રાવણ મંદોદરી સંવાદ
શામળ


રાવણ મંદોદરી સંવાદ.


દોહરો.

શ્રીસરસ્વતિ મતિ દેયણી, ઉત્પત ગત રતિ પત્ય; શ્રુતિ સ્મૃતિ અદ્ભુત ધૃતી, દે મા રુડી મત્ય. ૧

ચોખરો. માત માયા કરો બરદ બાંહે ધરો, સર્વ સંકટ હરો ઈશ આતા; ભોજ્ય ભાવે ભરો ખેલ રાખે ખરો, ઠેઠ ઠામેઠરો સુખસાતા; નેહ આણો નરો પલક નહિ તે પરો, એહ છે આશરો માન માતા; સાચ સામળ ભણે વેદ વાયક તણે, આપણે એક એ દેવી દાતા. ૨ પ્રેમથી પૂજીયે સ્નેહથી સૂઝિયે, જોરથી ઝુજીયે દેત દોટી; મેરથી માણિયે અંતરે આણિએ, જુગતથી જાણિયે ચિત્ત ચોટી; પ્રીત પરમાણિયે વિશ્વ વખાણિયે, આણિયે નહિ દલે ખાંત ખોટી; સામળ કહે સેવિયે દેવની દેવી એ, મો શીર ગાજતી માત મોટી. ૩ ધર્મ દૃઢ ધીર તું નિર્મળો નીર તું, જગતનું જોર તું સિદ્ધ સારી; વાણીમાં વેદ તું ભ્રાંત માં ભેદ તું, મૂળ માં મેદ તું વૃષ્ટિ વારી; કુટવાળ કાશી તણો ભાવે સામળ ભણ્યો, જે ભૈરવાનંદ આનંદકારી. ૪

છપ્પા.

શિવ સરીખો તાત, માત ઉમિયા છે જેની; લક્ષ લાભ શુભ સુત, રિદ્ધ સિદ્ધ તનયા તેની; ક્ષેમ કલ્યાણ જામાત્ર, પાત્ર અષ્ટ સિદ્ધિ દલ દાસી; ત્રિદશ આદે દેવ, શેવ નવ નિધ ઘરવાસી; પિતા પંચાનન પ્રભુ, ષડાનન વળી બંધવ ભણું; ગજાનન ગુણ આગળો, પ્રથમ ધ્યાન ધરું તે તણું; ૫ શ્રી ગુરુ વંદુ ચરણ, શરણ રહું શુભ રીતે;

બ્રહ્મા વિષ્ણુ ઇશ, દિગ પત્ય પૂજું પ્રીતે; <poem>

શ્રીપત્ય ગુરુપત્ય સત્ય, મત્યથી માન જ માગું; આદ્યશક્તિ ઉમયાય, પાપ લક્ષ્મિવર લાગું; કવિ કીધા લક્ષ કોટીધા, મયા કરો માગું મતી; સામળ કહે સિદ્ધ પામીએ, જો કરે કરુણા સરસ્વતી. ૬ ચોખરો. તીર સરયૂ તણાં નિર શોભે નિર્મળાં, દીવ્ય દીલિપ ગુણ ગાન ગાયો; રઘુરાજ મહારાજ અજરાજ અજિત એ, પ્રાક્રમી પુણ્ય પ્રતાપ પાયો; અજોધ્યાપતિ ભુપતિ દેવ એ દશરથી, કોટિધા કોટિ કલ્યાણ કહાયો; ત્રીલોક જન તારવા અધમ ઉદ્ધારવા, અનેતા ધન્ય જુગનાથ જાયો. ઇશનો ઇશ જગદીશ એ જગતનો, ભક્ત બ્રહ્મા સમા રંગ રાતા; કોટિ બ્રહ્માંડ મંડાણ સૃષ્ટિ તણો, વેદ વરણવિ ગુણ ગાન ગાતા; લાયક લઘુ લક્ષ્મણો સત્ય સુલક્ષણો, માન મહા મૂલ્ય કૌશલ્ય માતા; સ્વામિ સામળ તણો નામ મહિમા ઘણો, રામજી મુક્તિ પદ દિવ્ય દાતા. કોટિ કંદર્પ તો માન મૂકી રહ્યા, ઇશ ઉપર જાય વિશ્વ વારી; શેષ મહેશ કો લેશ લહે નહીં, વેદ ભેદે નહીં ભરમ ભારી; જનક ઘેર જાગમાં માગ મૂકાવિયો, પરણિયા નિર્મળાં સીત નારી; નવ ખંડના નરપતિ છેક જે છત્રપતિ, પત્ય મૂકી ગયા હોડ હારી.

