← નિવેદન સૌરાષ્ટ્રની રસધાર ૧
નવે અવતારે
ઝવેરચંદ મેઘાણી
૧. રંગ છે રવાભાઈને →


નવે અવતારે

સાત વર્ષ વીતી ગયાં. તે દિવસે કલ્પના નહોતી, પણ આજે જ્યારે એ સાત વર્ષ પૂર્વે પ્રગટ થયેલી 'રસધાર:ધારા પહેલી'ની પ્રથમ આવૃત્તિ ઉપર દૃષ્ટિ પડે છે ત્યારે પ્રતીતિ થાય છે કે 'તરણા ઓથે ડુંગર રે, દુંગર કોઈ દેખે નહિ!'

એ ડુંગરેડુંગરાની શિખરમાલામાં મને સાત-સાત વર્ષ સુધી વિહાર કરાવનારા અને એની ખીણે ખીણેથી પાંચ 'રસધારો', 'સોરઠી બહારવટીયા', 'સોરઠી ગીતો' વગેરેના ઢગેઢગ ઇતિહાસ-સાહિત્ય સંઘરાવનારા અનેકમાંથી હું આજ આંગળી ચીંધીને કોને નોખા પાડું? કોનું ઋણ સ્વીકારું? સર્વના પ્રેરણહાર શ્રી પ્રભુજીના ખોળામાં જ મારાં આ સમગ્ર આભારવંદનો ઠાલવી આપું છું. પરમાત્મા મારા સૌ નાના મોટા સહાયકોને, શુભચિંતકોને આ વંદનો વહેંચી આપજો!

સાત વર્ષો પૂર્વે નહોતી લખાવટની શૈલી કે નહોતો પૂરો અનુભવ. વિવેકદૃષ્ટિ પણ ઊઘડી નહોતી. છતાં એવી મારી મર્યાદાઓ તરફ જોયા વિના, આત્મશ્રદ્ધાથી ઊભરાતા મારા ભાઈ શ્રી અમૃતલાલ શેઠે ઓચિંતો 'રસધાર' ભેટ દેવાનો જાહેર પ્રજાને કોલ દીધો. મારામાં એણે પોતાની ચેતના ફૂંકી; મારી અપૂર્ણતાઓને એમણે મોટે મને નિભાવી લીધી. પણ ઉતાવળ અતિશય કરવી પડી હતી, તેને પરિણામે પહેલા ભાગનાં લેખન, મુદ્રણ, રૂપરંગ વગેરે બધાં અંગો, આજે તો જોયાં ન જાય તેવા ફિક્કાં ને કદરૂપ ઊતર્યાં હતાં. વાચકગણ, તમે સહુએ એ બધી ત્રુટિઓ પ્રત્યે ઘણી ઘણી ધીરજ દાખવી છે. ગુજરાતે મારા દોષો દરગુજર કર્યા છે, એનું ભાન મને નિરંતર રહ્યા કર્યું છે. એ બધી હૂંફને પ્રતાપે જ મારું બલ ટકી શક્યું છે, અને પહેલા ભાગની આ બીજી આવૃત્તિને મેં નવી જ શૈલીએ ફરી વાર લખી કાઢી, જૂનાની ભસ્મમાંથી જાગેલા નવા અવતાર જેવી બનાવવા યત્ન કર્યો છે.

જૂની વાર્તાઓમાં વિગતવાર તો ઘણાં ફેરફારો કરી લીધા છે. પરંતુ તે ઉપરાંત એક મોટી ઊથલપાથલ કરવી જરૂરી લાગી છે: 'રાયસિંહજી' તથા 'રાવળ જામ ને જેસો વજીર' એ બન્ને વાર્તાઓ નિરર્થક તેમ જ આડંબરી જણાવાથી રદ કરી છે. 'લા ગોહિલ' તથા 'ગેમલજી ગોહિલ' તથા 'રા'નવધણ' આ પ્રથમ ભાગમાં એની મૂલ્ય-મર્યાદાને અંગે ન સમાઈ શકવાને લીધે રાખી લેવી પડી છે. એ બન્ને કથાઓ તો 'રસધાર:ધારા બીજી'ની જે નવી આવૃત્તિ આવી જ શૈલીએ લખાઈ રહી છે તેમાં દેવાશે. બીજાં જે પરચૂરણ કાવ્યો રહી ગયાં છે તેને પણ 'ધારા બીજી'માં ધરી દેશું.

સાત વર્ષની અંદર આ સંગ્રહોએ કેવળ લોકહ્રદયમાં જ નહિ પરંતુ શિષ્ટ સાહિત્યની દુનિયામાં, શિક્ષણની નવી રચાતી ચોપડીઓમાં, લેખકોનાં શૈલી-ઘડતરમાં તેમ જ વિચાર-ઘડતરમાં જે સ્થાન લીધું છે તેને, લેશમાત્ર અભિમાન કર્યા વિના, હું મારા જીવનની ઊંચી કમાઈ સમ લેખું છું અને નવું પ્રોત્સાહન પામું છું.


રાણપુર : વસંત પંચમી : સ૦ ૧૯૮૫
ઝ○ મે○
 

[છઠ્ઠી આવૃત્તિ]

આ કથાઓમાં આવતા દુહા-છંદોમાં કેટલીક ભૂલો અગાઉનાં મુદ્રણો વખતે શિથિલ પ્રૂફવાચનને કારણે ઉત્તરોત્તર દાખલ થઈ ગઈ હશે અને કેટલાક મૂળ પાઠો જ ક્ષતિવાળા હશે એ વાત તરફ ડિંગળી સાહિત્યના અભ્યાસી શ્રી રતુભાઈ રોહડિયાએ અમારું ધ્યાન દોર્યું અને આવી ભૂલો તારવી આપી. આ પછી પહેલાથી છેલ્લા પાના સુધીના તમામ કાવ્યાંશોની શુદ્ધિ તપાસી લેવાનું અને યોગ્ય ધાર્યું. શ્રી રતુભાઈ રોહડિયા ઉપરાંત શ્રી તખતદાન રોહડિયાએ સૂચવેલાં ક્ષતિઓ-પાઠાન્તરો