← હોથલ સૌરાષ્ટ્રની રસધાર ૪
વરજાંગ ધાધલ
ઝવેરચંદ મેઘાણી
ઓળીપો →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


વરજાંગ ધાધલ

મરાપરીની અપ્સરાઓ મખમલના ગાલીચા ઉપર નાટારંભ કરતી ઇંદ્રનો શાપ પામીને મૃત્યુલોકમાં આવી પડી હોય એવી પચીસ જાતવંત ઘોડીઓ જેતપુરમાં દેવા વાળાની ડેલી બહાર પોચી ધૂળમાં રુમઝુમાટ કરે છે. પડછંદ કાઠી અસવારોના પંજામાં લગામ કસકસે છે. પ્રભાતને પહેલે પહેરે પચીસ બરછીદાર કાઠીઓ, પૂળા પૂળા જેવડી મૂછ પર હાથ નાખતા ઘોડીઓને રાંગમાં રમાડે છે. ગોપીઓમાં કાન ખેલતો હોય તેવો દેવા વાળાનો પાણીદાર ઘોડો જાણે કે પોતે એકલો જ અડવો રહેલ હોવાથી અદેખાઈ આવતી હોય તેમ પોતાના ધણીને હાવળ દેવા લાગ્યો કે, “હાલો ! હાલે ! હાલો !”

આપો દેવો વાળા આવ્યા. દાઢીના થોભિયા ખભા પર ઢળકતા આવે છે, હાથમાં ભાલો અને ભેટમાં તલવાર છે, લોહીનો છાંટોય કાઢ્યા વિના આરપાર વીંધી નાખે એવાં એનાં નેત્ર છે. ‘જૅ દેવળ વાળા !’ કહીને જેમ દેવો વાળો પેંગડામાં એક પગ પરોવવા જાય છે, તેમ સામેથી ચાલ્યા આવતા ચારણે ઊંચો હાથ કરીને લલકાર દીધો કે, “ખમા, ખમા તુંને, બાપ !”

કમર બાંધ્ય ભાલાં ભર ઊઠિયો બળાક્રમ,
ધરા ચારે દૃશ્યે જાણ્ય ધસિયા,
'દેવક્રણ, માન્ય રે માન્ય હલવણ દળાં,
કણીસર હેમરે જિયણ કસિયાં?

યુદ્ધને કાજે ભેટ બાંધી, ભમ્મરે ભાલાં ઉપાડી, ઓ કરણશા શૂર
દેવા વાળા, બોલ રે બોલ, એ સૈન્ય ચલાવનારા, આજ તેં કયા શત્રુને માથે હલ્લો કરવા માટે ઘોડા ઉપર જીન કસકસ્યાં છે ?

જરદ સાંપ્યાં નરા, પાખરાં જાગમેં,
સજસ ઉકરસ વધે વ્યોમ છબિયા,
તું હારા આજ પ્રજમાજ કાંથડ તણા!
હમસકી ઉપરે ધમસ હબિયા.

આજ તેં તારા જોદ્ધાઓને બખતર પહેરાવ્યાં છે, અને અશ્વોને પાખર સજાવ્યાં છે; તારો સુયશ અને ઉત્કર્ષ ઉછળી ઊછળીને આભમાં અડકે છે; કાઠીઓની ત્રણ પરજોની માઝારૂપ હે કાંથડ વાળાના પુત્ર, આજ કોના ઉપર તારો હુમલો થવાનો છે ?

સાથિયા ભાથિયા થકી દળ સાજિયા,
વાગિયાં ઘોર પંચશબદ વાજાં
આજ તુંહારા કિયા કણી દશ ઉપરાં,
તોર કટકા હુવા બિયા નાજા?

તારા સંગાથીઓનું આ સૈન્ય સજ્યું છે. પાંચ સૂરે ઘોર વાજિંત્રો વાગી રહ્યાં છે. આજ કઈ દિશા ઉપર, હે (ભીમોરાના ધણી પછીના) બીજા નાજા વાળા, તારું કટક પડવાનું છે?

સાયલા, મોરબી, લીંબડી તણે સર,
સિયોરો જગાડછ વેર સૂતો?
(કે) કોટ સરધારરો ઘાણ રણ કાઢવા,
રાણ વખતાસરે ફરછ રૂઠો?

તું તે સાયલા, મોરબી, લીંબડી કે શિહોર સાથેનાં તારાં સૂતેલાં વેરને જગાડી રહ્યો છે, અથવા તો શું સરધારના કોટનો નાશ કરવા કે ભાવનગરવાળા ભોપાળ વખતસિંહજી પર રૂઠ્યો ફરી રહ્યો છે?

