રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/વિષ્ણુપ્રિયા
← સોન કંસારી | રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો વિષ્ણુપ્રિયા શિવપ્રસાદ દલપતરામ પંડિત |
બહુબેગમ → |
५९-विष्णुप्रिया
બંગાળના સુપ્રસિદ્ધ ભક્ત-શ્રીકૃષ્ણના અવતારરૂપ મનાતા શ્રીગૌરાંગ મહાપ્રભુ-ચૈતન્ય-દેવનાં એ ધર્મપત્ની થાય.
બંગાળામાં નદિયા (નવદ્વીપ) નામનું નગર સંસ્કૃત ભાષા અને ન્યાયશાસ્ત્રના અભ્યાસ માટે ઘણું પ્રસિદ્ધ છે. ત્યાં આગળ શ્રીસનાતન મિશ્ર નામનો એક વૈદિક બ્રાહ્મણ વસતો હતો. લોકો એમને રાજપંડિત કહેતા. નવદ્વીપમાં એમની સારી વિખ્યાતિ હતી. એ એક પ્રતિષ્ઠિત પુરુષ ગણાતો હતો. એમનાં પત્નીનું નામ મહામાયાદેવી હતું. એ પણ સારા સ્વભાવની અને કુટુંબવત્સલ સ્ત્રી હતી. પોતાની વિધવા દેરાણી વિધુમુખીનું એણે પુત્રીની પેઠે પાલન કર્યું હતું. આવી માતાના ગર્ભમાં આશરે શકે ૧૪૧૫ કે ૧૪૧૬ માં નવદ્વીપ ધામમાં શ્રી વિષ્ણુપ્રિયાનો જન્મ થયો હતો. જન્મ સમયેજ એ બાળા ઘણી સુંદર હતી. કવિશ્રી લોચનદાસ ઠાકુર લખે છે કે, “વિષ્ણુપ્રિયાનું અંગ તપાવેલા સોના જેવું હતું અને જાણે વીજળીની પ્રતિમા ઝગઝગાટ કરી રહી હોય એમ લાગતું.” શ્રી સનાતન મિશ્ર પ્રસૂતિગૃહમાં ગયા તો કન્યાનું સંપૂર્ણ સૌંદર્ય જોઈને તેમના હર્ષનો પાર રહ્યો નહિ. એમનાં નેત્રમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યાં અને આવી કન્યા પોતાને ઘેર આપવા માટે પ્રભુને ધન્યવાદ દેવા લાગ્યા. દંતકથા એવી છે કે, એ સમયે શ્રીસનાતન મિશ્રે દેવવાણી સાંભળી કે, “મિશ્ર ! તું આ કન્યાને ઓળખી શક્યો નથી. એ તારા આરાધ્યદેવ શ્રીવિષ્ણુની પ્રિયતમા વિષ્ણુપ્રિયા છે. જગન્નાથ પંડિતને ઘેર નારાયણનો અવતાર થયેલ. આજ તારે ઘેર લક્ષ્મીજીનો આવિર્ભાવ થયો.” એ દિવસથીજ પતિ પત્ની એ બાલિકાને લક્ષમીસ્વરૂપ માનીને તેનું લાલનપાલન કરવા લાગ્યાં. શુક્લપક્ષની ચંદ્રકળાની પેઠે એ દિનપ્રતિદિન વધવા લાગી. વિષ્ણુભક્ત સનાતન મિશ્રએ તેનું નામ વિષ્ણુપ્રિયાજ પાડ્યું.
ધીમે ધીમે વિષ્ણુપ્રિયાએ આઠમા વર્ષમાં પ્રવેશ કર્યો. સુંદર વસ્ત્રાભૂષણ પહેરીને એ પિતાના ઘરમાં રમતી અને જનનીની સાથે દરરોજ ગંગાસ્નાન કરવા જતી. તેનો સ્વભાવ ઘણોજ નમ્ર અને ધૈર્યવાળો હતો. ઊંચું મુખ કરીને કોઈની સાથે બોલતી નહિ. તેના સુંદર મુખકમળ ઉપર વિશ્વપ્રેમની જ્યોતિ ચમકી રહી હતી. દયા, માયા, સ્નેહ અને લાગણીથી બાલિકાનું હૃદય ભરપૂર હતું. દીન, દુઃખી, પતિત અને અધમ પ્રત્યે એ વિશેષ લાગણી બતાવતી. રાજપંડિત સનાતન મિશ્રના ઘરમાં કોઈ વસ્તુની ખોટ નહોતી. બાલિકા વિષ્ણુપ્રિયા મોકળે હાથે ઘરમાંથી અન્નવસ્ત્ર લાવીને ગરીબોને આપતી. એ લોકોને મન તો એ સાક્ષાત્ અન્નપૂર્ણા હતી. ગંગા ઉપર તેની અચળ અને અગાધ ભક્તિ હતી. દરરોજ ત્રણ વાર સ્નાન કરવા જતી. માતાપિતા ઉપર પણ તેની પ્રગાઢ શ્રદ્ધા હતી. બાલ્યાવસ્થાથીજ તે વિષ્ણુભક્તિપરાયણ હતી. નવદ્વીપના એ ગંગાઘાટ ઉપર સ્નાન કરવા સારૂ શ્રીચૈતન્યદેવનાં માતુશ્રી શચિદેવી પણ પ્રતિદિન જતાં. ઘાટ ઉપર વિષ્ણુપ્રિયાની માતા સાથે એમનાં બહેનપણાં બંધાયાં. બાલિકા વિષ્ણુપ્રિયાને જોઈને એમને ઘણો આનંદ થતો અને એ એને પ્રેમથી રમાડતાં. વિષ્ણુપ્રિયા પણ એમને ઘણું ચાહતી. શચિદેવી જ્યારે જ્યારે એ બાલિકાને જોતાં ત્યારે ત્યારે એમના મનમાં એજ વિચાર આવતો કે, “આ છોકરી મારા પુત્રને લાયક છે.” શ્રી ચૈતન્ય ભાગવતમાં લખ્યું છે કે, માતા શચિદેવી દરરોજ ગંગાસ્નાન કરવા જતાં ત્યારે બાલિકા વિષ્ણુપ્રિયા તેમની પાસે આવીને નમ્રતાપૂર્વક પ્રણામ કરતી. શચિમાતા પણ પ્રેમપૂર્વક તેને આશીર્વાદ આપતાં કે, “કૃષ્ણ ભગવાન તને યોગ્ય પતિ આપજો ” અને ગંગાસ્નાન કરીને મનમાં અભિલાષ કરતાં કે, “આ કન્યા મારી પુત્રવધૂ બનજો.”
શચિદેવીને એ પ્રમાણે પ્રાર્થના કરવાનું ખાસ કારણ હતું. શ્રીગૌરાંગદેવનાં પત્ની લક્ષ્મીદેવીએ સ્વર્ગવાસ કર્યાથી એમનું ઘર સૂનું થઈ પડ્યું હતું. કોઈ કામમાં એમનું ચિત્ત લાગતું નહિ. ઘરમાં જરાયે ગોઠતું નહિ. ક્યારે મારા ગૌરાંગનો ફરીથી વિવાહ થાય એ ચિંતામાં એ રાતદિવસ રહેતાં હતાં. પુત્રની અવસ્થા નાની હતી, પણ સંસાર ઉપર એને આસક્તિ નહોતી. એના મોટા ભાઈ વિશ્વરૂપે સંન્યાસ લીધો હતો, એટલે શચિદેવીને શંકા હતી કે ગૌરાંગને લગ્નની બેડીથી બાંધવામાં નહિ આવે તો એ પણ ઘરબાર ત્યજીને ચાલ્યો જશે અને એવું થાય તો પછી આ વિશાળ સંસારમાં એમને કોનો આશરો? વિષ્ણુપ્રિયા એમની આંખમાં ખૂંપી ગઈ હતી, પણ એના પિતા સનાતન મિશ્ર રાજપંડિત હતા. એવા મોટા માણસની કન્યા એક ગરીબ વિધવાના પુત્રને અને તે પણ બીજવરને પરણે એ આશા એમને મનથી મિથ્યા હતી. એ વિચારથી શચિદેવી ઘણી વાર નિરાશ થઈ જતાં. પેલી તરફ સનાતન મિશ્રની અવસ્થા જુદા પ્રકારની હતી. એ ગૌરાંગદેવને પોતાના જમાઈ બનાવવા માગતા હતા, પણ આખા બંગાળામાં પ્રસિદ્ધ થઈ પડેલા એ વિદ્વાન પંડિત પિતાની કન્યાનું માગું સ્વીકારશે કે કેમ, એ બાબત એમને શંકા રહેતી હતી અને તેથી તેઓ માગું મોકલતાં સંકોચાતા હતા.
શ્રીગૌરાંગદેવની વય એ સમયે ત્રીસ વર્ષથી કાંઈક ઓછી હતી. વિદ્યામાં નવદ્વીપ નગરમાં એ સૌથી મુખ્ય પંડિત મનાતા હંતા. એમણે સ્થાપેલ વિદ્યાલયમાં એ સમયે હજારો વિદ્યાર્થી અધ્યયન કરતા હતા. એવા અગ્રગણ્ય પંડિતની આગળ પોતાની કન્યાનું માગું લઈ જવાનું સાહસ સનાતન મિશ્ન ન કરી શકે એ સ્વાભાવિક હતું, પરંતુ ગૌરાંગદેવમાં તો વિદ્વત્તાની સાથે નમ્રતા, ગર્વશૂન્યતા અને વિનય એટલાં બધાં હતાં કે રાજપંડિતની બધી શંકા નિર્મૂળ થઈ ગઈ.
શચિદેવીએ પોતે એક પાડોશી બ્રાહ્મણ દ્વારા ડરતાં ડરતાં શ્રીગૌરાંગનો વિવાહ વિષ્ણુપ્રિયા સાથે કરવાનો પ્રસ્તાવ સનાતન મિશ્ર આગળ રજૂ કર્યો. સનાતન મિશ્ર અને તેમનાં પત્નીના હર્ષનો પાર રહ્યો નહિ. તેમણે કહ્યું: “અમને આશા નહોતી કે શ્રીગૌરાંગ અમારા જમાઈ થવાનું સ્વીકારશે. આજ અમારી અભિલાષા પર પડી છે.” ગૌરાંગદેવને અત્યાર સુધી આ વાતની ખબર નહોતી, પણ જ્યારે એમણે માતાની ઈચ્છા જાણી ત્યારે વગર આનાકાનીએ લગ્ન સ્વીકારી લીધું.
લગ્નનો શુભ દિવસ પણ નક્કી થયો. બન્ને પક્ષ તરફથી ભારે તૈયારીઓ થવા લાગી. સનાતન મિશ્ર તો રાજપંડિત હતા એટલે એમને ત્યાં કોઈ વાતની ખોટ નહોતી, જમાઈ પંડિત શ્રીગૌરાંગ ગરીબ હતા, પરંતુ તેમના ગામમાં બુદ્ધિમંત ખાન નામનો એક જમીનદાર રાજા હતો. તે ગૌરાંગદેવનો પરમ ભક્ત હતો. તેણે તથા મુકુંદ સંજય નામના એક ધનવાન બ્રાહ્મણે ગૌરાંગ પ્રભુના લગ્નનું બધું ખર્ચ પોતાને માથે લીધું હતું, એટલે પૂર્ણ ઠાઠ સહિત શ્રીગૌરાંગદેવનું લગ્ન વિષ્ણુપ્રિયા સાથે થયું. આખા નદિયા નગરમાં એ દિવસે આનંદ વ્યાપી ગયો. શચિદેવીની તો એક માટી અભિલાષા પાર પડી, એટલે તેમના હર્ષનો પાર ન રહ્યો.
