← પદ-૭૮ રસિકવલ્લભ
પદ-૭૯
દયારામ
પદ-૮૦ →


પદ ૭૮ મું

સુણી એમ બોલ્યો શિષ્ય વચનજી, 'પ્રભુ ! એક સંશય મારે મનજી;
અનન્ય જનને હરિ એક ભજવાજી, ઊચિત કહ્યું સુર અવર ન યજવાજી.

પણ નહિ આશ્રય અન્ય અવતારજી, કેવલ ભજવા નંદકુમારજી;
તે કયમ કહીએ મતિઅધિપજી ? તારતમ્ય શો વહ્‌નિદીપજી ?

ઢાળ

કહો દીપક વહ્‌નિ ભેદ શો? સમજાવીએ મુજ સ્વામી;
સુણી આચાર્ય એમ વદ્યા સૂક્ષ્મ સમજી અંતર્યામી.
સુણ થીજીથી અવતાર સહુ, પણ કારજ કારણ ભેદ;
કો કળા અંશાવેશ વિભૂતિ કૃષ્ણ અલમ્ કહે વેદ.
જે પતંગ સરખા પ્રેમી અનલ ન જ્યોત વેહેરો કોય;
પણ રસિક ટેકી ચકોર વણ અંગાર તૃપ્તિ ન હોય.

વળી ન્યૂનાધિક છે યજન ફળ, ક્રમે ક્રમે શાસ્ત્ર પ્રમાણ;
તે કહું કિચિત શ્રવણ કર વિધિ હોય જો તું અજાણ.
જો જન્મ પંચ લગી ભજે, અવતાર હરિના અન્ય;
તો હયગ્રીવ સ્વરૂપમાં ભક્તિ, ઉપજે તે પુણ્ય.
દશ જન્મ હયશિર ઉપાસનથી પ્રીતિ નરહરિ પામે;
જે રૂપ કૌસ્તુભ દયાપ્રીતમ સ્મરતાં ભય વામે.