એ સનાળીના ચારણ કસિયા નીલાએ પ્રભાતને પહોર આપા દેવાને રાતીચોળ આંખે ઘોડે ચડતો દીઠો. લાગ્યું કે નક્કી કોઈ જોરાવર વેરીના પ્રાણ લેવા દેવો વાળો જાય છે. મનમાં થયું કે હું દેવીપુત્ર સામો મળું અને શું આજ બાપડા કોઈક વીર નરની હત્યા થશે? તો તો મારાં લોહીનાં શુકન લેખાય. દેવાને એક વાર હેઠો ઉતારું. પણ ‘ક્યાં’કારો તે અપશુકન લેખાય છે. એટલે ચારણે બિરદાવળીનું આ સપાખરું ગીત બાંધ્યું.

એ ચારણી વાણી સાંભળતાં સાંભળતાં આપો દેવો વાળો પેંગડા પર એક પગભર થંભી ગયા. ગીત પૂરું થયે દેવા વાળાએ પગ કાઢીને અતિથિ સામે ડગલાં ભર્યાં. ચારણને હાથ લંબાવી રામ રામ દીધા-લીધા. કસિયોભાઈ પૂછે છે :

“બાપ ! આવી બધી તૈયારી આજ કોને માથે કરી ?”

“કસિયાભાઈ ! વરજાંગડો આજ ઢોળવામાં રાત છે. ઘરમાં ભરાણો છે. વરજાંગને ઝાટકો દેવા જાઉં છું.”

“વાહ ! વાહ! વાહ ! વાહ ! કાઠી !” એમ ભલકારા દઈને કસિયા નીલાએ દુહો કહ્યો :

ગાજે વ્રેહમંડ ઘોર, ભોંયવડાને લાગો ભડક,
જેતાણે સિંહ જોર, દેવો ઝરડકિયું દિયે.

“હાલે આપા, હુંય હાર્યે આવું છું.”

“બહુ સારું. પણ હવે તો કસૂંબો લઈને પછી ચડીએ.”

ઊભાં ઊભાં એક અંજલિ કસૂંબો લઈ કસિયાભાઈને લેવરાવીને પચીસ ઘોડે દેવો વાળો ચડી નીકળ્યા. ઝાકળ એવી વરસવા માંડી છે કે ઝાડવુંય સૂઝતું નથી. ધીરે ધીરે ઘોડાં વાટ કાપતાં જાય છે.

ચારણની હિંમત

“થોડીક વાર તો જંપી જાઓ ! થાક નથી લાગતો?” સૂતેલા પુરુષના લાંબા લાંબા કેશની ગૂંચ ઉકેલતી ઉકેલતી સ્ત્રી બોલી.

"તારી છાતીએ માથું મૂકતાં તો તલવારના ઘા સોત મળી જાય છે. પછી વળી થાક કેવા? અને આજ તો જંપવું કેમ ગમે? પલક વારેય આંખ મળતી નથી. આટલે દિવસે આવીનેય ઊંઘવા બેસાય, ગાંડી?” સ્ત્રીના ખોળામાં સૂતો સૂતો બહારવટિયો બોલ્યો.

“માડી રે !” સ્વામીના હૈયા ઉપર હાથ મૂકીને સ્ત્રી ચોંકે છે. “આવડા બધા ધબકારા ! એવું કયું ઘોર પાતક કરી નાખ્યું છે, કાઠી”

“કાઠિયાણી, શું કરું? આપણે માથે સમો એવો છે. આજ હું મારા સગા બાપના ઘરમાંયે ચોર બનીને દાખલ થાઉં છું. દેવો વાળો તો સાવજ છે. એને દુશ્મનની ઘ્રાણ્ય આવે છે.”

“આમ ફડકમાં ને ફડકમાં ક્યાં સુધી જીવી શકાશે? પરણીને આવી છું તે દીથી જ પથારીમાં એકલી ફફડું છું. રાતે ભેરવને બોલતી સાંભળું છું કે તરત સૂરજને બબ્બે શ્રીફળની માનતા માનું છું. વામાં કમાડ ખખડે ત્યાં તો જાણે ‘તું આવ્યો’ સમજીને ડેલી ઉઘાડવા દોડું છું. સોણાં આવે છે તેમાંય આપણી તાજણના ડાબા સાંભળી સાંભળી ઝબકું છું.”

એટલું બોલતાં તો કાઠિયાણીની કાળી ભમ્મર બે મોટી આંખમાં પાણી બંધાઈ ગયાં. ગાલે લીલાં ત્રાજવાં હતાં તેની ઉપર આંસુડાં પડ્યાં અને એ ઉપર દીવાનું પ્રતિબિંબ બંધાયું. ગાલ વચ્ચે જાણે હીરાકણીઓ જડાઈ ગઈ.

