સૌરાષ્ટ્રની રસધાર
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૩
નિવેદન →



.


સૌરાષ્ટ્રની રસધાર



ભાગ
1



ઝવેરચંદ મેઘાણી




પ્રાપ્તિસ્થાન
ગુર્જર સાહિત્ય ભવન
રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ 380 001
ફોન : 079-22144663, 09227044777 email : goorjar@yahoo.com
ગૂર્જર સાહિત્ય પ્રકાશન
102, લેન્ડમાર્ક બિલ્ડિંગ, સીમા હોલ સામે, પ્રફ્લાદનગર, અમદાવાદ-15
ફોન : 079-26934340, 98252 68759
email : gurjarprakashan@gmail.com,
website : www.gspbooksmall.com

.





કિંમત : રૂ. 170
પુનર્મુદ્રણઃ 2021
 

આવૃત્તિ પહેલી : 1923, બીજી 1930, ત્રીજી 1935 ચોથી 1942 પાંચમી 1944

પુનર્મુદ્રણ : 1947, 1951, 1955, 1958, 1962, 1970, 1973
સુવર્ણજયંતી (પાંચમી) 1980

પુનર્મુદ્રણ 1982, 1983, 1991, 1994, 2003, 2005, 2006, 2007,2009
પુનર્મુદ્રણ2012,2015,2017, ઑગસ્ટ 2018, 2020 નવે. 2020





SAURASTRANI RSADHAR (Part-1)
tales of folklore of saurastra
by Jhaverchand Meghani
Pubished by Gurjar Grantharatna Karyalaya.
Gandhi Road, Ahmedabad 380 001, (India)


ISBN : 978-93-5162-866-8
પૃષ્ઠ:12-180
 

પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
અમરભાઈ ઠાકોરલાલ શાહ : રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380 001
ફોન : 079-22144663,09227044777 e-mail : goorjar@yahoo.com

ટાઇપસેટિંગ : શારદા મુદ્રણાલય
201, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ 380 006
ફોન : 26564279 email : sharda.mudranalay@gmail.com

મુદ્રક : ભગવતી ઑફસેટ
સી/16, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-380 004
M : 9825326202 email :bhagwatioffset@yahoo.com



પહેલી આવૃત્તિ

મુંબઈના કોઈ એક સાક્ષરે એવો નિ:શ્વાસ નાખેલો કે 'કાઠિયાવાડ-ગુજરાતની ભૂમિમાં પ્રેરણા સ્ફૂરે એવું કશું રહ્યું નથી એટલે આપણે એ પ્રેરણાની શોધમાં કાશ્મીરમાં જવું પડે છે?'

એવું આકરું મેણું પામેલા કાઠિયાવાડની - આ સૌરાષ્ટ્રની - પૂરી તો નહિ, પણ બની તેટલી પિછાન આપવાનો 'રસધાર'નો અભિલાષ છે.

સૌરાષ્ટ્રના મર્મભાવો આજે કાંઈ પહેલવહેલા પ્રકાશમાં આવે છે એવું નથી. દસદસ વરસ થયાં, કે કદાચ તેથી ય વધુ સમયથી, 'ગુજરાતી' પત્રના અંકોમાં સૌરાષ્ટ્રની પ્રાચીન કવિતાનો ઝરો ચાલુ જ રહ્યો છે. એનાં બિન્દુઓ ચાખ્યા પછી જ ઘણેભાગે એ રસ-માધુરીનો વધુ સ્વાદ બીજાઓને લાગ્યો હતો.

ત્યાર પછી 'કાઠિયાવાડી જવાહિર'ના પ્રયોજક સદ્ગત ખીમજી વસનજીએ પણ એ પ્રવાહની અંદર પોતાની નાની-શી નીક મિલાવી હતી. પણ નવા સાહિત્યના પ્રચંડ વેગમાં તે વખતે આપણો લોકસમુદાય તણાતો હતો. પ્રાચીનતા પ્રત્યે અતિશય અણગમો વ્યાપેલો હતો. પુનરુત્થાનનો યુગ હજુ નહોતો બેઠો.

