સૌરાષ્ટ્રની રસધાર ૧/૨૦. ચાંપરાજ વાળો

← ૧૯. વાળાની હરણપૂજા સૌરાષ્ટ્રની રસધાર ૧
૨૦. ચાંપરાજ વાળો
ઝવેરચંદ મેઘાણી
૨૧. આઈ કામબાઈ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


.

ચાંપરાજ વાળો


મોટું ભળકડું હતું. હબસીના મોઢા જેવું અંધારું હતું.ક્યાંઇક ક્યાંઇક વીજળીના સળાવા થતા હતા. તેમાં ભાદરનું ડહોળું પાણે કોઇ જોગણના ભગવા અંચળા જેવું દેખાતું હતું.

એ અંધારે જેતપુર ગામમાં હાલ જ્યાં ‘ચાંપરાજની ડેલી’ નામે ઓળખાતો ખાંચો છે,ત્યાંની દરબારી ડોઢી ની નાની બારી ઊઘડી અને જુવાન રજપૂત ચાંપરાજ વાળો જંગલ જવા નીકળ્યો (વાળા રજપૂતો વટલીને કાઠી થયા પહેલાંની આ વાત હોવાનો સંભવ છે.) એક હાથમાં પોટલિયો છે, બીજો હાથ બગલમાં દાબેલી તરવારની મૂઠ ઉપર છે. અંગે ઓઢેલો કામળો વરસાદના ઝીણા ઝીણા ઝરમરિયા ચાંટા ઝીલતો આવે છે.

એકાએક રજપૂત ભાદરની ભેખડ ઉપર થંભી ગયો. કાન માંડ્યા. આઘેઆઘેથી કોઇ રોતું હોય ને ભેળું ગાતું પણ હોય એવા સૂર અંભળાય છે. કોઇ બાઇ માણસનું ગળું લાગ્યું.

‘નક્કી કોક નિરાધાર બોન-દીકરી !’ એમ મનમાં બોલીને ચાંપરાજે પગ ઉપાડ્યા. તરવાર બગલમાંથી કાઢીને હાથમાં લઇ લીધી. કા કૉંટી છોડી નાખી, અવાજની દિશા બાંધીને એકદમ ચાલ્યો. થોડેક ગયો ત્યાં ચોખ્ખું ચોધાર રોણું સંભળાણું. વીજળીને સબકારે બે ઓળા વરતાણા.

“માટી થાજે, કુકર્મી !” એવી હાકલ દેતા ચાંપરાજે નદીની પલળેલી ભેખડો ઉપર ગારો ખૂંદતાં ખૂંદતાં દોટ દીધી. નજીક ગયો. ત્યાં ઊભો રહી ગયો. કોઇ આદમી ન દીઠો. માત્ર તેજના બે ઓળા જ દેખ્યા. અંગ ચોખ્ખાં ન દેખાણાં, પણ હતી તો સ્ત્રીઓ જ.એક ગાય છે ને બીજી રુએ છે.

“કોણ, ચાંપારાજ વાળો કે ?’ ગાતા ઓળાએમીઠે કંઠે પૂછ્યું.

‘હા, તમે કોણ બાઇયું ? અટાણે આંહીં શીદ કલ્પાંત કરો છો?”

“ચાંપરાજ વાળા ! બીશ નહિ કે ?”

“બીઉં શીદ ? હું રજપૂત છું.”

“ત્યારે અને અપસરાઉં છીએ.”

અપસરાઉં ! આંહીં શીદ ?”

“આંહીં કાલે સાંજે જુદ્ધ થાશે. આ ભાદરમાં રુધિર ખળકશે.”

“તે ?”

“એમાં મોખરે બે જણ મરશે. પહેલો તારો ઢોલી જોગડો; ને બીજો તું ચાંપારાજ વાળો. એમાં પહેલા મરનાર સાથે આ મારી મોટેરી બે’નને વરવું પડશે, એટલે ઇ કલ્પાંત કરે છે; ને બીજા મરનાર ચાંપારાજને મારા હાથથી વરમાળા રોપવાની છે; તેથી હું ધોળમંગળ ગાઉં છું.”

