રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/સરયૂબાળા
← જમાલ ખાતૂન | રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો સરયૂબાળા શિવપ્રસાદ દલપતરામ પંડિત |
દાઉદખાંની પત્ની → |
४०–सरयूबाळा
શિવાજી મહારાજે જ્યારે તોરણાનો કિલ્લો સર કર્યો, ત્યારે ત્યાં એમણે દુર્ગાદેવીનું એક મંદિર બંધાવ્યું અને જનાર્દન દેવ નામના એક બ્રાહ્મણને એ મંદિરનો પૂજારી બનાવ્યો. કેટલાક લેખકોના કહેવા પ્રમાણે સરયૂબાળાની જન્મભૂમિ રજપૂતાનામાં હતી; પરંતુ બાલ્યાવસ્થામાં જ તેનાં માતપિતા ગુજરી જવાથી જનાર્દન દેવે પોતાનીજ કન્યા પેઠે તેનું પાલનપોષણ કર્યું હતું. જનાર્દનને કાંઈ સંતાન નહોતું, એટલે એનો તથા એની સ્ત્રીનો સઘળો પ્રેમ એ બાલિકા ઉપર હતો. થોડા વખત પછી જનાર્દન દેવની પત્ની પણ મરી ગઈ અને સરયૂ એ વૃદ્ધ બ્રાહ્મણના એકમાત્ર આધારરૂપ બની. સરયૂ પણ પોતાના પાલક પિતાની સેવાચાકરી કરવામાં કાંઈ મણા રાખતી નહિ. દુર્ગાદેવીના મંદિરની આસપાસ એક નાનો સરખો સુંદર બગીચો હતો. સરયૂ એ બગીચામાં રમતી અને પિતાજી માટે પુષ્પ વીણી લાવતી.
સરયૂ ઘણી સુંદર હતી. કહે છે કે એ સમયમાં આખા રાજસ્થાનમાં એના જેવી સુંદર કન્યા કોઈ નહોતી. એનો ચહેરો સદા પ્રસન્ન રહેતો હતો. એ ઘણી સમજુ, જ્ઞાની, વી૨ અને ચતુર હતી. એને જોનારાઓ બધા એના સૌંદર્યથી આશ્ચર્ય પામી જતા.
સરયૂની ઉંમર દશબાર વર્ષની થઈ. ઉંમરની સાથે તેનું સૌંદર્ય પણ વધતું ગયું.
એક દિવસ સરયૂ મંદિરના બગીચામાંથી ફૂલ વીણતી હતી, એટલામાં એ બગીચામાં એક પથ્થર ઉપર સુંદર લશ્કરી પોશાકમાં સજ્જ થઈને બેઠેલા એક સુંદર યુવક તરફ તેની દૃષ્ટિ ગઈ. એ યુવક શિવાજીની સેનાનો રજપૂત હવાલદાર રઘુનાથ હતો. શિવાજી મહારાજ મુસલમાનો સાથે યુદ્ધમાં ઊતરવા માગતા હતા; એ યુદ્ધ કરવાની દેવીની ઈચ્છા છે કે નહિ, તે જાણવા સારુ તેમણે રધુનાથ હવાલદારને જનાર્દન દેવ પાસે મોકલ્યો હતો. રઘુનાથનો લશ્કરી પોશાક, એનું સૌંદર્ય, એના ચહેરા ઉપર જણાઈ આવતી બહાદુરી, એ બધા ગુણો સરયૂની આંખમાં ખૂપી ગયા. તેના હૃદયમાં રઘુનાથ માટે પ્રેમ ઉત્પન્ન થયો. વીર અને સાહસિક યોદ્ધા તરફ રજપૂત કન્યાને પ્રેમ થવો સ્વાભાવિક છે.
રઘુનાથ મંદિરમાં જઈને જનાર્દન પંડિતને મળ્યો. તેને શિવાજી મહારાજનો સંદેશો કહ્યો. રાત ઘણી વીતી ગઈ હતી, એટલે લાચારીએ રઘુનાથ જનાર્દન પંડિતને ઘેરજ રહી ગયો. જનાર્દનની આજ્ઞાથી સરયૂએ રસોઈ કરી અને રઘુનાથને ઘણાજ સત્કારપૂર્વક ભોજન કરાવ્યું. ભોજન સમયે સરયૂબાળાના અલૌકિક સૌંદર્યથી રધુનાથ મુગ્ધ થઈ ગયો.
ભોજન કરીને રઘુનાથ સૂઈ ગયો, પણ તેને નિદ્રા આવી નહિ. ચિત્તની વ્યગ્રતા દૂર કરવા સારૂ એ બગીચામાં જઈ ફરવા લાગ્યો. સંયોગવશાત્ ત્યાં એક મોતીની માળા ઉપર તેની દૃષ્ટિ પડી. રઘુનાથે એ માળા ઉપાડી લીધી અને બીજે દિવસે રૂબરૂ મળીને એ માળા સરયૂને હાથો હાથ આપવાનો તેણે વિચાર કર્યો. બીજે દિવસે સરયૂ બગીચામાં પુષ્પ વીણવા ગઈ, તે સમયે રઘુનાથ પણ ત્યાં ગયો અને વિવેકપુર:સર મોતીની માળા સરયૂના હાથમાં આપી. સરયૂ શરમાઈ ગઈ. તેના મોં ઉપ૨ પરસેવો છૂટ્યો. નીચી નજરે તેણે મધુર સ્વરે રઘુનાથને કહ્યું: “આપે મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે. આપ પાછા આ કિલ્લામાં ક્યારે પધારશો ? તમે આ કિલ્લામાં પધારો ત્યારે મંદિરમાં આવવાનું ભૂલશો નહિ.”