ત્યાર પછી શ્રી કહાનજી ધર્મસિંહે 'કાઠિયાવાડી સાહિત્ય' નામના કાઠિયાવાડી દુહાઓના બે સંગ્રહો વાટે એ વહેણને જોશ દીધું. કમભાગ્યે એ સુંદર સંગ્રહની અંદર અર્થો સમજાવવનું રહી ગયું છે.

ત્યાર પછી શ્રી હરગોવિંદ પ્રેમશંકરે 'કાઠિયાવાડની જૂની વાર્તાઓ' પ્રગટ કરી. 'ગુજરાતી'માં પ્રસિદ્ધ થયેલી થોડીક વાર્તાઓ

ઉપરાંત પોતાની પાસેનો ઘણો સંગ્રહ તેમણે ગુજરાતી આલમને ધરી પોતાના અનેક વર્ષોના સાહિત્ય-પરિશ્રમને સફળ કર્યો.

પોરબંદરને તીરેથી પણ સુંદર ને સુવ્યવસ્થિત પ્રયાસ થયો. શ્રી જગજીવન પાઠકે 'મકરધ્વજવંશી મહીપમાળા' નામના નાનકડા પુસ્તકમાં 'જેઠવા વંશ'ના અતિ પ્રાચીન પૂર્વજોની હકીકતો ઇતિહાસનાં દટાયેલાં ખંડેરોમાંથી ખોદી કાઢી. ઘણે સ્પષ્ટરૂપે પ્રગટ કરી, એ માટીના પડેપડમાં બાઝેલું મનોહર સાહિત્ય સંક્ષેપમાં સાફ કરીને અજવાળે આણ્યું, છતાં જેઠવાઓની અદ્ભુત પ્રેમ-શૌર્ય કથાઓ હજુ પૂરેપૂરી પ્રગટ નથી થઈ. બરડાની બખોલોમાં કંઈ કંઈ મીઠા ઝરાઓ હજુ સંતાતા સંતાતા વહેતા હશે. એક દિવસ કોઈ ભોમીઓ આપણને એ બતાવશે.

આ 'રસધાર'ની અંદર જરા જુદો માર્ગ પણ લેવાયો છે. સૌરાષ્ટ્રની કેટલીએક કવિતા કેટલીએક શૌર્યવંત વ્યક્તિઓના ઇતિહાસની સાથે આલિંગીને ઊભી છે. બધીજ કવિતાઓ કોઈ નાલાયક પુરુષોની નથી. ગોહિલકુળ, જેઠવાકુળ, ઝાલાકુળ અથવા ખાચર ખુમાણ વગેરે નામાંકિત કાઠી-કુળોના એ બધા પુરુષો મહાન હતા. તેઓની જીવનકથાઓ, વિના-કવિતાએ પણ કવિતા સરખી જ રસવતી છે. જ્યાં જ્યાં જીવનની મહત્તા, ત્યાં ત્યાં કવિતા સરખી જ રસવતી છે. જ્યાં જ્યાં જીવનની મહત્તા, ત્યાં ત્યાં કવિતા તો સદાય પોતાની મૌન-વીણા લઈને બેઠેલી જ હોય છે.

હિમાલયનાં બરફ-શિખરો ઉપર સૂર્યનાં કિરણો પડે, અને વિગલિત બનીને ધારારૂપે વહેવા લાગતું એ બરફ-શિખર કદી ન ગાયેલું એવું કલકલ ગાન કરવા લાગે છે; એવી રીતે ઇતિહાસની અંદર પણ ચારણનાં કલ્પના-કિરણોનો સ્પર્શ થતાં, એવું જ અદ્ભુત એક ગાન ઊઠે છે. 'રસધાર'ની અંદર એકલી કલ્પના નથી ગાતી; ઇતિહાસને એ ગવરાવી રહી છે.

