રસધાર ૩/પિંજરાનાં પંખી

← ભાઈબહેન સૌરાષ્ટ્રની રસધાર ૩
૨૨. પિંજરાનાં પંખી
ઝવેરચંદ મેઘાણી
પરિશિષ્ટ ૧ : સોરઠી ભાષાનો કોશ →


૨૨
પિંજરાનાં પંખી

સં. ૧૯૬૭ના અષાઢની અંધારી બારશની અધરાતે આ વાત બની ગઈ છે. બારાડી*[૧] તાલુકાના કોઈ પણ તુંબેલ ચારણ જયારે ભેટી જાય છે ત્યારે જેઠા મોવડ અને કરમાબાઈની વાત ઉચ્ચારતાં વાર જ ડોકું ધુણાવીને ધીરી, મીઠી હલકે એ ગાવા લાગે છે :

જેઠો મોવડ જુગ માં જીત્યા, કરમાબાઈ કુળનો દીવો.
એ ધણી-ધણિયાણીનું ગામ રાણાગામ :
રાણાગામ ઋષિનો ટીંબો, કરમાબાઈ કુળનો દીવો,

મનાય છે કે આજ જયાં એ ગામ છે, ત્યાં જ અસલના જુગમાં જમદગ્નિ ઋષિનો આશ્રમ હતો, અને એ જ રેણુકા નદીનાં ગંગાજળિયાં નીરને ઋષિનાં અધાઁગિની રેણુકા માતા લૂગડે બાંધી બાંધીને પર્ણકુટિમાં ઉપાડી લાવતાં હતાં. માણસો વાતો કરે છે કે જેઠા મોવડ અને કરમાબાઈ એ તપિયાંનાં અવતારી હતાં.

જાતનાં એ તુંબેલ ચારણ હતાં. જેઠાની અવસ્થા પચીસેક વરસની હશે, અને બાઈ પણ વીસેક વરસનાં હશે. બેય જણાંની ભરજુવાની ચાલી જતી હતી. દેવતાઈ તો એમનાં રૂપ હતાં. બેયની મુખમુદ્રામાંથી સામસામી જાણે પ્રીતની ધારાઓ છૂટતી હતી. ઘડીક વાર નેાખાં પડે તો પાણી વિનાનાં માછલાંની જેમ તરફડવા માંડે, એકબીજાની સામ નજર નોંધે ત્યાં તો રૂંવાડે રૂંવાડું જાણું હસીને બેઠું થઈ જાય. વળી, બેય માનવી રામાયણનાં ખરાં પ્રેમી હતાં. મોરલો કળા કરીને ટૌકતો હોય ત્યારે જેમ ઢેલડી એની પડખે ઊભી ઊભી ટૌકારા ઝીલે, તેમ રોજ રાતે જેઠો લલકારી લલકારી રામાયણ ગાતો અને પડખે બેઠી બેઠી જુવાન ચારણી એ મધઝરતા સૂરને એકાગ્ર ધ્યાને સાંભળતી હતી. ખારો ધૂધવા જેવો સંસાર એ ચારણ જોડલીને તો મીઠો મહેરામણ જેવા લાગતો હતો.

જેઠો દિલનોય દાતાર હતો. પૈસેટકેય સુખી હતો. ઘેર પચાસ પચાસ હાથણીઓ જેવી ભેંસો ટલ્લા દેતી હતી. લેવડદેવડનું કામકાજ હોવાથી એના પટારામાં ગામપરગામના લોકોની થાપણ પણ પડી રહેતી. એનો મોટેરો ભાઈ પણ હતો. પોતે અને પોતાનો ભાઈ એક જ ફળીમાં નોખનોખ ઓરડે રહેતા હતા.

