રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/નર્મદાસુંદરી

← યશોમતી રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
નર્મદાસુંદરી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સુલસા →


३३–नर्मदासुंदरी

વર્ધમાન નગરના સહદેવ નામને વણિકની પુત્રી હતી. એ બાલિકા જે સમયે માતાના ગર્ભમાં હતી, તે સમયે તેની માતાને નર્મદા નદીમાં જળક્રીડા કરવાનો દોહદ થયો હતો અને પતિપનીએ કેટલાક સમય સુધી નર્મદા નામે એક નગર વસાવી ત્યાં વાસ કર્યો હતો. ત્યાં આગળજ બાલિકાનો જન્મ થવાથી એનું નામ નર્મદાસુંદરી પાડવામાં આવ્યું. શુક્લપક્ષના ચંદ્રમાની પેઠે નર્મદા દિનપ્રતિદિન રૂપ અને ગુણમાં વધવા લાગી અને યથાસમયે યૌવનાવસ્થાને પ્રાપ્ત થઈ.

નર્મદાની ફોઈ ઋષિદત્તાનાં લગ્ન રુદ્રદત્ત નામના એક વેષધારી વણિક સાથે થયાં હતાં. એમને મહેશ્વરદત્ત નામનો એક પુત્ર હતો. એ યુવક નર્મદાના સૌંદર્યથી મુગ્ધ થયો અને પરણવાનો અભિલાષ કરવા લાગ્યો. મામાની પુત્રી પરણવાનો એ સમયમાં જૈનોમાં રિવાજ હતો.

માતાની આજ્ઞા લઈ એ મોસાળ ગયો. મામાને ઘેર બધાં ધાર્મિક વૃત્તિનાં હોવાથી મહેશ્વરદત્ત ત્યાં જઈને પોતે સાચો શ્રાવક હોય અને જૈનધર્મ ઉપર બહુજ આસ્થા હોય એ ઢોંગ કરવા લાગ્યો. પોતાના આચરણથી એણે મોસાળમાં બધાને પ્રસન્ન કરી દીધાં. એક સમયે એના માતામહે બહુ પ્રસન્ન થઈને જે કાંઈ ઈચ્છા હોય તે માગવાનું કહ્યું. તે ઉપરથી મહેશ્વરે નર્મદાસુંદરીનું માગું કર્યું. માતામહે કહ્યું: “તારૂં કહેવું વાજબી છે, પણ તારૂં કુળ ઢોંગીનું છે, માટે એવા ઢોંગીના પુત્રને હું કન્યા આપવા નથી માગતો.” માતામહનો એ ઉત્તર સાંભળી મહેશ્વરે થોડા દિવસ જૈન ગુરુ પાસે જઈ યોગ્ય ધર્મજ્ઞાન પ્રાપ્ત કર્યું અને પછી કહ્યું: “મારૂં કુળ ભલે ગમે તેવું હોય, પણ તમે મારી પ્રાર્થના સ્વીકારો. લોકો કમળની ઉત્પત્તિ નથી જોતા, પણ ગુણ અને સૌંદર્યને જ જુએ છે. તમારે મારા કુળની સાથે શું લાગેવળગે છે ? કન્યા તો મને આપવી છે ને ? હું પોતે જૈનધર્મી છું.”

એ વચનોથી પ્રસન્ન થઈ ઋષભસેને પોતાના પુત્ર સહદેવની સંમતિ લઈ નર્મદાસુંદરીનું લગ્ન મહેશ્વર સાથે કર્યું. નર્મદા જૈન શાસ્ત્રોમાં તથા જૈનધર્મક્રિયાઓ અને સંસ્કારોમાં બહુજ પ્રવીણ હતી. એણે પતિને પોતાના ધર્મનું રહસ્ય સમજાવ્યું. મહેશ્વરદત્ત પહેલાં તો સુંદરીને પ્રાપ્ત કરવા ખાતરજ જૈન ધર્માવલંબી બન્યો હતો, તે હવે સાચો શ્રાવક બન્યો.