દોહરો. આગના અપર માતકી, ગુણનિધ છોડ્યો ગામ; સંગ સીત લક્ષ્મણ લિયે, રણમાં નિકસો રામ. ૧૦

કવિત. શ્રી સાહેબ બડે સિંધુ, બોહો ગુણશે બંધું; અવની પત્ય ઈંદુ આપ, સતી સીત સંગકું; ધનુષબાણ પાણ લીયે, જટાજુટ મુગટ કિયે; દિવ્ય ભક્ત દાન દિયે, આભૂષણ અંગકું; જગ્તમેં લાયક જોટે, વજ્ર લંગોટ કછોટે; મોટે છોટે વીર દો, રાજસ ગુણ રંગકું; સામળ કહે સાહાક, લક્ષ્મણસેં લાયક;

નરપત્યસેં નાયક, આયે ગૌતમજી ગંગકું; ૧૧ <poem>

છપ્પો. કબહુક તીરથ નાય, કબહુક જાતર જોણે; કબહુક તપસુ રીઝ, બેજ બક્ષ પુન્ય કે બોણે; કબહુક મૃગ્યા દોરે, ઘેર આનંદે આવે; કબહુક વાદે વરત, અમૃતફળ બનમેં પાવે; અતિ અતિ આનંદ અહર્નિશા, સુખ સાગર શોભિત સહૂ; મહારાજ મૂળ એ મોક્ષકો, ઇસબિધ દિન બીત બહૂ, ૧૨

દોહરા. ખાંત બડીસેં ખેચરી, સુર્પનખા શુભ રૂપ; દેખી દીવ્ય દાતા બડે, ભાગ્ય નિધિસેં ભૂપ; ૧૩ આઈ રૂપ સબ ફેરકો, છલનકું રઘુરાજ; નાક કટાયો પ્રેમસુ, લછમન બીરકે હાથ. ૧૪

ચોખરો. રૂપ અનુપ સોહામણું નીરખીને, ભામણાં લેતી એ ભામિની ભેદી; સૂર્પ- વેદ મુજને વરો નાર નિશ્ચે કરો, તો ઠરો થામ આ સુખ દહાડી; રામ-રામ કહે રાંડ એ કામ મારું નહીં, લક્ષ્મણા સાથ વર વાદ વેદી; કવિ-કહે સ્ત્રી દેખતાં પ્રીછવ્યો પેખતાં, નાંખ્યા નાક ને કાન બે છેદી; ૧૫ ચિત્તમાં ચળચળી કાપતાં કળકળી, ગળગળી ગાત્રમાં ત્રાસ પેઠો; રીત્યની રંકમાં નાર નિઃશંકમાં, લાજતી લંકમાં દેતી દોટો; સૂર્પ-કામનિ તુજ કારાણે બળ કરી બારણે, લાવતાં એહ અધિપત્ય એઠો; તોલ તુજ શું રહ્યું નાક નિશ્ચે ગયું, રાવણો રાંડવો થઇને બેઠો. ૧૬

દોહરો. કવિ-દેખી દશાનન દુઃખી હુવો, કિયો આપસેં કોપ; રાવણ-કોણે કામ એસો કિયો, લાજ શરમકું લોપ. ૧૭

ચોખરો. સૂર્પ-કંદર્પ કોડામણા નંદ બે નાનડા, દેવ દશરથ તના પુત્ર પ્રૌઢા; ધનુર્ધર ધીરમાં વીર અધિ વીરમાં, રામ શ્રી લક્ષ્મણો જુગલ જોટા; સુંદરી સંગમાં રીઝતા રંગમાં, અંગે અતિ ઉજળા ઠાઠે થોથા;

નાર એ લિજિયે ભ્રાતને દિજીયે, તે થકી તેમણે ટેક તોડા. ૧૮ <poem>

દોહરા. મરદ મુછ હોય મુખ પરે, તો મરદામી માંણ; સીત સ્વરૂપ સોહામણી, માનિની મંદિર આણ. ૧૯ નારી જાણે નેહથી, આપઘાત કરું એન; જાણું મુજ જનુની જણ્યો, તું બંધવ હું બેન. ૨૦