કોઈ કોઈ વાર મધરાતનો પહોર ગળતો હોય, આખું જગત દિવસની આપદા ભૂલીને રાતને ખોળે પોઢતું હોય, રામાયણના સૂર સાંભળી સાંભળીને હવા પણ થંભી ગઈ હોય, આભમંડળ એના અવાજને હોંકારો દેતું હોય અને ચાંદરડાં આ ચારણની બેલડીને માથે શીતળ તેજ ઢોળતાં હોય, તેવે ટાણે જેઠો મોવડ કરમાબાઈનાં નેત્રોનું અમી પીતો પીતો નિસાસા નાખીને કહેતો :

“અરે ચારણી ! આટલાં બધાં સુખ હવે તો સહેવાતાં નથી. એક દી આનો અણધાર્યો અંત આવશે તો ?”

ચારણી સામે ઉત્તર નહોતી વાળી શકતી. એની મોટી મોટી આંખોમાં ઝળઝળિયાં ભરાઈ આવતાં. એના અંતરમાં ફાળ પડતી : “અરેરે ! જોડલી કયાંક ખંડાશે તો ?”

સોનાના પિંજરમાંથી બેય જણાંના પ્રાણ ઊડું ઊડું થતા હતા. એમ કરતાં કરતાં સંવત ૧૯૬૭નો પુરુષોત્તમ મહિનો આવ્યો. અગાઉ એક વાર જેઠો વાતવાતમાં બોલી ગયો હતો : “મેં તો મારું માથું શંકરને અર્પણ કર્યું છે.” કોઈકે આ વેણ સાંભળ્યાં, કોઈકે હસી કાઢ્યાં, ને એમ વાત રોળાઈટોળાઈ ગઈ હતી. પણ ફક્ત ચતુર ચારણીને હૈયે એના ભણકારા વાગી ગયા હતા. એની આંખો જેઠાની વાંસે વાંસે ભમવા માંડી હતી. જેઠાના મોં ઉપર દિવસે દિવસે નવીન કાન્તિ ઝળહળવા લાગી હતી.

અષાઢ મહિનાની દશમ અને શુક્રવારે જેઠાએ એક કાગળનો ખરડો લાવીને કરમાબાઈના હાથમાં મેલ્યો અને કહ્યું : “આમાં આપણી લેણદેણ લખી છે. તેમાં જેની જેની થાપણ નેાંધેલ હોય તેને તેને પાઈએ પાઈ ચૂકવી દેજે.”

“મને કાં સોંપો ?”

“મારે ગામતરે જાવું છે.”

“હું જાણું છું, પણ હું તો તમારા મોઢા આગળ હાલી નીકળવાની છું.” એ વધુ ન બોલી શકી. એનું ગળું રૂંધાઈ ગયું.

“ચારણી ! એ ગામતરાનાં પરિયાણ કાંઈ રોતાં રોતાં થતાં હશે ?” જેઠાએ કરમાબાઈને માથે હાથ મૂક્યો.

“લ્યો, નહિ રોઉં, હો ! હસીને હારે હાલીશ. પણ સદાય એ હાથને મારે માથે જ રાખ્યે આવજો.” એટલું બોલીને ચારણીએ આંખો લૂછી નાખી.

બેય જણાંએ રૂપિયા ગણી જોયા. પટારામાંથી જેની જેની થાપણ હતી તેને તેને બેલાવીને ચૂકવી દીધી.

થાપણવાળા કહે : “ જેઠાભાઈ ! અમારે ઉતાવળ નથી.”

“અરે ભાઈ ! ઉતાવળ તો મારે છે. લાંબી જાત્રાએ જાવું છે.”

શનિવારે બેય જણાં નિર્જળ અગિયારસ રહ્યાં. આખો દિવસ રામાયણ વાંચી ને સ્તોત્ર ગાયાં. રાતેય રામાયણ ચાલુ રહી. ભાઈ અને ભાભીએ પણ બેઠાં બેઠાં સાંભળ્યાં કર્યું. થોડી વારે ભાઈ ઊઠીને સૂવા ચાલ્યા ગયા. અધરાત થઈ એટલે ભાભીએ કહ્યું : “જેઠા, હવે તો સૂઈએ.”