વિવાહના થોડા દિવસ પછી વિષ્ણુપ્રિયા સાસરે ગયાં. દેવી વિષ્ણુપ્રિયાના ગુણોની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી થોડી હતી. એક પતિપરાયણ વિદુષી અને આજ્ઞાકારિણી સ્ત્રીમાં જેટલા ગુણ હોવા જોઈએ તેટલા બધા એમનામાં હતા. એ ગુણોથી એમણે સાસુને જ નહિ, પરંતુ આડોશીપાડેશીની સ્ત્રીઓને પણ મુગ્ધ કરી દીધી. ઘરનું બધું કામકાજ એમણે પોતાને માથે ઉપાડી લીધું. સાસુને એ માતા કરતાં પણ અધિક પ્રિય ગણીને પુષ્કળ કાળજીથી તેની સેવા કરતાં હતાં.
લગ્ન થયા પછી થોડા દિવસ બાદ સનાતન મિશ્ર શચિદેવીને ઘેર જઈને પુત્રી વિષ્ણુપ્રિયા તથા જમાઈને પોતાને ઘેર તેડી ગયા. પુત્રવધૂને વિદાય કરતાં શચિદેવીનાં નેત્રમાં આંસુ આવી ગયાં અને તેમણે એને ખેાળામાં બેસાડીને કહ્યું: “મા ! તું મારા ઘરમાં અંધારું કરીને ચાલી જાય છે ! જલદી પાછી આવજે, તારા વગર મારાથી રહેવાશે નહિ.”
શ્રી ગૌરાંગ પ્રભુ થોડાક દિવસ સાસરે રહીને ઘેર પાછા આવ્યા. વિષ્ણુપ્રિયા પિયેરજ રહ્યાં. શચિદેવીને એમના પ્રત્યે એટલો બધો પ્રેમ હતો કે દરરોજ ગંગાસ્ન કરવા જતી વખતે વેવાઈને ઘેર જઈ પુત્રવધૂ વિષ્ણુપ્રિયાને મળી આવતાં. થોડા દિવસ પછી શચિદેવીના આગ્રહથી વિષ્ણુપ્રિયાનું આણું વળાવવામાં આવ્યું. આ વખતે એમની વયે તેર વર્ષની હતી. નવયૌવનનાં અંકુર પ્રત્યેક અંગમાં જણાઈ આવતાં હતાં. તેમના રૂપલાવણ્યનો પાર નહોતો. એ વયમાં તેમણે સાસુ અને પતિની સેવા કરવામાં જરા પણ કચાશ રાખી ન હતી. સાસુ ગંગાસ્નાન કરવા જાય ત્યારે છાયાની પેઠે એ એમની સાથે સાથે જતાં અને ગામમાં પિયેર હોવા છતાં સાસુની રજા વગર બારોબાર પિયેર પણ જતાં નહિ.
શ્રીગૌરાંગ પ્રભુનો ઘણેખરો સમય વિઘાર્થીઓને ભણાવવામાં જતો હતો. એક દિવસ વિષ્ણુપ્રિયા પતિને જમાડતાં હતાં તે સમયે ગૌરાંગદેવે માતુશ્રીને જણાવ્યું કે, “મારી ઈચ્છા પિતૃશ્રાદ્ધ કરવા ગયાજી ધામ જવાની છે.” શચિદેવી એ સાંભળીને ચિંતામાં પડ્યાં. તેમણે કહ્યું: “બેટા નિમાઈ ! તું તો મુજ આંધળીનો ટેકો છે. મારા નયનનો તારો છે. તને જોયા વગર એક ઘડી મારાથી રહેવાતું નથી. તું પિતૃકર્મ કરવા જાય છે એટલે વધારે તો શું કહું? પણ જીવતી જનનીના નામનો પણ પિંડ દેતો આવજે, કેમકે તારા વગર મારાથી જીવાવાનું નથી." આર્યસંતાનનું કર્તવ્ય છે કે પોતાના પૂર્વજોને પિંડદાન કરે, એ વાત સારી પેઠે સમજાવીને ગૌરાંગદેવે માતાને શાંત કર્યો. માતાએ ચંદ્રશેખર આચાર્યને સાથે મોકલ્યા. બીજા કેટલાક વિદ્યાર્થીઓ પણ સાથે ગયા. એ સમયમાં પગરસ્તે કલકત્તાથી ગયા જવું એ પણ લાંબી અને જોખમભરેલી મુસાફરી ગણાતી હતી.
વિષ્ણુપ્રિયાએ પતિના પ્રવાસની બધી વાત સાંભળી હતી. એમના જીવનમાં પ્રાણવલ્લભના વિયોગનો આ પ્રથમ પ્રસંગ હતો. વિરહના વિચારથી એ અધીરા બની ગયાં, પણ કરે શું? સાસુજીએ હૃદય કઠણ કરીને રજા આપી તો પોતે પતિને પિતૃકૃત્ય કરવા જતાં કેવી રીતે રોકી શકે ? ગયા જતાં પહેલાં શ્રીગૌરાંગદેવ ઘરમાં પત્નીની વિદાય લેવા ગયા હતા અને કહ્યું હતું કે, “આ શિયાળામાં પાછો આવીશ, ઘેર રહી માતાની સેવા કરજે.” શ્રીમતી વિષ્ણુપ્રિયા એકીટશે પતિના મુખ સામું જોઈ રહ્યાં. એક શબ્દ એમના મુખમાંથી નીકળ્યો નહિ. મસ્તક નીચું નમાવીને પતિદેવતાના ચરણ તરફ ઝાંખી રહ્યાં. એમનાં નેત્રોમાંથી અશ્રુબિંદુ સરવા લાગ્યાં. શ્રીગૌરાંગ એ જોઈને ખેદ પામ્યા. તેમણે પ્રિયાને વક્ષઃસ્થળમાં ધારણ કરીને છાનાં રાખ્યાં. વિષ્ણુપ્રિયાને મનથી એ સુખની અમૂલ્ય ક્ષણ હતી. થોડી વાર પછી તેમણે કહ્યું: “ હૃદયેશ્ચર ! તમારા વગર હું કોઈને ઓળખતી નથી, કયા દોષની ખાતર મને છોડીને જાઓ છો?” પ્રભુ કાંઈ બોલ્યા નહિ. પ્રેમાલિંગન દ્વારા પત્નીને શાંત કરી એ વિદાય થયા. માતા શચિદેવી તેમને વળાવવા નદી સુધી ગયાં.
સ્વામીના ગયા પછી થોડી વાર સુધી તો વિષ્ણુપ્રિયા પતિની પથારીમાં એશીકામાં મોટું સંતાડીને ખૂબ રોયાં. ત્યાર પછી દેવસેવાની ઓરડીમાં જઈ ઠાકોરજીને પ્રાર્થના કરવા લાગ્યાં મારા પ્રાણવલ્લભ વિદેશ સિધાવે છે, તેમને કોઈ પણ જાતની અડચણ ન પડે અને એ સાજાતાજા પાછા આવે એવું કરજો.”
પતિવિયોગનો સમય વિષ્ણુપ્રિયાએ સાસુની સેવામાં ગાળ્યો.
ગયામાં જઈને શ્રીગૌરાંગ ભગવત્પ્રેમમાં મગ્ન થઈ ગયા. ગયામાં વિષ્ણુપદનાં દર્શન કરતાં કરતાં એમનાં નેત્રમાંથી દડદડ અશ્રુધારા વહેવા લાગી. એમને પોતાના શરીરનું પણ ભાન ન રહ્યું: “કૃષ્ણ ! પ્રભો !” કહેતાં કહેતાં એ ગળગળા થઈ ગયા. એજ સમયમાં એમને ઈશ્વરપુરી નામના એક સંન્યાસી મળ્યા. એમણે શ્રીગૌરાંગને શિષ્ય બનાવ્યા. હવે શ્રીગૌરાંગની દશા વિલક્ષણ થઈ ગઈ. એમની સાથેનાં માણસો એમની એવી દશા જોઈને ગભરાયા. મહામહેનતે તેઓ એમને નવદ્વીપ પાછા લાવ્યા. ઘેર જઇને શ્રીગૌરાંગે શચિદેવીને પ્રણામ કર્યા. પતિને જોઈને વિષ્ણુપ્રિયાને ઘણો આનંદ થયો; પરંતુ બધાએ જોયું કે, શ્રીગૌરાંગદેવના સ્વભાવમાં ઘણો ફેરફાર થયો છે. ગયા જતાં પહેલાં એમની જે દશા હતી તે હવે નથી રહી; મુખ ઉપર હાસ્ય નથી, ઉત્સાહ નથી. શચિદેવી કાંઈ પણ ન સમજી શક્યાં. એમણે ધાર્યું કે પુત્ર ઘણા દિવસે યાત્રાથી આવ્યો છે. ત્યાં અનેક પ્રકારનાં કષ્ટ વેઠવા પડ્યાં હશે, પગે ચાલવું પડ્યું હશે, તેથીજ આવી દશા થઈ ગઈ છે; પરંતુ પુત્રનું ઊતરી ગયેલું મુખ જોઈને માતાનું મન વ્યાકુળ થઈ ગયું. તરતજ સ્નાન તથા ભોજનની વ્યવસ્થા કરી. ભોજન કરીને શ્રી ગૌરાંગદેવ ભક્તો એકઠા કરીને ગયાજીની વાતો કહેવા લાગ્યા. કૃષ્ણકથા કહેતાં કહેતાં એમનાં નયનમાં આંસુ ભરાઈ આવ્યાં. એ વાત આગળ ચલાવી ન શક્યા. ભગવાનના પ્રેમને લીધે એમનું હૃદય ઉન્મત્ત થઈ ગયું. ‘શ્રીકૃષ્ણ’ ‘ભગવન્’ કહેતાં કહેતાં એ ગાંડા થઈ જતા હતા. શચિદેવી અને વિષ્ણુપ્રિચાએ પણ એ જોયું. પતિની આવી દશા વિષ્ણુપ્રિયાએ પહેલાં કદી પણ જોઈ નહોતી. એમના હૃદયમાં ભય ઉત્પન્ન થવા લાગ્યો, “પતિ આમ શા સારૂ કરતા હશે ? એમને આ શું થઈ ગયું ? જાત્રા કરવા તો ઘણાએ જાય છે પણ આવું તો કોઈને થતું નથી.” એવી ચિંતાઓથી વિષ્ણુપ્રિયાના બાલહૃદયના ચૂરેચૂરા થવા લાગ્યા. શરમનાં માર્યાં કોઈની આગળ એ પોતાની મૂંઝવણ જણાવી નહોતા શકતાં, તેથી એમનું દુઃખ વધારે તીવ્ર થઈ પડ્યું. એ લોકો ચિંતા કરતાં ગયાં, પણ શ્રીગૌરાંગનો ભાગવત્પ્રેમ વધતો ગયો. શચિદેવીને પુત્રનો એ ભાવ સારો ન લાગ્યો. શ્રીકૃષ્ણના પ્રેમમાં મુગ્ધ થઈ જઈને એ આંસુની ધારા પાડી રહ્યા હતા ત્યારે શચિદેવીએ પૂછ્યું: “બેટા ! તું રડે છે શા સારૂ ? તને શું દુઃખ છે ?” શ્રીગૌરાંગે કાંઈ ઉત્તર ન આપ્યો. ‘શ્રીકૃષ્ણ’ ‘શ્રીકૃષ્ણ’ કહેતાં કહેતાં તેઓ વધારે રોવા લાગ્યા. વિષ્ણુપ્રિયા એમની એ દશા જોઈને ઘણાં દુઃખી થયાં. ઘણે દિવસે સ્વામી ઘેર આવ્યા છે, તો પણ બિચારાં મન મૂકીને બે ઘડી એમની સાથે વાતચીત પણ નથી કરવા પામ્યાં. આટલા દિવસ મનમાં જે આશાઓ બાંધી રાખી હતી તે ઉપર પાણી ફરી વળ્યું. હૃદયમાં ઊંડો ઘા લાગ્યો. એ વિચારવા લાગ્યાં: “એમને કોઈ રોગ થયો હશે ?” આખરે એક દિવસ કઠણ હૈયું કરીને શરમ મૂકીને તેઓ સાસુને કહેવા લાગ્યાં. “મા ! એમને શું થઈ ગયું છે ? વૈદને બોલાવીને એમની દવા કરાવોને ?” બાલિકા પુત્રવધૂની વાત સાંભળીને શચિદેવી રોઈ પડ્યાં. એ વધારે ન ગભરાય એટલા સારૂ મનની વાત મનમાં રાખીને