દુહાઓનું સાહિત્ય કેટલુંક બહાર આવ્યું છે; પરંતુ ગીતો, કવિતા અને છંદોનું સાહિત્ય હજુ પ્રસિદ્ધિ નથી પામ્યું. એ બધું સાહિત્ય પ્રગટ

કરવાનો 'સૌરાષ્ટ્ર'નો મનોરથ છે; જ્યાં સુધી આ સંગ્રહ ચાલી શકે ત્યાં સુધી પ્રતિવર્ષ 'રસધાર' દ્વારા એ મનોરથ પાર ઊતારવાની ઉમેદ છે. વાચકોએ સમજવા યત્ન કરશે, તો એમાંથી પણ રસનાં ઝરણાં છૂટશે.

એક-ની-એક જ વાત કહેવાની છે, કે પ્રાચીન સૌરાષ્ટ્રના હાર્દની આ એક પિછાન દેવાનો પરિશ્રમ છે. સૌરાષ્ટ્ર પોતાનાં પાંચ રત્નો વડે જ બીજા પ્રાંતોથી જુદો પડે છે અથવા ઊંચો ચડે છે, એમ નથી. સૌરાષ્ટ્રની વિશિષ્ટતા તો અનેક છે. સૌરાષ્ટ્ર એક અને એકલો જ છે. સૌરાષ્ટ્ર બે નથી. સૌરાષ્ટ્ર જેટલો જીવતો દેખાય છે તેથી અનેકગણો તો એ દટાયેલો પડ્યો છે.

આજથી બરાબર એક વરસ પહેલાં 'સૌરાષ્ટ્ર'ની અંદર ચાર વાર્તાઓ પ્રગટ થયેલી. 'રસધાર'નો ઝરો તે વખતથી શરૂ થયો. એ વાર્તાઓને મળેલા લોક-સત્કારથી જ 'રસધાર'ને પુસ્તકાકારે પ્રયોજવા પ્રેરણા થઈ એ મંગળમુહૂર્તનું ને પ્રેરણાનું માન હડાળના વિદ્વાન તેમ જ રસજ્ઞ દરબારશ્રી વાજસૂર વાળાને ઘટે છે. 'ચાંપારાજ વાળો' ને 'ભોળો કાત્યાળ' એમની જ કહેલી વાતો છે. કેટલાયે વાચક-યુગલોની આંખોમાંથી આંસુ પડાવનાર 'આહીરની ઉદારતા' અને 'પ્રબળ પાપનું પરિણામ' પણ એમણે જ લખી મોકલેલી બે વાતો. 'રસધાર'ના આરા પર એમનું નામ કાયમ અંકાયેલું રહેશે.

ત્યાર પછી 'આનું નામ તે ધણી' અને 'રંગ છે રવાભાઈને' એ બે મહામોલી ભેટ ધરનાર અમારા સ્નેહીભાઈ પોપટલાલ છગનલાલ વડોદ (દેવાણી)વાળા છે. સૌરાષ્ટ્રની રજપૂત કોમને માટે પ્રીતિની જે આગ એમના દિલમાં ભરી છે તેના જ આ બે તણખાઓ ગણી શકાય.

વળા રાજ્યના વિદ્વાન રાજકવિશ્રી 'ઠારણભાઈએ 'રાવળ જામ ને જેસા જમાદાર' તથા 'રાયસિંહજી'ની કાવ્યબદ્ધ કિંમતી વાતો સ્વહસ્તે લખી મોકલેલી, અને પોતાની પાસેનો ગીત-કવિતાનો મોટો ખજાનો અમારી પાસે ધરી દીધેલો; એમાંથી પણ અમે ઉપયોગ કર્યો છે. એ

પ્રૌઢ પ્રવીણ કવિશ્રીને કંઠથી ગાજતી ચારણી કવિતા સાંભળવી, એ એક જીવન-લ્હાણ છે. એવા કવિઓની આજે સૌરાષ્ટ્રમાં ખેંચ છે: જોડકણાં જોડનારા ચારણોનો રાફડો ફાટ્યો છે.

લીંબડીના રાજકવિ શ્રી શંકરદાનભાઈ તો 'સૌરાષ્ટ્ર'ની આ પ્રવૃત્તિ પર સદા ઓછા ઓછા જ થતા આવ્યા છે. 'રસધારની' અશુદ્ધિઓ શુદ્ધ કરવા તેમ જ કેટલીએક વાર્તાઓને લગતું દુહા-કવિતા વગેરે સાહિત્ય મેળવી આપવા તેઓ કાયમ હર્ષભેર આતુર રહે છે.

