← કડવું ૪ રણયજ્ઞ
કડવું ૫
પ્રેમાનંદ
કડવું ૬ →


કડવું ૫ રાગ સામગ્રી

પ્રબળ દળ જોઈ જીત્યો રાયજી, ગર્વે ઘેલડો હર્ષ માયજી.
તેડ્યો મશાણી મહોદર નામજી, તત્ક્ષણ આવી કીધો પ્રણામજી.

ઢાળ

પ્રણામ કરીને કામ માગ્યું, કંઈ આજ્ઞા સ્વામીન;
વાહનપતિને કહે રાવણ, વે'ચી આપો વાહન.

મહોદરને કહે રાવણ, જાઓ જુઓ ઘોડાર,
બાંધ્યા ચરે છે અશ્વ મારા, તે આજ કાઢો બા'ર.

વચન સાંભળી રાયનાં, તોખાર તત્પર થાય,
મુખ આગળ હયની હાર લાગી, રાવણ જોતો જાય.

ચપહ ચર્ણા હંસવર્ણા, પંચવર્ણા જાત,
ઉડણ અરબી ને અડાણા, અબલખ પટોળા ભાત.

કલંકી કોરંગ ઘણા કાળા, કાબરા ને કુમેદ,
આભ ઉડણ ને પંખાળા, ખગને પમાડે ખેદ.

વાનરિયા વિક્રાળ વાજી, વિજળિયા વૈતાળ,
પાખરિયા પનંગા પોપટા, વાયણ પરમ શોભાળ.

માતંગા મોતીસરા, માણક મોઘા મૂલ્ય,
યશવંત દશાવંત વાજી, વાયુવેગા અતુલ્ય.

પિરોઝા પીલા પદારથ, પાણીપંથા જાત પંતગ,
ઉજ્વળ આબુ સોરઠીઆ, રંગિત લીલા રંગ.

ગંગાજળિયા ગોરટા, ભુખરા યુદ્ધ અભંગ,

મહીષામુખા મુલતાનિયા, વાંકડા તરલ તુરંગ. ૧૦

તેજી કચ્છી ઘુમતાછે, ઘુટણે ઘૂઘરમાળ,
કેશરી બંકા ચિત્ર લંકા, હરણપે દે ફાળ. ૧૧

નારંગવર્ણા હેમવર્ણા, કેશરી કુમેદ નેપાર,
કપોત જાતી કબુતરા, હીંડે હારોહાર. ૧૨

મરેઠા તિલંગા તેજી, ગુજરિયા ગુણવંત,
લોચન ચળકે અણીઆળાં, ડુંગરા સમ બળવંત. ૧૩

ખંધારના ગાંધારના, સિંઘુ દેશના શ્રીકાર,
પંખાળના પંચાળના, મદ્રદેશનાં ઝુંઝાર. ૧૪

રીંછ જાતી વિંછિયા, કો વજ્રદંતા વિક્રાળ,
જાય અરિદળમાં સોંસરા, જેની વેદ પૂરે સાક્ષ. ૧૫

પિશાચમુખા ગર્ધવમુખા, ત્રિનેત્ર અગ્નિવર્ણ,
ઉચ્ચૈઃશ્વાની જાતિનાછે, ઉભા સુંદર કર્ણ. ૧૬

મનવેગી પવનવેગી, ગુણ રૂડા જાતિ જોર,
ચમકતા ચાલે ચક્રવર્તી, દોડવા કરે સો'ર. ૧૭

મો'હોરડા મખિયારડાં, માણેક જડ્યાં બહુ મૂલ્ય,
મોતી ઝાલર લે'ક્યા કરે, જરકશી ઉપર ઝૂલ. ૧૮

કેશવાળી ફુમતે ગુંથી, હીર દોરા લહેકે,
હારતોરા લચમચે, ચુઆ ચંદન બેહેકે. ૧૯

કટાવ કલકી ઘુંઘટ ઉપર, પીંછ હરફર જાય,
 ઝવેર જડિયાં ઝિણાં વાસે, તિમિર તેજે જાય. ૨૦

વલણ

જાય તિમિર તેજ નંગથી, એવા અશ્વ કોટી અપારરે;
પુત્ર ભત્રિજ દોહીત્રને, રાય વેંચી આપે તુખારરે. ૨૧