"બે'ન ! તમે તમારે સૂઈ જાએા. અમારે હજી એક અધ્યાય વાંચવો છે, પછી અમેય સૂઈ જાશું.”

ભાઈ-ભોજાઈ ભરનીંદરમાં પડ્યાં છે. ગામમાં કૂતરું પણ જાગતું નથી. અંતરીક્ષમાંથી જેઠાને જાણે કે હરિ હાકલ કરે છે. બેય જણાંએ પૂજાપાનો સામાન ભેળો કર્યો : ચોખા, પાંચ સોપારી, ગોપીચંદન, ઘીની વાટકી, બે કોડિયાં, દીવાસળીની ડાબલી, આકડાનાં ફૂલ, બે કળશિયા અને એક તલવાર.

વર-વહુએ સ્નાન કર્યાં. માથામાં તેલ નાખ્યાં. એકબીજાના વાળ ઓળ્યા. કોરાં રૂપાળાં લુગડાં પહેર્યા. આંખેામાં આંજણ આંજ્યાં. પૂજાનો સામાન લઈને ઘરની બહાર નીકળ્યાં. તાળું વાસ્યું, કૂંચી ટોડલે મૂકી, અગિયારસની અંધારી રાતે બરાબર એક વાગ્યે, ગામની બહાર, રેણુકા નદીને સામે કાંઠે રામેશ્વર મહાદેવને મંદિરે બેય જણાં ધીરે પગલે આવી પહોંચ્યાં – જાણે માહ્યરામાં પરણવા આવ્યાં.

પૂજાપાનો સામાન શિવાલયને ઓટલે મૂક્યો. સ્નાન કરવા માટે એક જ પોતિયું સાથે લીધું હતું. એટલે અકેક જણ પોતિયું પહેરીને નદીમાં નાહવા ગયું. પ્રથમ કરમાબાઈ નાહી આવ્યાં; એટલે એ ભીનું પોતિયું પહેરીને જેઠો નદીએ ગયો. નાહીને આવ્યો ત્યાં તો ઘીના બે દીવા કરીને બાઈએ તૈયાર રાખ્યા હતા. ચોખાની ઢગલી પણ કરી વાળી. ગોપીચંદન ઘસીને બેય જણાંએ શિવલિંગ પર તિલક કર્યું. પાર્વતીજીને પણ તિલક કર્યું. પોતે બેય જણાંએ પણ સામસામાં કપાળને સ્પર્શ કરી તિલક કાઢ્યાં. પડખોપડખ બેસીને રામાયણનાં પાનાં વાચ્યાં પછી જેઠાએ કહ્યું : “ત્યારે હવે ?"

“બીજું શું ? હું તો તૈયાર છું.” ચારણી મરકતી મરકતી બોલી. મોંમાં વેણ જરાય ધ્રૂજ્યાં નહિ.

“મનમાં કાંઈ રહી જાય છે ? જોજે હો, પ્રેત બનીને પીડાવું પડશે.”

“મનમાં બીજું શું રહે ? મનમાં રહેનાર તો મારી સાથે જ છે.”

જેઠાએ તલવાર કાઢી, ફરી વાર પૂછ્યું : “બીક લાગે છે ?"

“તમારા પડખામાં બીક લાગે ? હવે શું પૂછ્યા કરો છો ? કરો ને ઘા.” એમ કહીને એણે માથું ધરતી ઉપર ટેકવ્યું.

“ના, ના, મારે હાથે નહિ. હું સ્ત્રીહત્યા કરું તો શંકર મને સંઘરે નહિ.”

“ત્યારે ?”

“આ લે તલવાર ! તારે હાથે તારું પતાવ્ય.”

“કેમ બનશે ? અબળા...”

“અબળા મટ્યા વિના એ માર્ગે હીંડાશે કાંઈ ?”