કાઠિયાવાડની ચારણ કોમના મુરબ્બી મનાતા એ પ્રખર વૃદ્ધ કવિ શ્રી પીંગળશીભાઈ, જે આજે ભાવનગરના રાજકવિપદને શોભાવી રહ્યા છે, એમની મમતાને તો 'રસધાર' શી રીતે ભૂલે ? કલાકોના કલાક સુધી બેસી બેસીને અતિ ધીરજ પૂર્વક અને રસભેર એમણે 'રસધાર'ના વહેણનો ખરબચડો માર્ગ સરખો કરી આપ્યો, ને પત્ર વ્યવહારથી પુછાવેલી હકીકતોના પણ વિના કંટાળ્યે ખુલાસાઓ મોકલ્યા. 'રા' નવધણ'ની વાર્તા એમની કહેલી છે; 'સેજકજી'ની અંદર યોજાયેલ છંદો પણ એમની જ મધુર કૃતિઓ છે.

'ગોકુળિયું નાનું ગામડિયું' વગેરે મનમોહક પદો રચી કોઈ પુરાણા ભક્તકવિની ભ્રાંતિ કરાવનાર, ગામડિયા લોકોને ગાવા માટે ભક્તિભર્યાં ગીતો રચી ગામડે ગામડે ચટક લગાડનાર આ પીંગળશી કવિ સૌરાષ્ટ્રમાં એક છે - બે નથી. આશા રાખીએ છીએ કે એમણે જે આપ્યું છે તેની વિશેષ જાણ થાય, અને જીવનના આ સંધ્યાકાળે એ કવિ વધુ ને વધુ ભજનો લલકારે.

આ ઉપરાંત કવિ કનરાજે પોતાને પાસેનો આખો દુહા-સંગ્રહ ઉપયોગને માટે અમને આપી દીધો; તેમનો ઉપકાર માનવો અમે ચૂકી શકતા નથી.

કાઠિયાવાડના ક્ષત્રીઓના કિરીટરૂપ કૅપ્ટન જોરાવરસિંહભાઈએ આ 'રસધાર'માં અનેક રીતે સહાય કરી છે. તેનું ઋણ પણ જેટલા અંશે આથી ચુકવાયું હોય એટલે અંશે અમે ચૂકવવાનું યોગ્ય ધારીએ છીએ.

છેલ્લું અને વધુ અગત્યનું નામ આવે છે અમારે ત્યાં જ રહી અમારી સાથે કામ કરનાર ગઢવી શ્રી માધવદાનભાઈનું. એક તરફથી અમે 'રસધાર'નું નામ જાહેર કરી નાખ્યું; ત્યાં બીજા જ પ્રભાતે આ ગઢવીનું 'સૌરાષ્ટ્ર'ને દ્વારે અકસ્માત્ આગમન થયું. મોટા કવિઓની પાસે જે વૃતાંતો ન મળી શકે, તેવાં કેટલાંક વૃતાંતો ભાઈ માધવદાન પોતાની નાનાં ગામોની મુસાફરીમાંથી મેળવી શકેલા છે.

કેટલાએક સંગ્રહ તૈયાર કરેલો પડ્યો રહ્યો છે. વિશેષ સંશોધન ચાલુ જ છે. આવતે વર્ષે પણ એ-ને-એ જ રસ 'સૌરાષ્ટ્ર'ના પ્રેમીઓને અમે પાવાના છીએ. બેશક, આવતા વર્ષનો સંગ્રહ વધુ શુદ્ધ અને વધુ રસભર્યો થવાનો.

૧૯-૧૦-૧૯૨૩
ઝવેરચંદ મેઘાણી
 

નવે અવતારે

સાત વર્ષ વીતી ગયાં. તે દિવસે કલ્પના નહોતી, પણ આજે જ્યારે એ સાત વર્ષ પૂર્વે પ્રગટ થયેલી 'રસધાર:ધારા પહેલી'ની પ્રથમ આવૃત્તિ ઉપર દૃષ્ટિ પડે છે ત્યારે પ્રતીતિ થાય છે કે 'તરણા ઓથે ડુંગર રે, દુંગર કોઈ દેખે નહિ!'