રધુનાથે જવાબ દીધો: “પારકો નોકર છું. હું મારૂં માથું હથેળીમાં લઈને ફરું છું. લડાઈ એ મારો ધંધો છે. જ્યાં શિવાજી મહારાજની આજ્ઞા થાય છે, ત્યાં હું જાઉં છું; એટલા માટે તારું દર્શન કરવાને હું ફરીથી ક્યારે ભાગ્યશાળી થઇશ તે મારાથી કહી શકાતું નથી; પણ એ તો નક્કી સમજજે કે તારા અતિથિ સત્કારનું સ્મરણ મને હમેશાં થયા કરશે અને હું તને કોઈ દિવસ નહિ વીસરી જાઉં. તું પણ મારા ઉપર કૃપા રાખજે.”
સરયૂ પ્રત્યુત્તર વાળી શકી નહિ. એના નેત્રમાંથી મોતી જેવાં બે અશ્રુબિંદુ ટપક્યાં. રઘુનાથ વિદાય માગીને ચાલ્યો ગયો. જ્યાં સુધી તેનો ઘોડો દેખાતો રહ્યો, ત્યાંસુધી સરયૂ આતુર નયનોથી તેના તરફ જોતી રહી. મનમાં ને મનમાં એ એનાં ઘણાંએ વખાણ કરવા લાગીઃ “અહા ! કેવો સુંદર યુવાન છે! એના પ્રત્યેક અંગમાં વીરતા ઝળકી રહી છે. એની વાત કેવી મીઠી લાગે છે ! કોણ જાણે ક્યારે પાછો એનો મેળાપ થશે?” આવા વિચારોના તરંગથી એનું હૈયું ભરાઈ આવ્યું. ઉદાસ ચિત્તે એ મંદિરમાં ગઈ અને ત્યાં દેવી આગળ પોતાનું હૈયું ખાલી કર્યા પછી સ્વસ્થ થઈને ઘેર ગઈ.
સરયૂ ઘણી જ ગંભીર સ્વભાવની કન્યા હતી. જો કે એ શોક અને ચિંતામાં વ્યસ્ત હતી, તો પણ એણે પોતાના મનની વેદના કોઈને જણાવા દીધી નહિ. વિરહ અને પ્રેમની આગ અંદ૨ ને અંદરજ સળગે છે. એ આગને ધુમાડોયે નથી હોતો, તેમજ એને ઝાળ પણ નથી હોતી; છતાં પણ એ શરીરના લોહી અને પાંસળાં બધાંને બાળીને ભસ્મ કરી નાખે છે.
ઘણા દિવસો સુધી પુત્રીની શોકમગ્ન અવસ્થા જોઈને જનાર્દનને પણ સંદેહ થયો. તેણે કહ્યું: "સરયૂ ! તારી આ દશા જોઈને મારી છાતી ફાટી જાય છે.” સરયૂ બિચારી શો ઉત્તર આપે ? તેનાં નેત્રોમાં આંસુ ભરાઈ આવ્યાં. એક હિંદી કવિ વાજબી કહે છે કે —
"પ્રેમ છિપાયા ના છિપે, જા ઘટ પરગટ હોય;
જો પૈ સુખ બોલે નહિ, નયન દેત હે રોય.”
બન્ને જણાં રોવા લાગ્યાં. રોવાથી હૃદયનો ભા૨ કાંઈક હલકો થયો, એટલે સરયૂએ શિર નમાવીને લજ્જાપૂર્વક કહ્યું: “ હું ઈશ્વર પાસે પ્રાર્થના કર્યા કરું છું કે, એ રઘુનાથને આ યુદ્ધમાં ફત્તેહમંદ કરે. એ સિવાય મારી બીજી કોઈ ઈચ્છા નથી, ” આટલું કહીને સરયૂ પિતાની પાસેથી શરમાઈને ચાલી ગઈ.
જનાર્દનની પાસેથી વિદાય લઈને રઘુનાથ શિવાજી મહારાજની પાસે ગયો હતો. દિલ્હીના શહેનશાહે એ સમયે રાજા જયસિંહને શિવાજીની સાથે લડવા માટે મોકલ્યો હતો. પંડિત જનાર્દનને રાજા શિવાજીએ મળવા બોલાવ્યો હતો. સરયૂ પણ સાથે હતી. આ યાત્રાથી સરયૂને ઘણો લાભ થયો, કારણકે આ પ્રસંગે રધુનાથને મળવાનો તેને લાગ મળ્યો હતો. સરયૂને પ્રસન્ન જોઈને જનાર્દન પણ પ્રસન્ન થયો. એ સમજ્યો કે, હવાની ફેરબદલી થવાથી સરયૂની તબિયત સુધરી ગઈ છે.