“કાઠિયાણી!” હાથમાં હાથ લઈને પુરુષે હેત છાંટ્યું. “એમ કોચવાઈ જવાય? પાડાની કાંધ જેવો ઢોળવાનો ગરાસ ધૂળ મેળવવો મને શું ગમતો હશે? તારા ખોળાના વિસામા મેલીને હું મારી કાયાને કોતરમાં, ઝાડીઓમાં, વેરાનમાં રગદોળતો ભાટકું છું એની વેદના હું કેને જઈને બતાવું? પણ શું કરું? ભગવાને બે ભુજાઓ દીધી છે છતાં જો અન્યાયથી દેવો વાળો ઢોળવું આંચકી લે ને હું એ સાંખી લઉં, તો તો મારા પૂર્વજોની સાત પેઢીઓને ખોટ બેસે. તેમ છતાંયે તું થાકી હો તો મારે બા’રવટું નથી કરવું. જે કટકો જમીન દેવો વાળો આપશે તેટલી લઈને હું આવતો રહીશ.”

“ના ના મારા સાવજ !” ભ્રૂકુટિ ચડાવીને કાઠિયાણીએ પતિને ખાતરી આપી: “ના, તું તારે જીવ્ય ત્યાં લગી ઝૂઝજે. મારાથી ઘડીક અબળા બની જવાણું, પણ તું ડગીશ મા. તું બહારવટિયો બન્યો ત્યારથી તો મને સાતગણો વધુ વહાલો લાગછ. હું તો તારી માટીવટને પૂજનારી. તું ચૂડિયું પહેરીશ તે દી તો હું મારા ચૂડલાના કટકા કરી નાખીશ.”

ફાટ્યાતૂટ્યા મલીરના પાલવ વડે કાઠિયાણીએ પોતાની પાંપણો અને ગાલ લૂછી નાખ્યાં. સૌભાગ્યની બે જૂની ચૂડલી સિવાયના શણગાર વિહોણા એના શામળા દેહને રૂંવાડે જાણે કોઈ રાજલોકનું રાણીપદ પ્રકાશી ઊઠ્યું. નવલખા રત્નહાર કરતાં પણ વધુ સોહામણા પોતાના વીર-બાહુને કાઠિયાણીના કંઠે વીંટાળી વરજાંગ બોલ્યોઃ “કાઠિયાણી ! તને તો આવાં જ વેણ શોભે. અને આવી તપસ્યા કરતાં કરતાં મહિને છ મહિને મેળાપના ચાર પહોર મળે એની મીઠાશ તે ક્યાંય થાવી છે ? સાત વરસનો સ્વાદ જાણે સામટો મળે છે. શિલાઓની સાથે કાયાને પછાડી પછાડીને એક તારા સુંવાળા ખોળામાં પોઢવું એના જેવું સુખ બીજું કોણ માણી જાણશે ?”

“લ્યો તમારા માથામાં તેલ ભરું.” અઢાર ઓસડિયાં ઉકાળીને પોતાને હાથે કઢેલું ધુપેલ તેલ કાઠિયાણી પોતાના કંથની જટામાં ઘસવા લાગી. તે દિવસ લાગ્યો તે રૂપાળો તો ધણી કોઈ દિવસ નહોતો લાગ્યો. ચંપાના છોડને જાણે નાગરવેલ વીંટળાઈ વળી. સવાર પડી ગયું, પણ દીવા ઠારવાનું ભાન રહ્યું નથી. માથામાં ઠંડક થઈ એટલે ઘડી-બે ઘડી કાઠીની આંખ મળી ગઈ છે. ત્યાં તો કમાડ ભભડ્યું. ‘વરજાંગડા ! વરજાંગડા ! ભાગજે. દેવો વાળો આવે છે’ – એવો સંદેશો બોલ્યો. વરજાંગ કાઠિયાણીને રામ રામ કરીને ભાગ્યો. ફળીમાં ઘોડી પલાણેલી તૈયાર હતી. ચડીને ચોર ચાલી નીકળ્યો.

ઘડી પહેલાં ક્યાં હતો ? તંબોલવરણા હોઠવાળી કાઠિયાણીના હૈયા ઉપર ! અને પલકમાં ક્યાં જઈ પડ્યો ? દસ વરસથી વિજોગ વેઠતો ભાગતો વરજાંગ હૈયું હાથ રાખી શક્યો નહિ. ચાતકની જોડલી સરખાં બેય માનવીની વચ્ચે દેવા વાળાની અદાવતરૂપ રાત અંધારી ગઈ છે; વચમાં કાળની નદી વહી જાય છે. કાઠિયાણી ઢોળવે રહે, અને વરજાંગને રહેવું ભેંસાણ રાણપુરમાં ! જીવતર અકારું બન્યું.