સાસરે ગયા પછી નર્મદાસુંદરીનું વર્તન આદર્શરૂપ હતુ. વિનય તથા સેવાથી તેણે સાસરામાં બધાને પ્રસન્ન કર્યા, એટલુંજ નહિ પણ પોતાના જ્ઞાન વડે તેમના ધાર્મિક વિચારો બદલીને પોતાના વિચારને મળતા બનાવ્યા. નર્મદાના આવ્યા પછી એનું ઘર સુખનું ધામ બની ગયું.

એક સમયે સતી નર્મદા સુંદરી ઘરના ઝરૂખામાં બેસીને પાન ચાવતી હતી અને પોતાનું મુખ દર્પણમાં જોતી હતી. દૈવયોગે એના મુખમાંથી પાન પડી ગયું અને નીચે એક જૈન યતિ જતા હતા તેના ઉપર પડ્યું. એને ક્રોધ ઉત્પન્ન થયો અને શાપ દીધો કે, “તું પતિના વિયોગનું દુઃખ પામીશ.” નર્મદાને એ શાપ સાંભળી ઘણો પશ્ચાત્તાપ થયો. એણે યતિની ક્ષમા માગી અને શાપ પાછો ખેંચી લેવા પ્રાર્થના કરી. તેના ઉત્તરમાં યતિએ શાંત થઈને કહ્યું: “હે પુત્રિ ! તું ખેદ ન કર, સાધુઓ કદી શાપ દેતા નથી, કેમકે શાસ્ત્રમાં કહ્યું છે કે, રાગદ્વેષનો ઘાત કરનારા મુનિઓ વંદન કરવાથી પ્રસન્ન થતા નથી અને અપમાન કર્યાથી ખેદ પામતા નથી. તેઓ તો ચિત્તને દમીને જ વિચરે છે. આ તો મેં અકસ્માત્‌ તારૂં ભવિષ્ય કહ્યું છે. દુઃખ કોઈના કહ્યાથી ઉપર જતું નથી. એ તો દુષ્ટ કર્મોના ફળરૂપેજ વિયોગ આદિ દુઃખ મનુષ્યોને પ્રાપ્ત થાય છે. પૂર્વજન્મનાં કર્મ ભોગવ્યેજ છૂટકો છે, તો પછી એમાં ડાહ્યા માણસે ખેદ ન કરવો જોઈએ.”

આ ઉપદેશથી નર્મદાને કાંઈક શાંતિ વળી. પતિએ પણ પ્રેમપૂર્વક આશ્વાસન–વચનો કહ્યાં, એટલે નર્મદા એ બનાવને વીસરી જઈ પહેલાંની માફક ધર્મકાર્યમાં જીવન વ્યતીત કરવા લાગી.

કેટલોક સમય વીતી ગયો. એ સમયમાં ભારતવર્ષના વેપારીઓ બહુ સાહસિક હતા. સમુદ્રયાત્રાનો નિષેધ એ કાળમાં નહોતો. મહેશ્વરદત્ત યવનદ્વીપમાં વેપાર કરવા સારૂ જવા નીકળ્યો. પતિપ્રાણા નર્મદાસુંદરી પણ તેની સાથે જવા નીકળી. મહાસાગરમાં કોઈ બેટમાં દૂર કોઈ પુરુષનું સંગીત સાંભળવામાં આવ્યું. નર્મદાસુંદરી એવી ગુમ વિદ્યા ભણી હતી કે, મનુષ્યનો સ્વર સાંભળીને એના સ્વરૂપ તથા ગુણનું યથાર્થ વર્ણન કરી શકતી. એ વિદ્યાનો ચમત્કાર પતિને બતાવવાનો આજ એને શોખ થયો. એણે કહ્યું: “જે પુરુષ આ ગીત ગાય છે, તેનું શરીર શ્યામ છે; હાથ, પગ અને કેશ જાડા છે, એ મહા સત્યવાદી છે. વળી તેને ગુપ્ત સ્થાન ઉપર મસ છે અને છાતી ઉપર લાખું છે. એનું વય આશરે બત્રીશ વર્ષનું છે.” આ સાંભળીને મહેશ્વરદત્તને પત્નીના ચારિત્ર્ય વિષે શંકા ઉપજી કે, “આ સ્ત્રી જરૂર એ પુરુષ ઉપર મોહી ગઈ છે અને એની સાથે એને પ્રથમ સમાગમ થયેલો લાગે છે; નહિ તો જેનું શરીર દેખાતું નથી તેના રૂપગુણને એ કેવી રીતે પારખી શકે ? આ સ્ત્રીએ મને દગો દીધો. હું એને પતિવ્રતા ગણીને ચાહતો હતો, પણ એણે મારા વિશ્વાસનો ભંગ કર્યો છે. એવી સ્ત્રીનો નાશ કરૂં ત્યારે જ હું ખરો.” એટલામાં રાક્ષસદ્વીપ આવતાં વહાણે ત્યાં લંગર નાખ્યું અને મહેશ્વર ક્રીડા કરવાને બહાને પત્નીને કિનારા ઉપરના વનમાં લઈ ગયો. ત્યાં નર્મદાને નિદ્રા આવી ગઈ અને એજ અવસ્થામાં પતિ એને છોડીને ત્યાંથી ચાલી નીકળ્યો અને વહાણ ઉપર આવીને કહેવા લાગ્યો કે, “વાઘ જંગલમાં મારી પત્નીને ખાઈ ગયો.” આ પ્રમાણે થોડો વખત મિથ્યા શોક કરી, વહાણ હંકારીને એ ચાલતો થયો; અને દેશાવરમાં ધન સંપાદન કરી પોતાને નગર ગયો તથા બીજી વાર લગ્ન કરી સુખે રહેવા લાગ્યો.