અહીંયાં અમે સરયૂનો વૃત્તાંત થોડી વાર સુધી પડતો મૂકીને, રધુનાથનો થોડોઘણો પરિચય વાચકોને કરાવીશું.
મારવાડના પ્રસિદ્ધ રાજા જસવંતસિંહનો સેનાપતિ ગજપતસિંહ એક ખરો રજપૂત હતો. એ ગજપતસિંહે ચંદ્રરાવ નામના એક અનાથ રજપૂતને પાળી પોષીને મોટો કર્યો હતો. જ્યારે એ છોકરો મોટો થયો, ત્યારે ગજપતસિંહે એને સેનામાં દાખલ કરાવી દીધો. એણે ઘણી વાર પોતાનું પરાક્રમ બતાવ્યું. ગજપતસિંહ એક દિવસ એની વીરતાથી એટલો બધો પ્રસન્ન થયો કે, એકદમ એમના મોંમાંથી નીકળી ગયું કે, “આજ તારે જે ઇનામ માગવું હોય તે માગ. આજ તું માગીશ તે હું આપીશ.” ગજપતસિંહના મનમાં એમજ હતું કે ધન, દોલત, અલંકાર કે જમીન માગશે; પણ ચંદ્રરાવનું ધ્યાન બીજી તરફ જ હતું. એણે ધાર્યું કે આવો લાગ ફરી ફરીને મળવાનો નથી, એટલે એણે વિનયપૂર્વક ગજપતસિંહને કહ્યું: “આપ ખરેખર મારા ઉપર પ્રસન્ન થઈને મને ઈનામ આપવા માગતા હો, તો કૃપા કરીને લક્ષ્મીબાઈ મને આપો.” લક્ષ્મીબાઈ ગજપતસિંહની રૂપવતી કન્યા હતી. ગજપતસિંહને આ વિનતિ ઘણી ગેરવાજબી લાગી, કારણ કે પોતાની લાડકવાઈ કન્યાને એક અનાથ સાથે પરણાવવાનું તેમને પસંદ નહોતું, છતાં પણ એ વખતે તો એ ખામોશ રહ્યો; પરંતુ એના મૌનસાધનથી ઊલટું ખરાબ પરિણામ આવ્યું. ચંદ્રરાવના મનમાં અનેક પ્રકારની ચિંતા ઉત્પન્ન થવા લાગી અને એ ગુપ્ત રીતે ગજપતસિંહને મારી નાખવાનો પ્રપંચ રચવા લાગ્યો. આ દુષ્ટ ઇરાદાથી ચંદ્રરાવ ઔરંગઝેબ સાથે મળી ગયો અને તેને ઉશ્કેરીને જસવંતસિંહના રાજ્ય ઉપર ચડાઈ કરાવી. આ લડાઈમાં ઔરંગઝેબનો વિજય થયો અને ચંદ્રરાવે લાગ જોઈને ગજપતસિંહને મારી નાખ્યો, પણ આ નીચ કામ એણે એવી ચાલાકી અને સફાઈથી કર્યું કે, એક બે માણસ સિવાય બીજા કોઈને એની ખબર પણ પડી નહિ.
જસવંતસિંહ લડાઈમાંથી હારીને પાછો આવ્યો, ત્યારે એની રાણીએ કિલ્લાના દરવાજા બંધ કરાવ્યા અને કહ્યું કે, “જસવંતસિહ ક્ષત્રિય ધર્મથી પતિત થયા છે. હવે એમણે મારી આગળ ન આવવું જોઇએ.” ઘાયલ રાજા ઘણા દિવસ સુધી ટાઢ, તડકો વેઠીને બહાર પડ્યો રહ્યો. આ અરસામાં ચંદ્રરાવ ગજપતસિંહના બાળકોનો વાલી નિમાયો. ગજપતસિંહને લક્ષ્મીબાઈ નામને એક પુત્રી હતી તથા રઘુનાથસિંહ નામનો એક પુત્ર હતો. રધુનાથની વય એ વખતે બાર વર્ષની હતી. લક્ષ્મી કેવળ નવ વર્ષની હતી. ત્યાર પછી થોડા સમયમાં પોતાના દેશમાં જવાને બહાને ચંદ્રરાવ એ બંને બાળકોને લઈને બહાર નીકળ્યો. થોડે દૂર જઈને એણે રઘુનાથના નોકરોને ઠાર કર્યા. રઘુનાથને એ ખબર નહોતી કે, પાપી ચંદ્રરાવ તેના પિતાનો ઘાતક છે; પરંતુ એ ચતુર હતો. ચંદ્રરાવની વ્યાકુળતા તથા રસ્તામાં પોતાના વિશ્વાસુ નોકરનો વધ જોઈને એ ચેતી ગયો કે, ચંદ્રરાવ તેનો શત્રુ છે. તેથી તે ત્યાંથી છાનેમાનો નાસી ગયો. લક્ષ્મી ચંદ્રરાવની સાથેજ રહી અને પાછળથી ચંદ્રરાવે તેની સાથે વિવાહ કરી લીધો. ચંદ્રરાવે થોડા સમયમાં શિવાજી મહારાજની સેનામાં દાખલ થઈને જમાદારની પદવી મેળવી.
