← હનુભાઈ સૌરાષ્ટ્રની રસધાર ૩
૧૫. ભાઈ !
ઝવેરચંદ મેઘાણી
કાનિયો ઝાંપડો →


૧૫
ભાઈ!

ખાંભા ગામની એ આયરાણી હતી. આયરાણીને માથે બહુ વસમી વેળા આવી પડી. આાયર મરી ગયા, અને દેશમાં દુકાળ પડ્યો. રાબ વિના છોકરાં રીડિયારમણ કરવા મંડ્યાં. દુખિયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ એાથ રહી હતી. પાડોશીને બે હાથ જોડી વિનવણી કરી : “બાપુ, બે દિવસ મારાં ગભરુડાંને ટીપું ટીપું રાબ પાજો, ત્યાં હું મારા ભાઈને ઘેર આંટો જઈને આવતી રહું છું.”

મિતિયાળા ગામમાં પોતાનો સગો ભાઈ રહે છે. ખાંભેથી પોતે હોંશે હોંશે મિતિયાળે ગઈ. ઘરના બારણામાં જ ભાઈને ઊભેલો ભાળ્યો, પણ ભાઈને તે કળજુગે ઘેરી લીધેા હતો.

“આ લેણિયાત ક્યાંથી આવી?” એટલું બોલીને આયર ઘરમાં પેસી ગયો. પાછલી છીંડીએ થઈને એણે પલાયન કર્યું . બહેને આઘેથી ભાઈને ભાગતો ભાળ્યો કે એના પગ ભારે થઈ ગયા. તોય દુઃખની મારી બહેન પિયરની ઓસરીએ પહોંચી. ભોજાઈ એ પણ મોમાંથી “આવો” એટલું ન કહ્યું. નેવાં ઝાલીને નણંદ ઊભી રહી. એણે ભાભીને પૂછ્યું :

“ભાભી ! મારો ભાઈ ક્યાં ગયો ?”

“તમારા ભાઈ તો કાલ્યુંના ગામતરે ગયા છે.”

ધરતી મારગ આપે તો સમાઈ જાવાનું બહેનને મન થયું. એણે નિસાસો મૂક્યો. એ પાછી વળી ગઈ. ભાભી કહે : “ રોટલા ખાવા તો રોકાઓ.”

“ભાભી! હસીને જો સોમલ દીધું હોત તોય પી જાત.” એટલું કહીને બહેન તો મૂંગી મૂંગી ચાલી નીકળી. પણ એની આંખમાં શ્રાવણ ને ભાદરવો વરસવા માંડ્યો. બોર બોર જેવાં પાણીડાં પાડતી ચાલી જાય છે. ઝાંપા બહાર ઢેઢવાડો છે. માથે લીંબડાની ઘટા ઝળુંબી રહી છે ને છીંક આવે એવા ચેાખ્ખાફૂલ ઓરડાની લીંપેલી ઓસરીએ જબ્બર ડીલવાળો જોગડો ઢેઢ બેઠો બેઠો હોકો પીએ છે. જોગડો બાઈને નાની હતી ત્યારથી એાળખતો હતો. બહેનને જોતાં જ હરખમાં આવી જઈને રસ્તા ઉપર આડો ફર્યો; પૂછ્યું :

“કાં, બાપ, આમ રોતી કાં જા ?”

“જોગડા ભાઈ ! મારે માથે દુ:ખના ડુંગરા થયા છે; પણ દુ:ખ મને રોવરાવતું નથી, મારો માનો જાયો ભાઈ મને દેખીને મોઢું સંતાડે છે, ઈ વાતનું મને રોવું આવે છે.”

“અરે, ગાંડી, એમાં શું રોવા બેઠી ? હુંય તારો ભાઈ છું ના ! ઊઠ, હાલ્ય મારી સાથે.”

જોગડો એ બાઈને જીભની બહેન કહી અંદર લઈ ગયો. એક કળશી જુવાર લઈને ગાડું ભર્યું; રોકડી ખરચી આપી, પોતાના છોકરાને કહ્યું : “બેટા, ફુઈને લઈને ખાંભે મૂકી આવ્ય, અને આ દાણા ફુઈને ઘેર ઉતારી મેલજે.”

ગાડું જોડીને છોકરો કુઈની સાથે ચાલ્યો. વિધવા આયરાણી પોતાના મનમાં આ સંસારનાં સાચજૂઠ ઉપર વિચાર કરતી ચાલી ગઈ. તે દિવસથી જાણે એને પોતાનો ખોવાઈ ગયેલો માજાયો મળ્યો. અંતરમાંથી સંસારનાં ઝેર ઊતરી ગયાં. બહેન ગયા પછી જોગડાની બાયડી આવીને બોલી : “ભગત, મને લાગે છે કે તમારે ને મારે છેટું પડી જાશે.”