ચોખરો. કવિ-છેકથી નાગ જેમ હોય છંછેડિયો, વાઘ વકારિયો ચિત્ત ચહાવું; હઠે જેમ હાથિયો સાંઢિયો સાથિયો, ભાથિયો ભીડિયો ધીર ધાવું; રીસ બોહો રાખતો ભૂંડું મુખ ભાખતો, તેહને તાકતો જોરે જાવું; પ્રતિજ્ઞા પાંકતો બલ ઘણું બાંકતો, નાર તે લંકમાં કાલ લાવું. ૨૧

છપ્પા. માવલો એક મરિચ, લક્ષથી સાથે લીધો; કૂડ કપટ ને કર્મ, કુરંગ કનકનો કીધો; મહિમા જો બે મૂખ, સુખ અતિ રૂપ અનેરે; ત્રણ ચરણ એક વદન, સદન એક સન્મુખ સારે; જ્યાં સીતા સારે પાસે રમે સારંગ, સમીપ આવી અડ્યો; મોહન રૂપ મકરંદ મૃગ, પ્રેમદાની દૃષ્ટે પડ્યો. ૨૨ સીતા-રહો રઢિયાળા રામ, કામ કહું તે કીજે; ધનુષ બાણ ગ્રહો પાણ, પ્રાણ કુરંગના લીજે; ત્વચા તણી તરબીબ, પાંગરણ પેરું પ્રીત્યે; કવિ-હઠ લઇ બેઠાં હોડ, કોડ રામાની રીત્યે; તવ રાજીવ લોચન રામજી, ક્રોડ વાર કહે કથી; રામ-કુરંગ કનકનો કામિની, બ્રહ્માએ સરજ્યો નથી. ૨૩

દોહરો. કવિ-રામા રોયણ રીશથી, નયણે ભરિયાં નીર; રામ હૃદે રીઝ્યા ઘણું, ધનુષ ચઢાવ્યું ધીર. ૨૪


છપ્પો. મારી આણું એ મૃગ, કામિનિ પર કરુણા કીધી;

સોંપ્યા લક્ષ્મણને સીત, આણ અવની પર દીધી; <poem>

ચાલ્યા ચતુરસુજાણ, બાણ સાંધી અતિ રીશે; મૃગે કર્યો પોકાર, ચિત્ત અતિ નાંખી ચીસે; મૃગ-ધાઓ ધાઓરે લક્ષ્મણા, નિકટ મોત આવી મળ્યું; કવિ-શૂળી સમું સંકટ થયું, જવ સ્વર સીતાએ સાંભળ્યું.

દોહરા. સીતા-દેવર ! દીનપણું કર્યું, સત્ત્વર શૂરા થાઓ; હૃદે નામ લઇ રામનું, વીરા વારે ધાઓ. લક્ષ્મણ-સીતા શે સમજો નહિ, એહ વાત નવ હોય; રંજાડે જે રામને, જુગમાં જન્મ્યો ન કોય. કવિ-સ્ત્રી બુદ્ધે સીતા થયાં, પરઠી પાપે પેર; સીતા-રામ રહે જો રણ વિષે, તો ઘરુણી રાખું ઘેર.


ચોખરો. બોલ વાગ્યા બહુ બાણ બિહામણા, દિલ થકી દુઃખ અતિ આણિ દાવો; ધનુષ ગ્રહી ધીર ધાયો ઘણું ધસમસ્યો, કામિની વાત થકી ક્રોધ કહાવ્યો; દુષ્ટ રાવણ નવ દિલ થકી રીજિયો, લાગ પામ્યો પોતે ફેર ફાવ્યો; કુડથી કાપડી વેષ વપુએ ધર્યો, માંગવા મધુગરી તરત આવ્યો. ૨૯

દોહરા. રાવણ-આપ હે ઇશ્વરી આ સમે, મધુગરી ભર ધર પ્રેમ; ભુખ્યો તરશ્યો વન ભમું, ઇશ્વરનો ધરું નેમ. ૩૦ સીતા-સતી કહે જતી સુણો, પતિએ પરઠી આણ; રતિ રતિ ચરણ ચલે નહિ, જોગી મનમાં જાણ. ૩૧