થોડીક વાર એ થંભી ગયો. પાછા વળીને દેવા વાળના પગમાં પડી જવાનું મન થઈ ગયું. તાજો છોડેલો સુંવાળો ખોળો સાંભરી આવ્યો. વરજાંગ જાણે પડ્યો કે પડશે ! માટીવટ પીગળવા માંડી. વગડામાં એણે તાજણને થંભાવી દીધી.

ત્યાં તો એણે શું જોયું? કાઠિયાણીનું ઠપકાભર્યું મોં! એ મોંમાંથી જાણે વાચા ફૂટી કે, ‘વરજાંગ ! મારો વરજાંગ તો મરી ગયો ! તને હું નથી ઓળખતી.’

‘અહાહાહા !’

‘ફટ્ય મનસૂબા ! લોહી-માંસના લોચામાં જીવ લોભાણો !’

એટલું બોલીને વરજાંગડે ઘોડીને દોડાવી મૂકી. મહાજુદ્ધમાં રમી આવ્યા હોય એવો રેબઝેબ પરસેવો એને આખે અંગે ટપકવા માંડ્યો. તાજણના ડાબામાંથી શાબાશીના સૂર સાંભળ્યા.

ધડ ! ધડ ! ખડકીનાં કમાડ પર કાઠીઓનાં ભાલાં પડ્યાં અને દેવા વાળાએ ત્રાડ દીધી: “બા’રો નીકળ્ય ! મલકના ચોલટા, બા’રો નીકળ્ય ! બાયડીની સોડ્યમાં બહુ સૂતો !” “આપા દેવા વાળા !” કાઠિયાણીએ ખડકી ઉઘાડીને લાંબા ઘૂમટામાંથી ઉત્તર દીધો, “કાઠી ઘરે નથી અને કીડીને માથે કટક લઈને તું ચડી આવ્ય એમાં તારું વડપણ ન વદે. બાકી તો અણછાજતાં વેણ આપા દેવાના મોઢામાં હોય નહિ. દેવતાઈ નર દેવો વાળો આજ ઊઠીને પોતાની દીકરીને ભોંઠપ કાં દઈ રહ્યો છે?”

“દીકરી, વરજાંગ અહીં રાત હતો?” હેતાળ અવાજે દરબારે પૂછ્યું. એ અવાજમાં પસ્તાવો હતો. “હા !”

“કોણે ચેતાવ્યો?”

“મેં !” કસિયાભાઈ ચારણે પાછળથી જવાબ દીધો.

“કસિયાભાઈ, તમે? ખુટામણ?”

“આપા દેવા વાળા ! કસિયો ભાળે, ને તું વીરા વાળાનો પોતરો ઊઠીને વરજાંગ જેવા ખાનદાન કાઠીને દગાથી મારે — એ વાત બ્રહ્માંડેય બને કદી? આપા દેવા ! જરા વિચાર કર, વરજાંગડો એકલે હાથે તારાં અનોધાં જોર સામે ઝૂઝે છે, હક્કને કારણે માથું હાથમાં લઈને ફરે છે. એના ખડિયામાં ખાંપણ ને મોંમાં તુલસીનાં પાંદડાં તે લેવરાવ્યાં, તોય કાળ ઊતરતો નથી, આપા ?”

દેવો વાળો ધગી ગયા, પણ કસિયાભાઈને જોઈને અબોલ બની ગયા. કાળમાં ને કાળમાં એણે ઘોડાં ઉપાડ્યાં. ભૂખ્યા ને તરસ્યા અંજલિ કસૂંબો લીધા વગર ઠેઠ જાતાં ઘોડાં ગોહિલવાડમાં લાખણકાને માથે કાઢ્યાં. જઈને —

બાળ્યું લાખણકું બધું, કટકે કાંથડકા,
(તેના) ભાવાણે ભડકા, દીઠા વખતે દેવડા

કાંથડના કુંવર દેવાએ લાખણકું ગામ સળગાવ્યું અને એના ભડકા ભાવેણાના ધણી વખતસંગજીએ પોતાની અટારીમાં બેઠાં બેઠાં દેખ્યા. પણ
શી જાતની આગ લગાડી ?

“આપા દેવા ! આગ લગાડીશ ? સૂરજ સાંખશે?” કસિયાભાઈએ પૂછ્યું.

