રણયજ્ઞ
કડવું ૧
પ્રેમાનંદ
કડવું ૨ →


કડવું ૧ લું

રાગ વેરાડી

શત કોટી રામાયણ લીલા, માંહથી સારગ્રહુ થોડું;
જુદ્ધ કાંડમાંથી સંક્ષેપે, રણ જગ્ન તે જુક્તે જોડું.

માતા પિતાનું વચન પાળવા, રાજ્ય તજ્યું રધુનાથે;
જટા વધારીને વનમાં હાલ્યાં, લક્ષ્મણ સીતા સાથે.

ગોદાવરી ત્રઠ પંચવટીમાં, રહ્યા વાસો અશર્ણ શર્ણ;
લંકાપતિ રાવણે કીધું, સીતાજીનું હર્ણ.

સુગ્રીવ સાથે મૈત્રી કીધી, મળ્યાં વાનર પદ્મ અઢાર;
સમુદ્ર બાંધ્યો રામચંદ્રે, સેના ઉતારી પાર;

અંગદ સાથે વિષ્ટિ કા'વી, મળ્યાની વાત ન બાંધી;
રામ કને ફરી અંગદ આવ્યો, ક્લેશ વારતા વાધી.

રણસ્તંભ શ્રી રામે રોપ્યો, કરવા દેવનું કાર્ય;
રણ ભૂમિની વેદી કીધી, રામ થયાં આચાર્ય.

વિભીષણને દિક્ષિત કીધા, હનુમાન લાવ્યાં ઉપહાર;
બાણ રૂપી સરવે હોમ્યો, રાક્ષસ પરિવાર.

બેતાલીસ કોટી મંત્રી હોમ્યાં, કંદ મૂળને ઠામ;
બાણું લાખ દીકરા હોમ્યા, તિલ જવનું લઇ નામ.

મોટા મહિષને સ્થાનકે હોમ્યો, કુંભકર્ણ જે રાય;
અજાને સ્થાનક લઈને હોમ્યો, રાજ પુત્ર અતિકાય.

બત્રીસ લખણો પુરૂષ હોમ્યો, ઇંદ્રજીત મહા ભાગ;
રાવણ શ્રીફળ પુરણાહુતિ, મહા પૂરણ કીધો યાગ. ૧૦

ક્રોધ અગ્નિ જાનકી જ્વાળા, પવન લક્ષ્મણ વીર;
રણયજ્ઞ શ્રી રામે કીધો, સમુદ્ર પેલી તીર. ૧૧

વલણ

સમુદ્ર પેલી તીરરે જઈ, યુદ્ધ કીધું શ્રી રામરે;
ભટ પ્રેમાનંદ કહે કથા, રણયજ્ઞ ધરીયું નામરે. ૧૨