એ વખતે શિવાજી મહારાજને પોતાનું સૈન્ય વધારવાની ઘણી ઈચ્છા હતી, તેથી એ ચાલાક અને બળવાન યુવકોને જલદી પોતાની નોકરીમાં રાખી લેતા. દેવસંજોગે રઘુનાથ પણ ફરતો ફરતો શિવાજીની પાસે આવ્યો અને સિપાઈ તરીકે નોકર થઈ ગયો. આ વખતે રઘુનાથની ઉંમર અઢાર વર્ષની હતી. અહીંયાં ચંદ્રરાવ અને રધુનાથને પાછા મળવાનો સંયોગ ઉત્પન્ન થયો. રઘુનાથના મનમાં કાંઈ ઈર્ષ્યા કે દ્વેષ નહતો, પણ પાપી ચંદ્રરાવના મનમાં હમેશાં બીક રહેતી હતી કે, રખે રઘુનાથને એના પિતાના વધની ખબર પડી જાય અને એ મારા ઉપર બદલો લે; એટલા માટે એ નરાધમ રઘુનાથનો પણ ઘાટ ઘડવાની તજવીજમાં રહેવા લાગ્યો. રઘુનાથસિંહમાં એના પિતાની વીરતાનો ગુણ પૂર્ણપણે આવ્યો હતો, એટલે એ લશ્કરમાં ઘણો પ્રિય થઈ પડ્યો, પૂનાના યુદ્ધમાં એણે શિવાજીનો પ્રાણ બચાવ્યો હતો, તેથી સૌ કોઇ એનું ઘણું માન રાખતા હતા. એક વાર એવો સંયોગ બન્યો કે, રુદ્રમંડળના કિલ્લામાં શિવાજી ઘેરાઈ ગયા હતા અને શત્રુઓ તેમને મારી નાખવાની યુક્તિ રચી રહ્યા હતા, એટલામાં રધુનાથને એ વાતની ખબર પડી, એટલે એણે પાછળથી હુમલો કરીને શત્રુઓને મારીને નસાડી મૂક્યા અને શિવાજી મહારાજનો જયજયકાર કર્યો.
આ વીરતાથી શિવાજી ઘણાજ પ્રસન્ન થયા અને તેનું ઘણું સન્માન કરવા લાગ્યા, પરંતુ એની પ્રતિષ્ઠા વધતી જોઈને ચંદ્રરાવ અદેખાઈથી બળવા લાગ્યો અને એને મારી નાખવાની ખટપટમાં રહેવા લાગ્યો. એક દિવસ રઘુનાથ સરયૂને મળવાની ઈચ્છાથી કિલ્લાની બહાર ગયો અને જ્યારે પાછો કિલ્લામાં જવા લાગ્યો, ત્યારે તેને રાજાની આજ્ઞાથી કેદ પકડવામાં આવ્યો. એણે ઘણુંએ કહ્યું કે, “હું નિર્દોષ છું.” પરંતુ તેના ઉપર કાંઈ પણ ધ્યાન આપવામાં ન આવ્યું. ચંદ્રરાવે કિલ્લેદારના કાન ભંભેરવા માંડ્યા અને રઘુનાથની વિરુદ્ધ ઘણી જૂઠી જૂઠી વાત કહી. નિર્દોષ રઘુનાથને શિવાજીની રૂબરૂ રજૂ કરવામાં આવ્યો. એ વખતે શિવાજીની આંખો અંગારા જેવી લાલચોળ હતી. એમણે રઘુનાથને જોતાંવારજ પ્રશ્ન કર્યોઃ “હે યુવાન ! તેં સૈનિકોના નિયમની વિરુદ્ધ આચરણ કેમ કર્યું ? તું ખરેખરૂં કારણ કહી દે. શું તું ખરેખર નિમકહરામ થઈ ગયો ?”
‘નિમકહરામ’ શબ્દ રઘુનાથના કાનમાં તોપના ગોળા પેઠે પેસી ગયો. તેણે માથું ઊંચું કરી કહ્યું: “હું નિમકહરામ નથી.”
શિવાજી:— તું નિમકહરામ નથી તેને શો પુરાવો ?
રઘુનાથ:— મારી પાછલી સેવા.
શિવાજીઃ— મનુષ્યની મતિ દરેક ક્ષણે બદલાયા કરે છે.
રઘુનાથ:— ખરૂં છે, પણ રજપૂત નિમકહરામ નથી હોતા.
શિવાજી:— ખરી વાત; પણ એનો નિશ્ચય કરવો, એ ઘણું અઘરૂં કામ છે.
રઘુનાથ:— હું સાચો રજપૂત છું.
શિવાજી:— એની ખાતરી શી?
