રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો/સતી અંજના

રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
સતી અંજના
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ધારિણી (પદ્માવતી) →


१–सती अंजना

પ્રાચીન કાળમાં મહેંદ્રપુર નામના નગરમાં મહેંદ્ર નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તેની રાણી હૃદયસુંદરીના ગર્ભમાં અંજનાનો જન્મ થયો હતો. ઘણા પુત્રો પછી એ કન્યાનો જન્મ થયેલો હોવાથી તે માતપિતાની બહુ લાડકી હતી. એમણે એ કન્યાને ઊંચા પ્રકારનું શિક્ષણ આપ્યું હતું. એ શિક્ષણના પ્રતાપે અંજનાસુંદરીમાં દેહના સૌંદર્યની સાથે સદાચારનું તેજ પણ આવ્યું હતું.

ધીમે ધીમે બાળાએ યૌવનના આંગણામાં પ્રવેશ કર્યો.

“ભર જોબનમાં તે થઈ, કુંવરી ચતુર સુજાણ;
જૈન માર્ગમાં દીપતી; બોલે મધુરી વાણ.”

માતપિતાને ચિંતા થવા લાગી કે આવી રૂપ, ગુણ અને યૌવનસંપન્ન કન્યાને હવે પરણાવવી જોઈએ.

“એ બેટી મુજ વલ્લરી, કોને પરણાવું જોય ?
ઘર વર સરખું જો મળે, તો જગમાં યશ હોય.”

રાજાએ પોતાના મિત્રો અને પ્રધાનોની સલાહ પૂછી અને આદિત્ય નગરના વિદ્યાધર રાજા પ્રહ્‌લાદના પુત્ર પવનંજય સાથે કન્યાનું લગ્ન કર્યું.

લગ્ન તો થયાં, પવનંજય અંજનાના ગુણોની કદર કરી શક્યો નહિ. તેના પ્રેમને પારખી ન શક્યો અને લગ્ન કર્યા પછી તરતજ તેનો અનાદર કરવા લાગ્યો. પરણ્યા છતાં પતિસુખથી વંચિત બનેલી અંજના ચિંતા અને દુઃખમાં દિવસ નિર્ગમન કરવા લાગી. કવિ કહે છે કે:—

“પ્રીતમ મન મેલ્યા પખે, આદર ન કરે ઉર;
દોષ ગાઢ કરી દાખવે, સાસુ સસરા જોર.
આદર વિણ દિન અંજના, કાઢે ઘણો કલેશ;
માતપિતા મન મૂંઝવે, વિણ અપરાધ વિશેષ.
દિન પલટ્યો પલટ્યા સજ્જન, ભાંગી હૈયાની હામ;
જેના કરતી ઉભરા, તે નવ લે મુજ નામ.
પ્રીતમવિણ વિલખી ફરે, જલ વિણ નાગર વેલ;
વણઝારાની પોઠ જ્યું, ગયો ધુખંતી મેલ.”

આ પ્રમાણે પતિપ્રેમથી રહિત બનીને અંજના વલખાં મારતી હતી. પોતાને અન્યાય કરનાર પતિ પ્રત્યે એને રોષ નહોતો. પતિને જતાં આવતાં એ મહેલની બારીએથીજ જોઈને સંતોષ માનતી.

એના માતાપિતાને પણ એ વાતની ખબર પડી અને તેમણે પુત્રીને પિયેર તેડાવી; પણ કુલવધૂનો ધર્મ સુખેદુઃખે સાસરામાંજ પતિની છાયામાંજ જીવન વ્યતીત કરવાનું છે એમ ધારીને એણે પિયર જવાનું પસંદ ન કર્યું અને કહેવરાવ્યું કે:—

“સ્વામી રે મન માન્યાં નહિ, હું તો પિયેર આવીને શું કરૂં વાત તો.”

