← મેર જેતમાલ સૌરાષ્ટ્રની રસધાર ૩
૨૧. ભાઈબહેન
ઝવેરચંદ મેઘાણી
પિંજરાનાં પંખી →


૨૧.
ભાઈબહેન

ચોટીલાથી ત્રણ ગાઉ પાંચાળમાં રેશમિયું ગામ છે. ગામને સીમાડે ભેડાધાર નામની એક ગોળાકાર ધાર છે. ધાર ઉપર પાળિયા છે. એક પાળિયો સ્ત્રીનો છે. સ્ત્રીની સાથે બે બાળકો છે : એક આંગળીએ વળગેલું અને બીજુ કેડમાં તેડેલું. બીજો પાળિયો એક ઘોડેસવારનો છે.

કેટલાં વરસ પહેલાંની આ વાત હશે તે તો કેાણ જાણે ! કચ્છ તરફથી એક ચારણી ચાલી આવતી હતી, સાથે એનાં બે છોકરાં હતાં. ચારણી એની ભેંસો હાંકીને પોતાને દેશથી નીકળી હતી. વાટમાં ખાવાનું નહોતું મળ્યું. કેડે બેઠેલાં બાળકે માની છાતી ચૂસી ચૂસીને ગાભા જેવી કરી નાખી હતી. આંગળીએ ટિંગાતું બાળક, ભેસનું પળી-બે- પળી દૂધ મળતું તે ઉપર નભ્યે આવતું હતું. ચારા વગરની ભેંસો માર્ગે મરતી આવતી હતી. ચારણીને માથે ધાબળી પડી હતી, અંગે કાળી લાયનું કાપડું અને ગૂઢા રંગમાં રંગેલ ચોળિયાની જીમી પહેર્યા હતાં. ડોકમાં શૂરાપૂરાનું પતરું, હાથમાં રૂપાના સરલ અને પગમાં દોરા જેવી પાતળી રૂપાના વાળાની કાંબીઓ એ એનો દાગીનો હતો. એક તો ચારણ વર્ણની બાઈઓ કુદરતી જ ઉદાસ રહે છે : તેમાંયે આ બાઈને તો સંસારનાં વસમાં વીતકેાએ વધુ ઉદાસ કરી મૂકી હતી.

બાઈ રેશમિયા ગામને સીમાડે જ્યારે ધાર ઉપર આવી ત્યારે એના હૈયાની મૂંગી આપદા સરખી સાંજ નમતી હતી. તે ટાણે બરાબર તે જ ધાર ઉપર એક ઘોડેસવાર સામે મળ્યો. બાઈને કાંઈક અણસાર આવી. બરાબર ઓળખાણ ન પડી એટલે બાઈએ પૂછ્યું :

“ભાઈ, મારો ભાઈ રેશમિયો આયર આ ગામમાં છે કે નહિ ?”

“કેવાં છો તમે, બાઈ?”

“અમે ચારણ છયેં, બાપ !”

“ત્યારે રેશમિયો આયર તમારો ભાઈ ક્યાંથી ?”

“બાપ, બહુ વહેલાનો મેં એને વીર કીધો છે. પંદર વરસ થયાં અમે એક-બીજાને મળ્યાં નથી. એાણ અમારે કચ્છમાં દુકાળ પડ્યો ને ઘરવાળો પાછા થયા. મને સાંભર્યું : કે માલ હાંકીને રેશમિયાની પાસે જાઉં તો કાળ ઊતરી જવાય. બાપુ, પાણીયે મોંમાં નથી નાખ્યું. હશે, હવે ફકર નહિ. ભગવાને ભાઈ ભેળાં કરી દીધાં.”

પોતે ઘોડિયે સૂતી હતી તે દિવસે પોતાનાં માવતરનું મવાડું સોરઠ દેશમાં નીકળેલું. માર્ગે એક વખત વગડો આવ્યો ને ઝાડને થડ પડેલું તાજું અવતરેલું બાળક રોતું દીઠેલું. દુકાળ બળતો હતો, માવતર પેટનાં છોરુને રઝળતાં મેલી પોતાનો બચાવ ગોતતાં ભમતાં હતાં, માયા-મમતાની અણછૂટ ગાંઠ્યો પણ છુટી પડતી - એવા કાળા દુકાળને ટાણે ચારણ્યના માબાપે આ છોકરાને તેડી લીધું અને માએ એક થાનેલેથી પેટની દીકરીને વછેડી નાખી આ પારકા દીકરાને ધવરાવી ઉછેર્યો, મોટો કર્યો, કમાતો કર્યો, વરાવ્યો-પરણાવ્યો હતો. એ પોતે જ ધર્મનો ભાઈ રેશમિયો. નોખાં પડ્યાં તે દિવસ કહીને ગયેલો કે, 'બોન ! વપત પડે તે દિવસે હાલી આવજે !' આજ વખાની મારી બહેન એ રેશમિયા ભાઈનું ઘર ગોતતી આવી છે. ઘોડેસવાર વિચારમાં પડી ગયો. એને સાંભરી આવ્યું. એ બોલી ઊઠ્યો : “અરે બેન, રેશમિયો તો પાછો થયો !”

