રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/લક્ષ્મીવતી
← નાગવસુ | રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો લક્ષ્મીવતી શિવપ્રસાદ દલપતરામ પંડિત |
જ્વાલાદેવી → |
२८–लक्ष्मीवती
એ પાટલીપુત્ર નગરના નવમા નંદ રાજાના મંત્રી શકટાળની પત્ની હતી. એના ગર્ભમાં પ્રસિદ્ધ જૈન સાધુ સ્થૂલિભદ્ર તથા યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા, સેવા, વેણા અને રેણા નામની સાત કન્યાઓનો જન્મ થયો હતો. એ સાતે કન્યાઓ પોતાની વિદ્વત્તા તથા શુદ્ધ આચારને લીધે જૈન ધર્મમાં સતી તરીકે પૂજાય છે.
લક્ષ્મીવતી ઘણી સદાચારી અને સુશિક્ષિત સન્નારી હતી. શકટાળ રાજ્યકાર્યમાં કુશળ અને પાકો મુત્સદ્દી હતો. પતિપત્નીને એકબીજા ઉપર ઘણો પ્રેમ હતો અને એમનો સંસાર પરમ સુખમાં ચાલતો હતો. લક્ષ્મીવતીને સ્થૂલિભદ્ર ઉપરાંત શ્રીયક નામનો પણ એક પુત્ર હતો. પુત્રો ઘણુંખરૂં પિતાના સહવાસમાં તથા એના રાજખટપટી વાતાવરણમાં ઊછરતા. તેઓ આરંભમાં માતાના ગૃહશિક્ષણથી વંચિત રહ્યા હતા, પરંતુ સાતે કન્યાઓના શિક્ષણનો ભાર વિદુષી લક્ષ્મીવતીએ લીધો હતો. ધર્મ તથા નીતિના સિદ્ધાંત માતાએ શિક્ષણથી તથા પોતાના જીવનના ઉદાહરણથી સચોટપણે પુત્રીઓના હૃદયમાં ઠસાવ્યા હતા. એની સાતે કન્યાઓ વિચિત્ર સ્મરણશક્તિ ધરાવતી હતી. સૌથી મોટીને એકજ વાર સાંભળેથી સ્મરણમાં રહી જતું, તે બીજીને બે વાર સાંભળેથી; એમ અનુક્રમે સાતમીને સાત વાર શ્રવણ કર્યાથી પાઠ યાદ થઈ જતો.
કન્યાઓ ઉપર જેવી રીતે માતાની અસર થઈ તેવી અસર પુત્રો ઉપર થઈનહિ. એનો મોટો પુત્ર રાજખટપટી બન્યો અને નાનો વેશ્યાસક્ત બન્યો. કોશા નામની એક વારાંગનાના સહવાસમાં રહી એ પોતાના જીવનને ભ્રષ્ટ કરવા લાગ્યો.
મોટો પુત્ર શ્રીયકે શકટાળના શત્રુ વરરુચિની પ્રચંડ જાળમાં ફસાઈને રાજસત્તાના લોભથી પિતાની હત્યા કરી હતી.
બન્ને પુત્ર કુપથગામી નીવડવાથી સતી લક્ષ્મીવતીને ઘણો શોક થયો અને રાતદિવસ પુત્રોને સન્મતિ આપવા સારૂ ભગવાનને પ્રાર્થના કરવા લાગી. પતિના સ્મારકરૂપે તથા તેના આત્માના કલ્યાણ અર્થે લક્ષ્મીવતીએ ઘણું પુણ્યદાન કર્યું હતું.
શકટાળના મૃત્યુ પછી રાજાએ શ્રીયકને મંત્રીપદ આપવા માંડ્યું, પણ પિતૃવધના પાપનો પશ્ચાત્તાપ થવાથી એણે ના પાડી અને પોતાના મોટા ભાઈ સ્થૂલિભદ્રનું નામ સૂચવ્યું. રથલિભદ્ર એ સમયે કોશા વેશ્યાને ઘેર હતો. વેશ્યાની રજા લઈ એ માતાને મળ્યો. માતાએ તેને ધર્મોપદેશ આપ્યો. આ વખતના ઉપદેશની એના મન ઉપર અસર થઈ અને સદ્વિચારના અંકુર ફૂટવા લાગ્યા. એ સદ્વિચારના પ્રતાપે સ્થૂલિભદ્રે મંત્રીપદનો અસ્વીકાર કર્યો, વેશ્યાનો સંગ પણ છોડ્યો અને શુદ્ધ જીવન ગાળવા માંડ્યું. શ્રીયકને રાજાએ આગ્રહપૂર્વક મંત્રી બનાવ્યો.
સતી લક્ષ્મીવતીએ હવે બન્ને પુત્રોને સુબોધ આપવા માંડ્યો. એ બોધની એવી અસર થઈ કે સ્થૂલિભદ્રે સંસારત્યાગ કરીને દીક્ષા લીધી અને શ્રીયકે મંત્રીપદ ઉપર બિરાજી પરોપકારનાં અનેક કાર્ય કર્યાં. એણે પણ પાછલી વયમાં દીક્ષા લીધી હતી.
લક્ષ્મીવતીની સાત કન્યાઓએ પણ સાધ્વી વ્રત સ્વીકાર્યું હતું. એ સાતે સતીઓ તથા સાધુ સ્થૂલિભદ્ર અને શ્રીયકનાં નામ જૈન ધર્મમાં પ્રસિદ્ધ છે. એમનાં જીવનના સત્કાર્યનો યશ મોટે ભાગે તેમની માતા લક્ષ્મીવતીને છે.