આ પ્રમાણે વિરહિણીનાં બા૨ વર્ષ વહી ગયાં. એ સમયમાં, રાવણને વરુણની સાથે યુદ્ધ જામ્યું અને રાવણનો દૂત રાજા પ્રહ્‌લાદની મદદ માગવા સારૂ આવ્યો. કુમાર પવનંજય પોતાની વીરતા દેખાડવાનો આ શુભ પ્રસંગધારીને યુદ્ધમાં જવા તૈયાર થયો.

માતપિતાને પગે લાગીને એ આયુધશાળામાં ગયો. ત્યાં આગળ એને નીરખવા પતિવ્રતા અંજના ઊભી હતી; પરંતુ કઠોર હૈયાના પવનંજયે એ સુંદરીના સામુંયે ન જોયું એટલુંજ નહિ:—

“દૂર ઠેલી તે અલગી પડી, મારગ મેલીને ચાલ્યો છે સાથ તો.”

સતી અંજનાને આથી ઘણો ખેદ થયો.એને લાગ્યું કે, “આજે તો સ્વામીએ મને પાણીથી પણ પાતળી કરી નાખી. સાસુસસરાના દેખતાં મારૂં અપમાન કર્યું. લાંબા પ્રવાસે જાય છે, યુદ્ધમાં જાય છે, છતાં મારી સામે અમીની દૃષ્ટિથી જોયું સરખું પણ નહિ. હાય ! હવે મારે શું કરવું ? પ્રભુજ મારો એક માત્ર આધાર છે. હું સદાચારપૂર્વક મારૂં જીવન વ્યતીત કરીશ. સંયમનું વ્રત લઈશ અને ભગવાનના નામનો જપ કરીશ.” અને એજ પ્રમાણે ઉચ્ચ માર્ગે તેણે પોતાના દુઃખી જીવનને વાળ્યું.

પવનંજય મંત્રી તથા સૈન્ય લઈ રાવણની મદદે ગયો. રસ્તામાં એક સરોવરને તીરે મુકામ કર્યો હતો, ત્યાં એક ચક્રવાકીને પતિના વિયોગથી વિલાપ કરતી સાંભળી. એને પણ પત્નીનું સ્મરણ થઈ આવ્યું. પ્રસંગ જોઈને મંત્રીએ તેના મનમાંનો વહેમ દૂર કર્યો અને કુમારને અંજનાના સદાચારની ખાતરી કરાવીને કહ્યું:

“મહા સતી માંહે રે મૂલગી,અહોનિશ સેવતી જિન તણો ધર્મ તો.
પુરુષ પરાયો વાંછે નહિ, વચન વરાંસે કાંઈ કરો રીસ તો.
શિયળ સરોવરે ઝીલતી એણે મોક્ષગામી જાણીનામ્યું શીશ તો.”

મંત્રીનાં વચનથી કુમારનું ચિત્ત પીગળ્યું. હૃદયમાં પશ્ચાત્તાપ ઉદ્‌ભવ્યો અને પત્નીપ્રેમનો પણ સંચાર થયો. હવે આગળ વધવું તેને માટે દોહ્યલું થઈ પડ્યું. પોતાના ખાતરજ જીવન સર્વસ્વ ગાળનાર સ્નેહાળ પત્નીનાં દર્શન ગમે તે પ્રકારે પણ કરી આવવાં એવો એણે સંકલ્પ કર્યો. લાવલશ્કર સહિત પાછો જાય તો લોકો મશ્કરી કરે માટે ગુપ્ત વેશેજ એ મહેલમાં ગયો અને અંતઃપુરનાં કમાડ ખખડાવ્યાં. અંજનાની સખી વસંતમાળાએ જવાબ આપ્યો કે, “કુમાર તો ચુદ્ધક્ષેત્રમાં ગયા છે અને આવી રાતે મહેલમાં આવી બારણાં ઠોકના૨ લંપટ પુરુષ કોણ છે ? સવારે રાજાજીને કહીને ખબર લેવરાવીશ.” કુમારે પોતાને પરિચય આપ્યો, એટલે વસંતમાલાએ તેને અંદર બોલાવ્યો. અંજનાદેવી એ સમયે પૂજામાં બેઠી હતી. ધર્મકાર્યથી પરવારીને એ પતિને પગે લાગી. પવનંજયે તેની ક્ષમા માગીને જણાવ્યું કે, “તું ખરેખર અમૂલ્ય સતી છે. મેં તને કડવાં અને અણઘટતાં વેણ કહીને દૂભવી છે. તારો મેં ઘણો અનાદર કર્યો છે. મને હવે ઘણોજ પશ્ચાત્તાપ થાય છે. દેવિ ! મને ક્ષમા કરો !” પતિ હાથ જોડીને નીચે નમવા જતો હતો, તેને રોકીને અંજનાએ કહ્યું:—