રધુનાથ મૌન રહ્યો. સરયૂના પ્રેમને લીધે એ કિલ્લા બહા૨ ગયો હતો, એ વાત એનાથી કહેવાય એમ નહોતી. શરમાઈને એણે નીચે જોયું. શિવાજીએ ક્રોધાવેશમાં આવી જઈને કહ્યુંઃ “તેં એક વખત ઘણી સરસ સેવા બજાવી છે, એટલે તને દેહાંત દંડમાંથી માફી બક્ષું છું; પણ આજથી તું તારું કાળું મોં મને બતાવીશ નહિ. જે ક્ષત્રિયમાં સ્વામીભક્તિ નથી હોતી, તે દેશ અને જાતિનો રક્ષક બનવાને અયોગ્ય છે, એ મહાપાપી છે.” શિવાજીના હાથનો સંકેત થતાંવારજ પ્રણામ કરીને રઘુનાથ ત્યાંથી ચાલ્યો ગયો. લક્ષ્મીએ આ સમાચાર સાંભળ્યા. એને પણ ઘણો શોક થયો. પોતાનો ભાઈ અને બહાદુર ગજપતસિંહનો પુત્ર નિમકહરામ નીવડે, એ વાત એ કદાપિ માની શકી નહિ. એ મનમાં ને મનમાં ઘણી જ દુઃખી થઈ. ચંદ્રરાવ ઘણો પ્રસન્ન થયો, કારણ કે એની મનોવાંચ્છના પૂર્ણ થઈ હતી.
તોરણાના કિલ્લાની ચારે તરફ ગાઢું વન હતું. આવા અપમાન પછી સરયૂને મળવાનું રઘુનાથે વાજબી ધાર્યું નહિ. એ જંગલમાં પહાડ ઉપર એક દેવીના મંદિરમાં રહેવા લાગ્યો. અહીંયાં મનુષ્યની કે પશુઓની અવરજવર નહોતી. મંદિરની તળે એક પહાડી નદી જોરથી વહેતી હતી. રઘુનાથે ત્યાં આગળ એક કુટીર બંધાવી દીધી અને સરયૂને પ્રાપ્ત કરવાની આશા છોડી દઈને સાધુના વેશમાં ત્યાં રહેવા લાગ્યો. હવે એના માથાના કેશ વધી ગયા હતા. નખ પણ લાંબા થઈ ગયા હતા. આખા શરીરે ભસ્મ ચોળી હતી. હવે એણે પોતાનું નામ પણ બદલી સીતાપતિ રાખ્યું હતું. રાત દિવસ વેદમંત્ર ભણવામાં અને ઈશ્વરની ભક્તિ કરવામાં તેનો સમય વ્યતીત થતો હતો.
સરયૂને હમેશાં ૨ઘુનાથનું સ્મરણ થયા કરતું હતું. રઘુનાથને મળવાની ચિંતા એને સદા થયા કરતી હતી, એટલામાં કોઈએ આવીને ખબર આપી કે, “રઘુનાથ નિમકહરામ નીવડ્યો. એ શિવાજીના શત્રુઓ સાથે મળી ગયો હતો, એટલા માટે શિવાજીએ તેને પોતાના સૈન્યમાંથી કાઢી મૂક્યો.” આ સમાચાર સરયૂના જેવી અબળાને માટે વજ્રાઘાત સમાન હતા. એ ગાંડા જેવી થઈ ગઈ. પોતાનો હૃદયેશ્વર રઘુનાથ શત્રુઓની સાથે મળી જઈને સ્વામીનું અનિષ્ટ ઈચ્છે, એ વાત એને કદી સંભવિત લાગી નહિ. એને ખાતરી હતી કે, કહેનારાઓ જૂઠા છે. એ લોકોને રધુનાથની વીરતા અને ધર્મનિષ્ઠાની ખબર નથી. આ સમાચારથી જનાર્દન પંડિતની આંખોમાં પણ આંસુ ભરાઈ આવ્યાં. તેમણે સરયૂને કહ્યું: “બેટા ! તું હવે રઘુનાથનું નામ બિલકુલ ભૂલી જા. જાતિદ્રોહી પુરુષ કદી તારો પતિ થવાને યોગ્ય નથી. એ પોતાના હિંદુ ધર્મનો કાંઈ પણ વિચાર કર્યા વગર દુશ્મનો મળી ગયો છે.” સરયૂ મૌન અને ગંભીરતાપૂર્વક પિતાની આજ્ઞા સાંભળી રહી. દિનપ્રતિદિન એ વધારે દુઃખી અને ચિંતાતુર દેખાવા લાગી. એને તો ખાતરી હતી કે, રઘુનાથ નિર્દોષ છે; પણ બીજા બધાને એને માટે વહેમ હતો, એટલે એ ચુપચાપ બેસી રહી.