ચોખરો. કહે પછી કાપડી બુદ્ધ કરી બાપડી, પાવડી ઉપર પાગ મેલો; રા-ભુખ લાગી ઘણી આવિયો તમ ભણી, સીત સતિ શાણી તુજવાસ વેલો; કવિ-બાઇએ તોરણે આવવા કારણે, પારાણે પોષાવા પગ મેલ્યો; જોરથી ઝાલિયાં ખંધપર ઘાલિયાં, રોળિયાં રોષે ને રણે રેળ્યો. ૩૨

છપ્પો. સીતા-હાહાકાર કરી પડી, રે પાપી રે દુષ્ટ;

સતીપર કુદૃષ્ટિ કરી, ધિક્ ધિક્ તારી બુદ્ધ; <poem>

વંશ વિદારણ તું સમો, નથી જન્મ્યો અબુધ; જશે નિકંદન તાહરું, વાણી બોલ્યાં ગૂઢ; વલવલે વિનતા વંન, મનમાં દુઃખ ધરે છે; ચાલ્યો લેઇ પાપિષ્ઠ ત્યાં, કામ કુડું જ કરે છે. ૩૩ કવિ-પિશાચ સંચ પરપંચ, કરી પર નાર હરે છે; ખાંધે બેઠી બાળ, અતિ આક્રંદ કરે છે; રોતી સતી રહે નહીં, મંદ મતિએ હેતે હર્યા; વંક વાટ અંકે કરી, જઈ લંકમાંહે લાયક ધર્યા. ૩૪

કવિત-દોઢ. રાવણ- સીતાજી મયાણી, રામજીકી રાણી, અધિક જોર આણી; માનિની મંદોદરી માન, કામ જોર કીનો હે; જોરાવર જાણી, મહિપત્ય મેં માની, એસી દલ આની; પાની ગમાયો વાંકે, સુખ સબે લીનો હે; ઠાઠ એ ઠરાની, બાટ મેં બિરાની, ભાગ્યસેં ભરાની; સરાની સાતા સબ, ચિત્ત એહ ચિન્યો હે; ભગનીકું ભયાની, પેર મેં પહેંચાની, અંતરમેં આની; તાનહી મલાયો તહાં, ધાયો ધાયો દીનો હે. ૩૫

ચોખરો. મંદોદરી-પ્રેમદા પેખતા પરમ પામે ઘણો, ચેતના આણ રે ચિત્ત ચાડે; સીતા સાટે ઘણું સાલ તું લાવિયો, પરઠિયું પાપ તે જોર જાડે; ત્રિલોકપતિ નાથની સાથ શત્રુ થયો, કનકનો કોટ એ સત્ય પાડે; કહે છે મંદોદરી કંથ કૂડું કર્યું, માનિની મૂળ સમૂળ કાડે. ૩૬

દોહરા. રાવણ-પ્રેમદા તુજ બુધ પાનિયે, કર કર કામિની કામ; સત જોજન સાયર તરી, રેષ ન આવે રામ. ૩૭

કવિ-શોક તજાવા સીતનો, હરખ થવા મન હામ; મૂક્યાં આપ અશોકમાં, નિર્મળ જેનું નામ. ૩૮ કરૂપ ઘણું કલક્ષણી, બોહો બિહામણી બેલિ;

