રણયજ્ઞ/કડવું ૪
← કડવું ૩ | રણયજ્ઞ કડવું ૪ પ્રેમાનંદ |
કડવું ૫ → |
કડવું ૪ રાગ મેવાડો
કોણ કોણ સેનાના નાયક,નમે રાયને પાયજી;
નામ તે સર્વે રાજકુંવરનાં, પ્રહસ્ત કે'તો જાયજી. ૧
આધ દેવ તણો જીતનારો, દેવાંતક અએવું નામજી;
નરાંતક બંધવ સંગાથે, કરેછે દંડ પ્રણામ રાણાજી. ૨
સકળ શાસ્ત્ર વિદ્યાનો પાઠી, શુકસારણ એવું નામજી;
ત્રણ કોટી યોદ્ધાનો સ્વામી, કરેછે ડંડ પ્રણામ રાણાજી. ૩
જેણે વરૂણ બાંધીને આણ્યો, પ્રધ્વસ મંત્રી નામજી;
શત કોટી યોદ્ધાનો સ્વામી, કરેછે ડંડ પ્રણામ રાણાજી. ૪
સપ્ત સમુદ્ર જીતી વશ કીધાં, મહોદર એવું નામજી;
ત્રીશ કોટી યોદ્ધાનો સ્વામી, કરેછે ડંડ પ્રણામ રાણાજી. ૫
જેણે બ્રહ્મલોક જીતી વશ કીધા, બ્રહ્મકોપ એવું નામજી;
છત્રશ કોટી યોદ્ધાનો સ્વામી, કરેછે ડંડ પ્રણામ રાણાજી. ૬
જેણે નવકુળ નાગ બાંધીને આણ્યા, મણિભદ્ર એવું નામજી;
ચોવિશ કોટી યોદ્ધાનો સ્વામી, કરેછે ડંડ પ્રણામ રાણાજી. ૭
જેણે તીર્થ માત્ર પૃથ્વીના ભાજ્યાં, સર્વદમન એવું નામજી;
પંચાશ કોટી યોદ્ધાનો સ્વામી, કરેછે ડંડ પ્રણામ રાણાજી. ૮
જેણે યજ્ઞ ભાગ દેવતાના ટાળ્યાં, યજ્ઞકોપ એવું નામજી;
શત કોટી યોદ્ધાનો સ્વામી, કરેછે ડંડ પ્રણામ રાણાજી. ૯
જેણે ગણપતિ બાંધીને આણ્યા, વકરાક્ષસ એવું નામજી;
પચીસ કોટી યોદ્ધાનો સ્વામી, કરેછે ડંડ પ્રણામ રાણાજી. ૧૦
જેણે ગાંધર્વ જક્ષ કિન્નર જીત્યા, છે વિદ્યુન્માલી નામજી;
ત્રણ પદ્મ યોદ્ધાનો સ્વામી, કરેછે ડંડ પ્રણામ રાણાજી. ૧૧
યુગ્મ યુગ્મ લોચન છે જેને, યૂપાક્ષ એવું નામજી;
પંચાશ કોટી યોદ્ધાનો સ્વામી, કરેછે ડંડ પ્રણામ રાણાજી. ૧૨
વાંકી દ્રષ્ટ ભયાનક ભાળે, વિકટાક્ષ એવું નામજી;
એક કોટી યોદ્ધાનો સ્વામી, કરેછે ડંડ પ્રણામ રાણાજી. ૧૩
કુંભકરણ રાજાના સુત બે, કુંભ નિકુંભ એવું નામજી;
સોળ કોટી યોદ્ધાનો સ્વામી, કરેછે ડંડ પ્રણામ રાણાજી. ૧૪
મંદોદરી સુત કંદર્પ કોટી, અતિકાય એવું નામજી;
વીશ કોટી યોદ્ધાનો સ્વામી, કરેછે ડંડ પ્રણામ રાણાજી. ૧૫
સુમાલીના સુત બે કંપન, અતિકંપન એવું નામજી;
જમ રાજા જેણે બાંધીને આણ્યા, કરેછે ડંડ પ્રણામ રાણાજી. ૧૬
નવગ્રહ જેણે જીતીને આણ્યા, મકરાક્ષ એવું નામજી;
સોળપદ્મ યોદ્ધાનો સ્વામી, કરેછે ડંડ પ્રણામ રાણાજી. ૧૭
માતુલ બેઉ તમારા સ્વામી, મહાપાશ સુપાશ એવું નામજી;
ત્રીશ યોદ્ધાનો સ્વામી, કરેછે ડંડ પ્રણામ રાણાજી. ૧૮
મકરકેતુ ને ચંદ્રકેતુ, સુલોચન એવું નામજી;
અતિબળ મહાબળ કહીએ, કરેછે ડંડ પ્રણામ રાણાજી. ૧૯
વજ્રનાભી સુનામી દ્રશ એ, આદે બીજાં નામજી;
શત લાખ જમાઈ તમારાં, કરેછે ડંડ પ્રણામ રાણાજી. ૨૦
ઈંદ્રરાય જેણે રણમાં જીત્યાં, ઈંદ્રજીત એવું નામજી;
પાટોધર પુત્ર તમારો, કરેછે ડંડ પ્રણામ રાણાજી. ૨૧
ઈંદ્રજીત પૂઠે ઊભા છે, રાજકુંવર બહુ નામજી;
બાણુ લાખ પુત્ર તમારા, કરેછે ડંડ પ્રણામ રાણાજી. ૨૨
લક્ષ કોટી રાક્ષસ દાસી, કરી જાણે ઘોર સંગ્રામજી;
તે નર વાનર ખાવા તત્પર, લીજે તેનાં પ્રણામ રાણાજી. ૨૩
વલણ
પ્રણામ લીધાં સૌ સૂરનાં, રીઝયો રાવણ રાયરે;
ભટ પ્રેમાનંદ કહે કથા, હવે વાહન શોભાયરે. ૨૪