રાઈનો પર્વત/અંક પહેલો/ પ્રવેશ ૩ જો
← અંક પહેલો: પ્રવેશ ૨ | રાઈનો પર્વત અંક પહેલો: પ્રવેશ ૩ રમણભાઈ મહિપતરામ નીલકંઠ |
અંક પહેલો: પ્રવેશ ૪ → |
પ્રવેશ ૩ જો
સ્થળ : કિસલવાડી.
સ્થળ : કિસલવાડી.
[છાતીમાં તીર પેઠેલું એવું લોહી વહેતું શબ જમીન પર પડ્યું છે. પાસે શીતલસિંહ બેઠા છે. એવો પ્રવેશ થાય છે.]
[એક તરફથી રાઈ તીરકામઠા સાથે દોડતો આવે છે. બીજી તરફથી જાલકા જાદુગરના વેશમાં ફાનસ લઈ દોડતી આવે છે.]
રાઈ : | (ફાનસને અજવાળે શબને જોઈને ચમકીને) આ કોણ? શું ! મહારાજ પર્વતરાયની છાતીમાં મારું બાણ |
વાગ્યું? પ્રભુ ! આ શો ગજબ ! મેં તો કોઈ નિશાચર પશુ ફરે છે એમ ધારી બાણ છોડ્યું હતું. શીતલસિંહ ! આપ મહારાજની સાથે હતા? અંધારી રાત્રે આ વાડીમાં ક્યાંથી ? | |
શીતલસિંહ : | (નિરાશાથી) મહારાજને મોત અહીં લઈ આવ્યું, અને મને મોત અહીંથી લઈ જનાર છે; કેમકે, નગર સુધી હવે બીજું કોઈ મારો સાથી થાય તેમ નથી. |
જાલકા : | શીતલસિંહ ! આ શો કેર કર્યો ! મેં તમને કહ્યું હતું કે મહારાજાને લઈને ઉત્તરને ઝાંપેથી આવજો, અને, તમે દક્ષિણ તરફથી કેમ આવ્યા? એ તરફ તો ઝાંપો પણ નથી ! |
શીતલસિંહ : | મહારાજે પોતે આગ્રહ કર્યો કે દક્ષિણ તરફ ચાલો, અને, માર્ગ નહીં હોય તો છીંડું પાડીશું. રાજજોશી મુહૂર્ત આપ્યું હતું કે નગરથી એ તરફ પ્રયાણ કરવાનું આ વેળા બહુ શુભ લગ્ન છે. પરંતુ.
(અનુષ્ટુપ) અદૃષ્ટ ભાવિનો પન્થ કોનાં નેત્રે દીઠો કદી? |
મહારાજના પ્રાણ નીકળી ગયા છે તેનો હવે વિચાર કરો. | |
રાઈ : | મને આમાંનું કાંઈ સમજાતું નથી. અજાણ્યે રાજવધ કર્યાની જે શિક્ષા હોય તે ખમવાને હું તૈયાર છું, પરંતું તમારી એવી શી ગોઠવણ હતી કે જેથી આ દુર્ભાગ્ય મારે માથે આવી પડ્યું? |
શીતલસિંહ : | રાઈ ! તારો એમાં કાંઈ અપરાધ નથી. જાલકા ! એને હકીકતથી વાકેફ કર કે પછી આપણે ત્રણે મળી કાંઈ રસ્તો કાઢીએ. |
જાલકા : |
(અનુષ્ટુપ) પડદો જે હતો ધર્યો ધીમે ધીમે ઉપાડવો, |
રાઈ : | સૂકાયેલા ઝાડને સજીવન કરવાની વાત બધી ખોટી હતી? |
જાલકા : | ખોટી નહોતી. મહારાજ પર્વતરાયને હું એ પ્રયોગ કરી બતાવવાની હતી. તેમને વૃદ્ધ વયમાં ફરી જુવાન બનાવવાનું મેં માથે લીધું હતું. એની પ્રથમ મારા ઉપચારની સફલતાની ખાતરી કરવા સારુ ઝાડા પરનો એ પ્રયોગ જોવા આજ રાત્રે તેમને અહીં બોલાવ્યા હતા. |
રાઈ : | મહારાજનો કેવો વિચિત્ર અભિલાષ !
