રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો/મદનરેખા

← ચંદનબાળા (વસુમતી) રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
મદનરેખા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
મૃગાવતી →


४–मदनरेखा


સુદર્શનપુરના રાજા મણિરથના નાનાભાઈ યુગબાહુની પત્ની હતી. રૂપમાં એ અતિ આકર્ષક અને ઘણી સુશીલ હતી. તેનો પતિ ધાર્મિક વૃત્તિનો હતો. દંપતિનો સંસાર સુખમાં વ્યતીત થતો હતો. રૂપ પણ ઘણી વખત સ્ત્રીઓને માટે દુઃખનું જ કારણ થઈ પડ્યું છે, પણ સતી સ્ત્રીઓને પોતાના શીલરૂપી સદ્‌ગુણનો પરિચય આપવાનો પ્રસંગ પણ એવી આપત્તિઓમાંજ ઘણી વખત આવે છે.

મદનરેખાના સૌંદર્યથી મુગ્ધ થઈને એના જેઠ મણિરથની દાનત બગડી. એ દુષ્ટના મનમાં નાનાભાઈની વહુ માટે અધમ વિકાર ઉત્પન્ન થયો અને તેણે મદનરેખાને લલચાવવા સારૂ દાસીની સાથે કિંમતી વસ્ત્રાલંકાર વગેરે ભેટ મોકલી. મદનરેખાએ રાજાનો પ્રસાદ ગણીને નિર્દોષપણે તેનો સ્વીકાર કર્યો. ત્યાર પછી રાજાની દૂતી બીજી વાર તેની પાસે ગઈ અને રાજાની તેના પ્રત્યેની આસક્તિ કહી સંભળાવી. સતી મદનરેખાને એ વચન બાણ જેવાં લાગ્યાં. એના ક્રોધ અને શોકનો પાર રહ્યો નહિ. એણે દાસીને કહ્યું: “મહારાજા સાહેબને મારા જેઠ થઈ આવો અધમ સંદેશો મોકલતાં શરમ નથી આવતી ? વેશ્યાઓના બંધુઓ પણ તેની પાસે જવાની ઈચ્છા રાખતા નથી. સગપણની એટલી શરમ તો એમને પણ હોય છે. જે સ્ત્રીમાં શિયળ સાચવવાનો ગુણ નથી તે સ્ત્રી નરકગામી થાય છે. તારા રાજાને અંતઃપુરમાં સુંદર સ્ત્રીઓ હોવા છતાં, પરસ્ત્રીને ભોગવવાની ઈચ્છા કેમ થઈ ? મારા સ્વામીનાથ હજુ હયાત છે. એમના છતાં જે કોઈ મારા ઉપર કુદૃષ્ટિ કરશે તે જરૂર મરણ પામશે. કોઈ મારા ઉપર બળાત્કાર કરશે તો હું પ્રાણ ત્યજીશ, પણ આ દેહને તો પરપુરુષનો સ્પર્શ નહિ થવા દઉં. ઉત્તમ પુરુષો તો આ લોક કે પરલોકમાં વિરુદ્ધ આચરણ કરતાજ નથી; કેમકે જીવહત્યા, અસત્ય વચન, ૫રદ્રવ્યહરણ અને પરસ્ત્રીગમન એ ચારે વાનાં નરકમાં લઈ જનારાં છે. વળી રાજાએ તો કદી પણ પારકી સ્ત્રીની ઈચ્છા ન કરવી જોઈએ, કેમકે એના દાખલાનું બધા પ્રજાજનો અનુકરણ કરે છે.”

દાસીએ જઈને રાજાને બધી હકીકત કહી સંભળાવી. કામવશ રાજાની મતિ બગડતી જ ગઈ. એણે વિચાર્યુ કે ભાઈ જીવે છે ત્યાંસુધી મદનરેખા વશ થવાની નથી, માટે એનું કાસળ કાઢવું જોઈએ. કામાંધ રાજા સગાભાઈનો વધ કરવા તૈયાર થયો !

એક દિવસ મદનરેખાએ સ્વપ્નમાં પૂર્ણ ચંદ્રને જોયો. એ સ્વપ્નની વાત એણે પોતાના પતિને કહી. પતિએ તેનું ફળ દર્શાવ્યું કે તને ચંદ્રમા જેવો સૌમ્ય ગુણવાળો પુત્ર પ્રાપ્ત થશે.

સગર્ભાવસ્થામાં મદનરેખા જિનેંદ્રની પૂજા, ગુરુઓની વંદના તથા ધર્મકથાનું શ્રવણ કરતી હતી. સગર્ભાવસ્થાના માતાના વિચારોની અસર ગર્ભમાંના બાળક ઉપર બહુ થાય છે. અસ્તુ !