પેલી તરફ નિદ્રામાંથી જાગતાં નર્મદાએ પતિને ન જોયા તેથી એ ઘણાં આશ્ચર્યમાં પડી. પહેલાં તો એ સમજી કે પતિ મારી મશ્કરી કરતા હશે. એણે પતિને ઘાંટા પાડીને ઘણી વાર બોલાવ્યા, જંગલમાં શોધી વળી, સમુદ્રકિનારે જઈ આવી પણ ક્યાંચે પત્તો લાગ્યો નહિ. હવે એની નિરાશાનો પાર રહ્યો નહિ. એ હૃદયવિદારક વિલાપ કરવા લાગી અને આખરે થાકી ત્યારે પ્રભુનું જ શરણ લઈ, પોતે જ પોતાના આત્માને સમજાવવા લાગી: “હે આત્મા ! તે પૂર્વજન્મમાં જે કર્મ કર્યું છે, તે ભોગવ્યેજ છૂટકો છે. શોક કરવો મિથ્યા છે.” પછી તે સરોવરમાં સ્નાન કરી જિનેશ્વરનું ધ્યાન ધરીને કેવળ ફળાહાર ઉપર રહેવા લાગી. શોકનો ત્યાગ કરીને તે વ્રતપરાયણ થઈ.

એવામાં તેનો એક પિતરાઈ કાકો વીરદાસ ત્યાં જઈ ચડ્યો અને તે નર્મદાસુંદરીને પોતાની સાથે પ્રવાસમાં લઈ ગયો. તે બર્બ૨ દેશના રાજાની રાજનગરીમાં પહોંચ્યો અને નર્મદાને એક તંબૂમાં ઉતારી. એક દિવસ કામ પ્રસંગે તે બહાર ગયો હતો, તેવામાં એ નગરની એક પ્રસિદ્ધ વેશ્યાએ વીરદાસ તમને બોલાવે છે, એવું મિથ્યા કહેવરાવીને નર્મદાસુંદરીને પોતાને ઘેર પ્રપંચથી બોલાવી. એનું ઘર જોતાંજ નર્મદા પ્રપંચ સમજી ગઈ અને તેને ઘણો ક્ષોભ થયો. વેશ્યાએ તેને પાપના માર્ગે જવાને ઘણુંયે સમજાવ્યું, પુષ્કળ લાલચ બતાવી, પણ નર્મદા ચળી નહિ અને ઉત્તર આપ્યો: “જ્યાંસુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી મારૂં આ શિયળરૂપી માણિક્ય હરવાને કોણ સમર્થ છે ? તમારા અધમ જીવનમાં સુખ માણે અને પરલોકને ભૂલી જાય એવા તે ભૂખ લોક કોણ હશે ? બાળક હોય તેજ માણિક્યને ચણા સમજીને તેનાથી રમે.” આ વચનોથી વેશ્યાને ક્રોધ ઊપજ્યો અને તેણે નર્મદાને મારવા માંડી. નર્મદાએ એવે સમયે એકાગ્ર ચિત્તે પંચ પરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરવા માંડ્યું, એથી વેશ્યાનું અકસ્માત્ મોત નીપજ્યું.