"કેમ ?"

“જુઓ, ભગત ! છોકરો જો ખરેખર તમારા જ લોહીનો હશે, તો તે ગાડું ને બળદ એની ફુઈને આપીને આવશે; અને જો મારી જાતમાં કંઈ ફેરફાર હશે તો ગાડું-બળદ પાછાં લાવશે.”

“અરે, મૂરખી ! એવા તે વદાડ હોય ! એ છોકરું, બાપડો એવી વાતમાં શું સમજે ? એ તો મોટેરાંએ કહ્યું હોય એટલું જ કરે ને ? અને આપણે કોઈ દી ક્યાં શીખવ્યું છે કે કહ્યું છે ?”

“ભગત, જો શીખવવું કે કહેવું પડે, તો પછી નવ મહિના ભાર વેંઢાર્યો તેનું મા'તમ શું ?”

બીજે દિવસે છોકરો હાથમાં એકલી રાશ ઉલાળતો ઉલાળતો ઘેર આવ્યો. સાંભળીને પૂછ્યું : “બેટા ! ગાડું-બળદ ક્યાં ?”

“કુઈને દીધાં.”

"કાં ?"

“બાપા, તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું અને હું ફુઈને ફુઈયારું ન આપી આવું ?”

મા બોલી : “રંગ છે, બેટા ! હવે ભગતનો દીકરો સાચો !”

જે ભુજાએ જોગડે દાન દીધાં, તે જ ભુજામાં એક વાર એણે તલવારને રમાડી. તે દિવસ મિતિયાળામાં એભલ વાળાની ગાદી હતી. દુશ્મનોની ફોજે એક દિવસ મિતિયાળું ઘેર્યું અને જોગડો રણ ખેલવા ચડ્યો. મરવાની

આગલી રાતે એની બાયડીએ કેવા કાલાવાલા કર્યા !

સારસ સાજી રાત, વલખે વલખે વાલમ જ્યું,
રહોને આજુ રાત, (અમારી) જોડ વછોડો મા, જોગડા !

જોગડા, તું સારસી (ચક્રવાકી) પંખિણી જેમ આખી રાત પોતાના નરને નદીને સામે કાંઠે સાદ કરતી કરતી ઝૂરી ઝૂરીને રાત કાઢે, તેમ મારી ગતિ કાં કરો ? આજની રાત તો રહો ! આપણી જોડી કાં તોડો ?

પણ જોગડાને તો સહુની મોખરે મરવું હતું – એ કેમ રોકાય ? ધીંગાણું કરીને સહુથી પહેલું એણે પોતાનું લોહી પોતાની જનમભોમને ઝાંપે છાંટ્યું.

ખાંભામાં જોગડાની જીભની કીધેલી આયર બહેન ખોરડાના કરા ઉપર નિસરણી માંડીને ગાર કરતી હતી. ત્યાં કોઈએ ખબર આપ્યા : “તારો ધરમનો માનેલો વીર જોગડો ધીંગાણામાં કામ આવ્યો.”

સાંભળીને બાઈ એ નિસરણીની ટોચથી પોતાના શરીરને ઘા કર્યો, ધબ દેતી નીચે પડી; માથું ઢાંકીને મરશિયા માંડ્યા. માનવીની ને પશુની છાતી ભેદાય તેવા મરશિયા એના મીઠા ગળામાંથી ગળી ગળીને નીકળવા લાગ્યા :

વણકર અને વણાર, નાતે પણ નેડો નહિ,
(પણ)ગણને રોઉં ગજમાર, તારી જાત ન પૂછું જોગડા !

ભાઈ જોગડા, તું લૂગડાં વણવાનું કામ કરનારો ઢેઢ હતો અને હું તો વણાર શાખની આયરાણી છું, નાતજાતના હિસાબે તો આપણી વચ્ચે કાંઈયે સંબંધ નથી, પણ હું તારી હલકી જાત સામે શું જોઉ ? હું તો તારી ખાનદાનીને રડું છું, હે હાથીઓના હણનારા જોદ્ધા !

આયરાણી ગાતી ગાતી રાતે પાણીએ રોવા લાગી. એના વિલાપના સૂર સાંભળી સાંભળીને માણસો ખાતાં ખાતાં બેઠાં થઈ ગયાં; જોગડો બધાયને પોતાના ભાઈ જેવો લાગ્યો. આયરાણીએ જોગડાના ધીંગાણાની કલ્પના કરી.

રાંપીનો[] રાખણહાર, કલબાં લે વેત્રણ કિયા,
વીજળી તણો વિચાર, તેં કિ જાણ્યો જોગડા !