એક દિવસ ચિત્ત ઘણુંજ વ્યાકુળ થઈ આવ્યું, એટલે એ દેવીના મંદિરમાં જવા નીકળી. એને ખબર નહોતી કે, એજ મંદિરમાં રઘુનાથ છે. જ્યારે આ મંદિરની પાસે પહોંચી, ત્યારે એક કુટીરમાં તેણે એક સાધુને જોયો. સરયૂના હૃદયમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને એ સાધુની પાસે જઈને કહેવા લાગી. “મહારાજ ! હું દુર્બળ અને અનાથ બાલિકા છું. આપની મદદ માગવા આવી છું. આપ મને મારી મૂર્ખતા માટે ક્ષમા કરશો.”
સાધુએ ગંભીરતાપૂર્વક ઉત્તર આપ્યો “તું જે ઉદ્દેશથી અહીં આવી છું, તે હું જાણું છું. તું કોઈ નવયુવક યોદ્ધાની ખબર પૂછવા માગે છે ખરું ને?” આ ઉત્તરથી તો એ સાધુ ઉપર સરયૂને વિશ્વાસ બેસી ગયો. એના ચરણમાં માથું મૂકીને એ બોલી કે, “મહારાજ ! એના સંબંધમાં જે બધું કહેવાય છે એ વાત શું ખરી છે?”
સાધુએ કહ્યું: “દુનિયા એને નિમકહરામ કહે છે. ”
સરયૂએ પૂછ્યું: “આપ પણ એવું જ ધારો છો ?”
સાધુએ આડકતરાઈથી જવાબ આપ્યો: “શિવાજી મહારાજે એને નિમકહરામ ગણીને પોતાના લશ્કરમાંથી કાઢી મૂક્યો છે.”
આટલું સાંભળતાંજ સરયૂનું મુખ ક્રોધથી લાલચોળ થઈ ગયું. એણે નીચી નજરે કહ્યું: "મહારાજ ! કોઈ કહે કે સાધુ કપટી થાય છે, તો એ હું માની લઈશ; પરંતુ રઘુનાથસિંહ નિમકહરામ છે, એ હું કદી માનીશ નહિ, માફ કરજો હું જાઉં છું.”
સાધુની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. એને ખાતરી થઈ કે આખી દુનિયામાં કોઈ નહિ, તો પણ એક તો એવી વ્યક્તિ છે કે જે ખરા અંતઃકરણથી એને નિર્દોષ ગણે છે, એણે નમ્રતા અને પ્રીતિપૂર્વક કહ્યું: “તેં હજુ મારી વાત તો સાંભળી નથી.”
સરયૂએ કહ્યું: “ત્યારે એ પણ કહી દો.”
સાધુએ કહ્યું: “સંસાર કેવળ બહારની વાતોને જાણે છે. વીર અને સાહસિક પુરુષોના હૃદયમાં શું શું છે, તેની ખબર તો કેવળ પ્રેમીઓને જ પડી શકે છે. શાસ્ત્ર કહે છે કે પ્રેમ એક એવી અદૂભુત શક્તિ છે, કે જે બે હૃદયને પરસ્પર ખેંચીને એક બનાવી દે છે. એક હૃદયનું બીજા હૃદય ઉપર પ્રતિબિંબ પડે છે અને પછી એ એક થઈ જાય છે. રઘુનાથની ખરી ખબર જાણવી હાય, તો એવી વ્યક્તિ પાસે જા કે જેને એના ઉપર પૂરેપૂરો પ્રેમ હોય. એ તને એના હૃદયની ખરી વાત કહી દેશે. એ વ્યક્તિ રઘુનાથથી ગમે તેટલી દૂર હશે, તો પણ તેના હૃદયનું સૂત્ર રઘુનાથના હૃદયની સાથે મળેલું હશે અને એનું હૃદય કોઈ દિવસ લોકવાયકાના ખોટા ભ્રમમાં નહિ પડે. હે સુંદરિ! તું મારી વાતને મિથ્યા ન સમજીશ. હું ખરું કહું છું કે સાચી વાત પ્રેમીને જ જણાય છે. પ્રેમી પોતાના પ્રીતમનો સાક્ષાત્કાર કરી શકે છે. પ્રેમી પોતાનું સર્વસ્વ પ્રીતમ ઉપર ન્યોછાવર કરી શકે છે. લોકો એને ગાંડો, ધૂની વગેરે નામથી પોકારે છે, પરંતુ એ તો પોતાના પ્રીતમના હૃદયમાં સદા સુખેથી વાસ કરે છે. પ્રેમીના હૃદયમાં પવિત્રતા આવે છે, પ્રેમ એ સાચી કસોટી છે, પ્રેમની દૃષ્ટિ ગમે તેવા પડદાને ફાડી નાખીને યથાર્થતાનું દર્શન કરાવે છે.”
સરયૂને સાધુની વાતથી કાંઈક હિંમત આવી. એણે આકાશની તરફ માથું ઊંચું કરીને કહ્યું: “પ્રભુ ! તને ધન્ય છે ? હુ આ મંદિરમાં શાંતિ માટે આવી હતી અને તેં શાંતિ આપી. સંસાર કેવી મોટી ભૂલમાં ગોથાં ખાય છે. દુનિયા રઘુનાથને નિમકહરામી ગણે છે, પણ મારું હૃદય એને નિર્દોષ માને છે. આકાશ અને પાતાળ એક થઈ જાય, પણ મારા રધુનાથને હું કદી પાપી અને નિમકહરામી નહિ કહું. એના ઉપર આફત આવી છે, તેથીજ એ મને મળવા નથી આવ્યો, નહિ તો મળ્યા વગર કદી રહેજ નહિ. હું સદા એનાજ ગુણ ગાતી રહીશ.”