"સાચું કહ્યું.”

એટલું બોલીને એણે એાઢણાની ગાતરી ભીડી; સામે આંખો ઉઘાડીને બેઠેલી પાર્વતીની પ્રતિમાને હાથ જોડી બોલી : “માડી ! ખેાળે લેજે.” પછી મહાદેવજીની પાસે બે હાથે ગરદન ઉપર હાથમાં જોર હતું એટલી ભીંસ દીધી. પણ આખરે એનાથી બેસાયું નહિ, લાંબી થઈને ઊંધી પડી ગઈ. એના ગળાનો નળગોટો અરધો જ કપાણો. જેઠા મોવડે ॐકારનાં ગુંજન આદર્યા. દેવળ પડછંદા દેવા માંડ્યું. ચારણીના લોહીના ખોબા ભરીભરીને પાર્વતીજી ઉપર છાંટ્યા. ચારણી પોતાના ભરથારના મુખમાંથી ગાજતા ॐકારને સાંભળતી શિવને શરણે ચાલી ગઈ.

જેઠાએ કહ્યું : “હું આવું છું હો કે ! આ આવ્યો.”

જેઠાએ ફરી વાર રામાયણ વાંચી. પાઘડી ઉતારીને પડખે મૂકી. મહાદેવજીની જોડમાં વીરાસન વાળ્યું. જમણા હાથમાં તલવારની મૂઠ ઝાલી, ડાબે હાથે લૂગડા વતી પીંછી પકડી.

“લેજે દાદા ! આ મારી પૂજા ”– એમ કહીને એણે ગળા સાથે તલવારની ભીંસ દીધી. તલવારને એક જ ઘસરકે માથું મહાદેવને માથે જઈ પડ્યું. ધડ બેહોશ થઈને શિવલિંગ પર ઢળી ગયું. પણ વીરાસન ન છૂટ્યું, તલવાર પણ એમની એમ હાથમાં ઝાલેલી રહી. પંખીડાંની જોડલી ધરતીને પિંજરેથી ઊડીને એ રીતે ચાલી ગઈ.

રાણાગામના જ એક રહીશની સાક્ષી વાંચીએ :

“અષાઢ વદ બારસ, રવિવારે સવારે મને ખબર મળ્યા કે રાણોસરમાં સ્ત્રી-પુરુષ મરેલાં પડ્યાં છે. હું ત્યાં ગયો. શિવલિંગની પાસે જ બે સ્ત્રી-પુરુષ મરેલાં દીઠાં. શિવલિંગની બાજુમાં ભીની પછેડી પડી હતી તેથી લાગ્યું કે બન્ને જણાં નદીમાં એક્ પોતિયે નાહ્યાં હશે; બે જુદેજુદે કળશિયેથી મહાદેવને નવરાવ્યા હશે; પોતાના કપાળે તથા મહાદેવને ગોપીચંદન લગાડેલ હશે. લિંગની પાસે ફૂલો પડ્યાં હતાં. બે માણસો એ બે કોડિયાંમાં ઘીના દીવા પ્રગટાવ્યા હશે એમ લાગ્યું. મંદિરના બારણા પાસે સોપારી પડી હતી, ચોખાની ઢગલી પડી હતી તેમાંથી પેન્સિલે લખેલો કાગળ નીકળ્યો. એમાં લખ્યું હતું કે, “આ કામ અમે રાજીખુશીથી કર્યું છે. અમને માફ કરજો. મારી પચાસ ભેંસોમાંથી એક ભેંસ મારી બહેનને દેજો અને ફળીમાં ખાણું છે તેમાંથી જારનાં ગાડાં દેજો.” “કરમાબાઈ ઊંધી લાંબી પડી હતી. તેના પગ બારણા પાસે ને માથું પાર્વતીજી પાસે હોવાથી લાગ્યું કે એ મહાદેવની સામા ઊભા રહીને ગળામાં તલવાર નાખી પોતાને હાથે મરી હશે. એના હાથ સાફ હતા, પણ જેઠાના હાથ લોહીથી તરબોળ હતા. મહાદેવજી ઉપર ને પાર્વતીજી ઉપર લોહીનાં છાંટણાં હતાં તેથી લાગે છે કે કરમાબાઈના લોહીમાંથી ખોબા ભરીને જેઠાએ શિવપાર્વતી ઉપર અભિષેક કર્યો હશે. કરમાબાઈનો નળગોટો (ડોકું) અરધોક જ કપાયેલ હોવાથી પોતે પોતાના હાથે જ કમળપૂજા ખાધી હશે.

