← સુલતાનનો મનસુબો રા' ગંગાજળિયો
દોસ્તી તૂટી
ઝવેરચંદ મેઘાણી
મું સાંભરીશ મંડળિક →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ અઠ્ઠાવીસમું
દોસ્તી તૂટી

મોણીઆ ગામ ઉપર ભળકડીઓ તારો ઝબુકતો હતો. અને ચોરાઓમાં, ઉતારાઓમાં, ઘરે-ઘરનાં આંગણામાં કાળી, કાબરી ને સફેદ મૂછ દાઢીવાળાઓ, ડોકમાં માળાઓ ને કમરમાં કટારીવાળાઓ, ચોખ્ખા ફૂલ ચહેરાવાળા ને દૂધમલ દેહ વાળા, વંકી ભુજાઓ વાળા ને શાવઝ શી કટિવાળા પડછંદ પુરુષોનાં વૃંદેવૃંદ સૂતાં હતાં.

જાગતાં હતાં ફક્ત બે જણાં. એક આઇ નાગબાઇ ને બીજો જુવાન પૌત્ર નાગાજણ.

નાગાજણ ઘોડાના તંગ કસતો હતો. નાગબાઇ ઓશરીની થાંભલી ઝાલી ઊભાં હતાં.

'ત્યારે આઇ, હું જઇ આવું છું.' નાગાજણે નાગબાઇને ટૂંકું જ બાક્ય કહ્યું.

'કિસે જાછ બાપ ?'

'જૂનેગઢ. રા'ને કસુંબો પાવા.'

'આજ કંઇ જવાય દીકરા ? આખી ચારણ ન્યાત તુંને પટલાઇની પાઘડી બંધાવવા ઘરને આંગણે આવી પડી છે.' 'પણ આઇ, રા'નો કસુંબો કંઇ થોડો મોડો કરાય છે ?'

'રા' મોટો કે નાત મોટી, હેં બાપ નાગાજણ ?'આઇ જાણે મહામહેનતે શાંતિ સાચવીને બોલતાં હતાં.

'આજ આમ કાં બોલો આઇ?'

'હું સમજી વિચારીને ભણું છું ભા ! આપણે તો ધરતીનાં છોરૂ. આપણી સાચી શોભા ને રક્ષા તો આપણા જાતભાઇઓના જૂથની.'

'ત્યારે શું હું રા'ને અપમાનું?'

'તયેં શું તું ન્યાતને અપમાનીને જાઇશ ? સવારે પહેલે પોરે મૂરત છે. ને મૂરત ચૂક્યે એક ય જણ તારે આંગણે ઊભો નહિ રે'.'

'મને ન્યાતપટેલ કરવાની સાડી સાત વાર ખેવના હોય તો ન્યાત ભાઇઓ રોકાય. રા'થી કાંઇ કોઇ મોટો નથી.'

'સૌ પોતપોતાના ઘરનો રા' છે. ચારણ કોઇ રાજાબાદશાનો ચાકર નથી. ચારણ દેવ લેખે પૂજાય છે, કારણ કે એણે રાજાબાદશાના મોહનો અંધાપો અળગો રાખેલ છે.'

'તો આઇ, મને થોડાં વરસ પહેલા કહેવું'તું ?'

'તું ને હું શું ભણું ભા ?' આઇની આંખો પૂરેપૂરી તો આજ પહેલી વાર ઉઘડી : 'તુંને જે ભણવાનું હતું તે તો હરદમ મારા હૈયામાં હૂતું મારા દેદારમાં હૂતું, ,આરી આંખ્યોમાં ને કાયાના રૂંવાડે રૂંવાડામાં હૂતું. પણ તુંને મારા મનની વાણી વાંચવાની આંખો ક્યાં હૂતી ? વિચાર, વિચાર, હજી ય વિચાર ને વિમાસ્ય નાગાજણ, મારો નાગાજણ જૂનાના રા'નો ખવાસ નો'ય, મારો નાગાજણ તો ચારણોની ન્યાતનો સેવક હોય ઇ જ શોભે. હિંદુ મુસલમાનનાં વરણ માત્ર ચારણને નમે છે ત તો એનાં તપ અને તેજને નમે છે.' 'રા'નાં માનપાન મારા ઉપર ન હોત તો શું ચારણો મને પટાલાઇ બંધાવા આવત આઇ ? રામ રામ કરો. લોકો તો સત્તાને ઓળખે છે, સત્તાને નમે છે, સત્તાની શેહમાં દબાય છે.'