“એવાં હલકાં કાં બોલો ઉચ્ચારતો,
જેવીરે પગ તણી મોજડી તેહવી હોવે રે પુરુષ તાણી નાર તો.”

હાથ જોડીને એ આગળ ઊભી અને મીઠાં પ્રેમવચનોથી પતિનો સત્કાર કર્યો. ભાતભાતનાં ભોજન પોતાને હાથે ખવરાવીને તથા સુંદર ગીત ગાઈને પતિને ઘણોજ રીઝવ્યો. કુમારે પણ કામવિહ્‌વળ પત્નીને સંતોષી અને પ્રેમપૂર્વક યુદ્ધમાં જવાની રજા માગી. એ વખતે અંજનાએ કહ્યું: “આપ અહીં પધારી ગયા છો ને જો મને ગર્ભ રહી જશે તો હું શો ઉત્તર આપીશ.” કુમારે તેને પોતાની વીંટી કાઢી આપીને કહ્યું: “તું જરા પણ બીક રાખીશ નહિ. હું શત્રુઓને જીતીને હમણાં પાછો આવું છું. ત્યાંસુધી મારા સ્મારક તરીકે આ વીંટી સાચવજે.” વિદાય થતી વખતે અંજનાએ વીરાંગનાને છાજે એવા શબ્દોમાં પતિને પ્રોત્સાહન આપ્યું કે, “વહાલા ! રણભૂમિમાં તમારા શૌર્ય અને પરાક્રમથી બધાને ચકિત કરી દેજો, વહાલા ! અનેક વર્ષોના વિરહ પછી આપ મને પ્રેમરસનું પાન કરાવી ગયા છો, એજ સંયોગની રાતે તરતજ વિયોગનો વસમો પ્રસંગ આવે છે, તેથી મારૂં હૃદય ચિરાઈ જાય છે, પણ કર્તવ્યપથમાં જતાં તમને રોકવામાં હું અધર્મ ગણું છું. તમે સંસારને તમારી વીરતાનો પરિચય આપી, ચશસ્વી બની, ઝળહળતી કીર્તિ સહિત પાછા ફરશો એટલે મારા બધા દુઃખનો બદલો વળી રહેશે. વહાલા સુખે સિધાવો અને વિજય પ્રાપ્ત કરો.”

પતિને વિદાય કરી અંજનાએ ધર્મકાર્યમાં ચિત્તને પરોવ્યું.

“શુદ્ધ સામાયિક ઉચરે, કરે ધ્યાન ધર્મનું ઘડી દોઈ ચાર તો;
પાંચપર્વી ત૫ ઉચરે, બારે વ્રત પઢ્યાં તિણે નિરધાર તો.
સાંજે બેસીને સઝાય કરે ભાવના વા૨ ચિંતવે મનમાંય તો;
પાછલી રાતે તો ૫ઢે ગુણે, એણી પેરે અંજનાના દિન જાય તો.”