ભળકડું વેગે વહી જવા લાગ્યુંને બેય ઓળા સંકોડાવા મંડ્યા. રુદનના સૂર અંધારામાં તૂટતા તૂટતા હેબકાં જેવા બનવા લાગ્યા. થડક છાતીએ ચાંપરાજ પૂછે છે: “હે અપસરા! મારે પાદર જુદ્ધ કેવું? મેંતો કોઇ હારે વેર નથી કર્યા. વસ્તી ને રાજા વચ્ચે વહાલપ વર્તે છે.”

“ચાંપરાજ! આંહીં દલ્લીનું કટક ઊતરશે. હાલ્યું આવે છે, માર માર કરતું. એક જણને પાપે તારું આખું પાટ રોળાય છે.”

“કોણ એક જણ? શું પાપ?”

“તારો મોચી : એને કોક જોગીએ રાજી થઇ વરદાન માગવાનું કહ્યું: કમતિયા મોચીએ માગ્યું કે ‘હું ચિંતવું તે હાજર થાય. ‘બોલે બંધાયેલ જોગીએ તપસ્યા વેચીને એક દીવી ઉતારી મોચીને દીધી, કહ્યું કે ‘જા, ગમાર ! પ્રગટજે. ચાર દૂત નીકળશે, કહીશ તે કરશે. કૂડ માગીશ તો તરું નગર રોળાશે.’ ”

“પછી?”

“પછી તો,ચાંપરાજ ! મોચીડે મધરાતે દીવી પ્રગટી. ચાર ફિરસ્તા નીકળ્યા. કામીએ માગ્યું કે દિલ્હીની શાહજાદીને પલંગ સોતી આણો.!”

ચાંપરાજના હૈયામાંથી અંધારે નિસાસો પડ્યો.

“પછી તો, ચાંપરાજ! રોજ રાતે શેજાદીને પલંગ સોતી મંગાવે. ફૂલ જેવી શૅજાદી ચામડાંની દુર્ગંધે જાગી જાય, મૃગલાં જેવી આંખો ઉઘાડીને ચકળવકળ ડોળા ફેરવે, મૂંઝાઅ, અકળાય, આંખ્યું મીંચી જાય, મોચી બીને એનાથી અળગો રહે. ભળકડે પાછો પલંગ ફિરસ્તા પાસે દલ્લી પહોંચાડાવે.”

ભળકડું ભાંગવ લાગ્યું. ઓળા ઝાંખા થવા લાગ્યા. વાત કહેનારીનો અવાજ ઊંડો બન્યો :”એમ કરતાં, ચાંપરાજ ! છ મહિને શેજાદીનું શરીર સુકાણું. હુરમે ફોસલાવી-પટાવી બેટીને હૈયાની વાત પૂછે. દીકરીએ અંતરની વેદના વર્ણવી. પાદશાહને વિગત પાડી. પાદશાહે શીખવ્યું કે’ બેટી ! આજ પૂછતી આવજે; ક્યું ગામ? ક્યો રાજા? પોતે કોણ? ને નામ શું? ‘ એ પ્રમાણે તે દિવસની મધરાતે મોચીના ઘરમાં આળસ મરડીને શેજાદી બેઠી થઇ.પૂછ્યું: છ મહિને સુંદરી બોલી તેથી રાજી થઇનેમોચીએ નામઠામ દીધાં. એ એંધાણે પાદશાહનું કટક ચડ્યું છે. કાલની રાતે આપણે બેય સુરાપરીમાં સંગાથી હશું. ચાંપારાજ! માટે હું આજ હરખ ભરી ગાઉં છું.”

એ જ વખતે બીજા ઓળાએ જાણે કે જંટિયાં પીંખ્યાં,ચીસો પાડી. અને પરોઢિયાના ફૂટતા તેજમાં બેયનાં અંગ ઓગળી ગયાં.

ભાદર રોતી રોતી વહેતી હતી. આભની હજારો આંખોમાંથી ઝીણાં ઝીણાં આંસુડાં પડતાં હતાં. ચાંપરાજ આઘે આઘે મીટ માંડીને ભેખડ ઉપર ઊભો હતો અને સાદ પાડીને બોલતો હતો: “ રો મા, રો મા! હું જોગડાને પહેલો નહિ મરવા દઉં!”