'ભૂલ્યો, ભૂલ્યો, ભૂલ્યો મારો પોતરો. અરે આવડું બધું ભાન શે ભૂલ્યો ! નાગાજણ, દેવીયુંના બાળમાં બુદ્ધિ પરગટી, એટલે હવે આપણાં તકદીરમાં રાજવળાંનાં ગોલાં થવાનું સરજ્યું લાગે છે.'

'આઇ, મારે મોડું થાય છે, તમે મેમાનોને રોકજો ને રૂડી રસોયું જમાડજો, કસુંબામાં કચાશ રે'વા દેશો નહિ. ને આ એક વખત ક્ષમા કરો. હું હમણાં જ જઇ આવું છું.'

'તારા કસુંબાની લાલચે ચારણો નહિ બેઠા રહે. ઈ તો રા' બેઠો રહેશે. ને બાપ, આ જ કટોકટનો અવસર છે.આજ અવતારભરનું ટાણું છે. આજ માણસાઇ ત્રાજવે ચડી છે.'

'આવડું બધું ?' નાગાજણ મશ્કરીમાં ઉડાવતો હતો.

'કેવડું બધું ! તું ન કલ્પી શકે એવડું બધું. આજ ગરવાના ટૂંક જેવડી ખોટ બેસી જશે. નાગાજણ, મરમ પકડી લે.'

'આઇ ! મારો જીવ કાં ખાવ ?' કહી નાગાજણ ચાલવા માંડ્યો.

'નાગાજણ ! સાંભળતો જા. મું ખદખદી રઇ છું. હરિગુણ ગાવતા નરસૈયાને જે દિ'થી રા'એ હનડ્યો છે તે દિ'થી મુંને કિસે ય ગોઠતું નસે. રાજની વિભૂતિ માતર કુંતાદે ભેળી જૂનાણાની બહાર ચાલી ગઇ છે. વીસળ કામદારના ઘરનો કાળો કામો...'

આઇ આંખ મીંચી ગયાં. એનાં સફેદ ભવાં રૂપાનાં પતરાં સરીખાં, ફરફરતાં હતાં. એની ગઢપણે લબડી પડેલી ચામડીમાં પણ લોહી ચડી ચડી ઊકળતાં હતાં. એણે પોતાના મોં આડે ભેળીઆનો છેડો ઢાંકી દીધો.

'આઇ, નરસૈયાની વાત તમે પૂરી જાણતાં નથી. ને શહેર આખું વિફરી ગયું તે ટાણે રાજાએ બીજું શું કરવું ? કુંતાદે તો અવળે રસ્તે ચડ્યાં છે. ને વીસળ કામદાર તો મહાતર્કટી નીવડ્યો છે. રા'ને દૂણો મા.'

'જોગમાયા તને સમત્ય દ્યે દીકરા ! નરસૈયાના પંગુમાં પડી જાય રા'-જો એનો દિ ઘેરે હોય તો. નરસૈયો તો ગભરૂ ગાય : ગાય પણ ભાંભરડાં દિયે : નરસૈયે શાપ નથી દીધો. અરેરે નાગાજણ, હું બીઉં છું. મને મારી જાતની બીક લાગે છે. નરસૈયાને માથે થઇ તેવી તારા માથે-'

'બોલો મા આઇ ! રા'ને એવડો નરાતાળ પાપી માનો મા. તમને ! તમને તે રા' સંતાપે.'

એક કહીને હસતો હસતો નાગાજણ ઘોડે ચ્ડ્યો, આઇ એની પાછળ પાછળ જ ગયાં. એણે ઘોડાની વાઘ ઝાલી : 'દીકરા, ન જા.મને બીક......'

'આઇ તમે તો......' એમ કહી નાગાજણે ઘોડો હાંક્યો.

આઇ ડેલી સુધી દોડ્યાં. 'ઊભો રે.'

'અબસાત્ત પાછો આવું છું.'

'એ......તયેં સાંભળતો જા બાપ !

'માયલાં વચન વિસારે
'જો તું જૂને જીશ !
'તો રા'ને ને તોળે રીસ
નાગાજણ ! નવી થિસે.'

'નાગાજણ, આજ જૂનાગઢમાં તારે ને રા'ને મોટાં રૂસણાં થાશે, મ જા, મ જા.'