“કસિયાભાઈ ! હું દેવો વાળો. સળગાવું નહિ. એલા, ચાર વાંસડા ખોડો. ચારેના છેડા સળગાવો.”

“પણ આપા દેવા ! આના ભડકા આતો ભાઈ કેમ ભાળશે ?”

“આતાભાઈને કહેવરાવો કે લાખણકું બાળવું હોય તો આટલી જ વાર લાગે; પણ તેં ચીતળને માથે જે આદું વાવ્યાં છે, તેનું વેર હું આ માર્ગે ન વાળું.”

“શાબાશ, મારો દેવડો ! તારી ખાનદાનીની ઝાળ આતાભાઈના ગુમાનને ભસ્મ કરી નાખશે.”

“અને આતાભાઈના કાકા કાંયાજીને આપણી હારે લઈ લ્યો; ભાવનગરના ધણીને કહેવરાવો કે વે’લા વે’લા છોડાવવા આવે.”

વરજાંગની દાઝ ભાવનગર પર ઉતારીને દેવો વાળો જેતપુર આવ્યા. કાંયાભાઈને હાથની હથેળીમાં રાખ્યા. દેવો વાળો કહે છે કે, “કાંયાભાઈ આતાભાઈના કાકા, એટલે અમારાયે કાકા. એનાં અપમાન ન હોય.”

આઠ દિવસ રોકીને કાકાને અસવારોની સાથે માનપાનથી પાછા લાખણકે પહોંચાડ્યા.

આશ્રયદાતાને માટે

વરજાંગડો વેરી તણો, સૂબાને માથે સાલ,
બરછી કાઢે બાલ, ધાધલ વાળે ઢોળવે.

છ મહિનાની વસમી રાતો રાણપુરમાં વિતાવી વરજાંગ વળી પાછો એક રાતે ઢોળવામાં લપાયો છે.

બરાબર ભળકડે પછીતેથી કોઈ વટેમાર્ગુ બોલતું ગયું કે,  “વરજાંગ ! ઘરમાં બેઠો હો તો ઊભો થાજે, ઊભો હો તો હાલી નીકળજે ! આજ લુંઘિયેથી રાણિંગ વાળો રાણપર માથે ત્રાટક્યો છે. આજ તારા અન્નદાતા રાણપુરના ખાંસાહેબ રઝળી પડશે ને તું પાછળથી માથું પટકીશ.”

“હેં, રાણપુર માથે રાણિંગ વાળો !” ફાળ દેતો વરજાંગ બેઠો થયો; તલવાર અને બરછી લઈ તાજણને માથે કૂદ્યો.

“કાઠિયાણી ! ન આવું તો વાટ જોઈશ મા. મારો ખાંસાહેબ આજ મુંઝાતો હશે. હવે તો હું એની આડે ઊભીને મરીશ.”

કાઠિયાણીએ વળામણાં દીધાં. વરજાંગે તાજણને જાપ નાખીને જાણે કે દોટાવી. નાડાવા સૂરજ ચડ્યો ત્યાં ભેંસાણ રાણપુરને સીમાડે આંબ્યો. સાંભળે છે કે દેકારો બોલી રહ્યો છે. એક પડખે રાણપુરનાં ઢોર ભાંભરડાં દેતાં ઊભાં છે. રાણપુરનો ધણી ખાંસાહેબ એકલે પંડે પછેડી પાથરીને મારગ રોકી તલવાર વીંઝે છે. એની પાસ લુંઘિયાના કાઠીઓનું મંડળ બંધાઈ ગયું છે.

“ખબરદાર, કોઈ ખાંસાહેબને મારશો નહિ.” એવી લુંઘિયાના રાણિંગ વાળાની આજ્ઞાને વશ બની કાઠીઓ ખોટેખોટી બરછીઓ ઉગામતા જાય છે. ખાંસાહેબ ચકરાવે ચડી ગયો છે. ખાં કાઠીઓને ખસવા દેતો નથી, પણ ખાંને વીંધાવાનીયે વાર નથી. ત્યાં તો આઘેથી હાકલ થયો :

“રાણિંગ વાળા ! રંગ છે. એક શત્રુને પચાસ જણે ઘેર્યો !”

એવા પડકાર કરતો એ દોડ્યો. કાઠીઓનું મંડળ વીંખી નાખ્યું. રાણિંગ વાળાની ઘેાડીની અવળી જગ્યા ઉપર બરછી ઠઠાડી. પોતાના અન્નદાતા ખાંસાહેબને પોતાની જ ઘોડી પર બેલાડ્યે બેસાડીને વરજાંગ વહેતો થયો. કોની મગદૂર છે કે વરજાંગની ઘોડીને આંબે? રાણપુરના ગઢમાં પહોંચીને પોતાના ધણીને ઉતારી મેલ્યો. ખાંનું રૂંવાડુંય ખાંડું થયું નહોતું.

