← પદ-૩૨ રસિકવલ્લભ
પદ-૩૩
દયારામ
પદ-૩૪ →



પદ ૩૨ મું

અરૂપ અગુણ તું કહે છે બ્રહ્મજી, તેથી અપ્ર છે પુરુષોત્તમજી;
દિવ્ય જન્મ ને કર્મ જેહનાંજી, પ્રાકૃત કહે ફુટ્યાં કર્મ તેહનાંજી.
મન વાણીથી પર અતિ ગૂઢજી, તેહને શું જાણે જન મૂઢજી;
રૂપ વિના કાંઇ નહિ સુખકારેજી, શાણા સમજે હ્રદે વિચારીજી.

ઢાળ

'વિચારી જોયું શ્રીગુરુ મેં' શિષ્ય બોલ્યો વાની'
'ગુણરૂપ વણ પ્રતિબિંબ સું મેં જુગતી જૂઠી જાણી.

પણ જગત કહો છો સત્ય ક્યમ શ્રીમુખે ફરી આપ?
જે દેખતાં મટી જાય છે, જ્યમ દોરડીનો સાપ.
જ્યમ રૂપું માને છીપ દેખી, પણ ન રૂપું થાય;
જો સત્ય રૂપું હોય તો ક્યમ ઘરેણું ન ઘડાય.
જ્યમ મરીચિકા જળ જોઈ મૃગગણ મતિવના અથડાય;
ત્યહાં ન કિંચિત્ તોય, ધાઈ ધાઈ શમિત થઈ પસ્તાય.
એમ બ્રહ્મમાં અજ્ઞાનથી; જગતની ભ્રાંતિ હોય;
છે બ્રહ્મ સત સદા જ તેથી, જગત સત્ય ન કોય.
ગુરુ એમ બહુધા સુણી મેં વિવર્તવાદની રીતિ;
જનદયા પ્રીતમ દૃઢ અભેદની તે થકી જ પ્રતીતિ.