રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/જ્યેષ્ઠા

← શ્રીદેવી રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
જ્યેષ્ઠા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
શિવા →




११–ज्येष्ठा

સતી ચેટક રાજાની પુત્રી અને જૈનધર્મીઓના ચોવીશમા તીર્થંકર મહાત્મા શ્રીમહાવીર સ્વામીના વડા ભાઈ નંદિવર્ધનની પત્ની થાય.

જ્યેષ્ઠા ઘણી સુંદર સ્ત્રી હતી. બાલ્યાવસ્થાથીજ તેના માતાપિતાએ તેને ઊંચા પ્રકારનું શિક્ષણ આપીને સદાચારી અને વિવેકી બનાવી હતી. રાજા ચેટકે તેનું લગ્ન એ વખતના રાજકુમારોમાં ઘણા હોશિયાર ગણાતા કુમાર નંદિવર્ધન સાથે કર્યું હતું. નંદિવર્ધન જેવો યોગ્ય પતિ મળવાથી જ્યેષ્ઠાનો સંસાર ઘણો સુખી નીવડ્યો હતો. એ રાતદિવસ સાસુ સસરાની સેવા કરવામાં તથા જૈનધર્મ અનુસાર ધર્માનુષ્ઠાન કરવામાં પોતાનો સમય ગાળતી હતી. પોતાના સદ્‌ગુણ તથા અનન્ય પ્રેમથી તેણે પતિના ઉપર સંપૂર્ણ અધિકાર જમાવ્યો હતો. નંદિવર્ધન તેને પોતાના કુંટુબની લક્ષ્મી તરીકે ગણતા હતા.

સતી જયેષ્ઠાના અપ્રતિમ સૌંદર્ય અને તેના અનન્ય પતિપ્રેમની પ્રશંસા દુનિયામાંજ નહિ પણ સ્વર્ગલોકમાંય થતી હતી. એક વખતે દેવતાઓની સભામાં ઇંદ્રદેવે સતી જ્યેષ્ઠાના સતીત્વની ઘણીજ પ્રશંસા કરીને જણાવ્યું કે, “એ એવી દૃઢ પતિવ્રતા છે કે દેવતાઓની ચળાવી ચળે એમ નથી.”

ઇંદ્રનાં એવાં વચન સાંભળીને એક દેવતાના મનમાં મમત ભરાયો કે, હું એ સતીનું શિયળ ભંગ કરૂં તોજ ખરો. એવા દુષ્ટ સંકલ્પથી એ મર્ત્યલોકમાં આવ્યો અને એકાએક જ્યેષ્ઠા સતીનું હરણ કરી ગયો. તેને એક ઘોર ભયાનક અરણ્યમાં લઈ જઈને ઊભી કરી તથા પોતાની દૈવી શક્તિથી અસંખ્ય હાથી, ઘોડા, ૨ત્ન, પાયદલ વગેરે હાજર કર્યા અને કહ્યું: “હે સુંદરિ ! હું આ સેનાનો રાજા છું. તું અહીં એકલી છું. હવે અહીંયાં તારૂં રક્ષણ કરે એવું કોઈ નથી. તું મારી સાથે ચાલ. મારો વૈભવ પાર વિનાનો છે. તું એ અપૂર્વ વૈભવની સ્વામિની થઈશ. તું મારા હૃદય અને ગૃહરાજ્યની રાણી થઈશ. તને સુખ આપવામાં હું કોઈ પણ પ્રકારની મણા નહિ રાખું.”

પરંતુ એ કપટી દેવતાનાં વચન તરફ સતી જ્યેષ્ઠાએ કાન પણ ન માંડ્યા. તેણે પોતાનાં કાનમાં આંગળીઓ ખોસી દઈને કહ્યું: “હે અધમ મતિના પુરુષ ! તું તો શું, પણ સ્વર્ગમાંથી ઇંદ્ર પોતે આવે તોપણ હું મારા પતિ સિવાય પણ કોઈની સાથે ગમન કરવાની નથી. મારે મનથી મારા પતિજ ત્રણે લોકમાં સર્વથી શ્રેષ્ઠ પુરુષ છે. હું જીવને જોખમે પણ મારા પાતિવ્રત્ય ધર્મનું રક્ષણ કરીશ. પતિપ્રેમ આગળ હુ ત્રણે લોકના વૈભવને ધૂળ સમાન ગણું છું.” તેનાં વચનો ઉપર કશું પણ લક્ષ ન આપતાં એ કામાતુર દેવતા તેની ઉપર બળાત્કાર કરવાના ઈરાદાથી આગળ ધસવા ગયો; એટલે સતીએ અત્યંત ગુસ્સે થઈને કહ્યું: “ખબરદાર ! દુષ્ટ ! એક ડગલું પણ આગળ આવીશ નહિ, તેમજ એવા ખરાબ ભાવનો એક પણ અક્ષ૨ તારા મલિન મુખમાંથી કાઢીશ નહિ. જો તું બળાત્કાર કરવા પ્રયત્ન કરીશ, તો હું આત્મહત્યા કરીશ, તેનું પાપ તારે માથે ચોંટશે.”

સતી જ્યેષ્ઠાની આટલી બધી દૃઢતા જોઈને એ દેવ આશ્ચર્યચકિત થઈ ગયો. તે પોતાના મનમાં પ્રસન્ન થઈને સ્વર્ગલોકમાં પાછો ગયો.

કુમાર નંદિવર્ધનને જ્યારે પત્નીના સતીત્વની આ વાતની ખબર પડી ત્યારે તેના હૃદયમાં પત્ની માટે સદ્ભાવ સહસ્ત્રગણો વધી ગયો. આ પતિપત્નીએ પ્રેમપૂર્વક ગૃહસ્થાશ્રમમાં રહીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થનું સાધન કર્યું. પાછલી વયમાં સતી જ્યેષ્ઠાએ પતિની આજ્ઞાથી પોતાના દિયર પાસે જૈનધર્મની દીક્ષા લીધી. સંન્યાસિની થયા પછી તેણે સ્ત્રીઓને બોધ આપવામાં પોતાનું આયુષ્ય ગાળ્યું હતું. તેના ઉપદેશથી ઘણી સ્ત્રીઓ સન્માર્ગે ચડી હતી.