નાગાજણનો ઘોડો ઉપડતાંની વારે જ વેગે ચડી ગયો હતો. આજનો ઘોડો નવીન હતો. ન્યાતના ભાઇઓ નાગાજણને માટે દેવાંગી વછેરો લઇ આવ્યા હતા. તે પર તીર માફક છૂટેલા નાગાજણે નાગબાઇનાં વેણ બરોબર સરખાં સાંભળ્યાં નહિ.

જૂનાગઢના રાજમહેલમાં તે વખતે કસુંબા વગર તૂટતાં રા'નાં ગાત્રોને ચંપી કરતો હજામ વાતોએ ચડાવી રહ્યો હતો. રા' કહેતા હતા : 'ખરેખર શું એલા એ નખ બનાવટી નહોતા ?'

'ના બાપુ. બાપુને પગે હાથ છે, ને કહું છું કે કાલે સૂરજના તડકામાં તમે નજરોનજર ઓગળી ગયેલા નખ જોયા તે નાગાજણ ગઢવીનાં ઘરવાળાં ચારણ્ય મીણબાઇના જ હાથપગ હતા. હું જ બાપુને બતાવવા એ ઉતારીને લઇ આવ્યો હતો.'

'ત્યારે તો અપ્સરાને સાચવીને નાગાજણભાઇ જ બેઠા છે એમ ?'

'હા બાપુ. રૂપ અને ગુણ તો એને એકને ઘેરે જ ભગવાને સંઘરેલાં છે.'

રૂપ અને ગુણની વાતો સાંભળતો સાંભળતો રા' ઝોલે ગયો. હજામ ચંપી કરીને બહાર નીકળી ગયો. ને નાગાજણ આવી પહોંચ્યો. એ રા'ના જાગવાની રાહ જોતો કસૂંબાની પ્યાલીઓ તથા અપ્સરાઓની વાતો તૈયાર રાખીને જ બેઠો હતો.

એકાએક રા' ઝબકીને બેઠા થયા. બેબાકળા એણે બૂમ મારી : 'ખબરદાર, ખબરદાર જો લઇ ગયો છો તો ! ખબરદાર નાગાજણ !' 'અન્નદાતા ! ધણી મારા ! આ રહ્યો હું . આંહીં હાજર જ છું. કોણ, શું લઇ ગયો?' નાગાજણે રા'ની પાસે જ ઇ પૂછ્યું.

રા'ના મોં પરથી તે વખતે એક મચ્છરીયું ઊડતું ઊડતું દૂર ચાલ્યું જતું હતું. રા'એ ચકળવકળ આંખો ઘૂમાવી. ઘૂમતી દૃષ્ટિ ગિરનારના ગળા ફરતી અદ્ધર તરતી વાદળીઓમાં ભમતી હતી. રા'ના ચહેરા પરથી લોહી, ઓટ વેળા સમુદ્રની પાછી વળી જતી વેળ્યની માફક નીચે ઊતરી જતું હતું.

'કેમ લ ઇ ગયા નાગાજણ ?' રા'એ પૂછ્યું.

'શું બાપુ ? કોને લઇ ગયો હું ?'

'અપ્સરાને. મારી અપ્સરાને તમે કેમ ઉપાડી ગયા ?'

'અન્નદાતા ! રા' ! ઊંધમાં છો ? જાગો, કસૂંબો તૈયાર છે.'

રા'એ કસૂંબો લીધો, પણ એની દૃષ્ટિ ઘૂરકતી હતી.

'સોણું હશે ?'

'સોણું જ તો બાપ.'

'પણ આંહીં એ ઉતરી, આંહીં એ બેઠી, મને એણે પંપાળ્યો, ત્યાં જ તમે ને ઉપાડીને ચાલ્યા ગયા.'

'માઠી કલ્પનાઓ. મારા ધણી !'

'કલ્પનાઓ-કલ્પનાઓ-કલ્પનાઓ-કલ્પનાઓ સાચી હશે, કે સંસાર જ સાચો હશે ? કલ્પનાઓમાં તો ગઢવી, તમે જ મને ખૂબ રમાડ્યો. સત્ય મરી ગયું, ને કલ્પનાઓ જ સાચું જીવતર બની ગઇ. નરસૈયો કલ્પનામાં જ જીવ્યો, વિહર્યો, માણી ગયો. ના, ના, કલ્પનાનો કીડો તો મને જ રાખી દઇને એક તો નરસૈયો માણી શક્યો, ને બીજા તમે માણો છો નાગાજણ ગઢવી,'

'બાપા !' નાગાજણને રા'ની આજની લવરી બ્હીવરાવવા લાગી; 'કસૂંબાને મોડું થયું ખરૂં ને, એટલે આપનો જીવ ચકડોળે ચડી ગયો.'

