← પદ-૫૭ રસિકવલ્લભ
પદ-૫૮
દયારામ
પદ-૫૯ →


પદ ૫૭ મું

શિષ્ય બોલીયો સુણી શુચિવાણીજી, ગુરુભક્તિ સહુથી વખાણીજી;
‘તે ભક્તિનું કહો મુને રૂપજી, અંગ અધિકારી ભૂષણ અનૂપજી.
શ્રીગુરુ બોલ્યાં સાંભળ તાતજી, કહું વિસ્તારી પૂછી વાતજી;
પ્રેમસહિત છે દશધા ભક્તિજી, વ્યસન પછી આસક્તિજી.

ઢાળ

આસક્તિ રાખી શ્રવણ કર, છે શ્રવણ પહેલી ભક્તિ;
કીર્તન સ્મરણ પછી પાદસેવન, અર્ચન વંદન વ્યક્તિ.
દાસત્વ ભક્તિ સખ્યતા, આત્મનિવેદન નામ,
તે ઉપર દશમી પ્રેમભક્તિ, અતિપ્રિય ઘનશ્યામ.
પરિક્ષિત શુક પ્રહલાદ શ્રી પૃથુ, અક્રૂર ને હનૂમાન,
અર્જુન વળી શ્રીગોપીજન, અનુક્રમે ભક્તિદાન.

તે ઉપર આવે આસક્તિ, પછી વ્યસનાવસ્થા થાય;
તે ઉપર તન્મયતા ખરી, વળતી ન કાંઈ કહેવાય.
પ્રેમની અવસ્થા ચાર છે, આસક્તિ ત્રણ વિવેક;
છે વ્યસનની બે અવસ્થા, પછી તન્મયતાની એક.
એ દશ અવસ્થા થઇ તેના, પ્રકટ ભાખું નામ;
જન દયાપ્રીતમ કૃષ્ણહેતુ ભોગવી છે વ્રજવામ.