પાઘડીનો આંટો લઇ જાણનાર એકેએક જેતપુરીઓ જુવાન ને ઘરડો રજપૂત ડોઢીમાં હલક્યો છે. શરણાઇઓ સિંધુડાના સેંસાટ ખેંચી રહી છે. અને તરઘાયો ઢોલ ધ્રુસકાવતો જોગડો ઢોલી ઘૂમે છે. જુવાનોની ભુજાઓ ફાટે છે. કેસરિયા રંગનાં રંગાડાં ઊકળે છે.

“ઇ મોચકાને બાંધીને ચીરી નાખો! ઇ કુકર્મીને જીવતો સળગાવી દ્યો!” દાયરાના જુવાનોએ રીડિયા કર્યાં. પણ એ બધાને વારતો ચાંપરાજ ધીરે ગળે કહેવા લાગ્યો: “બાપ ! થવાની હ્તી તે થઇ ગઇ. એમાં મોચીને માર્યે આજ કાંઇ જુદ્ધ અટકશે? અને ઇ તો ગામ બધાનું પાપ. રાજાને રૈયત સહુનું પાપ. નીકર રજપૂતને ગામટીંબે કોઇને આવી કમત્ય સૂઝે જ કેમ? પણ હવે આ જોગડા ઢોલીને શું કરવું છે?”

“બાપ ચાંપરાજ !” એના પિતા એભલ વાળો બોલ્યો:” એ ગા વાળે ઇ અરજણ! વીર હોય ઇ અપસરાને વરે. એમાં નાત્યજાત્ય ન જોવાય. મર જોગડો પે’લો પોંખાતો. જેતપુરને ઝાઝો જશ ચડશે.”

“પણ બાપુ! ઓલી સોળ વરસની રંભા આજ ભળકડે કાંઇ રોતી’તી! બહુ જ વહરું રોતી’તી, બાપુ! એના મનખ્યો ધૂલ મળશે. માટે કહું છું કે જોગડને કોઠાની માલીકોર આજનો દિવસ પૂરી રાખીએ.”

“ઇ તે કેમ બને, ચાંપરાજભાઇ!” બીજા જુવાનોએ કહ્યું :“ એનો તરઘાયો વગડ્યા વિના કાંઇ શૂરાતન થોડું ચડવાનું? બીજા હાથની ડાંડી પડ્યે કાંઇ માથાં પડે ને ધડ થોડાં લડે?’

“તો ચાંપરાજ, હું જુક્તિ સુઝાડું.” એભલવાળાએ ધ્યાન પહોંચાડ્યું:

“જોગડાને લઇ જાવ કોઠાને માથે. ત્યાં એના ડિલને દોરડે બાંધી વાળો, હાથ છૂટા રાખો ને હથમાં ઢોલ આપો. ઊંચે બેઠો બેઠો એ વગાડે, ને હેઠે ધીંગાણું ચાલે. પણ મજબૂત બાંધજો. જોજો, તોડાવી ન નાખે !”

“સાચી વાતછે બાપુની,” કહીને જુવાનો અંગ કસવા લાગ્યા. કેસરિયાં લૂગડાંનો ઘટાટોપ બંધાઇ ગયો. પિયાલા જેવી તરવારો સજાઇ ગઇ, ગાઢા કસુંબા ઘોળાવા લાગ્યા અને ‘છેલ્લી વારની અંજળિયું, બાપ! પી લ્યો! પાઇ લ્યો!’ એવા હાકોટા થયા.

તડકો નમ્યો. સૂરજ ધૂંધળો થવા લાગ્યો. ગગનમાં ડમરી ચડતી દેખાણી.

“જો, ભાઇ જોગડા! સામે ઊભું એ પાદશાહનું દળકટક. આપણા જણ છે પાંખા. જેતાણું આજ બોળાઇ જાશે. તુંને બાંધ્યો છે તે આટલા સારુ. ભુજાયું તોડી નાખજે. પણ તરઘાયો થોભાવીશ મા! આ કોઠા સામા જ અમારાં માથાં પડે ને ધડ લડે એવો ઢોલ વગાડ્યે રાખજે!”

શૂરાતને થરક થરક કંપતો જોગડો ઢોલી ચકચૂર આંખે ચાંપરાજની સામે નીરખી રહ્યો. કસકસીને એની કાયા બંધાઇ ગઇ છે. ધ્રૂસાંગ !ધ્રૂસાંગ ! ધ્રૂસાંગ ! એની ડાંડી ઢોલ ઉપર પડવા લાગી. અને ડેલીમાંથી વાળા રજપૂતોનું કેસરી દળ દાંતમાં તરવાર લઇ હથમાં ભાલા સોતું દોટ દેતું નીકળ્યું.