'ના, ચક્ડોળ તો કે'દુનો ફરે છે. હવે તો ચક્ડોળ પરથી પડવાનો કાળ આવે છે. એવો પડું , એવો પડું, કે ફોદા જ વેરાઇ જાય. એવું કંઇક કરો ને ભાઇ ! ચકડોળ જરા જોરથી ફેરવો ને ગઢવી. આ તો હજી ધીમો ફરે છે. હવે કાંઇ હળવે હળવે ફરે તે ગમે ખરૂં કે ?'

એવું એવું તો રા' ઘણું બોલી ગયો. વાસ્તવિકતાની ધરતી પરથી એના પગ લસરી જ ગયા. એણે વારે વારે કહ્યું-

'કુંતાદે અપ્સરા નથી, તમે અપ્સરા કહીને પરણાવેલ ભીમરાજની દીકરી પણ અપ્સરા નથી. અપ્સરા વીસળ કામદારની વહુ પણ નથી. મને તો એકેય ન મળી, મને મળું મળું થઇ ત્યાં બસ તમે ઝૂંટવી ગયા.'

'આ શું કહો છો રા' ગંગાજળિયા ?'

'ગંગાજળિયો ગંગાજળિયો કહી મને કાં કૂટી માર્યો ? મને તમે સૌએ બસ જોરાવરીથી ગંગાજળિયો બનાવ્યો. મને જ એકલાને કાં આદર્શોનું પોટકું ઉપડાવો છો ? તમે બધા હળવા ફૂલ થઇને માણો છો, ને વેઠ મારી પાસે કરાવો છો. આમ નહિ ચાલે.'

'પણ શું નહિ ચાલે બાપ ? સમજાવો તો ખરા !'

'મારે જોઇએ જ-એ પાછી જોઇએ જ -એ તમે છૂપાવીને બેઠા છો તે હું નહિ ચાલવા દઉં. હું તમને કહી રાખું છું.'

ઘૂમાઘૂમ કરતા રા'ના ડોળાનો એકેય તાંતણો નાગાજણ ઊકેલી ન શક્યો. પોતે વાળેલા સત્યાનાશની કેડી એને પોતાને જ ન દેખાઇ. 'મને તો જમિયલશા સાંઇએ પણ ત્યાગ્યો છે. કાંઇ ફિકર નહિ. મેં એને અપ્સરાઓનું પૂછ્યું તેમાં તો બુઢ્ઢો છેડાઇ પડ્યો. તો શું થઇ ગયું ? તો હવે મને કૈક રૂપકડા ફકીરોનો સમાગમ થઇ ચૂક્યો છે, એમણે મને કહ્યું છે-'

'શું કહ્યું છે ધણી ?'

'એ હું તમને શા સારુ કહું ? ત્યાં ય પાછા તમે ઝૂંટવવા તૈયાર રહો, કાં ને ? એ નહિ કહું. એમના ધરમમાં શું શું આશાઓ ને દિલાસાઓ છે, તે હું કોઇને નહિ કહું.' કહેતે કહેતે રા'નાં નેત્રો ચમકારા કરવા લાગ્યાં. રા'ના મોંમાં અમી છૂટવા માંડ્યું. રા'એ હોઠ ઉપર જીભ ફેરવીને હોઠ પલાળ્યા. રા' પોતાને જડેલું કાંઇક અણમોલું રહસ્ય પોતાના અંતરને વિષે પંપાળવા લાગ્યા.

વેળ ઘણી વીતી ગઇ.પોતાને ઘેરે ન્યાત મહેમાન છે એમ કહી નાગાજણે રા'ની રજા લીધી.