પોતે જ રેશમિયો ભેડો હતો, પણ પેટમાં પાપ પેસી ગયું.

“રેશમિયો પાછો થયો ?” બાઈને જાણે પોતાના કાન ઉપર ભરોસો ન આવ્યો હોય તેમ ફરી પૂછ્યું.

“ હા, બાઈ, પાછો થયો – આઠ દિવસ થયા.”

“ભાઈ પાછો થયો ? ના, ના, થાય નહિ.” બાઈ ગાંડી થઈ ગઈ હોય તેમ લવવા માંડી. 'હેં, પાછો થયો ?' 'પાછો થયો ?' 'થાય કાંઈ?' એમ ધૂન ચડવા લાગી. આંખો જાણે નીકળી પડતી હોય તેમ ડોળા ફાડીને ચારણી આકાશને, ધરતીને અને ઝાડપાનને પૂછવા લાગી કે, 'વીર મારો પાછો થયો ?'

ઘોડેસવારને થર થર કંપ વછૂટ્યો. ઘણુંય મન થયું કે નાસી છૂટું; પણ ઘોડાની લગામ હલાવી-ચલાવીયે ન શકાણી. ધરતી સાથે ઘોડાના ડાબલા જાણે જડાઈ ગયા. પાગલ બનેલી ચારણીએ ઘૂમટો તાણીને ચોધાર આંસુ પાડતાં પાડતાં મરશિયા ઉપાડ્યા:

ભલકિયું ભેડા, કણાસયું કાળજ માંય,
રગું રેશમિયા, (મારીયું ) વીધીયું વાગડના ધણી !

હે ભેડા, તેં તો મારા કાળજામાં ભાલાં ભોંકયાં હે વાગડિયા શાખાના આયર, મારી નસો તેં વીંધી નાખી.

ઘોડો મૂવો ધર ગિયાં, મેલ્યાં મેવલીએ,
રખડી રાન થિયાં, (ત્યાં) રોળ્યાં રેશમિયે.

ઘોડા જેવો મારો ઘણી મર્યો. મારાં ઘર ભાંગી ગયાં. વરસાદે પણ રઝળાવ્યાં. રખડી રખડીને હેરાન થઈ ગયાં. ત્યાં જેની છેલ્લી આશા રહી હતી તે રેશમિયે પણ રોળી દીધાં.

કૈંક કઢારા, કાઢિયા, ( હવે ) છોરું બાંન પિયાં,
રેશમિયો ભેડો જાતે, માથે દાણિંગર રિયાં,

મારે માથે કરજ હતું, તે મારો ભાઈ રેશમિયો ચૂકવશે એમ આશા હતી. આ તો કરજ માથે રહી ગયું. ઘણા ઘણા કાળ સુધી કઢારે અનાજ લઈને ખાધું, પણ આજ તો મારા છોકરાને લેણદારો બાન કરી લઈ ગયા છે.

ભેડો અમણો ભા, (જાણ્યો) વાંઢિયા,ને વરતાવશે,
(ત્યાં તો) વાટે વિસામા, રોળ્યા રેશમિયા !

આશા હતી કે, રેશમિયો ભેડો મારો ભાઈ છે તેથી દુકાળ પાર ઉતરાવી દેશે; ત્યાં તો હે રેશમિયા, હે અમારા વિસામા, તેં અમારા જીવન-પ્રવાસને માર્ગે જ અમને રઝળાવ્યાં.

ભેડા ભાંગી ડાળ, જેને આધારે ઊભતા,
કરમે કોરો કાળ, રોળ્યાં રેશમિયા !

હે ભેડા, જેને આધારે અમે ઊભાં હતાં તે ડાળી જ ભાંગી પડી. હવે કર્મમાં કાળો દુકાળ જ રહ્યો.

(આ) ટોળાં ટળ્યાં જાય, નવરંગી નીરડીયું [] તણાં,
(એના) ગોંદરે નૈં ગોવાળ, રેઢાં ટોળ્યાં રેશમિયા !

આ જાતજાતની રૂપાળી ગાયોનાં ધણ રેઢાં ચાલ્યાં જાય છે, કારણ કે આજ એને હાંકનાર ગોવાળ નથી. ગોવાળ વિનાની ગાયો ભાંભરતી જાય છે.

