← પદ-૪૮ રસિકવલ્લભ
પદ-૪૯
દયારામ
પદ-૫૦ →


પદ ૪૮ મું

કર્મજ્ઞાનનું ફળ ભક્તિજી, શ્રીગીતા શ્રીમુખ કરી વ્યક્તિજી;
કર્મ પૂર્વ ભાખ્યું પછી જ્ઞાનજી, છેલ્લી ભક્તિ કથી ભગવાનજી.
કર્મે કરવી સત્ત્વની શુદ્ધિજી, જ્યાંલગી હરિમાં લુબ્ધ ન બુદ્ધિજી;
શ્રવણાદિક શ્રદ્ધા જાગીજી, થવું કર્મથી પછી વીતરાગીજી.

ઢાળ

વીતરાગી થાવું કર્મજડથી, ભક્તિમાં વિક્ષેપ;
વિશ્વાસ દૃઢ હરિ સેવતાં, કર્મનો ન અડે ચેપ.
તું કહેશ કર્મ કદા ન તજવાં, વેદ વાણી ખ્યાત;
સર્વાત્મભાવે હરિ શરણ, નથી ગયા તેહની વાત.
સહુ કર્મ તજી હરિને ભજે તેથી ધર્મ સહુ ઠેઠ;
ત્રય કોટિ ઋષિ તે ભક્ત કર્મની, ભોગવે છે વેઠ.
હરિભજન અર્થે સ્વધર્મ મૂકે, કદિ પડે જો કાચો;
તોપણ નથી જ અભદ્ર તો, શો લાભ સ્વધર્મ સાચો.
શત જન્મ સ્વધર્મનિષ્ઠ નર, લોકે વિરંચિ જાય;
ભગવદી તેજ તનું તજે, પદ પરમ પ્રાપ્તિ થાય.
સેવા સદા શ્રીકૃષ્ણ કરવી, તે જ વર એક કર્મ;
જન દયાપ્રીતમ જગન્નાથજી, વદ્યા મોટો ધર્મ.