← પદ-૨૫ રસિકવલ્લભ
પદ-૨૬
દયારામ
પદ-૨૭ →


પદ ૨૫ મું

ભક્તિ સુંદરી માયા દાસીજી, બધે પ્રકટ કરી કુંજવિલાસીજી;
નખશિખ સુભગા ભક્તિ જેહજી, અતિ પ્યારી લાગી પ્રભુ તેહજી.
પડી અક્ષરપર કૃપા-કટાક્ષજી, સત્ત્વ ઉપન્યા લક્ષો લક્ષજી;
થયા ભક્તિમાં લીન સુભાગીજી, વૈષ્ણવ ગુણવંતા હરિરાગીજી.

ઢાળ

અનુરાગી કેવળ કૃષ્ણમાં સર્વદા કૃષ્ણાધીન;
જે બીજિ કટાક્ષે ઉપના, તે માયામાં લીન,
તે આસુરી સહુ કર્મજડ હરિજન ધર્મવિમુખ;
તે કરે ઉપાસન અવરનાં, જેમાં સદા દુઃખ.

એહવા જ મૂળે જીવ તે, કો કાળ નહિ કલ્યાણ;
કહ્યું 'મૂઢ જન્મનિ જન્મનિ' શ્રીગીતામાંહે પ્રમાણ.
તેહવાને અતિ બહિર્મુખ શિવ કર્યા હરિરુચિ જોઈ;
મૂળ મર્કટને મદ્ય પાયો, કહે શાણા કોઈ.
એ કથા પદ્મપુરાણમાં, વિસ્તાર છે અથ ઇતિ;
તે અંશ માત્ર લખ્યો, વધે બહુ ગ્રંથ તે મન ભીતિ.
તે માટ્ય હરિના હોય તે જ, સદા ભજે હરિરાય;
જન દયાપ્રીતમ કૃષ્ણવણ, તે ચિત્ત કહ્યું નવ જાય.