← કડવું ૨ રણયજ્ઞ
કડવું 3
પ્રેમાનંદ
કડવું ૪ →


કડવું 3 જું રાગ સામેરી

રાય રાવણે કવચ પેહેર્યું, શિશ ધર્યા દશ ટોપ રે;
કરી વિશે લોચન રાતડાં, રુદે આણી દારુણ કોપરે.

જાવા ન પામે જીવતા, ભાઈ વાનર માનવ કોયરે;
બહુ ઢોલ દુદામા ગડગડે, ત્યાં શબ્દ કૂતોહલ હોયરે.

જે જે સુભટ લંકા વિખે, મુખ આગળ નિસરે આજ રે;
રાણી જાયા રાક્ષસ વીરનો, મોહોલો લે મહારાજરે.

કો રથ ચડ્યા કો ગજ ચડ્યા, કો ઊંટ પર અસવાર રે;

કો મહીષપર કો ગરધવ ઉપર, સાહી બેઠા હથિયારરે.

કોઈ ઘોડા ઉપર ઘૂમતા, ઝુમતા વારુણી પાનરે;
છે ભ્રકુટી ઉપર મોળીઆં, કો ગૌર ભીને વાનરે.

નવ મણી કુંડલ લળકતાં, ઢળકતી મુક્તા માળરે;
માદળિયાં તોરા નવઘરાં, થઈ કલગી ઝાકઝમાળ રે.

બાજુબંધને પોંચી વીંટિયો, દુગ દુગી સાંકળી સારરે;
કભાય પટકા પાય જામા, ઉપરણી મૂલ અપારરે.

જરકશી વાગા જળહળે, શું અર્ક કીર્ણ સમાનરે;
કેશરી વાગે શોભતાં, છે યૌવનનાં અભિમાનરે.

કર ધનુષ ભાથા ભીડીયા, કટારી તલવારરે;
સાંગ ભાલા શૂલ ફરશી, પરિઘ વાંકી ધારરે.

ગદા ગુરજ ને મૂશહ મુદગળ, ભુંગળ ને ભીડમાળરે;
નાગ પાસ ને વરુણ પાસ ધર્યા, ચક્ર ગદા વિકરાળરે. ૧૦

ખાખર બખ્તર ટોપ ટાટર, ફરસીને શૂળ પાણરે;
અંગરખી ને જીવ રખી એ, શોભે પરમ નિધાન રે. ૧૧

સુર સેનાને લજાવે એવો,સ્વરૂપ સાગર શૂરરે;
એ રૂપવંત વિખાણીઆ, હવે કહું રાક્ષસ ક્રૂર રે. ૧૨

મહિષ મેઢા ઊંટ ઉપરે, જે થયા છે અશ્વારરે;
તે કાળા ક્રૂર બિહામણા, લોહદંડનાં હથિયારરે. ૧૩

શ્વાનમુખા કો ખરમુખા, પિશાચમુખા પાપિષ્ટરે;
લંબગ્રીવા કો લંબકર્ણા, જેને જોઈ ઉપજે રિષ્ટરે. ૧૪

લંબ અઘરા દીર્ઘ દંતા, છે ત્રીશીરા બળવંતરે;
સામવર્ણા કો રક્તવર્ણા, બાહુક ઉંચા અનંતરે. ૧૫

બિડાલા પીડાલા પાપી, અધર્મીનો નહિ પાર રે;
હાથ માંહે જે શબ ગ્રહ્યાં છે, તે ચાલે કરતા અહારરે. ૧૬


રૂધીર ગળતાં ચર્મે પેહેર્યો, કંઠ આંતરડાંની માલરે;
જીભ સળકે સાપ સરખી, વદન છે વિકાળરે. ૧૭

શત કોટી રાક્ષસ ભયાનક, યુધે તત્પર થાયરે;
મુખ આગળ સેના શોભતી, જોઈ રીઝયો રાવણ રાયરે. ૧૮

વલણ

રીઝયો રાવણરાય જોઈ, કટક પોતા તણુંરે;
કોણ સુભટ રાયને નમે, નામ તેનાં વર્ણુરે. ૧૯