બોલ્યાં: “બેટા ! બહુ ચિંતા ન કરીશ. નારાયણ મારા દીકરાના બધા રોગ મટાડી દેશે. તું આજે પૂજાની સામગ્રી બરોબર તૈયાર કર.” સાસુનાં મીઠાં વચનોથી વિષ્ણુપ્રિયાને શાંતિ થઈ અને ઘણી હોંશથી એ દિવસે નારાયણની પૂજાની તૈયારી કરવા લાગ્યાં. યથાસમયે કુલપુરોહિતે આવીને ગૃહદેવતા શ્રીલક્ષ્મીનારાયણની યથાવિધિ પૂજા અને અભિષેક કરીને શ્રીગૌરાંગના નામથી મહાસ્વસ્ત્યનનો આરંભ કર્યો. વિષ્ણુપ્રિયા અને શચિદેવી મંદિરના ઉમરા આગળ બેસીને હાથ જોડીને નારાયણને કેટલીએ વિનતિ કરી રહ્યાં હતાં, કેટલીએ બાધાઆખડી રાખી રહ્યાં હતાં ! પૂજા થઈ રહ્યા પછી શચિદેવીએ નારાયણનો પ્રસાદ શ્રીગૌરાંગને આપ્યો. પુરોહિતે શાંતિનું જળ એમના ઉપર છાંટ્યું. શ્રીગૌરાંગ ચુપચાપ બેસી રહ્યા હતા. કોણ જાણે શું વિચારી રહ્યા હતા ? આંખમાંથી દડદડ આંસુ ટપકતાં હતાં. કૃષ્ણપ્રેમને લીધે એમને કોઈ વાતનું ભાન નહોતું. પૂજા સમાપ્ત થયા પછી બધાએ મળીને ઠાકોરજીને પ્રણામ કર્યા. સ્વામીભક્ત વિષ્ણુપ્રિયાએ મનમાં ને મનમાં પ્રાર્થના કરી: “હે મધુસૂદન ! હે વિપદ્ભંજન નારાયણ ! હે લક્ષ્મીકાંત ! મારા પ્રાણ વલ્લભની મતિ ઠેકાણે આણો. મારા પ્રાણનાથને પહેલાંના જેવા કરી આપો.” શ્રીગૌરાંગનો પ્રણામ કરવાને વારો આવ્યો ત્યારે એ સાષ્ટાંગ દંડવત્ કરીને પ્રાર્થના કરવા લાગ્યા કે, “દીનબંધુ ! હે કૃષ્ણ ! એક વાર દર્શન આપો. તમારા વિરહને હું સહન નથી કરી શકતો. તમે મારા જીવનનું સર્વસ્વ છો. તમારા સિવાય મારે કશુંય ન જોઈએ. ધન, જન, સુંદરી, કવિતા આદિ કાંઈ પણ મારે નહિ જોઈએ. મને તો તમે તમારી નિઃસ્વાર્થ ભક્તિ પ્રદાન કરો.” એ પ્રાર્થના બધાએ સાંભળી. વિષ્ણુપ્રિયાના મનમાં એથી તો વધારે ઉચાટ થયો. શચિદેવીના મનમાં પણ સંદેહ ઉત્પન્ન થયો, પણ મનનો ભાવ છુપાવીને તેઓ વહુને કહેવા લાગ્યાં: “આજે પુરોહિતજી અહીંજ ભોજન કરવાના છે, તેની તૈયારી કરો.”
શ્રીગૌરાંગદેવ મંદિર આગળજ બેસી રહ્યા અને એકીટશે દેવતાના સામું જોવા અને રોવા લાગ્યા.
શચિદેવીના મનમાં આનંદ નથી, વિષ્ણુપ્રિયાના મુખ ઉપર પણ હાસ્ય નથી. શ્રીગૌરાંગ આમ પ્રભુપ્રેમમાં ઘેલા ન થઈ જાય અને સંસારમાં આસક્તિ રાખે એ વિષે બન્ને જણાંઓ ઘણો વિચાર કરવા લાગ્યાં. પેલી તરફ શ્રીગૌરાંગનો વૈરાગ્ય દિનપ્રતિદિન વધતો જ જતો હતો. ઈશ્વરપ્રેમના આવેશમાં એકદમ વિહ્વળ થઈ જતાં ભણાવવાના કાર્ય ઉપર એમનું ચિત્ત ચોટતું નહિ. ભણાવતાં ભણાવતાં એમને મૂર્છા આવી જતી. કોઈક વાર દીન બની વિદ્યાર્થીઓની માફી માગવા બેસી જતા.
શચિદેવીને આ બધું જોઈને ઘણું લાગી આવતું. પુત્રનું ચિત્ત સંસારમાં ચોટે એટલા સારૂ એ વિષ્ણુપ્રિયાને શણગાર સજાવીને પુત્રની પાસે મોકલતાં, પણ શ્રીગૌરાંગ તેમના સામું બરાબર જોતા પણ નહિ, ઊલટું રુદન કરવા લાગતા અને મોટે સ્વરે ‘હાય કૃષ્ણ ! હાય પ્રાણેશ્વર ! ક્યાં ગયા ?’ એમ બોલતા. બાલિકા વિષ્ણુપ્રિયા એ દેખાવ જોઈને ગભરાઈને નાસી આવતી. એને બીક લાગી હતી કે પતિ યુવાન છે, બળવાન છે, છતાં દુર્બળ બાળકની પેઠે રડે છે શા સારૂ ? એક વાર એમણે સાસુને જગાડ્યાં. શચિદેવીએ ૨ડતા પુત્રની પાસે જઈને એમ કરવાનું કારણ પૂછ્યું; પણ કાંઈ ઉત્તર ન મળ્યો. શ્રીગૌરાંગે તો ઉત્તરમાં કેવળ કૃષ્ણકથા કહેવા માંડી. એમાંજ રાત વીતી ગઈ. ત્યાર પછી શ્રીગૌરાંગદેવે નવદ્વીપના બીજા ભગવદ્ભક્તોની સાથે મળીને એક કીર્તનસમાજ સ્થાપી. એ સમાજમાં બધા સભાસદો એકઠા મળીને ભગવાનના ગુણાનુવાદ ગાતા હતા. રાતદિવસ કીર્તન થતું હતું. હવે તો ગૌરાંગે ઘેર આવવું પણ છોડી દીધું. ભાગ્યેજ ઘેર સૂઈ રહેતા. વિષ્ણુપ્રિયાની ચિંતાનો પાર રહ્યો નહોતો.
એજ સમયમાં શ્રીગૌરાંગદેવે ગામેગામ ભજન કરીને અનેક ભજનમંડળીઓ સ્થાપી. અનેક ચોર, લૂંટારા, પાપી અને પાખંડીને સદાચારી બનાવ્યા. ધર્મનું નામનિશાન ન જાણનાર હજારો માણસોને ઈશ્વરભક્ત બનાવ્યા. અનેક હિંદુ, મુસલમાન, ઊંચ તથા નીચ જાતિનાં મનુષ્યો એમની કૃપાથી કૃષ્ણભક્ત બન્યાં. એમની અસર એટલી બધી ફેલાઈ કે એ સમયનો નવદ્વીપનો કાજી ચાંદખાં એમની સોબતમાં રહીને કૃષ્ણભક્ત બન્યો હતો. એ દિવસોમાં કેશવભારતી નામના એક માધ્વ સંપ્રદાયના સંન્યાસી નવદ્વીપમાં આવ્યા. શ્રીગૌરાંગની સાથે એમને ઓળખાણ થયું. એમની પાસે સંન્યાસ લેવાની શ્રીગૌરાંગને ઇચ્છા થઈ અને એમને એ પોતાને ઘેર તેડી ગયા. સંન્યાસીને જોતાંવારજ શચિદેવીનો જીવ ઊડી ગયો, કેમકે એમનો મોટો છોકરો એવી રીતે સંન્યાસી થઈ ગયો હતો. શચિદેવીએ શ્રીગૌરાંગને સંન્યાસીને બોલાવવાનું કારણ સ્પષ્ટ રીતે પૂછ્યું. શ્રીગૌરાંગે ધીમે રહીને કહ્યું: “મા ! હું સંન્યાસી સાથે શ્રીકૃષ્ણકથા કહી રહ્યો હતો. એ ઘણા સારા ભક્ત છે. હું તમારી રજા વગર કોઈ કામ કરતો નથી. ભગવાન કૃષ્ણ મને ગમે ત્યાં લઈ જશે તો પણ તમારી રજા વગર નહિ જાઉં.” એ જવાબથી શચિદેવીનું મન કાંઈક શાંત થયું. વિષ્ણુપ્રિયા એ સમયે પિયેર હતાં એટલે સંન્યાસીના આવ્યા ગયાની ખબર એમને પડી નહિ.
શ્રીગૌરાંગદેવે દૃઢ સંકલ્પ કર્યો હતો કે, હવે ઘરમાં ન રહેવું. સંન્યાસાશ્રમમાં જવાનો એમણે પાકો વિચાર કરી લીધો હતો. કેશવભારતીની સાથે થયેલી વાતચીતનું એ પરિણામ હતું. એમના એ વિચારની બધાને ખબર પડતાં વાર ન લાગી. આખા નવદ્વીપમાં એની ચર્ચા થવા લાગી. શચિદેવીએ જ્યારે એ સમાચાર સાંભળ્યા ત્યારે એમના ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો. એ વૃદ્ધ ડોશી મૂર્છા ખાઈને પડ્યાં. શ્રીગૌરાંગના ભક્તોએ વિષ્ણુપ્રિચાને કાને પણ આ વાત પહોંચાડી. એમનું ધારવું હતું કે વિષ્ણુપ્રિયા સિવાય બીજું કોઈ એમને સંસારમાં રાખી શકે એમ નથી. વિષ્ણુપ્રિયાએ પિયેરમાં એ સમાચાર સાંભળતાંજ સાસુને દાસી સાથે ગુપ્ત રીતે કહેવરાવ્યું કે, “મને તેડવા સારૂ માણસ મોકલો.” વિષ્ણુપ્રિયાની ઉંમર એ સમયે કેવળ ચૌદ વર્ષની હતી. સાસરેથી તેડું આવતાંવારજ શુકન કે મુહૂર્ત જોવાની પણ વાટ જોયા વગર માતપિતાની રજા લઈ ચિંતાતુર વદને વિષ્ણુપ્રિયા સાસરે આવ્યાં. એમના નેત્રમાંથી આંસુ વહેતાં હતાં. દુઃખમાં કોઈ પોતાનાજ સમાન દુઃખીઆંને જોતા હૃદયને કાંઈક શાંતિ મળે છે. શચિદેવીએ પોતાના દુઃખને સમાવીને પુત્રવધૂને આશ્વાસન આપ્યું કે, “મારો ગૌરાંગ મને પૂછ્યા વગર ક્યાંય જનાર નથી. એણે મને ખાતરી આપી છે.” પ્રભુએ બે નારીઓનું ક્રંદન સાંભળ્યું. શ્રીગૌરાંગ બપોરેજ ભોજન કરવા ઘેર આવ્યા. વિષ્ણુપ્રિયાને પિયેરથી ત્યાં આવેલાં જોઈને એમને આશ્ચર્ય થયું. દેવીએ પતિને માટે સ્વાદિષ્ટ ભોજન રાંધીને પ્રેમથી પીરસવા માંડ્યું, માતા શચિદેવીએ લાગ જોઈને પુત્રને બે શબ્દ કહ્યાઃ “દીકરા ! તું મને છોડીને ચાલ્યો જઈશ? તું પણ તારા મોટાભાઈની પેઠે મને દુઃખસાગરમાં ડુબાડીશ? મેં સાંભળ્યું છે કે તું જગતના જીવોને ધર્મનું શિક્ષણ આપવા સારૂ સંન્યાસ લેવાનો છે, પણ વૃદ્ધ માતાનો વધ કરીને તું ધર્મકાર્ય કેવી રીતે કરી શકીશ? પોતે અધર્મી થઈ બીજાઓને તું ધર્મ શીખવીશ?” માતાની એ હૃદયવિદા૨ક વાણી શ્રીગૌરાંગ નીચે મુખે સાંભળી રહ્યા. માતાએ છેવટના જે શબ્દો કહ્યા તે તો એમના હૃદયને પિગળાવી નાખવાને માટે પૂરતા હતા. “હાચ ! નિમાઈ, લોકો તને ભગવાન કહે છે. જીવમાત્ર પ્રત્યે તારી દયા છે. શું કેવળ આ ચિરદુઃખિની અભાગણી જનેતાની સાથેજ તું નિર્દય થઈશ ?”