“જેઠાએ પોતાની પાઘડી ઉતારીને ખુલ્લે હાથે મહાદેવની જોડમાં વીરાસન વાળી તલવારથી પોતાનું માથું કાપ્યું હશે. બેઠેલો હોવાથી બેશુદ્ધ થયા પછી ગોઠણભેર ઊંધો પડી ગયો હશે. આખર સુધી તલવારની મૂઠ જમણા હાથમાં હતી અને ડાબા હાથમાં લૂગડા વતી પીંછી પકડેલી હતી. તલવારની મૂઠ તેમ જ પીછી તરફનો ભાગ લોહી વગરનો હતો. વચલો ભાગ લોહીથી તરબોળ હતો, તેથી લાગ્યું કે તલવારને બહુ વખત ચાંપીને જ કામ પતાવ્યું હશે.

“મંદિરની બાજુમાં એ બેયની એક ચિતા ખડકી નાળિયેર, તલ તથા ઘીની આહુતિઓ આપી દહનક્રિયા કરવામાં આવી, તે સ્થળે આ યુગલની દેરી ચણી છે, આજ ત્યાં માનતા ચાલે છે.”

*

આ વીરબેલડીનાં ગીત ગાનાર એક ચારણ નીકળ્યો. એ ચારણનું નામ દેવાણંદ ભગત. તંબૂરો લઈને એણે આ દંપતીનાં ભજન ગાયાં છે. બારાડીમાં એ ભજન ગળતે સાદે ઘરેઘરમાં ગવાય છે. કાવ્યદૃષ્ટિએ તો ભજનો નજીવાં છે.

[૧]
એ હાલો હાલો સતી આપણે દેવળે જાયેં,
વે'લા વે'લા વૈકુંઠમાં જઈ વાસ કરીએ. – એ હાલો હાલો૦
હે સતી, જેઠો મોવડ કે' મને સપનું લાધ્યું,
જાણે કૃષ્ણજી આવીને ઊભા પાસે,
શંકરને ચરણે જઈને શીશ ધરીએં,
આવાગમન મટી જાશે રે, – એ હાલો હાલો૦
કરમાબાઈ સતી કે', સ્વામી તમે સત બોલ્યા,
એ તો મારે મન ભાવ્યાં રે,
જલદી કરો તમે સ્વામી મોરા રે,
તમ થકી અમે ઓધરીએં રે. - એ હાલો હાલો૦
ધન્ય ધન્ય સતી તારાં માતપત્યાને,
અમને ઉપમા આવી દીધી રે,
કાઠી સાંસતિયો, સધીર વાણિયો,
ત્રીજો જેસલ દીધો તારી રે. – એ હાલો હાલો૦
શ્રી ભાગવતમાં રાણી આવું બોલ્યા રે,
કોઈ પોતાના પિયુથી દુર્મતિ રાખે,
કોટિક્લપ કુંભીપાકમાં રાખશે,
પછે [૨] ઊંચ ઘેર અવતાર દેશે રે. – એ હાલો હાલો૦
જેઠો મોવડ કે એ મેં સાંભળ્યું,
નવ નવ વરસે લગન લેશે રે,
વરસ અગિયારમે ચૂડાકર્મ કરશે,
એ નારી કેમ ઓધરશે રે. - એ હાલો હાલો૦
એક અસ્ત્રીને તરવાનો રસ્તો,
હરિગુણ હૈયામાં રાખે રે,
પોતાના પિયુજીને શિવ કરી માનશે,
તેને ત્રિકમજી લેશે તારી રે. – એ હાલો હાલો૦
રામનુ નામ રુદામાં રાખજો,
શામળેા કરશે સારું રે,
ગુરુ ગંગારામને વચને દેવાણંદ બોલ્યા,
પ્રભુ અમને પાર ઉતારે રે, – એ હાલો હાલો૦