સરયૂનો પ્રેમ જોઈને સાધુ પોતાના હૃદયના વેગને રોકી શક્યો નહિ. એણે કહ્યું: “ સુંદરિ! તું એ રધુનાથની ખરી પ્રેમિકા હોય એમ જણાય છે. રઘુનાથને પણ તારા ઉપર પૂર્ણ પ્રેમ છે. હું હમેશાં ભ્રમણ કરતો રહું છું, અને મેં સાંભળ્યું છે કે, એ આ દશામાં પણ સદા તારું સ્મરણ કર્યા કરે છે. જેવી રીતે સાધુઓ પરમાત્માના ધ્યાનમાં મગ્ન રહે છે, તેવી રીતે રઘુનાથ તારા ધ્યાનમાં નિમગ્ન રહે છે. તમે બંને એક બીજાને મળશો એમાં જરા પણ સંદેહ નથી. તું સંતોષ રાખજે કે જરૂર એક દિવસ એવો આવશે કે જ્યારે એનું કલંક ધોવાઈ જશે અને જગત એને ખરો સ્વામીભક્ત ગણશે.”
સરયૂએ આશ્ચર્યદૃષ્ટિથી સાધુની તરફ જોયું. તેણે કહ્યું: “ભગવન્ ! મેં આપને કહીં જોયા હોય એમ લાગે છે.”
સાધુએ કહ્યું: “સંભવ છે. સાધુઓ હમેશાં ફરતા રહે છે. મેં રઘુનાથને પણ જોયો છે અને એની વાત પણ સાંભળી છે. એ તારા સિવાય બીજી કશી વાત કરતો નથી અને એણે પ્રતિજ્ઞા લીધી છે કે, ‘સરયૂ સિવાય હું બીજી કોઈ વસ્તુનું ધ્યાન નહિ ધરૂં.’ સરયૂ કદાચ તારૂં જ નામ હશે.”
સરયૂ વધારે આશ્ચર્ય પામી. તેણે કહ્યું: “હા, હુંજ અભાગણી સરયૂ છું, એ મળે તો એમને અવશ્ય કહેજો કે, તમારા વગર સરયૂ જળ વગરની માછલીની પેઠે તરફડે છે.”
સરયૂનો પ્રેમ જોઈ એ સાધુનું હૃદય પણ તરફડી ઊઠ્યું. એ ઘણી મુશ્કેલીથી હૃદયનો વેગ રોકીને કહેવા લાગ્યોઃ “હે સુંદરિ! સત્યનો સદા જય થાય છે. અસત્યનું રાજ્ય ઘણા દહાડા રહેતું નથી. રઘુનાથ રજપૂત છે, અસલી ૨જપૂત છે. એ નિમકહરામી નથી કરતો. આજકાલ એનો અવળો દહાડો છે અને શરમ અને શોકને લીધે એ સંતાઈ બેઠો છે.”
સરયૂએ પોતાની આંખોમાંનાં આંસુ લોહી નાખીને કહ્યું “મહારાજ ! આપ જ્યારે એમને પાછા મળો, ત્યારે કહેજો કે તમારી સરયૂએ સદેશો કહાવ્યો છે કે, આળસુ અને નિરાશ થઈને કદી બેસી ન રહેશો. દુનિયામાં કોઈ ને કોઈ પરાક્રમ કરી બતાવવા માટેજ ૨જપૂત જન્મ લે છે. આળસ છોડી દઈને કાંઈ પણ ઉપાય કરો અને લાગેલું ખોટું કલંક ધોઈ નાખી સૂર્યની પેઠે કીર્તિરશ્મિ ચારે તરફ ફેલાવો. સરયૂની તરફથી ખાતરી રાખજો કે એ મરતાં સુધી પણ આપને વીસરશે નહિ. મરતે મરતે પણ તેની જીભ ઉપર તમારું નામ રહેશે.”
સાધુએ પૂછ્યું: “ધન્ય છે અબળા ! જ્યાં આ પ્રેમ છે, ત્યાંજ જીવનની ખરી મજા છે; પણુ તું એક વાત કહે, તને પૂરી ખાતરી છે કે એ નિમકહરામ નથી ?”
સરયૂએ કહ્યું: “હું રજપૂતની છોકરી છું. રજપૂતાણીઓ અવિશ્વાસી નથી હોતી.”
સાધુએ કહ્યું: “બસ, હવે મારે વધારે પૂછવાની જરૂર નથી. હું આજે જ અહીંથી રઘુનાથની શોધમાં જાઉં છું. તેને હું તારો સંદેશ સંભળાવીશ.”