ત્યાર પછી પોતાની વાત પડતી મૂકીને એમના ગયાથી એમના ભક્તોની શી દશા થશે તે તરફ ધ્યાન ખેંચ્યું; કેમકે એ જાણતા હતા કે ભક્તો ઉપર શ્રીગૌરાંગદેવને ઘણો પ્રેમ છે. છેવટે માતાએ કહ્યું: “ખાતરી રાખજે કે, તું સંન્યાસ લઈશ તે પહેલાં તો હું મરીશ અને પછી વિષ્ણુપ્રિયા મરશે.” પત્નીનું નામ સાંભળતા શ્રીગૌરાંગદેવનું શરીર કંપી ઊઠ્યું. છેવટે શચિદેવીએ ધર્મશાસ્ત્રનું શરણ લઈ પુત્રને કર્તવ્ય સમજાવવા માંડ્યું: “દીકરા ! તેં હજી ગૃહસ્થાશ્રમ પૂરો ભોગવ્યો નથી, સંતાન ઉત્પન્ન કરી પિતૃઋણ ચૂકવ્યું નથી, વળી ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે, તરુણાવસ્થા એ સંન્યાસધર્મના પાલન માટે યોગ્ય વય નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, એ યૌવનમાં પ્રબળ હોય છે. એ વયમાં તારો સંન્યાસ સફળ કેવી રીતે થશે ? કલિયુગમાં મનને અંકુશમાં રાખી શકાતું નથી. મનમાં ચંચળતા આવવાથી ધર્મનો ક્ષય થાય છે. આ કલિયુગમાં તો ગૃહસ્થાશ્રમમાં જ રહીને લોકો ધર્મનું પાલન કરી શકે છે.” શ્રીગૌરાંગદેવ અત્યાર લગી ચુપચાપ બેસી રહ્યા હતા, કાંઇ પણ ઉત્તર આપતા નહોતા; પણ હવે માતાને મુખેથી ધર્મતત્વની સૂક્ષ્મ વાતો સાંભળ્યા પછી તેમનાથી શાંત બેસી રહેવાયું નહિ! એમના પાંડિત્ય સંબંધી અભિમાનને આઘાત લાગ્યો. ગંભીર ભાવ ધારણ કરીને ધર્મની દૃષ્ટિએજ તેમણે માતાને ઉપદેશ દેવા માંડ્યોઃ “કોણ તારો પુત્ર અને કોણ તારો બાપ? તું મારૂં તારું કરે છે એ મિથ્યા છે. આ જગતમાં કોણ કોનો પતિ છે અને અને કોણ કોની પત્ની છે? શ્રીકૃષ્ણચરણ વિના જીવોની અન્ય ગતિજ નથી. એજ માતા, પિતા, બંધુ, કર્તાહર્તા અને ધન છે. એના વિના બધું મિથ્યા છે. વિષ્ણુમાયાના બંધથી જગત ચાલી રહ્યું છે. પોતાના મદ અને અહંકારથી તો લોકો ઊલટી પીડા પામે છે. મનુષ્ય પોતાને માટે જે કર્મને લાભકારી ગણે છે તેજ કર્મ પરકાળમાં તેને બંધનરૂપ થઈ પડે છે. ચૌદલોકમાં આ મનુષ્યજન્મ દુર્લભ છે. વળી એ ક્ષણંગુર છે માટે એનો સદુ૫ચોગ કરીને કૃષ્ણભક્તિ કર્યાથીજ જીવાત્મા બધાં બંધનોમાંથી મુકત થાય છે, જેટલા ભાવથી તમે મારા પ્રત્યે પુત્રસ્નેહ દાખવી રહ્યા છે તેટલાજ ભાવથી શ્રીકૃષ્ણચરણમાં ચિત્ત પરોવો તો જીવન સફળ થઈ જશે.” આ ઉપરાંત અનેક રીતે સંસારની નશ્વરતા તથા પ્રભુભક્તિનું મહત્ત્વ સમજાવીને પોતાને સંન્યાસ લેવાની શા માટે આવશ્યકતા છે તે માતાને સમજાવ્યું.
ખરી વાત એ છે કે, મહાપુરુષોનો આવિર્ભાવ કોઈ ખાસ ઉદ્દેશ પાર પાડવા સારૂજ થાય છે. શ્રીચૈતન્યદેવના જન્મનો જે ઉદ્દેશ હતો તે એમના સંન્યાસ લીધા વગર પાર પડે એમ ન હતો. એક તો એ પોતે ભગવદ્ભક્તિમાં મસ્ત હોઈ ઘરમાં રહેવાનું પસંદ કરતા નહોતા; બીજું એમનો ઉદ્દેશ ધર્મપ્રચાર કરવાનો હતો. સંસારમાં રહ્યાથી એ હેતુ પાર પડે એમ નહોતું. ભારતવર્ષમાં એ સમયે ધર્મની દૃષ્ટિએ દયાજનક હતો. હિંદુઓમાં ધાર્મિક સ્વતંત્રતાનું નામ નહોતું. બ્રાહ્મણો બીજા વર્ણો ઉપર પોતાની સત્તા જમાવીને એટલા બધા દુરાચારી બની ગયા હતા કે, કેટલાકને ‘પાપમૂર્તિ’ કહીએ તો પણ ચાલી શકે. મુસલમાન જોરજુલમથી હિંદુઓને વટલાવતા હતા. કેટલાક હિંદુઓ પણ અડધા મુસલમાન થઈ ગયા હતા. ભગવદ્ભક્તિ અને સદાચારનું નામ રહ્યું નહોતું. બંગાળાના શાક્તોએ દુરાચારનો એવો પ્રવાહ વહેવરાવ્યો હતો કે, શ્રીગૌરાંગદેવનો જન્મ ન થયો હોત અને સંન્યાસી બનીને શુદ્ધ તથા પવિત્ર ધર્મનો એમણે પ્રચાર ન કર્યો હોત તો કેવળ બંગાળાજ નહિ પણ આખું ભારતવર્ષ પાપ–ભૂમિ બની ગયું હોત. વામમાર્ગીઓના પંચ મકારથી બંગાળ ગભરાઈ રહ્યું હતું. શ્રીગૌરાંગે એ બધી વાત માતાને સમજાવી, એટલે ગમે તેટલો સ્નેહ હોવા છતાં માતા એમને સંન્યાસ લેતાં નિષેધ ન કરી શક્યાં. એમને ખબર પડી કે પુત્ર ઉપર મારી એકલીનોજ અધિકાર નથી, એના ઉપર આખા જગતનો અધિકા૨ છે. આખરે એમના મુખમાંથી નીકળી ગયું: “પુત્ર ! તું પુરુષોમાં રત્ન છે. તું આજથી સ્વતંત્ર છે. મારા ભાગ્યમાં તારૂં આટલુંજ સુખ લખ્યું હશે. જા, હવે તું સુખે સંન્યાસ લે અને તારા જીવનનો મહાન ઉદ્દેશ પાર પાડ.”
શચિદેવી વાત્સલ્યપૂર્ણ હતાં. સ્ત્રી જાતિમાં એમનો જન્મ થયો હતો. પુત્રને સંન્યાસી થવાની આજ્ઞા આપી તો ખરી, પણ એથી એમને ઘણું દુઃખ થયું. એ સ્નેહમયી જનની પુષ્કળ રડવા લાગ્યાં. શ્રીગૌરાંગે એમને ધીરજ આપીને કહ્યું: “મા! હું હજુ થોડા દિવસ ઘેર રહીશ. તમે રડશો નહિ. જતી વખતે તમારી રજા લઈને જઈશ.” શ્રીગૌરાંગે વિચાર્યું કે, “માતાની રજા તો મળી ગઈ પણ હજુ એક એવી બીજી વ્યક્તિની રજા લેવી બાકી છે, કે જેનો અધિકાર ઓછો નથી.” એ વ્યક્તિ હતી દુઃખી વિષ્ણુપ્રિયા.
