રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/શ્રીમતી (આર્દ્રકુમારની પત્ની)
← સુલસા | રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો શ્રીમતી (આર્દ્રકુમારની પત્ની) શિવપ્રસાદ દલપતરામ પંડિત |
રાજમાતા જીજાબાઈ → |
३५–श्रीमती (आद्रकुमारनी पत्नी)
આ સન્નારી વસંતપુર નગર નિવાસી ધનદત્ત શ્રેષ્ઠીની પુત્રી હતી. ઉcચ શિક્ષણ અને દેખરેખના પ્રભાવે એ સર્વ વિદ્યામાં કુશળ નીવડી હતી. એક દિવસ તે પોતાની સાહેલીઓ સહિત દેવમંદિરમાં રમવાને ગઈ. ત્યાં આગળ આદ્રકુમાર નામનો યુવાન યતિ ધ્યાન ધરી રહ્યો હતો. એનું સૌંદર્ય જોઈને બાલિકા શ્રીમતી મુગ્ધ થઈ ગઈ.
રમતાં રમતાં એક કન્યા કહેવા લાગી: “આ મંદિરમાં જેટલા થાંભલા છે તેમાંથી એક એકને આપણે પસંદ કરીને વર બનાવીએ.” તે ઉપરથી બધી કન્યાઓએ એક એક થાંભલાને વર ગણીને પકડી લીધો. શ્રીમતીને માટે એકે સ્તંભ રહ્યો નહિ, એટલે એ આદ્રકુમાર યતિને વળગી પડી અને બોલી: “મારો વર આ ભટ્ટારક ?” એ વચન નીકળતાંની સાથે આકાશવાણી થઈ કે, “સારું થયું !”
શ્રીમતી યતિને પગે પડીને કહેવા લાગી: “આ ભવમાં તમે જ મારા પતિ થજો.” યતિ સમજી ગયો કે આજ જે બનાવ બન્યો છે તેને લીધે મારા યતિપણામાં અવશ્ય ભંગ પડવાનો પ્રસંગ આવશે, માટે અહીંયાં વધારે રહેવું સારૂં નથી. એમ વિચારી એ બીજે સ્થળે વિહાર કરી ગયા.
શ્રીમતી મોટી થઈ. એના રૂપ ગુણ, તથા એના પિતાના વૈભવથી આકર્ષાઈ અનેક કુળવાન યુવકોએ તેને સારૂ માગાં મોકલ્યાં; પણ શ્રીમતી તો આદ્રકુમારને પોતાનું હૃદય અર્પણ કરી ચૂકી હતી. એણે તો બધાનાં માગાં પાછાં ઠેલ્યાં અને જણાવ્યું કે, “મેં તો એ દેવમંદિરમાં જે યુવકને સ્વામી તરીકે સ્વીકાર્યો છે તેજ મારો પતિ થશે.”
તેના પિતાએ કહ્યું: “અજાણ્યા યતિ ઉપર તું મોહી પડી છે. એનું ઠામઠેકાણું તને ખબર નથી, એ ક્યાં છે, કેવો છે, કેવા કુળનો છે તેની આપણને લેશમાત્ર ખબર નથી, તો પછી એવા અજાણ્યા પુરુષ સાથે લગ્ન કરવાની હઠ લેવી, એ તારા જેવી શાણી છોકરીને ન શોભે. તું તારો દુરાગ્રહ છોડીને, મનપસંદ બીજા કોઈ વરને વર.”
શ્રીમતી એકની બે ન થઈ. એ પોતાના નિશ્ચયમાં દૃઢ રહી અને કહ્યું: “હું જ્યારે એમને પગે લાગી, ત્યારે મેં એમના પગ ઉપર વીજળીના સરખા ચળકાટવાળી ગજરેખા જોઈ હતી. એવું ચિહ્ન બીજા કોઈ યતિને નહિ હોય. એની નિશાની ઉપરથી તમે એને ઓળખી શકશો.” પિતાને હવે પુત્રીની ઇચ્છાને આધીન થવું પડ્યું. શ્રીમતીએ હવે સાધુઓને જમાડ્યા વગર કદી પણ ન જમવાનો નિયમ લીધો. એ દિવસથી દરરોજ અનેક સાધુ એને ઘેર ભિક્ષા અર્થે આવતા. શ્રીમતી એમના ચરણને વંદના કરી શુદ્ધ ભોજન જમાડતી.
બાર વર્ષ વીતી ગયાં. એક દિવસ આદ્રકુમાર મુનિ ભ્રમણ કરતા ત્યાંજ આવી ચઢ્યા. તેનું પૂજન કરતાં શ્રીમતીએ તેને ઓળખી કાઢ્યા અને એકદમ બોલી ઊઠી: “હું પેલા મંદિરમાં આપને વરી ચૂકી છું. તમે તો મારા સ્વામી છો. મને છેતરીને આટલા દિવસ ક્યાં ચાલ્યા ગયા હતા ? હવે તમે ચાલ્યા જશો, તો હું આમહત્યા કરીશ. તમને સ્ત્રીહત્યાનું પાપ લાગશે અને નરકગામી થશો.” રાજાને કાને પણ એ વાત ગઈ અને તેણે પણ આદ્રકુમારને શ્રીમતીનું પાણિગ્રહણ કરવાનીજ સલાહ આપી. આદ્રકુમાર સમજ્યો કે, “આ તો ઘણી વિષમ અવસ્થા છે. દેવતાઓનું વચન ખરૂં પડ્યું છે. કર્મના ફળ ભોગવ્યેજ છૂટકો છે. મોક્ષને આપનારો સંન્યસ્તાશ્રમ છોડીને ગૃહસ્થાશ્રમની જંજાળમાં ફસાવાનુંજ મારા કર્મમાં નિર્માણ થયું હોય એમ લાગે છે. ખેર ! વિધાતાની ઈચ્છા જ પૂર્ણ થાઓ.”