એ અવસ્થામાં મદનરેખા પતિની સાથે એક દિવસ બગીચામાં વિનોદ કરી રહી હતી, ત્યાં આગળ દૃષ્ટમતિ મણિરથ રાજા ગયો. ભાઈ યુગબાહુ તેને મળવા સામે ગયો, એટલે મણિરથે તેને વાતચીતમાં નાખીને અચાનક તેના ઉપર ખડગનો ઘા કર્યો અને પછી જાણે ભૂલમાંજ એ બનાવ બની ગયેલ હોય એમ ઢોંગ કરીને રોવા લાગ્યા, મદનરેખાએ પતિની આ દશા જોઈને કલ્પાંત કરવા માંડ્યું. તેને જોઈને તેના નોકરો રાજાને મારવા તૈયાર થયા, પણ ઉદાર હૃદયના યુગબાહુએ તેમને વાર્યા.

યુગબાહુના પુત્ર ચંદ્રયશાને ખબર પડતાંવાર એણે આવીને પિતાના ઘાને મલમપટા માર્યા. મદનરેખાએ પણ પતિની ઘણીજ સેવા કરી, એટલું જ નહિ પણ જ્ઞાનમૃત વડે તેનું દુઃખ ઓછું કર્યું. તેણે પતિને દિલાસો આપ્યો કે, “આપ જરા પણ શોક ન કરવો. જીવ કરેલાં કર્મથી છૂટતો નથી. મનુષ્ય આ જીવનમાં જે સુખ ભોગવે છે તે આગલા જન્મોના કર્મનું જ પરિણામ છે; માટે આપે મન, વચન, કર્મથી જાણે અજાણે જે કાંઈ પાપ કર્યા હાય તેની ક્ષમા માગો. કોઈની પ્રત્યે રાગ દ્વેષ રાખો નહિ ! કોઈએ આપને દુઃખ દીધું હોય, દૂભવ્યા હોય તેને ઉદા૨ ચિત્તથી ક્ષમા આપો. દુનિયામાં બધા પદાર્થ અને બધાં સુખ ચળ છે, ધર્મ જ અચળ છે, માટે ધર્મનું શરણ લઈ આપે ધૈર્ય ધારણ કરવું.” આવી રીતે ધર્મનો અનેક બોધ આપીને પતિને અંતકાળમાં શાંતિ પહોંચાડી. ઘાથી થયેલી ઈજામાંથી યુગબાહુ સાજો ન થયો, પણ પત્નીનાં મીઠાં વચનોથી એના આત્માને ઘણી શાંતિ વળી અને પ્રભુનું ધ્યાન કરતો કરતો મૃત્યુ પામ્યો.

પતિવિયોગથી મદનરેખાને ઘણોજ ખેદ થયો. તેણે ઘણોજ વિલાપ કર્યો, પણ હવે વખત ખોવા જેવું નહોતું. કામાંધ જેઠનો વિશ્વાસ એ કરી શકે એમ નહોતું, માટે એ ત્યાંથી નીકળી પડી અને અજાણ્યા જંગલમાં પોતાના શીલના રક્ષણ સારૂ રહી. ત્યાં તેને એક પુત્ર થયો. એ પુત્રને પતિના નામની વીંટી પહેરાવી એક ઝાડની છાયામાં સુવાડીને પોતે નદીમાં સ્નાન કરવા ગઈ. ત્યાં આગળ એક વિદ્યાધર એના રૂપ ઉપર મોહી પડ્યો. તેણે મદનરેખાને ઘણી લાલચ બતાવીને પોતાની પત્ની બનવા કહ્યું, મદનરેખાએ તેની સાથે યુક્તિથી કામ લીધું. પ્રથમ પોતાને નંદીશ્વર બેટમાં લઈ જવા કહ્યું અને જણાવ્યું કે, “ત્યાં જઈને દેવતાઓને નમસ્કાર કર્યા પછી હું તારા કહેવા પ્રમાણે કરીશ.” વિદ્યાધર પોતાના વિમાનમાં બેસાડીને એને ત્યાં લઈ ગયો. મદનરેખાએ ત્યાં આગળ ભક્તિભાવથી દેવતાઓનું પૂજન કર્યું. વિદ્યાધરનો પિતા મણિચૂડ મુનિ ત્યાં હતો. એને પોતાની દિવ્ય શકિતથી પુત્રના પાપી વિચારની ખબર પડી ગઈ, તેણે પરસ્ત્રીગમનનો વિચાર સરખો કરવો એ કેવું પાપ છે, એ માર્મિક શબ્દમાં બોધ આપીને સમજાવ્યું. મણિપ્રભ વિદ્યાધરના ઉપર તેની સચોટ અસર થઈ. તેણે મદનરેખાની ક્ષમા માગી કે, “બહેન ! હું તારી શી સેવા કરૂં, તે બતાવ.” મદનરેખાએ કહ્યું: “તમે મને તીર્થનાં દર્શન કરાવીને સગાભાઇની ગરજ સારી છે, માટે હું આપનો ઉપકાર માનું છું.”