જેમ જેમ મરશિયા કહેવાતા ગયા, તેમ તેમ રેશમિયો ઘોડેસવાર પથ્થર બનવા લાગ્યો. ઘોડાના ડાબલા થીજી ગયા, ઘોડાની આખી કાયા કઠણ કાળમીંઢ જેવી બની ગઈ. ઉપર બેઠેલ અસવારનું લોહી થંભી ગયું, છાતી સુધી જ્યારે


  1. * નીરડી, ખેરડી, ઝરિયું, કાબરી, ગોરી, ધોળી — એ બધી ગાયોનીજાત છે. ગોરા શરીર ઉપર કાળા ડાઘ હોય તેને 'નીરડી' કહેવાય.
પથ્થર બની ગયો ત્યારે રેશમિયો કારમી ચીસ પાડી ઊઠ્યો !

"એ બહેન, ખમૈયા કરી જાઃ હું જ તારો ભાઈ - હું જ રેશમિયો. મેં ઘોર પાપ કર્યું. હવે દયા કરી જા."

ચારણીના હાથમાં વાત નહોતી રહી. એના રોમ-રોમમાં જાગી ઊઠેલું સત હવે શમે નહિ. એના હાથમાંથી તીર છૂટી ગયું હતું. એ બોલી :

ભેડા ભેળાતે, વીણેલ વણુંને વાળીએ,
( પણ ) સાંઠી સુકાતે, રસ ન રિયો રેશમિયા !

હે ભાઈ ભેડા, કપાસના છોડમાંથી કપાસ વિણાઈ ગયો હોય, ખેતર કોઈએ ભેળી દીધુ હોય, તો તો ફરી પાણી પાઈને આપણે એને કોળવી શકીએ. ફરીવાર એને કપાસનો ફાલ આવે. પણ કપાસના છોડની સાંઠી સુકાઈ ગયા પછી એમાંથી રસ જ નીકળી જાય. ત્યારે એને પાણી પાવું નકામું. એ રીતે, હે વીર, તારા જીવનની સાંઠી જ સુકાઈ ગઈ. એટલું બધું કૂડ તારામાં વ્યાપી ગયું, કે હવે ફરી વાર એમાં પ્રાણ મૂકી ન શકાય.

ભેડાને ભોંય લેતે, દૃશ્યું ચારે ડૂલિયું,
સો ગાઉએ સગા, પંથ બધો માથે પડ્યો.

રેશમિયા ભેડાને મરવા ટાણે જ્યારે ભોંય લીધો – જમીન પર સુવાડ્યો ત્યારે ચારે દિશાઓ પડી ગઈ. અને હે મારા સાચા સગા, મારો સો ગાઉનો આખોય પંથ નિષ્ફળ નીવડ્યો.

આંખે અમરત હોય, ( તો ) જાતાંને જિવાડીએ,
( હવે ) ઝ૨વા માંડ્યું ઝેર, રસ ગ્યો રેશમિયા !

હે ભાઈ રેશમિયા, મારી આંખમાં અમૃત રહ્યું હોય તો તો મરતાને એક વાર એ દૃષ્ટિનું અમૃત છાંટીને જીવતો કરીએ. પણ હવે તો મારાં નેત્રોમાંથી દુનિયાના મતલબીપણા ઉપર ધિક્કારનું ઝેર ઝરવા લાગી ગયું, હવે મારી આંખમાંથી સંજીવનીનો રસ ખૂટી ગયો. મારો ઈલાજ નથી રહ્યો.

ભરદરિયે કોઈ વાણ, ભેડાનું ભાંગી ગયુ,
પંડ થાતે પાખાણ, રસ ગ્યો રેશમિયા !
હે રેશમિયા ભાઈ, તુજ સમું વહાણ મારે જાણે કે જીવતરને મધદરિયે ભાંગી પડયું. મારું પિંડ પણ હવે પાષાણ બની ગયું, હવે મારા અંતરમાં રસ ન રહ્યા.
ટોળામાંથી તારવ્યે ( જેમ ) ઢાઢું દિયે ઢોર,
(તેમ ) કાપી કાળજ-કોર, ભેડા ભાંભરતાં રિયાં.
હે ભાઈ ભેડા, જેમ કેાઈ પશુને એના ટોળામાંથી વિખૂટું પાડતાં એ વેદનાની ચીસો પાડે છે, તેમ આજ હુંયે તું વિહોણી થતાં પોકારું છું. તેં મારા કાળજાની કોર કાપી નાખી. હું એકલા પશુ જેવી ભાંભરતી જ રહી.

આખો અસવાર નિર્જીવ પથ્થર બની ગયો. ચારણી પણ છોકરાં સાથે પથ્થરની પૂતળી બની ગઈ ભેંસો એ સાંજને ટાણે ધાર ઉપર એકલી ભાંભરતી રહી.