શ્રી ગૌરાંગ એ રાત્રે ઘરમાં શયન કરી રહ્યા હતા. નિદ્રા આવી હતી કે નહિ એ તો એ પોતે જ જાણે. રાત વધારે ગઈ નહોતી. ભોજન કરીને વિષ્ણુપ્રિયા એમની પાસે ગયાં અને પતિને ઊંઘતા જોઈને એમના ચરણ આગળ બેસી ગયાં. સજળ, આતુર નેત્રથી એ પતિના મુખને જોવા લાગ્યાં. શ્રીગૌરાંગને જગાડવાનું સાહસ એમનાથી ન થયું, કેમકે એવી નિશ્ચિંત નિદ્રા લેતા એમણે પતિને કદી જોયા નહોતા. ભગવાનનું કીર્તન કરવામાં શ્રીગૌરાંગ આખી રાત જાગરણ કરતા હતા. આજે તેમને સૂતેલા જગાડવાનું વિષ્ણુપ્રિયાને યોગ્ય ન લાગ્યું. શ્રીગૌરાંગના દર્શનથી જ વિષ્ણુપ્રિયાને સુખ છે. વિષ્ણુપ્રિયાના ચિત્તમાં ઊંડી ચિંતા હતી, કેમકે એમણે સાંભળી રાખ્યું હતું કે પતિ ઘર છોડીને ચાલ્યા જવાના છે. એ દારુણ સમાચારનું સ્મરણ કરતાંવારજ એમના કોમળ હૃદયને વજ્રાઘાત થયો. એમના નેત્રોમાંથી આંસુનો વરસાદ વરસવા લાગ્યો. એ આંસુથી શ્રીગૌરાંગના ચરણ ભીના થયા અને એ જાગી ઊઠ્યા તથા કહેવા લાગ્યાઃ “તું રડે છે શા માટે? હું તો તારી પાસેજ છું.” એટલું સાંભળતાંવાર તો વિષ્ણુપ્રિયાની આંખોમાંથી અશ્રુધારા વધારે જોરથી વહેવા લાગી. શ્રીગૌરાંગે તેને રોકવાનો ઘણોએ પ્રયત્ન કર્યો પણ એ આંસુ ખાળી ન શકાયાં. શ્રીગૌરાંગને વ્યસ્ત જોઈને વિષ્ણુપ્રિયા કહેવા લાગ્યાં. “નાથ ! શું એ સાચી વાત છે કે તમે મને છોડીને ઘરમાંથી ચાલ્યા જશો, સંન્યાસી થઈ જશો ? એ ખબર સાંભળીને મારું હૃદય ચિરાઈ જાય છે. તમે મને છોડીને જવાના હો તો પછી આ જીવનની આવશ્યકતાજ શી છે? હું જીવીને શું કરીશ ? હું એમ ધારતી હતી કે મારા જેવી ભાગ્યવતી કોઈ નથી, કેમકે તમે મારા પ્રિય પ્રાણનાથ છો ! મને મોટી આશા હતી કે આ યૌવન, આ તન અને મન તમને સમર્પણ કરીને તમારો સંસાર સુખી કરીશ. હાય ! મને મારા પોતાના સુખની કાંઈ પરવા નથી. ગૃહત્યાગથી તમને સુખ થવાનું હોત તોપણ ધીરજ ધરત, પરંતુ સંન્યાસી થઈને તમે ક્યાં ફરતા ફરશો ? કાંટા કાંકરા આ કોમળ પગને વીંધી નાખશે ! તમે દુઃખ કયે દિવસે જોયું છે? વરસાદની ઝડીમાં, જેઠવૈશાખના ઉગ્ર તાપમાં, કકડતી ટાઢમાં તમે એકલા ગામેગામ અને અરણ્યે અરણ્યે કેવી રીતે વિચરશો? તમારા ચરણ સિવાય મારી ગતિ નથી. મને ઠેસ મારીને તમે ચાલ્યા જશો? તમને ધર્મભય પણ નથી? વૃદ્ધ માતા શચિદેવી તમારા જવાની વાત સાંભળીનેજ અધમૂઆ થઈ ગયાં છે, તેમની શી દશા થશે ? તમારા ભક્ત મુકુન્દ દત્ત, શ્રીનિવાસ અને હરિદાસનું શું થશે ? શું તમે એ બધાને છોડી દઈને સંન્યાસ લેશો ? એમ કર્યાથી લોકોમાં તમારો અપયશ થશે. મારાથી તમારી નિંદા કેમ સાંભળી શકાશે?” થોડી વાર ચૂપ રહ્યા પછી તેમને એક બીજો વિચાર સૂઝ્યો. તે પતિના ચરણ પકડીને રોતાં રોતાં કહેવા લાગ્યાંઃ “પ્રાણેશ્વર ! હૃદયવલ્લભ ! મારે લીધેજ તમે સંસારી છો, ગૃહસ્થાશ્રમી છો. આ સંસારમાં જો જાળરૂપ કોઈ હોય તો હુંજ છું. આ અભાગણીની ખાતરજ તમે સંસારત્યાગ કરવા તૈયાર થયા છો. હુંજ તમારા ધર્મજીવનમાં પરમશત્રુ બની છું. મારે લીધેજ તમે નિશ્ચિંત થઈને ભજનકીર્તન કરી શકતા નથી. સ્ત્રીનું કર્તવ્ય છે કે પતિના ધર્મકાર્યમાં આડખીલીરૂપ ન થવું. મારું જીવન તમને વિઘ્નરૂપ થઈ પડ્યું હોય તો ધૂળ પડી એ જીવતરમાં ! હું આ જીવનને વધારે દિવસ ટકાવી રાખીશ નહિ. હું ઝેર ખાઈને મરીશ. એથી સુખે તમે ઘરમાં રહીને જ ધર્મકર્મ કરજો. ગૃહત્યાગ કરવાની આવશ્યકતા પછી રહેશે નહિ. હે નાથ ! તમારા સાધનપંથનો કાંટો,તમારા ધર્મજીવનની શત્રુ-આ હતભાગિનીને વિદાય આપો!”
શ્રીમતીના હૃદયમાં આજે વિષમ વેદના હતી. મનમાં દારુણ વ્યથા હતી. આજ એમનાથી બહુ બોલી પણ શકાતું નહોતું. એમનાં બંને કમળલોચનમાંથી અવિરત અશ્રુધારા વહેતી હતી.
શ્રીગૌરાંગ આટલી વાર પત્નીનો મર્મભેદી, હૃદયવિદારક, વિષાદપૂર્ણ વિલાપ સાંભળતા હતા. એમના દરેક શબ્દ એમના હૃદયને બાણની પેઠે વીધતો હતો. શ્રીગૌરાંગના હૃદયમાં પત્નીનો વિલાપ સાંભળીને દારુણ વેદના થઈ. મનના ભાવને છુપાવીને શ્રીગૌરાંગ પત્નીને પ્રેમપૂર્વક લાડ લડાવવા લાગ્યા. પત્નીને સેંકડો વાર તેમણે સ્નેહસૂચક ચુંબન કર્યું. તેમની એ પ્રેમચેષ્ટાએ જોઈને વિષ્ણુપ્રિયા મનમાં વિચારવા લાગ્યાં “ખરેખર ! શું આ સ્વામી મને છોડીને ચાલ્યા જશે ?” એટલામાંજ એમનો મનોભાવ સમજી જઇને શ્રીગૌરાંગ બોલ્યાઃ “પ્રાણાધિકે! પ્રિયતમે! તને કોણે કહ્યું કે, હું તને છોડીને ગૃહત્યાગ કરવાનો છું? તું નકામી શોક કરી રહી છે અને તારા મન તથા શરીરને પીડા પમાડી રહી છે. હું તને કહ્યા વગર કદી જનાર નથી એ ખાતરી રાખજે અને નાહક દુઃખી થઈશ નહિ.” પતિનાં આ આશ્વાસન-વાક્યોથી વિષ્ણુપ્રિયા પ્રેમસાગરમાં ડૂબી ગયાં. તેમનું બધું દુઃખ દૂર થઈ ગયું. દુઃખની એક પણ વાત એ વખતે તેમને સાંભરી નહિ. પતિસુખમાં એ નવયુવતીએ આખી રાત ગાળી. દુઃખમય સંસાર અત્યારે તો એમને સુખનો ભંડાર જણાયો. પરંતુ એ સુખમાં પણ વિષ્ણુપ્રિયાને વિષમ દુઃખનું ચિહ્ન જણાયું. પ્રાણવલ્લભના મુખ સામું નીરખતાં એ મલિન જણાયું. પતિની આંખમાં આંસુ હતાં, એમના હૃદયમાં કાંઈ ગુપ્ત ભાવ છુપાયલો જણાતો હતો. આ બધી પ્રેમચેષ્ટા ઉપરની હતી એમ લાગતું હતું. એ વિચાર ઉત્પન્ન થતાંજ વિષ્ણુપ્રિયાને ફરીથી શંકાઓ ઉત્પન્ન થઈ. પતિના બન્ને હાથ પકડીને પોતાના વક્ષ:સ્થળ ઉપર ધારણ કરીને એ કહેવા લાગ્યાં: “હૃદયવલ્લભ! મને લાગે છે કે તમે મારી સાથે છળકપટ કરી રહ્યા છે. તમારું મુખ જોતાં એમ લાગે છે કે તમારા હૈયામાં મેલ છે. મને છેતરવા માટે આપ બહારથી પ્રેમ દાખવી રહ્યા છો. નાથ ! હૃદયસર્વસ્વ ! મારી છાતી ઉપર હાથ મૂકીને સોગંદ ખાઓ કે આ અભાગણીને છોડીને ક્યાંય પણ નહિ જાઓ. હું તમારા વગર બીજા કોઈને ઓળખતી નથી. તમારાં ચરણો સિવાય મારી ગતિ નથી. વગર વાંકે મારા ગળા ઉપર છૂરી ચલાવશો નહિ. પ્રભુ ! તમે મારા સ્વામી છો, હું તમારી દાસી છું; તમે પુરુષ છે હું પરવશ અબળા છું. હું તમારી યુક્તિ કેવી રીતે જાણી શકું? મને સંદેહ ઊપજે છે કે તમે મને છોડીને ચાલ્યા જશો. જોજો, કંઈ સ્ત્રીહત્યાના પાપના ભાગી ન બનો.”
શ્રીગૌરાંગ સ્થિર અને ગંભીરભાવે પત્નીની બધી વાત સાંભળી રહ્યા હતા. હવે એમણે મનની વાત છુપાવવાનો પ્રયત્ન કર્યો નહિ. એ છેવટની દારુણ કથા, એ પ્રાણઘાતક વાણી ‘હુ સંન્યાસ ગ્રહણ કરીશ’ પત્નીને સંભળાવવાનો સમય આવી પહોંચ્યો હતો. શ્રીમતીના વક્ષમાં એ તીક્ષ્ણ છરી ભોંકવાનો સમય આવી પહોંચ્યો હતો! હવે ગૌરાંગથી ઝાઝી વાર મૌન બેસી રહેવાયું નહિ. એમણે મુખ મલકાવીને પ્રિયાને ધર્મ અને કલ્યાણની વાતો સમજાવવા માંડીઃ “પ્રિયતમે ! આ બધો સંસાર મિથ્યા છે. એ સંસાર નહિ, પણ અસાર છે. માતા, પિતા, પતિ, પુત્ર, ભાઈ, બંધુ કોઈ કોઈનું નથી. કૃષ્ણભજન એજ જીવનનો એકમાત્ર ઉદ્દેશ છે. એને સારૂજ મનુષ્યનો જન્મ છે. આ દુર્લભ માનવજન્મ ધારણ કરીને કોઈ કૃષ્ણભજન ન કરે તો એનો જન્મ ફોકટ છે. માન, અભિમાન, એ બધું એકદમ તજવા લાયક છે. સંસારની માયામાં ફસાઈને લોકો કૃષ્ણભજનને ભૂલી જાય છે, એથીજ એમને નરકની વેદના ભોગવવી પડે છે. જો સંસારરૂપી દાવાનળમાંથી રક્ષણ મેળવવું હોય તો શ્રીકૃષ્ણનું ભજન કરો. તમારું નામ વિષ્ણુપ્રિયા છે ! પ્રિયે ! તમારે એ નામ સાર્થક કરવું જોઈએ. મિથ્યા શોક કરશો નહિ. બીજી બધી ચિંતા દૂર કરીને શ્રીકૃણુનું ભજન કરો.” પરંતુ આ ઉપદેશ સાંભળવા છતાં પણ પત્નીના મનમાંનો વિષાદ દૂર થયેલો ન જણાયો, ત્યારે શ્રીગૌરાંગે આશ્વાસન આપ્યું કે, “પ્રિયતમે ! તને છોડીને હું ક્યાં જવાનો છું ? જ્યારે જઈશ ત્યારે તને કહીને જઈશ. હજુ તો તારી સાથે થોડા દિવસ રહીને સંસાર ચલાવીશ. તારા જેવી પત્ની મને મોટા ભાગ્યથી મળી છે.” પતિનાં એ વચન સાંભળ્યાથી વિષ્ણુપ્રિયાને કાંઈક આશ્વાસન મળ્યું, છતાં ‘તારી સાથે થોડા દિવસ રહીને સંસાર ચલાવીશ’ એ શબ્દને લીધે તેમના મનનો સંદેહ બિલકુલ દૂર થઈ ગયો નહિ. તેમણે પતિ પાસે એ શબ્દનો સ્પષ્ટ ખુલાસો માગ્યો. આખરે નિરૂપાય થઈને ગૌરાંગને પત્નીને જણાવવું જ પડ્યું કે, “પ્રિયતમે તારાથી હું કોઈ વાત છુપાવવાનો નથી. આ જીવનમાં હું દુઃખ ભોગવવાજ આવ્યો છું. દુઃખ મારા જીવનનો સંગી છે. હું ઘણું રોયો પણ જીવો કૃષણનામ લેતા નથી. તું અને વૃદ્ધમાતા રડશો ત્યારે લોકોનાં હૃદય પીગળશે અને તેઓ પણ હરિનામ લેતાં શીખશે, એટલા માટેજ મેં ઘર છોડવાનો સંકલ્પ કર્યો છે. તારા રોવાથી જીવોનાં પાપ ધોવાઈ જશે. મારા ધર્મકાર્યમાં હું તારી સહાયતા ચાહું છું. સંસારનાં બધાં સુખ છોડીને, તારા જેવી તરુણ, પતિવ્રતા, સુંદર પત્નીને છોડીને, વૃદ્ધ અને પુત્રવત્સલ માતાને છોડીને, પ્રાણથી પણ અધિક વહાલા ભક્તોને છોડીને, કૌપીન ધારણ કરીને, સંન્યાસી વેશમાં દીનદરિદ્રની પેઠે ગામેગામ અને પોળે પોળ ફરીને લોકોને હરિનામ દેવાનો ઉપદેશ નહિ દઉં, ત્યાં લગી જીવોના ઉદ્ધારનું કાર્ય સફળ થશે નહિ. પ્રિયે ! મેં તને મારા જીવનનો ઉદ્દેશ સ્પષ્ટ જણાવી દીધો. મારા શુભ કાર્યમાં અડચણરૂપ થઇશ નહિ. માએ રજા આપી છે. તું પણ રજા આપી તારૂં વિષ્ણુપ્રિયા નામ સાર્થક ક૨.”