એણે શ્રીમતીની સાથે લગ્ન કરવાનું સ્વીકાર્યું. શ્રીમતીની અભિલાષા આજે પૂર્ણ થઈ. શુભ મુહૂર્તે બન્નેનો પાણિગ્રહણસંસ્કાર થયો. એ નગરના રાજાએ તથા બીજા પ્રતિષ્ઠિત પુરુષોએ આ યોગ્ય દંપતીને આશીર્વાદ આપ્યા.
શ્રીમતી અને આદ્રકુમાર સુખ અને વિલાસમાં જીવન ગાળવા લાગ્યાં. યથાસમયે શ્રીમતીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. એ પુત્રે સ્તનપાન છોડ્યું અને જરાક મોટો થયો, એટલે આદ્રકુમારનું ચિત્ત સંસારથી વિરક્ત થઈને પાછું સંન્યાસ તરફ વળ્યું. એણે પત્નીની રજા લઈને ફરીથી દીક્ષા લેવાની ઈચ્છા કરી. શ્રીમતી કાંઈ ન બોલતાં રૂની પૂણીઓ લઈને રેંટિયો ચલાવવા બેઠી, એટલામાં એનો પુત્ર નિશાળેથી આવ્યો અને કોઈ દિવસ નહિ કરેલું એવું કામ કરતાં માતાને જોઈ આશ્ચર્યપૂર્વક તેનું કારણ પૂછવા લાગ્યો. શ્રીમતીએ જણાવ્યું: “તારા પિતાજી મને છોડીને દીક્ષા લેવા ધારે છે, એટલે ચિત્તને કાર્યમાં પરોવવા સારૂ મેં આ કામ આદર્યું છે.” નિર્દોષ બાળક બોલ્યો: “મા, તું દિલગીર ન થા. હું એવું કરીશ કે પિતાજી દીક્ષા લઈજ નહિ શકે.” એમ કહીને એણે રેંટિયા ઉપરથી સૂતરના તાંતણો લઈને સૂતેલા પિતાને બાંધી દીધા અને પછી મલકાતો મલકાતો કહેવા લાગ્યો: “હવે ક્યાં જનાર છે ?” આદ્રકુમાર સૂતા સૂતા આ બધું સાંભળી રહ્યા હતા. એમને ખાતરી થઈ કે પોતે દીક્ષા લેશે તો પુત્ર અને પત્નીના જીવ દુઃખાશે. એ ઉપરથી એણે શ્રીમતીને જણાવ્યું: “પ્રિયે ! મેં દીક્ષા લેવાનો નિશ્ચય કર્યો હતો, પણ આ બાળકે મારે પગે સૂતરના બાર તાંતણા વીંટ્યા છે, માટે હું બાર વર્ષ લગી ગૃહસ્થાશ્રમમાં રહીશ અને ત્યાર પછી દીક્ષા લઈશ.”
બાર વર્ષને પણ વીતી જતાં વાર લાગી નહિ. કુટુંબમાં સુખ, શાંતિ અને પ્રેમ વસી રહ્યાં હોય તો સમય પાણીના પ્રવાહ પેઠે ચાલ્યો જાય છે. વર્ષો મહિના સમાન લાગે છે. એ સમય પૂરા થતાં આદ્રકુમારને પાછું આત્મચિંત્વન થવા લાગ્યું; સંસારના ક્ષણભંગુર મોહને છોડી, દીક્ષા લઈ શાશ્વત સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રબળ થઈ. પત્નીને તેમણે પોતાનો વિચાર જણાવ્યો અને સંસારનાં બંધનો કેવા દુઃખદાયી છે તે સમજાવી, હૃદયના પ્રેમને વિવેકથી શમાવી પોતાને રજા આપવાને કહ્યું.
શ્રીમતીને પતિથી વિખૂટાં પડતાં સ્વાભાવિક રીતે જ લાગી આવ્યું, છતાં શ્રેય અને પ્રેયનો ભેદ સારી રીતે સમજતી હોવાથી, એણે હૃદય કઠણ કરીને સ્વામીને ગૃહત્યાગ કરવાની રજા આપી. આદ્રકુમારે ધર્મસાધના તથા તપશ્ચર્યા વડે એ સમયમાં જૈનસાધુઓમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું.
શ્રીમતી પોતાના પુત્રની સાથે કેટલોક સમય રહી અને પછી સાધ્વીવ્રત સ્વીકારી મોક્ષની અધિકારી બની.