← પદ-૯૫ રસિકવલ્લભ
પદ-૯૬
દયારામ
પદ-૯૭ →


પદ ૯૫ મું

છે ગોપીચંદન શુચિ અત્યજી, કરે અગતિ જંતુની ગત્યજી;
જે કો શ્રદ્ધાથી પણ હીનજી, કાલ ક્રિયામાત્રે કરિ ક્ષીણજી.

પણ જો ગોપીચંદન ભાલજી, તો નિજ પદ આપે ગોપાલજી;
ગોપીચંદન શિરભુજ ભાલેજી, લેપ્યું હૃદય પણ હોય અંતકાલેજી.

ઢાળ

અંતકાલ લેપ્યું પાપી જો, ગૌબાલઘાતી વિપ્ર;
તદપિ કહ્યું હરિ તે વસે, મમ લોક આવી ક્ષિપ્ર.
કોઈ કૃતઘ્ની સહુ પાપ કર્તા, અધમ કૃતિ નિત્ય ટેવ;
તે પણ પુનિત હોય, ગોપીચંદન સંબંધે તતખેવ.
યાવત શરીરે ગોપીચંદન, તિલક છાપ જણાય;
પ્રતિ નિમિષિ ફલ દશ ધેનુ દાન કર્યા તણું ધ્રુવ થાય.
કરે ગોપીચંદન દાન ટૂંક, કો સંતકરમાં જેહ;
કુલ એકોતેર શત તારિયાં, તેણે જ નહિ સંદેહ.
મહા પાપી મૃત્યુ પામિયો, સ્મશાન મ્લેચ્છ સમીપ.
જો ગોપીચંદન લલાટે તો, હોય મોક્ષ અધિપ.
જો ગોપીચંદન મૃદા સંતત, હોય જેને અવાસ;
ત્યાં દ્વારિકા સહ દયાપ્રીતમ, કૃષ્ણ નિત્ય નિવાસ.