એમ છતાં પત્નીને રડતી જોઈને શ્રીગૌરાંગે કહ્યું: “વિષ્ણુપ્રિયા ! તું રડીશ નહિ. ભગવાન તને બળ આપે. તારા આક્રંદનથી જીવોનો ઉદ્ધાર થશે. ભગવાન તારૂં કલ્યાણ કરશે. જીવોનાં દુઃખ જોઈને મારાથી સ્થિર બેસી રહેવાતું નથી. તું મારી સહધર્મિણી છે, મારા આ ધર્મકાર્યમાં સહાયતા આપ.” -
શ્રીમતીએ ગદ્ગદ કંઠે કહ્યું “પ્રાણવલ્લભ! હું તમારી દાસી હોવા છતાં તમારા પવિત્ર ચરણની અધિકારી નહિ બનું, એ દુઃખ મરતાં સુધી મારાથી નહિ ભુલાય. તમારી દાસી બનવામાંજ મારું અહોભાગ્ય છે. મારાં કયા પાપને લીધે મારી આવી અધોગતિ કરો છો ?”
શ્રીગૌરાંગે કહ્યું: “તું મને બરોબર સમજી નથી. તારી સાથેનો મારો સઘળો સંબંધ તૂટવાનો નથી. કેવળ બહારનો શારીરિક સંબંધ છે તેજ બંધ પડશે, બાકી બધા સંબંધ કાયમ રહેશે. મારા અંતરમાં તું સદા બિરાજમાન રહેશે. હું પણ તારા અંતરમાંથી ખસવાનો નથી. કેવળ લોકશિક્ષાને સારૂ મારો આ સંન્યાસ છે. તારા ઉપર મારો જે પ્રેમ છે તે અવિચ્છિન્ન રહેશે. તારી આંખથી આઘે થતાંવારજ તારા પ્રત્યે મારો પ્રેમ સોગણો વધી પડશે, એ સુખ વિરહજન્ય સુખ હશે, એ પ્રીતિ ખરી પ્રીતિ હશે. તું મને વીસરી નહિ શકે એ હું સારી પેઠે જાણું છું.”
આટલાથી પણ વિષ્ણુપ્રિયાને સંતોષ ન થયો. તેમણે કહ્યું: “તમે સંન્યાસી થઈને ઘરબાર છોડો એ મને પસંદ નથી. હાલ સંસારમાં ચિત્ત ન ચોટતું હોય તો ભલે તીર્થયાત્રા નિમિત્તે બહાર જઈ લોકોનું કલ્યાણ કરી આવો, પરંતુ તમે સંન્યાસી થશો તો લોકોમાં મારી નિંદા થશે. સતીસાધ્વી સ્ત્રીઓ ટીકા કરશે કે, મારી ખાતરજ સ્વામીએ ઘરબાર છોડીને સંન્યાસ લીધો. મારાથી એ અપવાદ સહન નહિ થાય.”
શ્રી ગૌરાંગની વ્યવહા૨બુદ્ધિનો લોપ થયો નહોતો. એમને લાગ્યું કે, દેવીની એ દલીલ બહુ સાચી છે. એમણે પત્ની આગળ પોતાનો પરાજય તો સ્વીકાર્યો પણ જ્ઞાન આપવું ન છોડ્યું. હવે એમણે પ્રભુની સહાયતા માગીને પત્નીને દિવ્ય જ્ઞાન આપ્યું. શ્રીચૈતન્યને વિષ્ણુના અવતાર માનનારા ભક્તો એમ પણ માને છે કે શ્રીગૌરાંગે પત્નીને દિવ્ય ચક્ષુ આપ્યાં, જેથી થોડી વારમાં એમણે જોયું કે સામે તેમના સ્વામીને બદલે શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી ચતુર્ભુજ વિષ્ણુની મૂર્તિ સાક્ષાત્ ઊભી છે.
શ્રીમતી વિષ્ણુપ્રિયાએ એ મૂર્તિનાં દર્શન કરીને કહ્યું: “પ્રભુ ! તમારૂં આ ચતુર્ભુજ સ્વરૂપ સમેટી લો. તમારું આ રૂપ મને સારૂં લાગતું નથી, મારે ઐશ્વર્ય જોઈતું નથી; હું અબળા રમણી છું, સ્વામીજ મારા પરમ દેવતા છે, મારે સ્વામી સિવાય બીજું કાંઈજ જોઈતું નથી. મારા સ્વામીનાથ ક્યાં ગયા? તમને પગે પડું છું, મારા સ્વામી મને પાછા આપો.” એટલું કહીને દેવી પ્રભુના ચરણમાં પડીને રોવા લાગ્યાં. શ્રીગૌરાંગે પોતાનું એ રૂપ સંવરણ કરી લીધું. દેવીએ જોયું કે પતિ પોતાને ખોળામાં લઈને લાડ લડાવી રહ્યા છે. શ્રીગૌરાંગે પોતાનો પરાજય સ્વીકારીને કહ્યું: “પ્રિયતમે ! તું ખરેખરી સાધ્વી છે. તેં મારી ચતુર્ભુજ નારાયણ મૂર્તિની પણ ઉપેક્ષા કરી છે. તારી પતિભક્તિ, તારો પતિપ્રેમ જોઈને હું મુગ્ધ થઈ ગયો છું. તને છોડીને હું ક્યાં જઈ શકું? મારા આ હૃદયમાં તું સદાને માટે બિરાજીશ. લોકો તો સમજશે કે મેં તારો ત્યાગ કર્યો છે, પણ તું સદાને માટે મારા હૃદયની અધિષ્ઠાત્રી દેવી થઈને રહીશ. જે સમયે તું વિરહાતુર થઈને મારું સ્મરણ કરીશ, તે સમયે હું તને મળવા હાજર થઈશ. હું જ્યાં જઈશ ત્યાં તને વીસરીશ નહિં. આ વાત તું સાચીજ માનજે."
પતિવ્રતા શ્રીમતી વિષ્ણુપ્રિયા દેવીએ હવે સ્વામીના આદેશને માથે ચઢાવ્યો અને નીચું મુખ કરીને અશ્રુભીનાં નયને કહ્યું: "પ્રાણેશ્વર ! હૃદયકાંત ! તમે આજથી સ્વતંત્ર છો. તમને જેમાં સુખ તથા હિત જણાય, તે કાર્ય કુશળતાપૂર્વક કરો. હું એમાં અડચણ નાખનાર કોણ? તમારા સુખમાંજ મારું સુખ છે. આ જન્મમાં ૨ડતી આવી છું. રડીનેજ શેષ જીવન ગાળીશ, પણ તમારૂં એથી કલ્યાણ થતું હોય તો એ બધું સુખેથી કરીશ. ઘણા પુણ્યના બળ વડે તો તમારી દાસી બની છું. એ ઉચ્ચપદ, એ મહાન સંપત્તિ, પ્રભુ છીનવી લેતા નહિ. દુઃખી દાસી ગણીને શ્રીચરણમાં સ્થાન આપજો. એજ મારી છેવટની વિનતિ છે.”
આત્મસર્ગનું કેવું ઉજ્જવલ દૃષ્ટાંત છે ! મનુષ્ય, ધન, જીવન અને પુત્રનો ત્યાગ કરી શકે છે; પણ પતિવ્રતા, પતિભક્ત સ્ત્રી પોતાના પતિને કદી છોડી શકતી નથી. પરોપકારની ખાતર વિષ્ણુપ્રિયા દેવી પોતાના પતિને સંન્યાસી બનાવવા તૈયાર થઈ ગયાં. પોતાનું જીવન પતિ વગર કેવું કષ્ટમય થશે તેનો વિચાર છોડી દીધો. પોતાના સુખની પરવા ન કરતાં બીજાઓનુંજ કલ્યાણ થાય એને એમણે શ્રેષ્ઠ ગણ્યું. વિષ્ણુપ્રિયાનો આ સ્વાર્થ ત્યાગ ખરેખર જગતમાં અતુલનીય હતો !
માતા તથા પત્નીને આપેલા વચન પ્રમાણે શ્રીગૌરાંગ થોડા દિવસ ઘરમાં રહ્યા. એટલા દિવસ એમણે ઘરકાર્યમાં સારી રીતે ધ્યાન આપ્યું. દેવી વિષ્ણુપ્રિયાની સાથે રસવાર્તાઓ કરી. શચિદેવીને એથી ઘણો આનંદ થતો. એ પ્રમાણે સુખ અને આનંદમાં છ માસ વીતી ગયા. માઘ માસની ઉત્તરાયણ સંક્રાંતિ આવી પહોંચી. એ દિવસે શ્રીગૌરાંગદેવે ગૃહત્યાગ કરવાનો સંકલ્પ કરી રાખ્યો હતો. એ દિવસે એમણે માતાને કહ્યું: “મા ! આજ ઉત્તમ દિવસ છે. બ્રાહ્મણને તથા વૈષ્ણવો સારી પેઠે જમાડવા જોઈએ. શચિદેવી હોંશપૂર્વક રાંધવાના કામમાં ગૂંથાયાં અને વિષ્ણુપ્રિયા સાસુને સામગ્રી આપવામાં રોકાયાં. એ દિવસે અનેક ભક્તોએ તેમને ઘેર ભોજન કર્યું. પછી શ્રીગૌરાંગે આખા નદિયાનગરમાં ઘરે ઘેર ફરીને ભક્તો સાથે પુષ્કળ વાતો કરી અને પહોર રાત ગંગાતટે ભજનોમાં ગાળીને ઘેર પાછા આવ્યા. વાળુ કરીને માતા સાથે ઘરસંસારની અનેક વાતો કરીને શયનગૃહમાં ગયા. વિષ્ણુપ્રિયા દેવીએ પાનની પેટી, ચંદન, ફૂલની માળા આદિ લઈને સહાસ્ય વદને ત્યાં પ્રવેશ કર્યો. શ્રીગૌરાંગે મૃદુ હાસ્યપૂર્વક તેમને આલિંગન આપ્યું. એ રાત્રિએ દંપતીએ ઘણી પ્રેમલીલા કરી. વિષ્ણુપ્રિયાને તો કાંઈ ભાન નહોતું, પણ શ્રીગૌરાંગ તો જાણતા હતા કે, આ મારાં છેલ્લાં લાડ છે. થોડી વાર પછી વિષ્ણુપ્રિયા દેવીને ગાઢ નિદ્રા આવી ગઈ. શ્રીગૌરાંગ એ લાગ જોઈને ધીમેથી ઊઠ્યા. સૂતેલી પ્રિયાનું સૌંદર્યમય મુખ અનિમેષ નેત્રે એક વાર જોયું. તેના વદન ઉપર ધીમેથી અંતિમ ચુંબન કર્યું અને એકદમ કોઈ જાણવા ન પામે એવી રીતે શયનગૃહમાંથી બહાર નીકળી પડ્યા. ત્યાંથી નીકળી આંગણામાં સૂતેલાં માતાને હાથ જોડીને પ્રણામ કર્યા અને જન્મભૂમિને છેલ્લા નમસ્કાર કરી નદિયામાંથી વિદાય લઈ ગંગા નદીમાં તરીને સામે પાર પહોંચ્યા.