રાજાને એ વાતની ખબર પડતાં તેણે નર્મદાને બળાત્કારથી પોતાના મહેલમાં બોલાવી મંગાવી. ગમે તે જોખમે સતીત્વનું રક્ષણ કરવાનો દૃઢ સંકલ્પ કરીને નર્મદા એના સુખાસનમાં બેઠી અને રસ્તામાં એક મોટો ખાળ આવતાં એકદમ એમાં પડી અને ગંદા પદાર્થથી પોતાનું સુંદર શરીર ખરડી દીધું. બહાર આવીને તે પોતાનાં વસ્ત્ર ફાડવા લાગી અને જાણે ગાંડી થઈ હોય કે ભૂત ભરાયું હોય એવો ઢોંગ કરવા માંડ્યો. એને જોઈને રસ્તામાં લોકો બીને નાસવા લાગ્યા. રાજાએ તેને જંગલમાંજ છોડી દીધી. ત્યાં એ જિનેશ્વરનાં ગીત ગાતી ફરતી હતી. ત્યાં જિનદાસ નામના એક પરોપકારી જૈનની એને મુલાકાત થઈ. જિનદાસે બતાવેલી યુક્તિથી નર્મદાસુંદરી એ રાજાની હદમાંથી છૂટવા પામી. એ પરોપકારી નર એને પોતાની સાથે નર્મદાપુર લઈ આવ્યો અને એ સતીના દુઃખની કહાણી બધાને કહી સંભળાવી. પુત્રીને જીવતી આવેલી જોઈને એનાં માતપિતાને ઘણો આનંદ થયો. તેમણે એ દિવસે પુષ્કળ પુણ્યદાન કર્યું.

એ નગરીમાં એક દિવસ આર્ય સુહસ્તી નામના આચાર્યની કથા સાંભળતાં તથા પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત જાણવામાં આવતાં નર્મદાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. એજ સાધુ પાસે તેણે દીક્ષા લીધી અને તપશ્ચર્યા કરીને અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યું તેમજ પ્રવર્તિની પદ મેળવ્યું.

ધર્મોપદેશ નિમિત્તે પ્રવાસ કરતાં તે ચંદ્રપુર નગરમાં પહોંચી. ત્યાં એના વ્યાખ્યાનમાં મહેશ્વરદત્ત પણ ગયો હતો. એણે નર્મદાને ઓળખી નહોતી. ઉપદેશ સાંભળ્યા પછી તે પૂછવા લાગ્યો: “દેવિ ! મેં મારી સ્ત્રીને કલંકિની જાણીને છોડી દીધી છે, તો તે કલંકિત હતી કે શુદ્ધ તે કૃપા કરીને કહો.” સાધ્વીએ કહ્યું કે, “એ તો પવિત્ર અને નિષ્કલંક હતી.” એથી મહેશ્વરદત્તને ઘણોજ પશ્ચાત્તાપ થવા લાગ્યો. એને દુઃખી થતો જોઈને સતીને દયા આવી અને તેણે કહ્યું: “ તમારી એ જૂઠા કલંકથી કલંકિત થયેલી પ્રિયતમા હું જ છું.” પતિએ એની ઘણી ક્ષમા માગવા માંડી. નર્મદાએ તેને એમ કરતાં રોકીને કહ્યું: “તમે એવું કહીને મને શરમાવશો નહિ. આપે આપની વર્તણુંક માટે જરા પણ પશ્ચાત્તાપ કરવો ઘટતો નથી. કર્મને અનુસરીનેજ જીવો સુખદુઃખ ભોગવે છે.” મહેશ્વરદત્તને પણ હવે સંસાર ઉપર વૈરાગ્ય ઊપજ્યો. તેણે પણ પત્નીના ગુરુ પાસે દીક્ષા લીધી અને નર્મદાના તટ ઉપર ધર્મની સાધનામાં બન્ને શેષ જીવન ગાળવા લાગ્યાં.