે ખલ્ક બધી ખડી.
— તારા નામમાં, ઓ સ્વતંત્રતા૦