આ તીર્થસ્થાનમાં મુનિ પાસેથી મદનરેખાએ પોતાના પુત્રનો પણ પત્તો મેળવી લીધો. મદનરેખાના મનમાં જન્મમરણ, જરા, રોગ અને શોકથી વર્જિત, નિરુપાધિ અને અચળ મોક્ષનું સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ હતી; પરંતુ પુત્ર પ્રત્યેના સ્નેહને લીધે એક વાર તેને મળવાની ઉત્કંઠા હતી. એટલા સારૂ એ મિથિલા નગરીમાં ગઈ. ત્યાં આગળ એક વિદુષી સાધ્વી વસતાં હતાં. મદનરેખાએ તેમનાં દર્શન કર્યાં. તેમણે એને ધર્મોપદેશ કર્યો. એ બોધની એવી અસર થઈ કે પુત્ર માટેની આસક્તિ પણ  જતી રહી અને તેણે કહ્યું કે, “પુત્ર ઉપરનો સ્નેહ પણ વારેઘડીએ જન્મવા અને મરવાનું કારણ થઈ પડે છે, એમ આપે જણાવ્યું છે; અને સંસાર અસાર છે એ મેં પહેલેથી જાણ્યું છે. આ ભવ ચક્રમાં ફરતાં ફરતાં પ્રાણીઓને પતિ, પુત્ર આદિ સંબંધો અનેક વાર થયા છે, થાય છે અને થશે. આ પુત્રને મેં અનેક વાર જન્મ આપ્યો છે અને તેણે પણ મને અનંતવા૨ જન્મ આપ્યો હશે. વળી હું કોણ, ક્યાંથી આવ્યો, મારી માતા કોણ, મારા પિતા કોણ એમ વિચાર કરતાં આ સંસાર સ્વપ્નસમાન જણાય છે. સ્ત્રી પરભવની બેડી છે, સગાંસંબંધીઓ બંધન છે, વિષયો વિષસમાન છે; છતાં અજ્ઞાની મનુષ્ય સંસારમાં મોહ રાખીને ફસાઈ પડે છે.” આવો વિચાર કરીને મદનરેખાએ પુત્રને મળવા જવાનો વિચાર પણ માંડી વાળ્યો અને એ સાધ્વી પાસેજ ચારિત્ર ગ્રહણ કર્યું. ત્યાર પછી એનું નામ સુવ્રતા પાડવામાં આવ્યું.

મદનરેખાનો નાનો પુત્ર, જેને તે અરણ્યમાં મૂકી આવી હતી, તે પદ્મરથ રાજાના હાથમાં આવ્યો હતો. તેણે તેનું નામ નમિ પાડ્યું હતું અને સર્વ વિદ્યામાં પારંગત બનાવ્યો હતો. વળી ઉત્તરાવસ્થામાં પોતે વાનપ્રસ્થ થઈને એને જ રાજ્ય સોંપ્યું હતું.

મદનરેખાનો મોટો પુત્ર ચંદ્રયશા કાકા મણિરથનું અકાળ મૃત્યુ થતાં તેની ગાદીનો વારસ થયો હતો. એક પ્રસંગે એક હાથીની બાબતમાં એની અને નમિની વચ્ચે યુદ્ધ જામ્યું. મદનરેખાને તેની ખબર પડી, એણે વિચાર્યું કે આ બન્ને સગા ભાઈઓ નાહક એક બીજાના ઉપર શસ્ત્ર ઉગામશે. વળી આ યુદ્ધમાં હજારો નિર્દોષ જીવની હિંસા થશે. સાધ્વીની રજા લઈને પોતે યુદ્ધક્ષેત્રમાં પહોંચી અને ચંદ્રયશા તથા નમિ બન્નેને બોધ આપ્યો તથા તેઓ સગા ભાઈ છે એની પણ ખાતરી કરી આપી. યુદ્ધ શમી ગયું. ચંદ્રયશાએ પોતાના નાના ભાઈને રાજપાટ સોંપીને ધર્મની દીક્ષા લીધી. કેટલાક સમય પછી નમિરાજને પણ સંસાર ઉપર વૈરાગ્ય ઊપજ્યો અને તેણે પણ મોટાભાઈ તથા માતાનું જ અનુસરણ કર્યું. પુત્રને રાજ્ય સોંપીને ધર્મનું સેવન કરવામાંજ એણે જીવન ગાળ્યું. એ ઘણો સંયમી અને જ્ઞાની નીવડ્યો.

પોતાના બન્ને પુત્રોને ધાર્મિક, નિર્લોભી અને કર્તવ્યપરાયણ જોઈને મદનરેખાને ઘણોજ આનંદ થયો. એ પોતે પણ સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી મોક્ષની અધિકારી બની.