એ ડુંગરેડુંગરાની શિખરમાલામાં મને સાત-સાત વર્ષ સુધી વિહાર કરાવનારા અને એની ખીણે ખીણેથી પાંચ 'રસધારો', 'સોરઠી બહારવટીયા', 'સોરઠી ગીતો' વગેરેના ઢગેઢગ ઇતિહાસ-સાહિત્ય સંઘરાવનારા અનેકમાંથી હું આજ આંગળી ચીંધીને કોને નોખા પાડું? કોનું ઋણ સ્વીકારું? સર્વના પ્રેરણહાર શ્રી પ્રભુજીના ખોળામાં જ મારાં આ સમગ્ર આભારવંદનો ઠાલવી આપું છું. પરમાત્મા મારા સૌ નાના મોટા સહાયકોને, શુભચિંતકોને આ વંદનો વહેંચી આપજો!

સાત વર્ષો પૂર્વે નહોતી લખાવટની શૈલી કે નહોતો પૂરો અનુભવ. વિવેકદૃષ્ટિ પણ ઊઘડી નહોતી. છતાં એવી મારી મર્યાદાઓ તરફ જોયા વિના, આત્મશ્રદ્ધાથી ઊભરાતા મારા ભાઈ શ્રી અમૃતલાલ શેઠે ઓચિંતો 'રસધાર' ભેટ દેવાનો જાહેર પ્રજાને કોલ દીધો. મારામાં એણે પોતાની ચેતના ફૂંકી; મારી અપૂર્ણતાઓને એમણે મોટે મને નિભાવી લીધી. પણ ઉતાવળ અતિશય કરવી પડી હતી, તેને પરિણામે પહેલા ભાગનાં લેખન, મુદ્રણ, રૂપરંગ વગેરે બધાં અંગો, આજે તો જોયાં ન જાય તેવા ફિક્કાં ને કદરૂપ ઊતર્યાં હતાં. વાચકગણ, તમે સહુએ એ બધી ત્રુટિઓ પ્રત્યે ઘણી ઘણી ધીરજ દાખવી છે. ગુજરાતે મારા દોષો દરગુજર કર્યા છે, એનું ભાન મને નિરંતર રહ્યા કર્યું છે.

એ બધી હૂંફને પ્રતાપે જ મારું બલ ટકી શક્યું છે, અને પહેલા ભાગની આ બીજી આવૃત્તિને મેં નવી જ શૈલીએ ફરી વાર લખી કાઢી, જૂનાની ભસ્મમાંથી જાગેલા નવા અવતાર જેવી બનાવવા યત્ન કર્યો છે.

જૂની વાર્તાઓમાં વિગતવાર તો ઘણાં ફેરફારો કરી લીધા છે. પરંતુ તે ઉપરાંત એક મોટી ઊથલપાથલ કરવી જરૂરી લાગી છે: 'રાયસિંહજી' તથા 'રાવળ જામ ને જેસો વજીર' એ બન્ને વાર્તાઓ નિરર્થક તેમ જ આડંબરી જણાવાથી રદ કરી છે. 'લા ગોહિલ' તથા 'ગેમલજી ગોહિલ' તથા 'રા'નવધણ' આ પ્રથમ ભાગમાં એની મૂલ્ય-મર્યાદાને અંગે ન સમાઈ શકવાને લીધે રાખી લેવી પડી છે. એ બન્ને કથાઓ તો 'રસધાર:ધારા બીજી'ની જે નવી આવૃત્તિ આવી જ શૈલીએ લખાઈ રહી છે તેમાં દેવાશે. બીજાં જે પરચૂરણ કાવ્યો રહી ગયાં છે તેને પણ 'ધારા બીજી'માં ધરી દેશું.

