રણયજ્ઞ
સ્તુતિ
પ્રેમાનંદ
કડવું ૧ →



श्री जगदीश्वराय नमः

રણયજ્ઞ

રાગ કેદારો

શ્રી ગણપતિ શિર નામીરે, સમરુ સીતા સ્વામીરે;
બહુ નામીરે, નારાયણ, ગુણ વર્ણવુંરે.

ઢાળ

વર્ણવું લીલા રઘુપતિની, વિમળ વાલ્મિક વાણી;
ભણે સુણે ભાવે સહિત જે, ધન્ય ધન્ય તે પ્રાણી.

હરિ કથા રસ પ્રેમે ન પીધો, તો દેહ ધર્યો શું કરવા;
આળે જન્મ ખોયો અપરાધી, આવ્યો માતનું વિત હરવા.

છે રામનામનો મોટો મહિમા, શંકરનું સમ્યક જાણે;
તારક મંત્ર તારે ભવ સિંધુ, મહિમા વેદ વખાણે.

તપ તીર્થ યોગ યજ્ઞ જાપ, સ્નાન દાન સાધન;
સકળ પદાર્થ રામ નામમાં, સમરો દશરથ તન.

નવ ભક્તિ કહી વેદ પુરાણે, ધાવા વૈકુંઠ રાય;
શ્રવણ ભક્તિ છે સર્વ શિરોમણી, લાભ અલભ્યનો થાય.

ભારદ્વાજ સનકાદિક શંકર, શેષ પરીક્ષિતરાય;
જન્મેજય આદે રસ લીધો, ભક્તિ ભલી સુખદાય.

કળિયુગ માંહે સદા ફળ થાએ, ભક્તિ કરે જે ભાવે;

જે જન જાનકી નાથને ધાએ, તે જનનીને જઠર ન આવે.

અઢાર પુરાણે અનંત કથા છે, કવિ વાણીનો વિસ્તાર;
શ્રી ભાગવત ને રામ કથા, એ બે સર્વનું સાર.

વલણ

સાર શાસ્ત્રનું પુરાણનું, શ્રી ભાગવત રામ ચરિત્ર;
પ્રેમાનંદ પ્રભુ રામ નામે, થાયે દેહ પવિત્ર. ૧૦