રાક્ષસિયો રંજાડવા, માનિની ચોકી મેલિ. ૩૯ <poem>

છપ્પો. કારમો જે કુરંગ, અલોપ થયો તે અંગે; શ્રીલક્ષ્મણ શ્રીરામ, સ્થાનક આવ્યા બે સંગે; કળકળતા દીઠા કાગ, બગ શોભ્યા શ્યામ સાને; દુઃખ દાવાદલ દેહ, રમા નવ દીઠી રાને; આકુળ વ્યાકુળ અતિ ઘણું, પગલાં જોતા પંથે પળ્યા; ચિત ચેતન ચંચળ થયું, ધરણીપત્ય ધરણી ઢળ્યા. ૪૦ દોહરો. ડગમગ કરતા ડગ ભરે, રામ લક્ષમણ ભડ વીર; વિલાપ કરંતા વલવલે, ધારણ ન રહે ધીર. ૪૧ ચોખરો. -જોગથી કહે જતી માનિયે મહિપતિ, માન મેલ્યે કયમ કામ થાશે; પાતળમાં પરવરું સ્વર્ગમાં સાંચરું, શોધશું સર્વ વિશ્વ વાસે; મુરજાદમાં માનવી દેવ ને દાનવી, ત્રિલોકમાં તસ્કરો સર્વ ત્રાસે; દુષ્ટ પાપિષ્ટને દંડ બોહો દેઈશું, નાર હરી કુણ નર સુખિ થાશે. ૪૨ છપ્પો. કવિ-ધારી દઢ મન ધીર, થીર બેએ પથ લીધો; ઋષિમુખ પર્વત તરત, સુગ્રીવ સહોદર કીધો; વાળિ હણ્યો તત્કાળ, નાર સોંપી નર નેટે; ચતુર નર ચાતુર માસ, ઠરી રહ્યા ત્યાં ઠેઠે; શોધ કરવા સીતાતણી, સુગ્રીવ સુભટ તે સજ થયો; હનુમંત આદિ નળ નીલને, કથન ક્રિયાએ કરિ રહ્યો. ૪૩ દોહરો. સુગ્રીવ-પંચાસ ક્રોડ પૃથ્વીતણી, ખોળો પૃથ્વી પીઠ; રવિ ઉગ્યો ઢાંક્યો ન રહે, દેવ આપણી એ દીઠ. ૪૪ ચોખરો કવિ-ઉત્તર દશા શત એક પ્રાક્રમી પરઠિયા, પશ્ચિમે પાંચ શત ભ્રાત ભાવા; દશ દશા દેશ વિદેશ બહુ વ્યાપરી, દક્ષણ દશાએ ઘણા દીધ દાવા; સૂઝતા બૂઝતા પૂછતા પરવરે, મંત્ર મુખ રામના કોડ કહાવ્યા;

કામ કરું હોડશું કઠીણ બહુ કોડશું, લંક બળવંત હનુમંત આવ્યા. ૪૫ <poem>

દોહરા. દેખ્યો ગઢ લંકાતણો, મેહેજુત ભયે બોહો મન; કીસ બિધ દેખે દેશકું, આય શકે નહીં અન્ય. ૪૬ ઓર અરુણ જ્યું ઉગિયો, પુંજ તેજ પ્રકાશ; કનક કોટ કો કારમો, ઊંચો અતિ આકાશ. ૪૭ કવિત. સુક્ષ્મ શરીર કિયો, રામ નામ હૃદે લિયો; બાંકો બલવંત બડો, ઝુકાય દિયો ઝોંકમેં; (દર) બાર દરીખાન ઘેરે, અદકી અટારી હેરે; ગોખ જોખ ફેરે ફેરે, લહ્યો સબ લોકમેં; પેર પેર પ્રિય પેખે, દીવ્ય રુપ નવ્ય દેખે; લહ્યો લંક વંક અંક, ઠીકે ઠેહુ થોકમેં; નીસ(બાસ)આસ છાંડ રહ્યો, કાયા માંહિ ક્રોધ ભયો; ચોહો પાસે દેખી અંતે, આયો હે અશોક મેં. ૪૮ છપ્પા. બેઠાં ત્યાં સીતા માત, કષ્ટ ઘણેથી કરણી; ટોળા વિછોહિ રણ માંહિ, દીસે જેમ એકિલી હરણી; વણ ઓપ્યું જેમ રત્ન, જત્ન ઝાઝામાં દીઠી; અતિ દુઃખ અર્ણવ માંહિ, અગન હોય જેમ અંગીઠી; વપૂ જોઈ તે વિસ્મે થયો, શકે હોય સીતા સતી; આલોચ કરતો તે સમે, પરઠ્યો હ્યાંં લંકા પતિ. ૪૯ સાઠ સહસ્ત્ર સંગીત, કરતી શ્યામા સંગે; ઉડે અબીલ ગુલાલ, રાચતો હૃદયા રંગે; તાતા થેઇ થેઇ તાન, ગાન ગુણ ભૂપત ભીનો; પડ્યો ધ્રાસકો સીત, ભીત ચિત્ત લાગ્યો ચીનો; પંચ ધનુષ પરો રહ્યો, કથન કૂડ કામિની કહ્યો; સિતા નામ શ્રવણે સુણી, લક્ષણ બજરંગે લહ્યો. ૫૦ કવિત-દોઢ્યું. રાવણ-રાબન કહે સુનો સીત, મોયસો મેલાવો ચિત્ત; છાંડ દૂર સબે ભીત;