હે વીરા જોગડા, તું તો રાંપી લઈને મરેલા ઢોરનાં ચામડાં ચીરવામાં કુશળ કહેવાય. એને બદલે તેં તલવાર લઈને શત્રુઓને ચીરી નાખ્યા. તને તલવાર વાપરવાની યુક્તિ આપોઆપ ક્યાંથી સૂઝી ગઈ ?

વિલાપ આગળ વધે છે, નવી કલ્પનાઓ ઊગે છે. હૈયામાં જાણે હરિ જાગે છે:

આગે છેલ્લી ઊઠતો, પે'લી ઊઠ્યો પાંત,
ભૂંપાંમાં પડી ભ્રાંત, જમણ અભડાવ્યું જોગડા !

હે જોગડા ભાઈ, તું તો ઢેઢ. જમણમાં તારે તો હમેશાં સહુથી છેલ્લે બેસવાનો વારો આવે, પરંતુ આ જુદ્ધરૂપી જમણમાં તું તો પહેલી જ પંગતમાં બેસી ગયો. સહુથી પહેલવહેલો ત્રાટકીને મર્યો. તેં તો બીજા ભૂપતિઓનું ભોજન અભડાવી માર્યું, એટલે કે તેઓની કીર્તિને ઝાંખી પાડી.

આગળ કટક એારતો, કોલું આગ કરે,
એભલ કાંઉ ઓરે, (હવે) જાંગી ભાગ્યો જોગડા !

હે એભલ વાળા દરબાર, તારા સૈન્યરૂપી ચિચોડામાં તું અત્યાર સુધી તો શત્રુઓરૂપી શેરડીના સાંઠાને ઓરતો હતો, પણ હવે તું શી રીતે એ ચિચોડામાં શેરડી ઓરીશ ? કેમ કે એ ચીંચોડાની જાંઘરૂપી જે જોગડો, તે તો ભાંગી ગયેલ છે. ચિચોડો ફરશે જ શી રીતે ?

શંકરને જડિયું નહિ, માથુ ખળાં માંય,
તલ તલ અપસર તાય, જે જધ માચ્યે જોગડા!

શંકરની ઘણીય ઇચ્છા હતી કે તારા જેવા વીરનું માથું લઈ પોતાની રૂંઢમાળામાં પરોવી લેવું. પણ એને એ માથું યુદ્ધક્ષેત્રમાં હાથમાં જ ન આવ્યું, કેમ કે એને વરવા તો એટલી બધી અપ્સરાઓ ઊતરી હતી કે એ બિચારીઓને એના શરીરનો તલ તલ જેટલો ટુકડો વહેંચી લેવો પડ્યો.

મુંધા માલ મળ્યે, સુંધા સાટવીએ નહિ,
ખૂંદ્યાં કોણ ખમે, જાત વન્યાના જોગડા !

હે ભાઈ જોગડા, ડાહ્યા હોઈએ તો તો જ્યાં સુધી મોંઘી ચીજ આપણાથી લઈ શકાય ત્યાં સુધી સોંઘી ન લઈએ, કારણ કે જાતવંત વસ્તુ હોય તે જ આપણો ભાર ખમી જાણે. તકલાદી હોય તે આપણી ભીંસ કેવી રીતે સહી શકે ? એવી જ રીતે, તારે ને મારે થયું. મારો સગો ભાઈ ભલે સોંઘો એટલે સુલભ હતો પણ ખાનદાન નહોતો, તેથી મારો ભાર ન વેંઢારી શક્યો. અને તું પરનાતીલેા હતો – અરે ઢેઢ હતો, છતાંય જાતવંત હોવાથી તેં મને બરાબર કટોકટીને ટાણે ઉગારી.

આયરાણીએ એના વીરને સંભારી સંભારી આંખોનાં આંસુ અને હૈયાના મરશિયા ઠાલવ્યે જ રાખ્યા. એની આંખોના પોપચા ફૂલી ગયાં. એનું જગત ઉજ્જડ થઈ ગયું.

  1. *આ વિષે બે મત છે; કોઈ કહે છે કે જે ઢેઢ ચાંપરાજ વાળાની સાથે રહી જેતપુર બાદશાહની ફોજ સામે મર્યો તેનું નામ જોગડો.(જુએા “રસધાર" ભા. ૧, “ ચાંપરાજ વાળો.”) બીજો મત એમ છે કે, ચાંપરાજ વાળાનો સાથી ઢેઢ નહોતો, ઝાંપડો હતો. જોગડો ઢેઢ તો મિતિયાળે સાત એભલની માંહેલાં એભલની સાથે થયો અને શત્રુની ફોજ સામે મરાયો.