રસિકવલ્લભ/પદ-૨૦
← પદ-૧૯ | રસિકવલ્લભ પદ-૨૦ દયારામ |
પદ-૨૧ → |
પદ ૧૯ મું
હરિ વણ ઉજ્વળ પંથ ન એકજી, વામી માર્ગ અનેક્જી;
મદ્ય માંસ માગે બલિ ચંડીજી, શિવવ્રતધારી સહુ પાખંડીજી. ૧
ધરે મુંડમાળા અસ્થિ ચર્મજી, ભૃગુને શ્રાપે અનુચિત ધર્મજી;
ક્યહું વિષય કયહાં ભ્રષ્ટાચારજી, વર્ણાશ્રમ નહિ ધર્મ લગારજી. ૨
ઢાળ
ના ધર્મ એકાચાર સહુ, નહિ વેદશાસ્ત્ર પ્રમાણ;
તે માટ્ય કહ્યું શુક 'શિવાદિક તજ્ય, વિષ્ણુથી કલ્યાણ.' ૩
સ્ત્રીરક્ષ ભુલ્યે ભક્ષ ભણ્યું, જય દેહિ સંકટ દઈ કહ્યું,
તે પ્રમાણે શક્તિએ કર્યું, અંતરજ્ઞપણું કહે ક્યાં રહ્યું ? ૪
તે માટ્ય સર્વેશ્વર હરિ સમ, ઈતરમાં મતિ જે ધરે;
તે નારકીશ સદા મહામુનિ, પદ્મપુરાણે ઉચ્ચરે. ૫
મતિ શિલા હરિ અર્ચ્યા ગુરુ, નરજાતિ મતિ છે સંતમાં;
પદ તીર્થપાવન વિષ્ણુવૈષ્ણવ, અધમ ઉદકમતિ ચંતમાં. ૬
હરિ નામ મંત્ર મહાકલુષહર, ત્યહાં ધી શબ્દ સમાનની;
તે પતિત પશુ મતિ ગાય દ્રુમ તુલસી પ્રિયે ભગવાનની. ૭
મુખદ્વાર ઇન્દ્રિ તૃપ્તિ સહુ, તરુ તૃપ્તિ જ્યમ જડિપોષ;
ત્યમ દયાપ્રીતમ કૃષ્ણ પૂજે, પામ્યે સહુ સંતોષ. ૮