થોડી વાર પછી વિષ્ણુપ્રિયાની આંખ ઊઘડી. એમણે જોયું કે ગૌરાંગદેવ પોતાની પાસે નથી. અંધારામાં વધારે ન દેખાયું, પણ જોયું તો કમાડ ઉઘાડાં હતાં. એ એકદમ રોવા લાગ્યાં. તેમણે વિચાર્યું કે, “મશ્કરીમાં મને ગભરાવવા સારૂ કાંઈ સંતાઈ ગયા હશે” ઘરના ચારે ખૂણામાં જોયું, પણ પત્તો લાગ્યો નહિ. હવે એ દુઃખમાં મગ્ન થઈને સાસુની પાસે ગયાં. એ સમાચાર સાંભળતાંવાર સાસુ ઉપર તો જાણે વજ્ર તૂટી પડ્યું. બંને જણાં હાથમાં દીવો લઈને શ્રીગૌરાંગને ખોળવા લાગ્યાં અને ક્યાંય પણ પત્તો ન લાગતાં રોકકળ મચાવી મૂકી. આડોશીપાડોશીઓ જાગીને દોડી આવ્યાં. વિષ્ણુપ્રિયાએ સમયે મૂર્ચ્છા ખાઈને ભૂમિ ઉપર પડ્યાં હતાં.
થોડી વારમાં આખા નગરમાં એ સમાચાર ફેલાઈ ગયા. સાંભળનાર બધાંને દુઃખ થયું. તેમણે આવીને સાસુવહુને દિલાસો આપવા માંડ્યો. વિષ્ણુપ્રિયાની અવસ્થા જોઈને બધાને એમ લાગ્યું કે આ દશા રહી તો એમના દેહમાં પ્રાણ નહિ રહે.
શચિદેવીના બનેવી ચંદ્રશેખર અને શ્રીગૌરાંગના શિષ્યો શ્રીગૌરાંગની શોધમાં ચારે તરફ નીકળી પડ્યા.
હવે શ્રીગૌરાંગદેવની ખબર લઈએ. તેઓ શિયાળાની રાતે નીકળીને, ટાઢની જરાય પરવા ન કરતાં, ગંગાજીને પાર કરીને કટવા ગામ પહોંચ્યા. ત્યાં એમણે કેશવભારતી પાસે સંન્યાસ લીધો. સંન્યાસ લીધા પછી એ વૃંદાવન જવા નીકળ્યા, પણ માર્ગ ભૂલી જવાથી શાંતિપુર પહોંચ્યા અને પોતાના વૃદ્ધ શિષ્ય અદ્વૈતાચાર્યને ઘેર ઊતર્યા. એમની શોધમાં નીકળેલાં માણસને એમના સંન્યાસની ખબર પડી, અને એમણે એ સમાચાર જઈને શચિદેવી તથા વિષ્ણુપ્રિયાને જણાવ્યા. એ વૃત્તાંત સાંભળતાં બન્નેની જે દશા થઈ તે વર્ણવી શકાય એમ નથી. વિષ્ણુપ્રિયા વિલાપ કરવા લાગ્યાં: “હાય નાથ ! આ અભાગિનીને અનાથ બનાવવા માટેજ તમે સંન્યાસ લીધો કે શું ? તમે શા સારૂ ઘર છોડીને ચાલ્યા ગયા ? તમારાં મીઠાં વચનો સાંભળ્યા વગર હું કેવી રીતે જીવી શકીશ? હાય ! આ કઠણ હૈયાંમાંથી પ્રાણ કેમ નથી નીકળતો ? ચિતા સળગાવો, હું હમણાં જ બળી મરું છું. સારા માણસો તો કોઈના જીવને સતાવતા નથી તો પછી તમે આટલા બધા મનુષ્યોના જીવ શા સારૂ બાળ્યા ? તમે તો ધર્મપ્રચારક છો છતાં તમને ધર્મનો ભય કેમ નથી? માં અને સ્ત્રીને માર્યાથી તમારું શું કલ્યાણ થશે? હાય! મારો આ પ્રાણ કેમ નથી નીકળી પડતો ?” એટલું કહેતાં કહેતાં એ પૃથ્વી ઉપર ઢળી પડીને રોવા લાગ્યાં. એટલામાં શ્રીગૌરાંગદેવના સાથી નિત્યાનંદ ત્યાં આવ્યા અને શચિદેવીને જણાવ્યું કે, “શ્રીગૌરાંગ અદ્વૈતાચાર્યને ઘેર શાંતિપુરમાં છે. તમારી ઈચ્છા હોય તો એક વાર જઈને એમને મળી આવો, પણ વિષ્ણુપ્રિયાને સાથે ન લઈ જતાં. એમણે મનાઈ કરી છે. સંન્યાસીને પત્નીનું મુખ જોવાથી પાપ લાગે છે.” શચિદેવીને એ સાંભળીને જરાક શાન્તિ થઈ; પણ વિષ્ણુપ્રિયા કહેવા લાગ્યાં “હાય! મારૂં કેવું દુર્ભાગ્ય કે એમનાં દર્શન પણ નથી કરી શકતી હાય ! મેં અભાગણીએ એમની સ્ત્રી થઈને શા સારૂ જન્મ ગ્રહણ કર્યો ? હું એમની પત્ની ના હોત તો એમના પવિત્ર દર્શનથી વંચિત થાત નહિ. તેમણે આખા નદિયાના લોકોને શાંતિપુર જવાની રજા આપી છે—નકાર કર્યો છે મુજ હતભાગિનીનો ! હાય ! મેં એમનો એવો તો શો ગંભીર અપરાધ કર્યો છે કે, એમણે દર્શન-સુખથી પણ મને વંચિત કરી ?”
વિષ્ણુપ્રિયાની અનેક સખીઓએ તેમનો આ વિલાપ સાંભળ્યો, પણ એ બિચારીઓ શો ઉત્તર આપે? એમણે તો સખીનાં અશ્રુ ભેગાં પોતાનાં અશ્રુ ભેળવીને સહાનુભૂતિ દર્શાવી.
શચિદેવી પુત્રનાં દર્શન કરવા શાંતિપુર ગયાં. વિષ્ણુપ્રિયાનો આશાપ્રદીપ હજુ હોલવાયો નહોતો. એમણે આશા બાંધી કે, માતા પુત્ર પાસે જઈ સમજાવી-પટાવીને પાછા લાવશે. નાથ ઘરમાં નહિ રહે તો પરવા નહિ. દૂરથી પણ એમનાં દર્શન તો હું કરી શકીશ. મા જરૂર છોકરાને પાછો આણશે. જો એમ નહિ થાય તો હું નદીમાં ડૂબી મરીશ કે વિષપાન કરીશ.” આ પ્રમાણે તેઓ મહાઉદ્વેગમાં સમય ગાળવા લાગ્યાં.
શચિદેવી શાંતિપુર જઈને શ્રીગૌરાંગને મળી આવ્યાં. થોડા દિવસ એ દુઃખને વીસરી ગયાં.
પરંતુ શચિદેવી જ્યારે એકલાં જ ઘેર પાછાં આવ્યાં ત્યારે વિષ્ણુપ્રિયાની બધી આશાઓ ધૂળમાં મળી ગઈ. પુત્રને સંસારમાં પાછો આણવાથી એના ધર્મનો નાશ થશે એ શંકાથી શચિદેવી એમને ઘેર પાછા લાવ્યાં નહોતાં.
શ્રીગૌરાંગદેવ માતાની રજા લઈ ધર્મપ્રચાર કરવા સારૂ બહાર નીકળી પડ્યા. પહેલા જગન્નનાથપુરી ગયા અને ત્યાંથી દક્ષિણમાં નીલગિરિ સુધી જઈને વૃંદાવન આવ્યા. આખા ભારતવર્ષમાં એમણે શિષ્યોદ્વારા ધર્મોપદેશ કર્યો. વૃંદાવનથી કાશી અને પ્રયાગ થઈને જગન્નાથપુરી પાછા આવ્યા. એ યાત્રાઓમાં એમણે ભક્તિ અને પ્રેમનો પ્રવાહ વહેવરાવ્યો. લાખો દુરાચારીઓને સદાચારી અને પરમ ભક્ત બનાવ્યા. બંગાળના શાક્તધર્મીઓમાં પંચ મકારનો પ્રચાર વધી પડ્યો હતો તે દૂર કર્યો અને પોતાના પવિત્ર ચારિત્ર્યથી ભારતવર્ષના હિંદુ, મુસલમાન, ઉચ્ચ-નીચ સર્વને ભગવદ્ભક્ત બનાવી દીધા.
નવદ્વીપમાં વિષ્ણુપ્રિયાની દશા ઘણી શોકજનક હતી. એ સર્વદા સાસુની પાસે રહેતાં, રખે સાસુને ઓછું આવે, પુત્રવિરહનું દુઃખ સાંભરી આવે એ શંકાથી એ કદી મોટે સાદે વિલાપ કરતાં નહિ, પરંતુ મનની અંદર જરા પણ શાંતિ નહોતી. શ્રીગૌરાંગના વિરહથી એમનું હૃદય ધગધગ બળતું હતું. એ અગ્નિ કદાપિ શાંત થવાનો નહોતો. હવે એમણે કઠોર બ્રહ્મચર્ય વ્રત પાળવા માડ્યું હતું. સ્વામીના સંન્યાસી વેશનું સ્મરણ કરીને એ ઘણીવાર અશ્રુધારા પાડતાં અને સ્વામી એ આશ્રમમાં કેવું સાદું, સાત્ત્વિક અને તપશ્ચર્યામય જીવન ગાળતા હશે તેની કલ્પના કરીને પોતે પણ એવું જ જીવન ગાળતાં. એક દિવસ તો એમણે શરીર ઉપરના બધા અલંકાર કાઢી નાખ્યા. અંગ ઉપર ભસ્મ ચોળી સૌભાગ્યની નિશાનીરૂપ બે કંકણ કેવળ રાખ્યાં. સાડી બદલીને ભગવાં વસ્ત્ર ધારણ કર્યાં. એ પ્રમાણે સંન્યાસી શ્રીગૌરાંગદેવનાં પત્ની ઘરમાં રહ્યા છતાં પણ સંન્યાસિની બન્યાં. એમ પણ કહેવાય છે કે સતીએ પતિને પત્ર દ્વારા પુછાવ્યું હતું કે, “આવી અવસ્થામાં મારું શું કર્તવ્ય છે ? મારે શું ખાવું જોઈએ, શુ પીવું જોઈએ વગેરે જણાવજો.” એ પત્રનો શો ઉત્તર મળ્યો તે જાણ્યામાં નથી પણ વિષ્ણુપ્રિયાનું સાદું, સંયમી જીવન કાયમ રહ્યું છે તે નિર્વિવાદ છે. દેવી એ સમયે પૂર્ણ યૌવનમાં હતાં એ વાતનું સ્મરણ કરતાં એમના ત્યાગ અને તપનું મૂલ્ય વધી પડે છે.