  1. * જામનગર અને દ્વારકા વચ્ચેનો જામનગર તાબાનો પ્રદેશ.
  2. * પોતાના પતિથી ઠગાઈ રમનાર સ્ત્રીને પ્રભુ મોટા માણસના ઘરમાં અવતાર દેશે એટલે કે સ્ત્રી ત્યાં બાળલગ્ન અને ફરજિયાત વૈધવ્યથી દુ:ખી થશે.
[ ૨ ]
ભલો કામ સારો કીધો, જગજીવનને જીતી લીધો રે,
કુળ ઉજાળ્યો ચારણે, ભલો કામ કીધો રે–
પ્રભાતે ઊઠી પરિયાણ કીધું,
મમતા મેલીને ચારણે, સારો મારગ લીધો રે૦
જેઠો મોવડ કે' સતી જા૫ આપણે જપીએં,
રુદામાં હરિના ગુણ આપણે ભજીએં.
કમીબાઈ સતી કહે સ્વામી ગાયત્રી પૂજા કીજીએં,
શ્રીકૃષ્ણ રામનું નામ મુખડેથી લીજીએં.
ટચલી આંગળીયું વાઢી તિલક ધ્યાન કીધાં,
શિર રે વધેરી ચારણે શંકરને દીધાં.
એવા ઉછરંગે મનમાં જાણે માયરે આવ્યાં,
પ્રથમ શીશ સતી કમીબાઈનાં વધાર્યાં.
ખમા ખમા કહીને શંકરે ખેાળામાં લીધાં,
પારવતીજી પૂછે, ચારણ, તમને કોણે મારગ ચીંધ્યા ?
અમને અમારા ગુરુએ મારગડા બતાવ્યા,
એ ગુરુના પ્રબોધ્યા અમે તમ પાસ આવ્યા.
ગુરુને પ્રતાપે બારોટ દેવાણંદ બોલ્યા,
એ બાવડી ઝાલીને પ્રભુએ ભવસાગર તાર્યા.
[ ૩ ]

રાણેશ્વર જાયેં જાયેં, અંગડાં આનંદમાં રાખીને,

કમળપૂજા લઈએં લઈએં રે
[ સાખી ]

સરસ્વતી સમરું શારદા, ગણપતિ લાગું પાય,
એક સ્તુતિ મારી એટલી કે'જો, મારા બાંધવને કે'જો રામ રામ,

રાણેશ્વર જાયેં જાયેં.

જેઠા મોવડે કાગળ, લખ્યા, સતીએ દીધાં માન,
ભાવ રાખીને સત તમે ભાખજો, સતીએ લખાવ્યાં ઠામોઠામ,

રાણેશ્વર જાયેં જાયેં.

મોવડે મનમાં ધાર્યું , કમળપૂજા લેવાને કાજ,
સતી થાવ ને સાબદાં, ખડગ ખાંડું લીધું સાથ,

રાણેશ્વર જાયેં જાયેં.

જેઠો મોવડ કહે સતી તમે જાણજો, હું તો પૂછું પરણામ,
તમે અબળા કહેવાવ, આપણે ખેલવું ખાંડાની ધાર,

રાણેશ્વર જાયેં જાયેં.

અરે સ્વામી તમે શું બોલ્યા, પળ ચોઘડિયાં જાય,
સ્વામીની મોર્ય શીશ વધેરશું, ધન્ય ધન્ય મારાં ભાગ્ય,

રાણેશ્વર જાયેં જાયેં.