પારકરની ચડાઈમાં

સાકર ચોખાં ભાતલાં, દાઢાં વચ દળવા,
મન હાલે મળવા, ધાધલ વાળે ઢોળવે.

લુંઘિયાનો દરબાર રાણિંગ વાળો સિંધમાં થરપારકરને માથે ચડવાની તૈયારીઓ કરી રહ્યો છે. પોતાના સગા ભાઈ ઓઘડને પારકરના ઠાકરે જીવથી મારી નાખ્યો છે. ભાઈના વેરનો હિસાબ ચૂકવવા આજ રાણિંગ વાળો કાઠીનું કટક ભેળું કરે છે.

“આપા રાણિંગ.” સાથીઓએ કહ્યું, “તારા આટલા કાઠીને સિંધના જોદ્ધાઓ બૂકડો કરી જાશે; જાણ છે કે?”

“ત્યારે શું કરું?”

“એકે હજારાં કહેવાય એવા એક માટીને તો ભેળો લે!”

“કોણ ?”

“વરજાંગ. એના હાથ તે દી રાણપરને સીમાડે પારખ્યા છે.”

રાણિંગ વાળાએ વરજાંગને કહેણ મોકલ્યું. ઘોડે ચડીને વરજાંગ લુંઘિયે આવ્યો. લુંઘિયાને ચોરે એણે ઉતારો કર્યો. પોતાના ખડિયામાં જે ખાનપાન લાવ્યો હતો તેના ઉપર ગુજારો કર્યો. જમવા ટાણે કે કસૂંબા ટાણે એને કોઈ બોલાવતું નથી. કોઈ એની સાથે વાતચીત પણ કરતું નથી.

પારકર પર વાર ચડી. રાણિંગ વાળાના હેતના કટકા થઈ બેઠેલા કંઈક કાઠીઓ સામસામા ટહુકા કરતા આવે છે. પણ વરજાંગની તાજણ તરીને એકલી ચાલી આવે છે. એને કોઈ બોલાવતું નથી. બધાં અપમાન વરજાંગ ઘૂંટડે ઘૂંટડે ગળી ગયો. એમ કરતાં તો થરપારકરની સીમા દેખાણી. રાણિંગ વાળાએ ગામનો માલ વાળ્યો અને ગોકીરો ઊપડ્યો. ‘કાઠી ! કાઠી ! કાઠી !’ એવી કારમી ચીસો ખોરડે ખોરડે પહોંચી વળી. પારકરના ઠાકોરે પોતાના પહાડ જેવા શૂરવીરોને લઈ બહાર નીકળ્યો. સામસામાં ઘોડાં ઊભાં થઈ રહ્યાં અને પારકરના ઠાકોરે ત્રાડ દીધી કે “આમાં જે રાણિંગ વાળો હોય તે નોખો તરી નીકળે. પારકરનું પાણી ચખાડું.”

કાઠીઓ થીજી ગયા. ભે લાગી ગઈ. રાણિંગ વાળાની છાતી ભાંગી ગઈ. પારકરના રાક્ષસ જેવડા ગજાદાર રજપૂતના હાથમાં પ્રચંડ તલવાર તોળાઈ રહી છે. હમણાં જાણે પડી કે પડશે ! કાઠીઓના હોશકોશ ઊડી ગયા. અસવારોનાં ઉતરી ગયેલાં મોઢાં એકબીજાની સામે જોઈ રહ્યાં છે અને રાણિંગ વાળો થરથર કાંપતો લપાતો જાય છે. બીજી વાર શત્રુએ સાદ દીધો? કોણ છે રાણિંગ વાળો? નીકળ, બહાર નીકળ !”

“આવી જા માટી, હું રાણિંગ વાળો, હું!” એમ બોલતો વરજાંગ ઊછળ્યો. બન્ને વચ્ચે તલવાર-ભાલાની બાટાચૂટ બોલી. ઘોડાને માથે બેય ઊભા થઈ ગયા. બન્નેએ સામસામી બરછી ફેંકી. બેય પટાના સાધેલા: નિશાન ચૂકવી ગયા, હેઠે પડ્યા, બાથંબાથા ચાલી. આખરે, વરજાંગે વેરીને ઠાર કર્યો.

