રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/રૂપમંજરી

← વ્રજદાસી રાણી બાંકાવતજી રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
રૂપમંજરી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
વીરા →


४३–रूपमंजरी

બંગાળાના વર્ધમાન જિલ્લામાં કલાઈ ઝૂંટી નામક ગામમાં ઈ. સ. ૧૭૭૪ માં આ સન્નારીનો જન્મ થયો હતો. તેના પિતાનું નામ નારાયણદાસ અને માતાનું નામ સુધામુખી હતું. નારાયણદાસ ઘણો વિદ્વાન પુરુષ હતો. એને કોઈ પુત્ર નહોતો, તેથી તેણે રૂપમંજરીને જ પુત્ર પ્રમાણે લાડ લડાવ્યાં હતાં.

બાલ્યાવસ્થાથી જ પોતાની એકની એક કન્યાને ભણાવવાગણાવવાનું નારાયણદાસે શરૂ કરી દીધુ હતું. રૂપમંજરીની બુદ્ધિ પણ પિતાની પેઠે ઘણી તીવ્ર હતી. થોડા જ સમયમાં એ વાંચતાંલખતાં શીખી ગઈ. જેટલા ટૂંકા સમયમાં રૂપમંજરી વાંચતાંલખતાં શીખી ગઈ તેટલા સમયમાં ઘણાં થોડાં બાળકો એટલો અભ્યાસ કરે છે. તેની તીવ્ર બુદ્ધિ જોઈને, લોકોએ તેને વ્યાકરણ ભણાવવાનો આગ્રહ કર્યો. નારાયણદાસે લોકોની સલાહ મુજબ તેને વ્યાકરણ ભણાવવું શરૂ કર્યું. થોડા દિવસમાં તેને વ્યાકરણ શાસ્ત્રનો પણ સારો અભ્યાસ થઈ ગયો.

બહાદુરપુરમાં વદનચંદ્ર તર્કાલંકાર નામે એક સારો વિદ્વાન રહેતો હતો. નારાયણદાસે રૂપમંજરીને તેની પાસે શબ્દશાસ્ત્રનો અભ્યાસ કરવા મોકલી. ત્યાં એ વિદ્યાભ્યાસ કરતી હતી, એવામાં તેના પિતા નારાયણદાસનો દેહાંત થઈ ગયો; એટલે રૂપમંજરીને અભ્યાસ છોડી દઈને પિતાને ગામ આવવું પડ્યું. ઘર આગળ પિતાની યથાવિધિ ઉત્તરક્રિયા કર્યા પછી, એ પખસર ગામ ગઈ અને ત્યાં પંડિત ગોલાનંદ તર્કાલંકાર પાસે કાવ્ય ભણવા લાગી. કાવ્યમાં તેણે સારી પ્રવીણતા મેળવી. ત્યાર પછી વૈદક વિદ્યા તરફ તેની દૃષ્ટિ ગઈ. એ શાસ્ત્રનો પણ તેણે થોડોઘણો અભ્યાસ કર્યો.

રૂપમંજરીની બુદ્ધિ બચપણથીજ ઘણી તીવ્ર હતી. આગળ ઉપર એ ઘણી બુદ્ધિમતી અને વિદુષી નારી નીવડી. વ્યાપારી અને વ્યવહાર સંબંધી હિસાબકિતાબ પણ એ જાણતી હતી. લોકો એને વિદ્યાલંકાર અને તર્કાલંકાર નામથી બોલાવતા હતા.

એ ઘણી સુશીલ, સરળ, નમ્ર અને નીતિવાળી હતી. તેનો ધર્મ વૈષ્ણવ ધર્મ હતો. શરીરની આકૃતિ મધ્યમ હતી. વિવાહના બંધનમાં પડવું તેણે યોગ્ય નહોતું ધાર્યું. આખી જિંદગી સુધી એ કુમારીજ રહી હતી અને બ્રહ્મચારિણીના ધર્મનું તેણે પૂરેપૂરું પાલન કર્યું હતું. પોશાક પણ તે પુરુષના જેવોજ પહેરતી હતી.

ધોતિયું તથા પહેરણ પહેરતી અને માથું મૂંડાવેલું રાખતી; બહાર જતી વખતે માથા ઉપર દુપટ્ટો બાંધતી હતી.

તેનું આખું જીવન વિદ્યાભ્યાસમાં જ વ્યતીત થયું હતું. ઘણાં લોકોએ તેની પાસે વ્યાકરણ, ચરક, નિદાન અને કાવ્યશાસ્ત્ર આદિ અઘરા વિષયોનો અભ્યાસ કર્યો હતો. માનક ગામના કવિરાજ ભોલાનાથે વેદકનું શિક્ષણ તેનીજ પાસેથી લીધું હતું. તેના હસ્તાક્ષર ઘણાજ સુંદર અને ઘાટદાર હતા. વિદ્યાથીઓને ભણાવીને તથા વૈદકનો ધંધો ચલાવીને એ પોતાનું ગુજરાન કરતી. એ પ્રાંતમાં એ બધાં શાસ્ત્રોમાં અદ્વિતીય ગણાતી હતી.

વિદ્યા સંપાદન કરવામાં એની જેટલી રુચિ હતી, તેટલીજ પુણ્યકાર્ય તરફ હતી. ૯૨ થી ૯૬ વર્ષની પાકી વયે તેણે કાશી, ગયા, પ્રયાગ, મથુરા, વૃંદાવન આદિ તીર્થોની યાત્રા કરી હતી. પૂરૂં ૧૦૨ વર્ષનું આયુષ્ય ભોગવીને ઈ. સ ૧૮૭૬ માં એ સ્વર્ગવાસ પામી હતી. સ્ત્રીઓમાં એના જેવી વિદુષી અને દીર્ધાયુષી ઘણી થોડી થઈ ગઈ છે.