શંકર કહે હું કૈલાસમાં હતો, જેઠા મોવડની પડી જાણ,
જલદી રથ જોડાવિયા, તરત મેલ્યાં વેમાન રે,

રાણેશ્વર જાયેં જાયેં.

એકાદશીનું વ્રત્ પાળતાં, નર ને નારી એકધ્યાન,
તેત્રીશ કોટિ દેવ જોવા મળ્યા, ડોલવા લાગ્યાં સિંહાસન,

રાણેશ્વર જાયેં જાયેં.

દેવળમાં જઈ સતીએ દીવડા ઝગાવ્યા, અગરબત્તીનો નહિ પાર,
કમળ કસ્તૂરી કેવડો બે'કે બે'કે ફૂલડાં ગુલાબ,

રાણેશ્વર જાયેં જાયેં.

રેણુકા નદીમાં સ્નાન કરીને, કોરાં પાલવડાં પહેરાય,
પોતપોતાને હાથે શિર વધેર્યાં, અમર રાખ્યાં છે નામ,

રાણેશ્વર જાયેં જાયેં.

શંકર કહે સતિયાં તમે માગો, તમે સાચાં હરિનાં દાસ,
પૂતરનાં ઘેર પારણાં બંધાવું, આપું ગરથના ભંડાર,

રાણેશ્વર જાયેં જાયેં.

કમીબાઈ સતી કહે અમે શું માગીએ, આવો કળજુગ નો સે'વાય,
સદા તમારે શરણે રાખજો, રાખજો તમારી પાસ,

રાણેશ્વર જાયેં જાયેં.

તિથિ વદિ બારસ દિતવાર, મહિનો અષાઢ માસ,
સંવત ઓગણીસે સડસઠની સાલ, ચારણે સુધાર્યાં કાજ,

રાણેશ્વર જાયેં જાયેં.

ગાય શીખે ને સુણે સાંભળે, એનો વૈકુંઠમાં થાય વાસ,
ગુરુ પ્રતાપે દેવાણંદ બેાલ્યા, પડનાં પ્રાછત જાય,

રાણેશ્વર જાયેં જાયેં.
[૪]
જેઠા મોવડે આવું ધાર્યું, કમીબાઈએ સાથ સુધાર્યો,
એવાં સતી કમીબાઈને કહીએ, નિત ઊઠીને નામ લઈએ.
રામકથા હરિનામ લેતાં, શાસ્ત્રો વાંચીને સાર લેતાં,
એકાદશી વ્રત પણ રે'તાં, સેવા શંકરની કરતાં.
પરસોત્તમ માસ પૂરણ નાહ્યાં, અરપણ કીધાં શીશ સેવામાં,
અમર નથી રહેવાની કાયા, દુનિયાની ખોટી છે માયા.
આવી દેવળમાં દીવડા કીધા, તુલસીપાનથી પારણાં કીધાં,
રૂપા મોર મુખમાં લીધાં, ગોપીચંદનનાં તિલક કીધાં.
એવાં વિવેકી વિગતે કીધાં, પ્રેમના પ્યાલા પ્રીતે પીધા,
હરિરસ હામથી પીધા, કમલપૂજા જુગતીથી લીધા.
ગુરુ ગંગારામ વચને બારોટ દેવાણંદ એમ બોલ્યા,
જુગોજુગ અમર રહ્યાં, શંકરને શરણે થયાં.
[૫]
જેઠો મોવડ જગમાં સીધ્યો, કમીબાઈ કુળનો દીવો,
રાણાગામ ઋષિનો ટીંબો, તેમાં અચરજ શું કે'વો.
દીનાનાથે મોકલ્યા અમને, જાવ પરોળીઆ પૂછો એને,
આવો કામો કોણે કીધો, આવો કોઈને ન દીઠો.