સાત વર્ષની અંદર આ સંગ્રહોએ કેવળ લોકહ્રદયમાં જ નહિ પરંતુ શિષ્ટ સાહિત્યની દુનિયામાં, શિક્ષણની નવી રચાતી ચોપડીઓમાં, લેખકોનાં શૈલી-ઘડતરમાં તેમ જ વિચાર-ઘડતરમાં જે સ્થાન લીધું છે તેને, લેશમાત્ર અભિમાન કર્યા વિના, હું મારા જીવનની ઊંચી કમાઈ સમ લેખું છું અને નવું પ્રોત્સાહન પામું છું.


રાણપુર : વસંત પંચમી : સ૦ ૧૯૮૫
ઝ○ મે○
 

[છઠ્ઠી આવૃત્તિ]

આ કથાઓમાં આવતા દુહા-છંદોમાં કેટલીક ભૂલો અગાઉનાં મુદ્રણો વખતે શિથિલ પ્રૂફવાચનને કારણે ઉત્તરોત્તર દાખલ થઈ ગઈ હશે અને કેટલાક મૂળ પાઠો જ ક્ષતિવાળા હશે એ વાત તરફ ડિંગળી સાહિત્યના અભ્યાસી શ્રી રતુભાઈ રોહડિયાએ અમારું ધ્યાન દોર્યું અને આવી ભૂલો તારવી આપી. આ પછી પહેલાથી છેલ્લા પાના સુધીના તમામ કાવ્યાંશોની શુદ્ધિ તપાસી લેવાનું અને યોગ્ય ધાર્યું. શ્રી રતુભાઈ રોહડિયા ઉપરાંત શ્રી તખતદાન રોહડિયાએ સૂચવેલાં ક્ષતિઓ-પાઠાન્તરો

શ્રી મકરન્દ દવેની વિવેકવંતી સરાણે ચડીને પાર ઊતર્યા એ આ આવૃત્તિમાં સમાવી લીધાં છે. આ દરમિયાન કેટલીક શંકાઓ ઊભી થઈ એ અંગેની સ્પષ્ટતાઓ શ્રી બળદેવભાઈ નરેલાએ અને શ્રી જયમલ્લ પરમારે પૂરી પાડી છે. ‘રસધાર’ના ત્રીજા ભાગને છેડે અને ચોથા ભાગની ત્રીજી આવૃત્તિને અંતે) તળપદા સોરઠી શબ્દો અને રૂઢિપ્રયોગોના અર્થો આપ્યા છે. કથાઓમાં આવતા બીજા અનેક શબ્દો અને રૂઢિપ્રયોગોના અર્થો આટલા કાળાન્તરે ઉમેરવા જેવા લાગ્યા એ શ્રી ખોડીદસ પરમારે તૈયાર કરી આપ્યા; એનો ઉપયોગ કરીને આ અર્થસારણી વિસ્તારી છે. આ ઉમેરણને પણ શ્રી મકરન્દ દવેની ચકાસણીનો લાભ મળ્યો છે. ‘રસધાર’ની આ આવૃત્તિ હવે આમ વિશેષ પ્રમાણભૂત બને છે એમાં આ સહુ મિત્રો-સ્નેહીઓના ઝાઝા હાથ રળિયામણા નીવડ્યા છે. એમાં એમનો ‘રસધાર’ અને તેના લેખક પ્રત્યેનો ઊંચો પ્રેમાદર જોઈએ છીએ અને અમારો આભાર વ્યક્ત કરીએ છીએ.

23 ઑગસ્ટ 1980: 84મી મેઘાણી-જયન્તી.
જયંત મેઘાણી
 

‘સોરઠી બોલીનો કોશ’ અને ‘કાઠી અને ચારણી બોલીની ખાસિયતો’ એ બેઉ પરિશિષ્ટ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની અગાઉની આવૃત્તિઓમાં ત્રીજા ભાગમાં હતા. એ સામગ્રી હવે પાંચમા ભાગના અંતમાં મૂકી છે. પાંચેય ભાગની કથાઓની સંકલિત સૂચિ પણ હવે પાંચમા ભાગમાં ઉમેરી છે.

2003
જયંત મેઘાણી
 

.



સૌરાષ્ટ્રની રસધાર

ભાગ 1