પણ ન રહી શક્યો જોગડો ઢોલી! માથે કસકસાટ બાંધ્યોય ન રહી શક્યો. કાયરને પણ પાણી ચડાવનારી એની બે ભુજાઓમાં કોણ જાણેક્યાંથી જોમ ઊભરાણું. કોઠા નીચે બેઉ સૈન્યોની ઝીંકાઝીંક મંડાવાને હાં કે ઘડી-બઘડી જાય છે. તરવારોનાં તોરણ બંધાઇ ગયા છે. અને રણઘેલૂડો ચાંપરાજ મોખરે ઘૂમી રહ્યો છે, ત્યાં આંહીં જોગડાની ભુજાઓએ અંગ ઉપરના બંધ તોડી નાખ્યા. ગળામાં ઢોલ સાથે એને ઊંચા કોઠા ઉપરથી ડિલનો ઘા કર્યો, અને સહુથી પહેલાં એના પ્રાણ નીકળી ગયા. સહુથી પ્રથમ એને મરવાનું સરજેલું હતું તે મિથ્યા ન થયું.

[]‘આગે છેલ્લી ઊઠતો, પેલી ઊઠયો પાંત,
ભૂપામાં પડી ભ્રાંત, જમણ અભડાવ્યુ, જોગડાં ![1]

[હે જોગડા ઢોલી ! તું તો નીચા કૂળનો : અગાઉ તો તારે સહુથી છેલ્લી પંગતમાં જમવા ઊઠવાનું હતું, પણ આજ યુદ્ધરૂપી જમણમાં તો તેં પહેલી પંગતમાં બેસીને તરવારના ઘા રૂપી જમણ જમી લીધું. તેં તો ભૂપતિઓમાં ભ્રાંતિ પડાવી. ભોજન તેં અભડાવી નાખ્યું]

જોગડો પડ્યો અને ચાંપરાજે સમશેર ચલાવી. કેવી ચલાવી?

ખાંડા તણો ખડિયે, પોહવ ! પારીસો કિયો.
કર દીધા કલબે, આડા એભલરાઉત ![2]

[એ રાજા! તેં તો યુદ્ધક્ષેત્રરૂપી જમણમાં ખાંડાના ઝાટકા પીરસવા માંડ્યા.એટલું બધું પિરસણું કર્યું કે હે એભલના પુત્ર! મુસલમાન જોદ્ધાઓ રૂપી જ્મવા બેઠેલા મહેમાનોએ હાંઉ! હાંઉ! કરી આડા હાથ દીધા, અર્થાત્ તેઓ તારા શૂરાતનથી ત્રાસી ગયા.]

સર ગોળી સાબળ તણા, માથે મે થિયા,
(તોય) ચાંપો ચાયે ના, ઓળા એભલરાઉત ! [3]

[ચાંપારાજના માથા ઉપર તો તીર, ગોળી અને ભાલાંઓનો વરસદ વરસતો હતો. તે છતાં એ એભલ વાળાનો દીકરો કોઇ ઓથ લઇને વરસાદમાંથી ઊગરવા માગતો નથી, અર્થાત્ નાસતો નથી]

તું તાળાં આવધ તણી, ચકવત ચૂક્યો ના,
શિયો ય તળાપ સદા, અથર્યો ચૂકે એભાઉત ![4]

[હે એભલ વાળાના પુત્ર! સિંહ જેવો નિશાનબાજ પણ જરાક ઉતાવળો થઇને કદી કદી પોતાની તરાપમાં શિકારને ચૂકી જાય છે: પણ તું તારાં આયુધોનો એકેય ઘા ન ચૂક્યો.]

એ ઊભા થયેલા ધડને જાને કે છાતીએ નવી આંખો નીકળી. તરવર વીંઝતું ધડ શત્રુઓનું ખળું કરતું કરતું, ફોજને મોઢા આગળ નસાડતું ઠેઠ લાથી સુધી હાંકી ગયું. ત્યાં જઇને એ થાકેલું ધડ ઢળી પડ્યું. જુવાન ચાંપરાજ પોતાની વાટ જોનારીની પાસે સુરાપુરીમાં સિધાવ્યો.