રઘુનાથ હવે શિવાજી પાસે જઈ પોતાના ઉપરનું કલંક દૂર કરાવવા માટે ત્યાંથી નીકળ્યો, પરંતુ ઘણા સમય સુધી એને શિવાજીને મળવાનો લાગ મળ્યો નહિ. થોડા સમય પછી તેના સાંભળવામાં આવ્યું કે, શિવાજી દિલ્હી ચાલ્યા ગયા છે. એ પણ લાંબી મજલ કાપીને ત્યાં જઈ પહોંચ્યો. ઔરંગઝેબે લાગે જોઈને, પ્રપંચથી શિવાજીને કેદ કરી લીધા હતા. રઘુનાથ આ સમાચાર સાંભળીને ઘણો દિલગીર થયો. કોઈ પણ પ્રકારે મહારાષ્ટ્રના એ સિંહને કેદખાનામાંથી છોડાવવાને માટે એ વેશ બદલીને મહેલની આસપાસ આંટા મારવા લાગ્યો. બીજા લોકોને મળીને એણે બધી બાતમી મેળવી લીધી. ઈશ્વરકૃપાએ શિવાજી મહારાજ પોતાની યુક્તિથી મીઠાઇના ટોપલામાં બેસીને બહાર નીકળી આવ્યા; પરંતુ ત્યાંથી નાસી જવા માટે કાંઇ વાહન એમની પાસે નહોતું. પગે ચાલીને જવાથી પાછા પકડાઈ જવાનો સંભવ હતો. એ વખતે રઘુનાથ એક કસેલા ઘોડા સાથે ત્યાં તૈયાર ઊભો હતો. એણે એ ઘોડો શિવાજી મહારાજને સોંપી દઈને કહ્યું: “મહારાજ! સવાર થઈ જાઓ.”
શિવાજીએ જ્યારે રઘુનાથને ઓળખ્યો ત્યારે એ આશ્ચયચકિત થઈ ગયા. એમણે કહ્યું: “રઘુનાથ ! તું અહી ક્યાંથી ?”
રઘુનાથે કહ્યું: “મહારાજ ! આ વાર્તાલાપ કરવાનો સમય નથી. આપ ઘોડા ઉપર બેસીને દિલ્હીમાંથી ચાલ્યા જાઓ.”
શિવાજી અને સંભાજી સાધુના વેશમાં મથુરા અને જગન્નાથ થઈને મહારાષ્ટ્રમાં પહોંચ્યા. ત્યાર પછી રઘુનાથે શિવાજીની સાથે રહીને બીજા કિલ્લાઓ જીતવામાં ઘણું પરાક્રમ બતાવ્યું. તેની સ્વામીભક્તિથી પ્રસન્ન થઈને શિવાજીએ તેને કિલ્લેદાર બનાવ્યો.
આ અરસામાં શિવાજીને ચંદ્રરાવનાં કુકૃત્યોની ખાતરી થઈ ગઈ હતી. તેમણે તેને ફાંસીની સજાનો હુકમ આપ્યો; પણ ઉદારચરિત રઘુનાથે શિવાજી મહારાજને પગે પડીને કહ્યું કે, “ગમે તેમ પણ એ મારો બનેવી છે. મારી બહેનના સૌભાગ્ય ખાતર એને આપ ક્ષમા કરો.” શિવાજીએ એ ઉપરથી ચંદ્રરાવને ક્ષમા આપીને પોતાના રાજ્યમાંથી કાઢી મૂક્યો.
હવે આટલા સમયમાં સરયૂની શી દશા થઈ હતી, તે આપણે જોઈએ. રઘુનાથ નિમકહરામ ઠરેલ હોવાથી સરયૂબાળાને બીજા કોઈ યુવક સાથે પરણાવવા જનાર્દન દેવે નિશ્ચય કર્યો, પરંતુ સરયૂએ સ્પષ્ટતાથી કહ્યું કે, “હું રઘુનાથસિંહ વગર બીજા કોઈને પરણવાની નથી.” પરંતુ જનાર્દનદેવે તેની વિનતિ ઉપર ધ્યાન ન આપ્યું અને પરાણે લગ્ન કરી દેવાનો નિશ્ચય કર્યો, ત્યારે સરયૂબાળાએ તેમના ઘરમાંથી નાસી જઈને, એક જમીનદારના ઘરમાં આશ્રય લીધો અને ત્યાં રહી રાતદિવસ રધુનાથનું ધ્યાન ધરવા લાગી. ત્યાર પછી થોડા સમયમાં રઘુનાથસિંહની નિર્દોષતા સિદ્ધ થઈ ગઈ. શિવાજીના રાજ્યમાં એને સારો હોદ્દો પણ મળ્યો, એ સમાચાર સાંભળતાંવારજ સરયૂના હર્ષનો પાર રહ્યો નહિ. જનાર્દનદેવે પણ પોતાની ભૂલ માટે પશ્ચાત્તાપ કર્યો અને પુત્રીને પાછી બોલાવીને ઘણા ઠાઠ સાથે રઘુનાથસિંહ સાથે તેનું લગ્ન કરાવી દીધું. રઘુનાથસિંહ અને સરયૂબાળા ઘણાં વર્ષો સુધી પરમ સુખમાં રહ્યા.