અંજનાસુંદરીને એક રાતના સમાગમમાંજ ગર્ભ રહી ગયો. ગર્ભનાં ચિહ્‌ન ધીમે ધીમે પ્રગટ થવા લાગ્યાં, એ જોઈને સાસુને શંકા થઇ કે પુત્ર તો યુદ્ધ કરવા ગયો છે અને વહુને ગર્ભ કેવી રીતે રહ્યો ? તેને અંજનાના ચારિત્ર્ય વિષે સંદેહ ઉત્પન્ન થયો. અંજનાએ વિનયપૂર્વક ખરૂં કારણ જણાવી દીધું, પણું સાસુને વિશ્વાસ ન આવ્યો. તેણે તો પુત્રવધૂનો તિરસ્કાર કરીને કહ્યું:—

“જૂઠ મા બોલ તું પાપિણી, મોહટે કુળે કુનાર;
એહ અનર્થજ તેં કર્યો, તેણે તુજને ધિક્કાર.
આ કાર્ય ખોટું તેં કર્યું, લોપી કુલની લાજ;
તું કુલ ખંપણ ઉપની, પ્રત્યક્ષ દીઠી આજ.
તારૂં મુખ દીઠાં થકાં, લાગે અમને પાપ;
ઉલટા કર્મ સમાચર્યાં, ઉપજાવ્યો સંતાપ.”

સાસુનાં વચન સાંભળીને અંજનાને મૂર્ચ્છા આવી ગઈ. જેણે પરપુરુષનો સ્વપ્ને પણ વિચાર ન કર્યો હોય, એવી સ્ત્રીને માટે  આથી વધારે કલંક બીજુ કયું હોય ? સાસુએ જઈને પતિને એ વાત જણાવી. તેણે એક રથમાં બેસાડીને અંજનાને પિયેર ભણી વિદાય કરી અને એક પત્રદ્વારા એને કાઢી મૂકવાનું કારણ પણ વેવાઈને જણાવ્યું.

દુરાચારનો આરોપ મુકાયલી પુત્રીને ભારતવર્ષમાં કયો પિતા સંઘરે ? મહેંદ્રરાજે પુત્રીનો તિરસ્કાર કરીને ઘર બહાર કાઢી મૂકી. માતા હૃદયસુંદરીને કાંઈ દયા આવી એટલે એણે પુત્રીને બોલાવી, દિલાસો આપીને ખરી હકીકત પૂછી. એને પુત્રીની નિર્દોષતાની ખાતરી થઈ, પણ લોકલાજ તથા પતિના ક્રોધનો વિચાર કરીને તેણે પણ પુત્રીને અરણ્યમાંજ મેકવી આપી અને તેની સંભાળ સારૂ દાસી વસંતતિલકાને સાથે મોકલવાની વ્યવસ્થા કરી.

અંજનાના એ સમયના દુઃખનો પાર રહ્યો નહિ. માતાપિતાએ ઘરમાં ઊભી રાખી નહિ, સગાંવહાલાં, પડોશી સૌ એની નિંદા કરવા લાગ્યાં. ભૂખે ને તરસે એનો કંઠ સુકાઈ જવા લાગ્યો. એને ટળવળતી જોઈને ગામના એક બ્રાહ્મણને દયા આવી અને તે પીવાનું પાણી લઈ આવ્યો, પણ ટેકીલી અંજનાએ કહ્યું:

“પાણી હો બાંધવ શું કરૂં, નગરમાંહે હું તો નહિ પીઉં નીર તો;
પોળ જાહેર પાણી વાવરૂં, પોળ માંહે મારા બાપની આણ તો.”

વસંતતિલકાને અંજનાનાં માતપિતા તથા ભાઈભાંડુની આ વર્તણુંક ઘણીજ અસહ્ય અને અપમાનજનક લાગી. તેણે તેમનો ઘણો તિરસ્કાર કર્યો, પણ અંજનાના હૃદયમાં કોઇના દોષ વસ્યા નહિ. બધાંનો બચાવ કરીને તેણે સખીને કહ્યું:

“બાપ માહરો નિર્મળો, એણે કોઈને નથી દીધું આળ તો;
માતા છે મહારી મહાસતી, પતિવ્રતા ધર્મતણી પ્રતિપાલ જો.
બંધવ ભક્ત છે બાપના, એમને કોઈને નવ દીજીએ દોષ તો.
પૂર્વે પુણ્ય કીધાં નહિ, એ સહુ આપણાં કર્મનો દોષ તો.”