પ્રીત નીત કહા તેરે, રામ જેસે રંકકો; <poem>

તિન લોક ફરે આણ, ચિંતામણિ રત્નખાણ; બોહો લોક માન બાણ; જાને સુખ બોત મેરે, વૈભવ નિઃશંકકો; વાકી તું છાંડ આશ, ભોગવો બિલાસ બાસ; સમૃદ્ધિ સબ તેરે પાસ; દાસી સબ દાસ તેરે, ફર્યો કર્મ અંકકો; તજો મન આપ લાજ, સુખકે સબ કરો કાજ; સંતાપ શોક સબ ભાજ; તાજ કરું મંદોદરી, રાજ્ય સોંપું લંકકો. ૫૧ સીતા-ચુપ રહે મૂઢ અંધ, મેં જાણું તું પરો બંધ; લંકમેં તો હુવે ધંધ; કંધ દશ છેદવા હું, એસી મન હોડ હૈ; લુંટી તેરી રમણ સેજ, પરવાર્યો તેરો તપ તેજ, સબ ઉપરસે છાંડ હેજ; રેજ કરો રાક્ષસકું, મેહેલાંએ મન મોડ હૈ; શ્રીરામ જુ આધાર મેરો, ઉતારે અહંકાર તેરો, કરે રંક એ અનેરો; હેરો કરહી કે હદ, એસો બંદી છોડ હૈ; સામળ કે માન મૂઢ, પ્રભુકો પ્રતાપ પ્રૌઢ, ગુણ જાણે નહિ ગૂઢ; રાબન જેસે રંક, રામ ક્રોડ ક્રોડ હૈ. ૫૨ દોહરા. રાવણ-અમીષ તેરો આવરુ, પ્રીછે નહીં જો પેર; કવિ-એસી કહે કર અધિપતિ, ગયો આપકે ઘેર. ૫૩ કવિત. સીતા-સીત મન ભીત લગે, ચિંતા કર ચિત્ત માંહે; આહે અબ ના‘યે રામ, કહો કહા કીજીયે; એસી કહે આપ માંહે, કેસી બીધ જીવ જાયે; પાયે કહાં પ્રીતશું તો, બીખ બાટ પીજીયે; પાપી કેરે પાસ પડી, દુર દેશ આય અડી; ઘડી ઘડી દુઃખ બોહો, લાભ કાહા લીજીયે; કેશ પાશ માત ગ્રહે, કેતે બોલ બાણ સહે; ગલે ફાંસિ ઘાલ અબે, પ્રાન દાન દીજીયે. ૫૪ દોહરો. કવિ-નિદ્રા બસ નારી સબે, સીત કરે દેહ અંત;

એસો અચરત દેખ કે, કહે બાત હનુમંત. ૫૫ <poem>

કવિત-દોઢીયું. હનુમંત કહે માત, મત કરો આત્મઘાત, આયે અબ રઘુનાથ; હાથ દોઉં જોર કહું, દુહાઇ રામ આણકી; મેં હું અંજનીકો તંન, જાગૃતિ પતિકો જન, વાકે ચરણે સદા મંન; અરણવ કે નીર તીરે, સુરત ધરો કાનકી; રાક્ષસિ સબ ઓર નર, નહિ મોયે કોકો ડર, દેખી લંક ઘર ઘર; ગામ ઠામ દેખ આયો, બાડી બંન પાનકી; સામળ કહે સુયેખી, રાક્ષસીમેં સીત પેખી, લાજ મેં અલેખી દેખી; મેરી તુમ માત તાત, જનક જાયા જાનકી. ૫૬ કવિ-રામ નામ સિત, ચિંતા તાજ ધરી ચિત્ત, ભામિની હુઇ ભયભીત; સીતા-રીત એ કાંહાંકી, માનવ બનચારી હૈ; હનુ-બાત મન આપ ચીની, મુદ્રિકા લે હાથ દિનિ, પ્રણામ કર શીશ લિનિ; બીતી હે માત એ, બાત તો ભારી હૈ; સી-તબ બચન બોલે બાઇ, તમ સુનો જુ મેરે ભાઇ, ઉત્તમ બસ્ત કહાંસે પાઈ; આઇ જો હાથ તેરે, મેરે આગુ ડારી હૈ; હનુ-રાવણ હરણ કરી લાયે, ખોલતે દો બીર આયે; બેઠેતે હમ પાંચ ભાયે; દીની નીસાની જાણી, આતિ શુભ સારી હૈ. ૫૭ કવિ-બાનરકો બચન સુનો, સત બોલ આપ ગીનો, તાથે પ્રતિ ઉત્તર ભનો; સીતા-બન્યો સબે કામ, રામ આયે છોટે શીરસું. કપી જુ સુનો બાત, કઠીન ભયે દોનું ભ્રાત, નાયો કોય તેરે સાથ; તાથે મેં કહું માન, આણ જાણ વીરસું; હનુ-હનુમંત કહે સુનો, બાની મનમેં ગીનાન આની, સાત સુદ્ધ નાહિજાની; પાનીવલ પલકમેં, આવે સબ ધીરસું; કો તો સબ લંક જારું, રાબનકું ચીર ડારું, શૂરબીર ધીર મારું; સારું કહે સામળજુ, નાંખું લંક નીરસું. ૫૮ કહો તો રાક્ષસીકુંરોળું, વાંકે ચાકર સબ ચોળું, ધડ દુર્ગકું ઢંઢોળું; બોલું મેં માત બાત, બચન માંનો કામકો; કહો તો દશ શીશ તોડું, સૂરકે સબ બંધ છોડું, વાંકે નિશાન ફેડું;