જોગડા ઢોલીનો છગો (પાળિયો) જેતપુરના એ કોઠા પાસે છે ને ચાંપરાજની ખાંભી લાઠીને ટીંબે હજુ ઊભી છે. ચાંપરાજ તો ખપી ગયો, પણ પાદશાહના હૈયામાં કેવો ફડકો બેસી ગયો ?

પતશાહે પતગરીયાં નૈ, પોહપ પાછાં જાય,
ચાંપો છાબાંમાંય, ઊઠે એભલરૌત [5]

[પાદશાહ પાસે પ્રભાતે માલણ ફૂલછાબ લઇને ફૂલો દેવા ગઇ. પદશાહે પૂછ્યું કે ‘શેનાં ફૂલો છે?’ માલણ કહે કે ‘ચંપો’ ‘અરરર, ચંપો કરતો પાદશાહ ચમકે છે; ‘ચંપો’ ફૂલનું નામ સાંભળતાં પણ એને લાગે છે કે ક્યાંઇક ચાંપો(ચાંપરાજ) છાબડીમાંથી ઊઠશે! માલણ પુષ્પોની છાબડી લઇ પાછી ચાલી જાય છે.]

“ના, બાપ એભલ વાળા! એમ હું ઘોડો લેવાનો નથી. ઇ તો ચાંપારાજ વાળો પંડે ભરદાયરા વચ્ચે આવીને દાન કરે તો જ મારે ઘોડો ખપે, નહિ તો હું આંહીં મારો દેહ પાડીશ. હું મૂવાનાં દાન લઉં કાંઇ?”

એભલ વાળાની આંખોમાં પાણી આવ્યાં, હસીને બોલ્યો:’ગઢવા, ગાંડો થા મા. ચાંપારાજ તે હવે ક્યાંથી આવે? મરેલા માણસોને હાથે ક્યાંય દાન થયેલાં જાણ્યાં છે ? અને ચાંપારાજ કહીને ગયો છે કે ઘોડો ગધવીને દઇ દેજો.”

ચારન એકનો બે થયો નહિ. એ તો લાંઘણ ઉપાર લાંઘણ ખેંચવા લાગ્યો., ચાંપરાજ વાળાને સ્મશાનમાં બાળેલા ત્યાં જઇને બેઠો અને બિરદવવા લાગ્યો.

આખરે ચાંપરાજ વાળાનું પ્રેત દેખાયું.ચારનને વચન દીધું કે ‘જા ગઢવ, સવારે દાયરો ભરીને ઘોડો તૈયાર રખજે, હું આવીશ.’

ચારને જઇને દરબારને વાત કરી. દરબાર હસ્યા; સમજી લીધું કે ચારણભાઇથી પેટમાં ભૂખ સહેવાતી નથી એટલે આ જુક્તિ કરી છે. આવી રીતે દાયરો ભરાશે; આપને જ ચાંપારાજ વાળાને નામે દાન કરી દેશું; ચારન ફોસલાઇ જાશે; આપણે ચારન-હત્યામાંથી ઊગરશું. ચારનને વાળું કરાવ્યું.

બીજે દિવસે સવારે દાયરો જામ્યો, ઘોડાને સજ્જ કરી લાવવમાં આવ્યો, ચારન વાટ જોઇને ઊભો. આખો દાયરો હાંસી કરવા લાગ્યો, સહુને થયું કે આ ભા થોડોક ડોળ કરીને હમણાં ઘોડો લઇ લેશે. ત્યાં તો ઉગમણી દિશા તરફ બધાની નજર ફાટી રહી.સૂરજનાં કિરણો ની અંદરથી તેજપુરુષ ચાલ્યો આવે છે. આવીને ઘોડાની લગમ ઝાલી અને ચારણના હાથમાં લગમ મૂકી વણબોલ્યો પાછો એ પુરુષ સૂર્યલોકને માર્ગે સિધાવી ગયો !