(ઉપજાતિ) જુવાનને યૌવન ઇષ્ટ લાગે, |
જાલકા : | તને ખબર નથી રાણી રૂપવતીના સ્વર્ગવાસ પછી મહારાજે ફરી લગ્ન કર્યું છે, અને નવાં રાણી લીલાવતી હજી યુવાવસ્થામાં પ્રવેશ જ કરે છે ? |
રાઈ : | અને એ લગ્નની નવી વિધાત્રી થવામાં તને શું મળવાનું હતું? |
જાલકા : | યૌવન ફરી આવે તો તને રાજ્યનો કોઠો ભાગ આપી દેવા મહારાજે મને વચન આપ્યું હતું, પણ, એમના મનોરથ એમના આ લોહી સાથે વહી જાય છે ત્યાં મારા મનોરથનો ક્યાં શોક કરું? |
શીતલસિંહ : | લાંબી લાંબી વાતો કરવાનો આ પ્રસંગા નથી. જાલકા ! |
તારી તીક્ષ્ણ બુદ્ધિથે શોધી કાઢ કે મહારાજના અવસાનની ખબર શી રીતે પહોંચાડવી. હું મહારાજની સાથે નીકળ્યો છું એ મહેલમાં સહુ જાણે છે, તો મારે શી રીતે બચવું ? ખરી વાત કોણ માનશે અને કોણ સાંભળશે ? | |
જાલકા : | (વિચારા કરીને) મહારાજ જીવતા છે એવી ખબર આપણે મોકલીએ તો કેમ? |
શીતલસિંહ : | કાંઈ ચિત્તભ્રમ થયો? જેને મહારાજ જીવતા હોવાની ખબર મોકલીએ તે એ જ પૂછે કે એવી ખબર મોકલવાનું પ્રયોજન શું ? મહારાજ પોતે પાછા આવે એ જ ખબર તેમને તો જોઈએ. |
જાલકા : | જરા ધીરજથી સાંભળો . મહારાજા યૌવન મેળવવા પ્રયાસ કરે છે, એ સહુ જાણે છે. તેથી, આપણે એવી ખબર મોકલીએ કે ‘પરદેશથી કોઈ મોટો વૈદ્ય આવ્યો છે, તેણે મહારાજાને જુવાન કરી દેવાનું માથે લીધું છે. છ માસ સુધી તેના ઔષધનું સેવન કરવાનું છે.. પણ, એ છ માસ મહારાજ એકાંત ભોંયરામાં રહે અને વૈદ્ય આપે તે જ અન્નપાન લે, અને , બીજું કોઈ તેમનું દર્શન કરે નહીં તથા તેમનો શબ્દ સાંભળે નહિ, તો જ પ્રયોગા સફળ થાય. અને એ પ્રયોગથી મહારાજને એવું યૌવન આવે કે પાળિયાં જતાં રહે ને કાળા વાળ આવે, દાંત પાછા ઊગે, કરચોળીવાળું શિથિલ અંગ પાછું પ્રફુલ્લ થાય, આંખોમાં પાછું તેજ આવે, અને, મુખાકૃતિ બદલાઈ એવી રમ્ય થાય કે મહારાજને ઓળખવા પણ અઘરા પડે. આ યોજના પાર પાડવા મહારાજ વૈદ્ય સાથે ભોંયરામાં ઊતાર્યા છે અને છ માસ પછી બહાર નીકળશે. ત્યાં સુધી પ્રધાન કલ્યાણકામ સર્વ રાજકારભાર ચલાવે એવી મહારાજની આજ્ઞા છે.’ એ ખુલાસો માનશે. અને કોઈ |
ભોંયરું જોવા આવશે તો અહીંથી નગર તરફ જતાં નદી કિનારે રુદ્રનાથ મહાદેવનું મંદિર આવેલું છે તેમાં ભોંયરું છે, તે બંધ કરી રાખી બતાવીશું. એ મંદિર મારા તાબામાં છે. | |
શીતલસિંહ : | યુક્તિ તો ઠીક લાગે છે, પણ છ માસ પછી કોને રજૂ કરીશ ? |
જાલકા : | એનો તો એક જ માર્ગ છે, તે એ કે આ રાઈને પર્વતરાય તરીકે રજૂ કરવો. |
શીતલસિંહ : | (ભડકીને) શું ! માળીને રાજા બનાવવો ? |