પાંચ વર્ષ વીતી ગયાં. સંન્યાસીઓનો નિયમ છે કે એમને એક વાર પોતાની જન્મભૂમિનું દર્શન કરવા જવું પડે છે. શ્રીગૌરાંગદેવને પણ એટલા સારૂ એક વાર નવદ્વીપ જવું પડ્યું. ધર્મ અને સદાચારનો પ્રચાર કરવા સારૂ શ્રીગૌરાંગે સંન્યાસ લીધો હતો. એ જ્યાં જ્યાં ધર્મોપદેશ કરવા જતા ત્યાં ત્યાં હજારો માણસોની ભીડ થતી, તો પછી એ મહાત્મા સ્વદેશમાં પધારે તે દિવસે ભીડનું ઠેકાણું શું હોય ? શચિદેવી અને વિષ્ણુપ્રિયા પણ એ ભીડમાં શ્રીગૌરાંગનાં દર્શન કરવા જઈ રહ્યાં હતાં. બન્નેના હર્ષનો પાર નહોતો. આટલા બધા લોકો પોતાના પ્રાણવલ્લભનાં દર્શન સારૂ જઈ રહ્યા છે એ વિચારથી વિષ્ણુપ્રિયાના ગર્વનો પણ પાર નહોતો. એ ભીડમાં પતિને જોતાંવારજ તેમના ચરણમાં પડીને દેવી રોતે રોતે કહેવા લાગ્યાં: “હે નાથ ! તમે દીનવત્સલ છો ! હું તમારી દુઃખી ભાર્યા છું. ઘણી અધીરી થઈ ગઈ છું. મને દુઃખસાગરમાં ધકેલીને ગૃહત્યાગ કરવો એ તમને છાજતું નથી, તમારી પ્રતિજ્ઞા છે કે જો કોઈ તમારું ભજન કરે તેનો તમે ત્યાગ કરતા નથી, એ પ્રતિજ્ઞાનું સ્મરણ કરીને આ દાસીનો ત્યાગ કરી ચાલ્યા જશો નહિ. એક વાર જે તમારે શરણે આવે છે, અને તમે સદાને માટે અભયદાન આપો છો. તો પછી આ દાસીનો ત્યાગ શા સારૂ કર્યો? તમેજ લોકોને ઉપદેશ આપો છો કે સ્ત્રીની સહિત ધર્માચરણ કરવું જોઈએ, સંકડો ઉપાયો વડે પણ ભાર્યાનું ભરણપોષણ કરવું જોઈએ; તો પછી એ બધાં શાસ્ત્રવાક્યો દાસીના પ્રસંગમાંજ ઊલટાં શા સારૂ થયાં? પ્રાણવલ્લભ ! આ અભાગણીને સાથે લઈ જાઓ, આ સૂના ઘરમાં સહચારિણી ભાર્યાને છોડીને ક્યાં જશો ? જે અંગને હું અગરૂચંદન વગેરે સુગધી પદાર્થના લેપ કરતી હતી તે આજે ધૂળમાં રગદોળાયું છે. તમે યોગીજનોમાં પણ દુર્લભ છો. આ દાસી કેટલા બધા પુણ્યના પ્રતાપે તમને પામી છે ! મેં પિતાજી તથા વેદ જાણનારા બ્રાહ્મણને મુખે સાંભળ્યું છે કે, જે સ્ત્રી સ્વામીને પ્રિય છે, તે સ્વર્ગમાં પણ બધાને પ્રિય થઈ પડે છે. સાધ્વી સ્ત્રીઓને પતિજ પરમ દેવતા છે અને ઐહિક તથા પારલૌકિક બાબતોમાં એકમાત્ર ગુરુ છે. દુષ્ટ સ્વભાવવાળી અસતી સ્ત્રીઓ એ તત્ત્વને જાણી શકતી નથી. સ્વામીની ચરણસેવા સિવાય સ્ત્રીઓનો બીજો કોઈ ધર્મ નથી, કર્મ નથી, ત્યાગ, યજ્ઞ, શ્રાદ્ધ, ક્રિયા, ઉપવાસ વગેરે કાંઈ નથી. સ્વામી સેવાજ તેમનો પરમ ધર્મ છે. પતિસેવા વગર બીજી કોઈ તપસ્યા નથી. સાવિત્રી અને અરુંધતી નારીઓમાં શ્રેષ્ઠ હોવા છતાં પણ પતિને દેવતા સમજ્યાથી જ સ્વર્ગસુખને પામી છે. ચંદ્રપત્ની રોહિણી ચંદ્ર વગર એક ક્ષણ પણ રહી શકતી નથી; જનકનંદિની સીતા પતિની સાથે વનમાં ગઈ હતી. રામચંદ્ર તેમને સાથે લઈને વનમાં ગયા હતા. જે સ્ત્રીનો પતિ ત્યાગ કરે તેનાં બધાં સુખનો નાશ થઈ જાય છે. તેના જેવી અભાગણી સ્ત્રી ત્રણે લોકમાં કોઈ નથી. પતિજ સ્ત્રીની એકમાત્ર ગતિ છે. નાથ ! મારી શી ગતિ થશે? મારો ત્યાગ કરશો તો હું આ જીવન ટકાવી શકીશ નહિ.”
શ્રીગૌરાંગે ઉત્તર આપ્યો “પ્રિયતમા વિષ્ણુપ્રિયા ! હું તારોજ છું. આ જગતમાં જે વિષ્ણુને પ્રિય છે તેજ મને પણ પ્રિય છે. તું તો સાક્ષાત્ વિષ્ણુપ્રિયા છે. તું ખાતરી રાખજે કે તારામાં અને મારામાં જરાયે ભેદ નથી. આગ અને અંગારો જેમ એકજ છે, તેમ તારામાં અને મારામાં પણ અભેદભાવ છે. કેવળ લોકશિક્ષાની ખાતરજ મેં સંન્યાસ લીધો છે, એ વાત ખરી સમજજે. તું નિશ્ચય જાણજે કે નવદ્વીપનો ત્યાગ કરીને હું ક્યાંય જનાર નથી, સર્વદા તારી પાસે જ રહીશ. જેવી રીતે વૃંદાવન ધામનો પરિત્યાગ કરીને શ્રીકૃષ્ણ ક્યાંય પણ જતા નથી, તેવી જ રીતે હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે નવદ્વીપ છોડીને હું ક્યાંય જઈશ નહિ; પ્રેમપૂર્વક જે સમયે તું મને બોલાવીશ, તેજ સમયે હું તને દેખાવ દઈશ. વિષ્ણુપ્રિયા ! તારી પતિભક્તિથી પ્રસન્ન થઈ હું તને મારી પાવડીઓ પ્રેમપૂર્વક ભેટ આપું છું. તું એના વડે મારા વિરહનું દુઃખ ભૂલી જજે. તું મારી મૂર્તિ બનાવીને નવદ્વીપમાં સ્થાપીને એની પૂજા તેમજ સેવા કરજે, એથી તને આનંદ થશે.”
શ્રીમતી વિષ્ણુપ્રિયાએ પતિએ આપેલી પાદુકાઓને ઘણા આદર સહિત ભક્તિપૂર્વક પ્રથમ પોતાના મસ્તક ઉપર ધારણ કરી. પછી મસ્તક ઉપરથી ઉતારી છાતીસરસી ચાંપી અને છેવટે એને સેંકડો ચુંબન કરીને કૃતાર્થતા અનુભવી.
પુણ્યાત્મા દંપતીનો આ છેલ્લો મેળાપ હતો. નિમાઈ ગૌરાંગ વિદાય થયા. દેવી વિષ્ણુપ્રિયા પતિની પાદુકાથી પ્રસન્ન થઈ એનીજ પૂજામાં નિમગ્ન થયાં.
પતિના વિદાય થયા પછી વિષ્ણુપ્રિયા દેવીએ જે તપસ્યા આરંભી તે ખરેખર આપણા હૃદયમાં તેમને માટે ભક્તિ ઉત્પન્ન કરે એવી છે. એમનો આહાર નામમાત્રનો થઈ ગયો હતો. એ સવારના પહોરમાં થોડાક ચોખાની ઢગલી કરી રાખતાં અને પછી નાહીધોઈને માળા લઈને ભજન કરવા બેસતાં. બત્રીસ અક્ષરનો ભગવાનના નામનો જપ સોળ વાર જપીને ચોખાનો એક દાણો ઢગલીમાંથી આઘો મૂકતાં. એ પ્રમાણે સાંજ સુધી જપ કરતાં, જેટલા ચોખા એકઠા થાય તેને રાંધીને શાલીગ્રામને નૈવેદ્ય ધરાવીને આસપાસના ગરીબોને એમાંથી જમાડીને પછી જે બચતું તે પોતે ખાતાં. મૂળ તો ચોખા ઘણાં થોડા એકઠા થતા, તેમાંથી પ્રસાદ લેવાને ઘણા ભક્તો આતુર રહેતા; એમને વહેંચતાં બચેલા નામમાત્રના આહારથીજ એમના ક્ષીણ દેહનું પોષણ થતું હતું. તેમની આ કઠો૨ તપસ્યા જોઈને ભક્તોને ઘણું લાગી આવતું અને ભક્તજનોની પત્નીઓ એમની પાસે આવીને એમની તીવ્ર તપસ્યા જોઈ દયા આણતી; પણ દેવીને તો પતિના નામની આરાધના કરીને સાદું જીવન ગાળવામાંજ આનંદ આવતો હતો. રાતદિવસ એમને પતિના વૈરાગ્યની અને અરણ્યવાસમાં એમને વેઠવાં પડતાં દુઃખની કલ્પના આવતી. અબળા હોવાથી પોતે ઘરબાર છોડીને વનમાં વસી શકે એમ ન હતું; એટલે પતિના દુઃખનું સ્મરણ
કરી ઘરમાંજ પોતે અરણ્યવાસીઓ જેવું કઠોર જીવન ગાળતાં અને ભજન કરતાં. એમના ભજનમંદિરમાં જવાનો કાઈને અધિકાર નહોતો. પતિની કીર્તિની એ સદા ખબર રાખતાં અને સખીઓને મુખેથી તેનું શ્રવણ કરવામાં એમને વિશેષ આનંદ આવતો. દેવી હવે ખરેખરાં સંન્યાસિની–પૂર્ણ યોગિની બન્યાં હતાં. પ્રેમભક્તિને માટે એ આદર્શરૂપ બન્યાં હતાં. અનેક ભક્તો તેમનાં પ્રતિદિન દર્શન કરીને કૃતાર્થ થતા.
એક દિવસ વિષ્ણુપ્રિયા દેવી અત્યંત વિરહાતુર થઈને પતિની મૂર્તિની પાસે બેસીને રડતાં હતાં અને પ્રાર્થના કરતાં હતાં કે, “પ્રભુના ચરણમાં મને શરણ મળજો.” એ રાત્રે સ્વપ્નમાં એમને શ્રીગૌરાંગ પ્રભુનાં દર્શન થયાં અને એમણે કહ્યું કે, “એક બ્રાહ્મણકુમાર તમારાં દર્શન કરવા નદિયા આવી રહ્યો છે, તેના પર કૃપા દર્શાવજો. એ તમારૂં આ સંસારમાં છેલ્લું કાર્ય છે.” ત્યાર પછી થોડે દિવસે શ્રીનિવાસ આચાર્ય નવદ્વીપમાં જઈ પહોંચ્યા. દેવીએ તેમની સાથે કૃપાપૂર્વક ધર્મનો વાર્તાલાપ કર્યો. ત્યાર પછી તેમની તબિયત બગડી, ભૂખતૃષાથી પીડિત એમનું ક્ષીણ તપસ્યામય શરીર વધારે ક્ષીણ બની ગયું અને એ પુણ્યાત્માના નિવાસને માટે અશક્ત બન્યું; એમનો પ્રાણ એ પવિત્ર દેહ ત્યાગ કરીને ચાલ્યો ગયો. આખું નવદ્વીપ નગર એ દિવસે શોકસાગરમાં નિમગ્ન થઈ ગયું.*[૧]
- ↑ * શ્રી. હરિદાસ સ્વામી રચિત “શ્રીવિષ્ણુપ્રિયા” ચરિત્રગ્રંથ ઉપરથી સારરૂપે આ ચરિત્ર લખવામાં આવ્યું છે. -પ્રયોજક