પારકરથી કાઠીઓનાં ઘોડાં પાછાં વળે છે. રસ્તે રાણિંગ વાળાને ધરતી મારગ આપે એવું ભોંઠામણ થઈ રહ્યું છે. આખા મેલીકારમાંથી પોતાની તાજણને નોખી જ તારવીને અબોલ ચાલ્યા જતા વરજાંગની મૂર્તિ સામે મીટ માંડતો માંડતો રાણિંગ વાળો વિચારે છે :

‘ધિક્ક છે ! કાઠીનો દીકરો થઈને હું પારકર ઠાકોરની ત્રાડ ન ઝીલી શક્યો. મારું નામ છુપાવ્યું. અરે, આ તો મારો વેરી વરજાંગ મારે સાટે ધસ્યો ! દાનો દુશ્મન સાચો!’ વિચારી વિચારીને રાણિંગ વાળો ઝંખવાય છે. બીજા કાઠીઓને મોઢે પણ મેશ ઢળી છે. ફક્ત વરજાંગને જ પોતાનું પરાક્રમ સાંભરતું નથી. એની ડાબી આંખ જાણે દેવા વાળાને ગોતતી ગોતતી અંગારા કાઢે છે, અને જમણી આંખમાં પોતાની કાઠિયાણીનું મોં તરવરે છે.

રાણપુરનો મારગ તર્યો, વરજાંગે ઊંચા હાથ કર્યા : “લ્યો, આપા રાણિંગ, રામ રામ !”

“કાં બાપ ! લુંઘિયા લગી નહિ આવ્ય? તને શીખ કરવી બાકી છે.”

“આપા રાણિંગ ! મનની મીઠપ રાખજો; એટલું ઘણું છે.”

એટલું બોલીને વરજાંગે તાજણને મરડી. પૂંછડાનો ઝુંડો કરતી ઘોડી વેગે ચડી ગઈ. મેલ્ય રાણપર પડતું, અને આવી ઢોળવે ! ગામમાં સોપો પડ્યો છે. ગામ બહાર ખીજડાને થડે ઘોડી બાંધીને વરજાંગ છીંડીએ થઈ ઘેર આવ્યો. આખા ગામની અંદર એ એક જ ખોરડાની જાળીઓમાંથી ઝાંખાં અજવાળાં ઝરે છે. કાઠિયાણી ઘીના દીવા બાળીને જગદંબાના જાપ કરે છે.

ખડકી ઉપર ત્રણ ટકોરા પડ્યા. સ્ત્રીએ તરડમાંથી ધણીને જોઈ લીધો. ખડકી ઉઘાડ્યા વિના જ બોલી, “કાઠી, ભાગવા માંડ્ય. દેવો વાળો ગામમાં છે.”

“અરે એક ઘડી તો ઉઘાડ!”

“જા કાઠી ! મારી ચૂડલી કડકડે છે.”

નિસાસો મૂકીને વરજાંગ પાછો વળી ગયો. પારકરના શૂરાતનની વધામણી ખાવાનું એકનું એક થાનક હતું, ત્યાં પણ એણે કાળા નાગની ચોકી દીઠી.

ઊજળું મોત

દેવા વાળાની ભીંસ વધી છે. એનો તાપ સહેવાતો નથી. ઢોળવાની સીમના શેઢા ઉપર વરજાંગનાં ઢોરને ચારવાની મના થઈ છે. એનાં છોકરાં પળી દૂધ પણ પામતાં બંધ થયાં છે. થાકીને વરજાંગે કુટુંબને રાણપર તેડાવી લીધું છે. પોતે દેવા વાળાનાં ગામડાં ભાંગતો ભાંગતો માંડણકુંડલાના સંધીઓની સાથે ભળ્યો છે. દેવા વાળાને હંફાવવાની વેતરણ કરી રહ્યો છે.

એમ કરતાં તો બાર મહિના વીત્યા. પારકરથી આવ્યા પછી વરજાંગે ઘરનું સુખ જાણ્યું નથી. આજે એને અધીરાઈ આવી ગઈ. કહેણ મોકલી દીધું કે “કાઠિયાણી, કાલે રાતે આવું છું.”

ઘોડી પલાણીને સાંજને પહોરે વરજાંગ નીકળ્યો. સંધીઓ વળાવવા જાય છે, પણ જ્યાં ડેલીથી ચાલ્યા ત્યાં તો ઘોડી ખેંચાણી. સુતાર સામો મળ્યો.

“વરજાંગ ભા !” સંધીઓએ વાર્યો, “આજ ઠેરી જાવ. અપશુકન થાય છે.”

“શુકન-અપશુકન તો બાયડિયુંને સોંપ્યાં, બા ! આપણે તો કેડે સમશેર એ જ સાચું શુકન.”