નીચે જઇને નાગાજણ જ્યારે ઘોડે ચડ્યા ત્યારે રા'ગોખમાં ઊભા ઊભા જોતા હતા. નાગાજણે રાંગ વાળી કે તૂર્ત જ ઘોડો કંઇક એવા રૂમઝુમાટ કરવા લાગ્યો કે રા'એ ઉપરથી હાક મારી : "એ દેવ, જરી ઊભા રેજો.'એમ કહેતો પોતે બે બે ને ત્રણ ત્રણ પગથિયાં ઠેકતો નીચે ચોગાનમાં આવ્યો ને ઘોડાની માણેકલટ પંપાળવા લાગ્યો : પૂછ્યું 'આ રૂપ ક્યાંથી હેં દેવ ?'

'બાપ, ન્યાતે મને દીધો.'

'આના પર મારું દિલ ઠરે છે.'

'દિલ ઠરે એવો જ છે બાપા. પગે હાંકતો નથી પણ પાંખે ઊડે છે એવી એની હાલ્ય છે. આજ જો આ ઘોડો રાંગમાં ન હોત તો આપની પાસે હું આટલો વ્હેલો પોગત નહિ.' 'પણ હૈયું બહુ ઠરે એવો છે હો દેવ !'

નાગાજણને હજુય સમજણ ન પડી. એણે કહ્યું 'ત્યારે બાપા હવે રજા છે ને?'

'થોડીક વાર ઘોડાને પંપાળી લઉં.'

'ખમા ! પણ ઘેરે ન્યાત ખોટી થાતી હશે .'

'તો દેવ ! મારા દોસ્ત !'રા'એ નાગાજણનો હાથ ઝાલીને કહ્યું : 'આપણી અશ્વશાળામાંથી તમને મરજી પડે તેટલાં ઘોડાં છોડી જાઓ, ને-'

'ને શું બાપા ?'

'આ એક જ વછેરો મને આપો.'

નાગાજણ ખસિયાણો પડ્યો. રા'ની માગવાની રીત એને તુચ્છ લાગી. એણે કહ્યું 'બાપા ! જૂનાના ધણીને જાતવંત ઘોડાંની ક્યાં ખોટ છે ? મારે ઘરધણીને ચડવાના કોડ પૂરા કરે એવો તો આ માંડ માંડ મળ્યો છે.'

'એટલે કે તમારે એકેને જ બધી વાતે માણવું છે, ને મને કલ્પનાઓમાં જ રમતો રાખવો છે એમને ? ઠીક રામ રામ !'

'રામ રામ બાપા.' નાગાજણ ચાલી નીકળ્યો. રસ્તે એને વિમાસણ થતી જતી હતી-

'આ તે આવો ભાવઠ કેમ બની ગયો ? મેં શું એને જીવતરમાંથી ખેડવી નાખ્યો ? મને કેમ સરત જ ન રહી ? હું અપ્સરા લઇ ગયો, ને ફકીરો એને કાંઇક દિલાસા દે છે, તે બધું શું હશે ?' વિચારતો વિચારતો એ એક સૂકા નેરાની તપતી રેતમાં ઊતર્યો, ત્યારે એને આઘે નેરડામાં એક આદમી બેઠેલો દેખાયો.જબ્બર પુરુષ હતો. ને એની બાજુમાં શું પડ્યું છે ? ઘોડો પડ્યો છે. પહાડ જેવડો ઘોડો આમ સૂતો છે કેમ ?'

નાગાજણ નજીક જતાં જ ઓળખ્યો એ પુરુષને . આ તો રા'ની સામે બહારવટે નીકળેલા સરવા ચોવીશીવાળા વીકાજી સરવૈયા !

'જે સોમનાથ વીકાજી કાકા !' નાગાજણે શુદ્ધ ભાવે કહ્યું.

'જે સોમનાથ દેવ ! વીકાજી સરવૈયાના બુઢ્ઢા મોંમાંથી ક્ષીણ પડઘો નીકળ્યો. એને બ્હીક પણ લાગી.

'કેમ આમ અંતરિયાળ કાકા ?'

'બસ દેવ, બારવટું આથમી ગયું.'

'પણ શું થયું ?

'ચડવા એક જ ઘોડી હતી. એની પીઠ માથે જ મારા બારવટાનો ભાર હતો. એના પ્રતાપે કોક દિ' પણ રા' મારૂં પાર પાડશે એવી આશ હતી. આજ એ મરી ગઇ.'

'હવે ?'

'હવે બસ, તમે રા'ને બાતમી પોગાડો ત્યાં લગી આંહી જ બેઠો છું. મને ને ઘોડીને હારે જ દેન પાડજો બાપા ! એટલું રા'ને કહેજો.'