આ પ્રમાણે કર્મને દોષ દઈને તેણે સંતોષપૂર્વક અરણ્યવાસ સ્વીકાર્યો. ત્યાં આગળ એને એક સાધુના દર્શન થયાં. તેણે એને પૂર્વજન્મનો વૃતાંત જણાવ્યો અને કયા દોષના પ્રાયશ્ચિત્તરૂપે આ કલંક લાગ્યું તે જણાવ્યું. અંજનાની ધર્મવૃત્તિ એથી વધારે સતેજ થઈ અને એ વિશેષ ઉત્સાહથી ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્ત થઈ.

એ અરણ્યની ગુફામાં અંજનાએ એક પુત્રને જન્મ આપ્યો. એ પુત્ર બાલ્યાવસ્થાથીજ ઘણો તેજસ્વી અને બળવાન હતો. જન્મ પછી તરતજ તેને હનુરૂહ નગરમાં એક વિદ્યાધર લઈ ગયો હતો, માટે એનું નામ હનુમાન પાડવામાં આવ્યું. એ હનુમાન તે બળ, પરાક્ર્મ અને સ્વામીભક્તિ માટે હિંદુ માત્રના આરાધ્ય મહાવીર હનુમાન.

પવનંજય યુદ્ધમાં વિજય મેળવીને પાછો આવ્યો, ત્યારે એને ખબર પડી કે, પિતાએ અંજનાદેવીને મિથ્યા આળ ચડાવીને કાઢી મૂકી છે, એથી એને ઘણો શોક થયો અને અંજનાના નામનું રટણ કરતો એની શોધમાં વનેવન ભટક્યો. આખરે કહીં પત્તો ન લાગ્યો ત્યારે એવી સતી પત્નીના વિરહ કરતાં મૃત્યુ હજાર દરજ્જે સારૂં છે, એમ ગણીને આત્મઘાત કરવાનો સંકલ્પ કર્યો. એવામાંજ એનો પિતા ત્યાં પહોંચી ગયો અને આત્મઘાત એ મહાપાપ તથા કાયરતાનું લક્ષણ છે, એમ સમજાવીને એને ચિતામાં પડતાં રોક્યો.

એવામાં અંજનાસુંદરીનો આશ્રયદાતા પ્રતિસૂર્ય વિદ્યાધર પણ એ સતીને લઈને ત્યાં આવી પહોંચ્યો અને એણે કેવી પવિત્રતાથી ધર્માચરણપૂર્વક જીવન ગાળ્યું છે તે જણાવ્યું તથા હનુમાનના જન્મ અને બાળપરાક્રમનો વૃત્તાંત સંભળાવ્યો. પવનંજયના હર્ષનો પાર રહ્યો નહિ. અંજનાદેવીના દુઃખનો હવે અંત આવ્યો.

વિદ્યાધર પ્રતિસૂચના આગ્રહને માન આપીને પવનંજય પત્ની તથા કુમાર હનુમાનસહિત કેટલાક સમય સુધી ત્યાં રહીને પછી પોતાની રાજધાનીમાં ગયો.

હનુમાનને માતપિતા તરફથી સારૂં શિક્ષણ મળ્યું હતું. એમણે રામચંદ્રજીની કેવી ઉત્તમ સેવા કરી તે જાણીતું છે.

હનુમાન મોટો થતાં પવનંજયે તેને રાજ્ય સેંપીને દીક્ષા ગ્રહણ કરી. અંજનાસુંદરીએ પણ એક વિદ્વાન મુનિ પાસે દીક્ષા લીધી અને કર્મનો ક્ષય કરીને મોક્ષને પામી.X[૧]

  1. X હનુમાન–જનની અંજનાનું આ ચરિત્ર જૈનગ્રથો ઉપરથી લેવામાં આવ્યું છે. હિંદુઓ પણ હનુમાનની માતાનું નામ અંજના અને પિતાનું નામ પવન માને છે. જૈનદૃષ્ટિએ લખાયલું સતીનું આ ચરિત્ર અમને બોધક જણાયાથી એનેજ સ્થાન આપ્યું છે.—પ્રાયોજક