હઠીલો કાઠી માન્યો નહિ. સંધીઓ પાછા વળ્યા. વરજાંગનું ડાબું ડિલ ફરકવા માંડ્યું. તાજણ હટવા લાગી. પણ આજ વરજાંગથી રોકાવાય નહિ. આજ કાઠિયાણી વાટ જોશે. આખી રાત ઉચાટમાં ને ઉચાટમાં ઉજાગરો કરશે, અને અપશુકનથી બીને હું મોડો જઈશ તો માથામાં મે’ણાં મારશે. ચાલ, જીવ! આજ તો હવે આ બાંધ્યા હથિયારને રાણપરને ઓરડે મારી જોગમાયાના જ હાથ છોડશે.

પાદરમાં આવે ત્યાં તો વરજાંગે મીઠી શરણાઈ સાંભળી. પચાસ ઘોડેસવારો રંગભીના પોશાકમાં જતા હતા તેમણે ઓળખ્યો, પૂછ્યું: “કોણ વરજાંગ ધાધલ? ગળથ ગામના વિસામણ બસિયાનો મારતલ તું પોતે જ ?”

“એ હા, બા, હું પોતે જ. તમે સહુ પણ ગળથનો જ બસિયા દાયરો કે ?”

“હા, હા, આપા વરજાંગ ! તયેં હવે માટી થા.”

“આવો બા, માંડણકુંડલાને પાદર હું ઊભો હોઉં અને બસિયાની જાનનાં પોંખણા ન થાય તો સંધી ભાઈઓને ધોખો થાય. આવો ! આવો !”

“અને અમેય આપા વિસામણની વરસી વાળતા જાયેં.”

લગનના સૂર બદલી ગયા. શરણાઈઓ સિંધુડો તાણવા મંડી. ઘોડાં ! ઘોડાં ! ઘોડાં ! થવા મંડ્યું. ઘમસાણ બોલ્યું. આજ જાણે નવી જાન જોડાણી. વરવાડો વીર વરજાંગ ભાલે રમે છે કે ફૂલદડે તેનું એને ભાન રહ્યું નથી. ડાંડિયારાસ લે છે કે લડે છે તેનો એને ભેદ રહ્યો નથી. પચાસ કાઠીઓના પ્રહાર ઝીલતી એની તલવારના ટુકડા થઈને હાથમાંથી ઊડી ગયા. એ એકલવીરની ચોગરદમ મંડળ બંધાઈ ગયું. એ પડ્યો, સંધીઓ દોડ્યા ને બસિયાઓ ભાગ્યા. બધું પલકમાં બન્યું.

રાણપુરમાં સવાર પડ્યું ત્યારે માંડણકુંડલેથી વરજાંગના મોતના વાવડ આવ્યા.

બીજે જ દિવસે એક હિંગળોકિયું વેલડું આવીને રાણપુરને પાદર ઊભું રહ્યું.

“આઈ, ઢોળવેથી આપા દેવા વાળાએ તેડાં મોકલ્યાં છે.”

“હા, બાપ ! હાલો. હવે મારી પાસે જે બે-ચાર ગાભા રહ્યા છે તે દેવા વાળાને સોંપી દઉં, એટલે અમારો અને એનો હિસાબ ચેખો થાય. હાલો.”

આઈ પોતાનાં છોકરાં લઈને વેલડામાં બેસી ઢોળવે ગયાં. ડેલીએ દરબાર દેવો વાળો દાયરો ભરીને બેઠા છે. વેલ્ય આવતાં જ દરબારે હુકમ કર્યો? :

“છોકરાને અહીં જ ઉતારી લેજો”

પોતાના દીકરાને વેલ્યમાંથી ઉતારીને બાઈએ કહ્યું : “દરબાર, ખુશીથી તમારાં વેર વસૂલ કરી લેજો.”

“એ હો, દીકરા !”

એટલું કહીને દરબારે છોકરાને પોતાના ખોળામાં બેસાડી લીધો. વરજાંગનાં હથિયાર મંગાવી એના અંગ ઉપર બંધાવ્યાં, અને માથે હાથ મેલીને ઊભરાતે હૈયે આશીર્વાદ દીધા કે, “બહાદર, મારા ભાણેજ ! તારા બાપના જેવો જ સાવજ બનજે, અને એના જેવું જ મરી જાણજે.”

આખોયે ગરાસ વરજાંગના પુત્રને સોંપી, બાર દિવસ રોકાઈ, પોતાના વેરીનું કારજ ઉકેલી દેવા વાળા જેતપુર સિધાવ્યા ને તે દિવસથી કસૂંબા લેતી વેળા વરજાંગને રંગ દેવાનું એણે નીમ લીધું.

[માંડણકુંડલાના ઝાંપામાં વરજાંગની ખાંભી ઊભી છે.]