નાગાજણ નીચે ઊતર્યો ને બોલ્યો, 'ઊઠો વીકાજી કાકા.'

'કાં બાપ ?' 'જોગમાયા તમને ઘોડી સાટે ઘોડો દ્યે છે.'

બહારવટીઆએ નાગાજણની સામે જોયું. 'રા'ના ભાઇબંધ ! બુઢ્ઢાની ઠેકડી કરો છો ? આખરે તો તમે સૌ રાજપૂતોના સરખા પૂજનીય છો એ ન ભૂલશો.'

'માટે જ કહું છું સરવૈયાજી ! કે ઊઠો, ને જૂનાગઢ ભાંગો આ ઘોડાની પીઠ પર બેસીને.'

'સાચું કહો છો ?' બહારવટીઆની વૃદ્ધ આંખો સહેજ સેજળ બની. રા'ની સાથે તમારે વેર થાય...'

'મારી ફિકર કરો મા, ને ઊઠો. માતાજીએ ઘોડો આપી વાળ્યો.'

* * *

તે દિવસની સાંજે ગોધૂલિ વેળાએ જૂનાગઢની ઊભી બજાર ચીરતો એક ઘોડેસ્વાર કોઇને ભાલે પરોવતો, કોઇને ઝબોઝબ ઝાટકા મારતો, દુકાનો ખેદાન મેદાન કરતો આરપાર નીકળી ગયો, અને રાતના મશાલ ટાણે રા'ને સમાચાર પહોંચ્યા કે બહારવટીઆ વીકાજી કાકાની રાંગમાં નાગાજણ ગઢવીનો એ જ ઘોડો હતો, જે રા'ને આપવાની નાગાજણે સવારે જ ના પાડી હતી.

* * *

નાગાજણ ઘેર પહોંચ્યો ત્યારે ચારણ દાયરો પોતપોતાને ગામ ચાલી નીકળ્યો હતો. સમાચાર મળ્યા કે પોતને તરછોડી જનાર નાગાજણ પ્રત્યે ઊંડું મનદુઃખ લ ઇને જતા રહ્યા હતા. એ કાંઇ બોલ્યા ચાલ્યા વગર ઘરમાં પેસી ગયો. નાગબાઇએ પણ જીભને સીવી લીધી હતી. રાતે નાગાજણની વહુ મીણબાઇએ, મૃત્યુલોકની એ અપરૂપ અપ્સરાએ નાગાજણને કહ્યું કે ' કોઇક મોટું અનિષ્ઠ થવા બેઠું છે. આઇનો જીવ અંદરથી વલોવાઇ રહ્યો છે. આઇ એકાંતે વારંવાર બોલ્યા કરે છે કે નરસૈ મેતા ! હરિના હેતાળુ ! આટલી આટલી સતામણી તુંથી શે સંખાઇ શકી ? તારા મોંમાંથી શરાપ, અરેરાટી કે હાયકારો, કાંઇ કરતાં કાંઇ કેમ ન નીકળ્યું ? નરસૈયા, મેંથી એવું કાંઇ થશે તો શે સે'વાશે ? મારી મતિ કેમ કરીને ઠેકાણે રે'શે ? તું હરિનો ભગત, ને હું તો મેખાસૂરનાં રોડ (રૂધિર) પીનાર નવલાખ વિકરાળ લોબડિયાળીયુંની છોરૂ, મારાં તો ખાનપાનમાં ને શ્વાસોશ્વાસમાં રજોગુણ. તારી સાત્વિક વૃત્તિ મેંથી શે સાચવી જશે ? અરે મને મલક દેવ્ય (દેવી) ભાખે છે, પણ મેંથી ક્યાંઇક ડાકણ થઇ બેસાશે તો કેવો બટ્ટો બેસશે ? ને આ રાજા બદલી ગયો, ઉખડેલ થયો, એ કોને નહિ સંતાપે ! પણ શું કરૂં ? મારૂં ઘર જ આ ગોરખ-ધંધાને ન અટકાવી શક્યું ! આવું આવું લવતાં આઇ મારી ય આડાં ઊતરતાં નથી. કોઇ મળવા આવે તો મળતાંય નથી. ચારણ ! તમે જાળવજો હો ! મલકનું નખોદ ન નીકળી જાય.'

નાગાજણ પાસે આશ્વાસનનો એકેય શબ્દ રહ્યો નહોતો.