જાલકા : | તમને એ સ્થાન આપીએ. પણ તમને સહુ ઓળખે, અને, તમારો કહેરો ઢાંક્યો ન રહે. આપણા ત્રણના સિવાય ચોથાનો વિશ્વાસ થાય નહિ. છ માસમાં રાઈને રાજદરબારની બધી હકીકતથી વાકેફ કરી દઈશું. |
રાઈ : | જાણે હું સંમતિ આપી ચૂક્યો હોઉં એવી રીતે, જલાકા, તું વાત કરે છે. |
જાલકા : | રાઈ ! આ દીર્ઘદૃષ્ટિથી વિચાર કરવાનો ગંભીર પ્રસંગ છે. તારે તો ફક્ત હું કહું તેમ કરવાનું છે. શીતલસિંહ ! જો આપણે જીવતા રહેવું હોય તો આ સિવાય બીજો ઉપાય નથી. |
શીતલસિંહ : | પણ, એમાં બહુ જોખમભર્યું સાહસ છે. હમણાં કે પછી જો કોઈ વેળા ખરી હકીકત બહાર પડી અને સહુએ જાણ્યું કે આ તો માળી છે તો આપણી શી ગતિ થવાની ? |
જાલકા : | હાલ કરતાં ખરાબ ગતિ નહિ થાય. અને, પર્વતરાય મહારાજના મરણનું વૃત્તાન્ત પ્રગટ થાય તો તેમના પુત્રને અભાવે ગાદી માટે કોણ જાણે કેવીયે લડાઈઓ જાગે અને રાજ્ય કેવું ઓપાયમાલ થઈ જાય તેનો વિચાર કર્યો ? વળી, પર્વતરાયના સામંતો તે કંઈ વંશપરંપરાના હકદાર |
નથી. પર્વતરાય સાથે આ દેશમાં નવા આવેલા તમારા સરખા સામન્તોની જાગીરો જે નવો રાજા કોણ જાણે ક્યાંથીયે આખરે આવે, તે પળે એની શી ખાતરી ? રાઈ ગાદીએ આવે તો એવી ચિન્તાનું કારણ ન રહે. તમારી સેવાની કદર પણ એ જરૂર કરે. | |
શીતલસિંહ : | તું બતાવે છે તેમ તારી યોજના પાર પડે તેવી છે ખરી, પણ, કાંઈ વધારે સાદો અને સહેલો અને ધાસ્તી વગરનો રસ્તો જડે તેમ નથી? |
જાલકા : | શીતલસિંહ ! શી બાલક જેવી વાતો કરો છો? રાજરોગ જામ્યો ત્યાં સાકરનું પાણી મટાડી દેવાનું કહેવું. એ તો ફક્ત હાંસી જ છે. એક તરફથી, રાજવધનો આરોપ આપણા સહુને માથે ઝઝૂમે છે; બીજી તરફ, રાજ્ય ઊંધું વળવાની દહેશત ઊભી થઈ છે; ત્રીજી તરફથી, રાત પાણીને વેગે વહી જાય છે, અને સવાર પહેલાં બધી ગોઠવણ પૂરી કરવાની છે; ત્યાં સાદા ને સહેલા ને ધાસ્તી વગરના રસ્તાની શી વાતો કરો છો? જે રસ્તો મને સૂઝ્યો તે મેં બતાવ્યો. તમને કોઇ રસ્તો રસ્તો સૂઝતો હોય તો બતાવો. નહિ તો છેવટ એક ટૂંકો રસ્તો છે. આ શબ ઉપાડીને મહેલમાં લઈ જઈએ અને ત્યાં માથાં કપાવવા ઊભા રહીએ. એ રસ્તો સાદોયે ખરો અને સહેલોયે ખરો ! પણ એમાં કાંઈ ધાસ્તી ખરી ! |
શીતલસિંહ : | જાલકા ! આ સંકટથી મારું ચિત્ત વિહ્વલ થયું છે, તેવે વખતે તું મારો તિરસ્કાર ન કર અને ઉપહાસ ના કર. મારી બુદ્ધિ ચાલતી નથી. તું જેમ કહે તેમ કરવાને હું તૈયાર છું. તું માલણ કેમ થઈ ! તું તો કોઇ પરાક્રમી સ્ત્રી છે. |
જાલકા : | હવે, મહારાજના, શબને ભૂમિમાં સમર્પણ કરીએ. અગ્નિદાહ કરવા જતાં ગુપ્તતા નહિ સચવાય. |
શીતલસિંહ, તમે નદીમાં સ્નાન કરી આવો. અમે બીજી તૈયારી કરીએ છીએ. |
[સર્વ જાય છે.]