‘ખમા ! ખમા તુંને બાપ ! ‘એવી જય બોલાવીને ચારણ ઘોડે ચડ્યો. આખો દાયરો થંભી ગયો અને ચારણે દુહો કહ્યો–

કમળ વિણ ભારથ કીયો, દેહ વિણ દીધાં દાન,
વાળા ! એ વિધાન, ચાંપા ! કેને ચડાવીએ ?[6]

[માથા વિના જુદ્ધ કર્યું અને દેહ વિના દાન દીધાં: એવાં બે દુર્લભ બિરુદ અમે બીજા કોને ચડાવીએ , ચાંપારાજ વાળા ? એ તો એકલા તને જ ચડાવાય]

મારવાડનો એક બારોટ ચાલતો ચાલતો જેતપુર આવી પહોંચ્યો. એભલ વાળા પાસે જઇને એણે સવાલ કર્યો: ”રજપૂત, હું માગું તે દેશો? તમે તો દાનેશ્વરી ચાંપારાજના પિતા છો.”

એભલ વાળો બોલ્યો: ”ભલે બારોટ! પણ જોઇ વિચારીને માગજો, હાં!”

બારોટ કહે: ”બાપા, તમને પોતાને જ માંગું છું .”

એભલ વાળાને અચંબો લાગ્યો. એ બોલ્ય : “બારોટ, હું તો બુઢ્ઢો છું, મને લઇને તું શું કરવાનો હતો? મારી ચાકરી તારાથી શી રીતે થશે? તેં આ કઇ રીતની માગણી કરી ?”

બારોટે તો પોતાની માગણી બદલી નહિ, એટલે એ વૃદ્ધ દરબાર પોતાનું રાજપાટ ચાંપારાજથી નાનેર દીકરાને ભળાવીને બારોટની સાથે ચાલી નીકળ્યા.

રસ્તે જતાં દરબારે પૂછ્યું: “હેં બારોટ! સાચેસાચું કહેજો; આવી વિચિત્ર માગણી શા માટે કરી?”

બારોટે હસીને કહ્યું: ”બાપ મારવાડમાં તેડી જઇને મારે તમને પરણાવવા છે.”

એભલ વાળા હસી પડ્યા ને બોલ્યા:

”અરે ગાંડા, આ તું શું કહે છે? આટલી ઉંમરે મને મારવાડમાં લઇ જઇને પરણાવવાનું કાંઇ કારણ?”

બારોટ કહે:” કારણ તો એ જ કે મારે મારવાડમાં ચાંપારાજ વાળા જેવો વીરનર જન્માવવો છે, દરબાર!”

એભલ વાળાએ બારોતનો હાથ ઝાલીને પૂછ્યું: ”પણ બારોટ, તારી મારવાડમાં ચાંપારાજની મા મીનલદેવી જેવી કોઇ જડશે કે? ચાંપારાજ કોને પેટે અવતરશે?”

“કેવી મા?”

“સાંભળ ત્યારે. જે વખતે ચાંપારાજ માત્ર છ મહિનાનું બાળક હતો તે વખતે હું એક દિવસ રણવાસમાં જઇ ચડેલો. પારણામાં ચાંપરાજ સૂતો સૂતો રમે છે. એની માની સાથે વાત કરતાં કરતાં મારાથી જરાક અડપલું થઇ ગયું. ચાંપરાજની મા બોલ્યાં: હાં, હાં, ચાંપરાજ દેખે છે, હાં!”

“હું હસીને બોલ્યો: ‘જા રે ગાંડી. ચાંપરાજ છ મહિનાનું બાળક શું સમજે ? ‘બારોટ ! હું તો આટલું કહું છું, ત્યાં તો ચાંપરાજ પડખું ફેરવીને બીજી બાજુ જોઇ ગયો. હું તો રણવાસમાંથી બહાર ચાલ્યો આવ્યો, પણ પાછળથી એ શરમને લીધે ચાંપરાજની માએ અફીણ પીને આપઘાત કર્યો. બોલો, બારોટ! આવી સતી મારવાડમાં મળશે ?”

નિરાશ થઇને બારોટે કહ્યું: “ના.”

“બસ ત્યારે, હાલો પાછા જેતપુર.”

ચાંપો પોઢ્યો પારણે, એભલ અળવ્ય કરે.
મૂઇ મીણલદે, સોલંકણ સામે પગે.[7]

𓅨❀☘𓅨❀☘

  1. 'કાનિયો ઝાંપડો' વાર્તામાં તેના દુહા પૂરા આપેલા છે, એ અને આ બન્ને અંત્યજો એક જ છે કે જુદા જુદા તે નક્કી થતું નથી.