રાઈનો પર્વત/અંક ચોથો/ પ્રવેશ ૧ લો

←  અંક ત્રીજો: પ્રવેશ ૪ રાઈનો પર્વત
અંક ચોથો: પ્રવેશ ૧
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક ચોથો: પ્રવેશ ૨ →


અંક ચોથો

પ્રવેશ ૧ લો

સ્થળ : રુદ્રનાથનું મંદીર.
[જાલકા અને શીતલસિંહ પ્રવેશ કરે છે. ]
 
શીતલસિંહ : આજે સવારે કલ્યાણકામે મને બોલાવીને કહ્યું કે પૂજારણને પૂછજો કે મહારાજની આજ્ઞા હોય તોઇ તેમને નગરમાં પ્રવેશ કરવાનું મુહૂર્ત રાજજોશી પાસે નક્કી કરાવીએ.
જાલકા : રાઈને મુહૂર્તની દરકાર નથી, પણ પર્વતરાય-રૂપ ધરત રાઈ ને પણ પર્વતરાય પેઠે મુહૂર્ત અનુસાર પ્રવૃત્તિ કરવી પડશે. છ માસ પૂરા થાય છે, માટે તે પછીનું મુહૂર્ત જોવડાવી વેળાસર ખબર મોકલાવશો એટલે નગરમાં આવવાની સવારી વિશે મહારાજ સૂચના મોકલશે.
શીતલસિંહ : રાઈએ કાલે રાતે બને તેટલા વહેલા ભોંયરામાં દાખલ થઈ જવું જોઈએ. સવારીનું મુહૂર્ત બહાર પડશે એટલે લોકો કુતૂહલથી મંદિર બહાર એકઠા થવા માંડશે. તમને પણ ઠીક સૂઝ્યું કે તમે મંદિરના દર્શન બંધ કર્યા છે. બારણા બંધ છે એમ જાણી લોકો આ તરફ હાલ આવતા નથી.
જાલકા : ભોંયરાનું એક ઢાંકણું મંદિરની પાછલી બાજુએ કોટ બહાર આવેલી ઓરડીએ ઉઘડે છે. ત્યાંથી જઈને કાલે દાખલ કરીશું કે બહાર ફરતા લોકોનું ધ્યાન ન ખેંચાય. રાઈ પર્વતરાય થઈ મંદિરના દ્વારમાંથી બહાર નીકળશે ત્યારે પ્રગટ કરીશું કે વૈદરાજ એ પાછલે
રસ્તેથી રાતોરાત ચાલ્યા ગયા છે. રાઈને ભોંયરામાં દાખલ કરતાં પહેલાં તમારે એને એક ઠેકાણું બતાવવાનું કહ્યું છે.
શીતલસિંહ : રાણી લીલાવતીનો આવાસ.
જાલકા : આજ રાતે ત્યાં એને લઈ જાઓ
શીતલસિંહ : રાણી ન જાણે એમ મહેલમાંની એક છાની બારીથી પર્વતરાયને - એટલે રાઇને રાણી બતાવવાની મેં ગોઠવણ કરી છે.
જાલકા : રાઈએ પોતે કદી રાણીને જોવાની જિજ્ઞાસા બતાવી છે ?
શીતલસિંહ : એમણે એ વિશે વાત જ નથી કરી. એ બાબત એમને સૂઝી જ નથી એમ લાગે છે.
જાલકા : એ વિષય ઘણી સંભાળથી અને ઝીણવટથી એની આગળ મૂકવાનો છે.
શીતલસિંહ : તમે સૂચનાઓ કરેલી છે તે મારા ધ્યાનમાં છે. ઠીક સાંભર્યું. કાલે એમની સાથે ફરતાં એમના ગજવામાંથી આ કાગળ પડી ગયો, તે મેં છાનોમાનો લઈ લીધો છે એમાં કવિતા લખી છે, પણ તે બિલકુલ સમજાતી નથી.
જાલકા : (કાગળ લઈને ઉઘાડીને વાંચે છે.)

રે ! વિચિત્ર પટ શું વણાય આ?
તન્તુઓ અવશ શા તણાય આ?
કોણ એ શી રીતથી વને બધું ?
માનવી ! અબલ તન્તુ અલ્પ તું ! ૪૧
ના, નથી અવશ કે અશક્ત તું,
તું વડે જ સહુ કાર્ય આ થતું;
બે રહ્યા તુજ સમીપ માર્ગ જ્યાં,
તું ગ્રહે ઉભયમાંથિ એક ત્યાં. ૪૨

વસી છે શક્તિ તારામાં યથેચ્છ તે તું વાપરે;
કહી અવશ પોતાને કોને તું રાઈ છેતરે ?

એને તો એવી સમસ્યાઓની રમત કરવાની ટેવ છે, એનો ઉત્તર એ નીચે જ આમ લખી આપું છું (બોલીને લખે છે)

'રાઈ' ને 'જાલકા' એ તો બાજીનાં સહુ સોકઠાં;
છેતરે કોણ કોને જ્યાં રમે ખેલાડી એકઠાં ? ૪૩

આ કાગળ પાછો છાનોમાનો એના ગજવામાં મૂકી દેજો. (કાગળ આપે છે.) હવે તમે કિસલવાડીમાં જઈ રાઈને આજ રાત્રે નીકળવા માટે તૈયાર કરો. મહેલમાં જઈ આવી પછા ફરો ત્યારે મને વૃત્તાન્ત કહી જજો.
[બન્ને જાય છે]