મોડું મહા માન ઠામ, ટાળું લંક ગામકો; <poem>
કહો તો મેં રાડ સાધું, જીવતે સબ લોક બાંધુ, રાવણ જાર ખીચ રાંધું

બાંધ્યો અ જાઊં ગાંજ્યો, પ્રતાપ એક નામકો; સામળ કહે કામ સારું, બન બાડી બાગ ચારુ, નીરકે નવાણ પૂરું; તેરો બચન પાળું, તો સેવક શ્રી રામ કો.

કવિત. કવિ-જનક જાયા બાત કહે, ઘાત આપ મન લહે; સીતા-સહે પરચંડ ફંડ, એકુને ન દીજીયે; રામ કો બચન નાહિ, દુઃખ સહુ દેહ માંહિ; આંહી જબ આવે તાંહિ, રેખકું ન દીજીયે; મણિકી નિશાની લીની, જાઓ બેગા શિખ દીની; બિનિ ફળ બાગમેંસે, ખરે પરે લીજીયે; સામળ કહે ખબર એસી, હનુમાન દૃષ્ટ પડી તેસી; ધસી જાઓ રામ આગું, બાત સબે કીજીયે. ૬૦

છપ્પા. કવિ-ગર્ધવિયોનાં સેન, મહિ એક ગાય ગઇ છે; કાગડી કંઈ કોટીક, હંસી એક હાર રહી છે; કૌવચ કેરાં વન, તુળશીદળ તહાં પડી છે; છીપો સંખ્ય અસંખ્ય, ઝવેર મણિ જુગત જડી છે; તેમ રાક્ષસીઓ મહિ ઋષિ જણી, કથિર મધ્યે કાંચનકથી; સામળ કહે શ્રીરઘુનાથ વિણ, ન્યારું કરવા કો નર નથી. ૬૧

ઝાઝા લસણની ખાંણ, બુંદ બરાસ તણી છે; મૂરખ કેરી મોટ, ભલે એક ભાવ ભણી છે; રેણું તણો છે રાફ, કિંતુ કસ્તુરી ભેળી; ઝેર તણી છે ઝાળ, સીંથેક માંહિ સાકર ભેળી; વાડ શૂળ કાંટા તણી, ઉગી કેળ કષ્ટે થકી; સામળ કહે શ્રી રઘુનાથ વિણ, ન્યારું કરવા કોનર નથી. ૬૨

કવિત. બીર છલ્યો પાઉં પરો, ધીર મનમાંહિ ધરો;

ફર્યો સબ બાગ માંહે, એસો ઘાટ મનકો; <poem>

દુર્ગ પાડી કૂપ પૂરે, બેલ ફુલ ઝાડ ચૂરે; સુરે કીએ કામ પ્રાન, હરો ચોકી જંનકો; ચંપા કેરે ઝાડે ચડ્યો, સબકું ત્રાસ પડ્યો; એસો કિયો નાદ જેસો, કાટકો જું ઘંનકો; સામળ કહે બડાઇ, રાબનકું રાવ થાઇ; ભયો એસો કામ નામ, ટાર્યો અશોક વંનકો. ૬૩ દશકંધ રીશે ભર્યો, ક્રોધ બોત મંન ધર્યો; કર્યો મહા કોપ, બાસે નીસીવે જાયેગો; ધાયે સૂર સીખ દિયો, કપિવર ઘેર લિયો; કિયો ઘન ઘોર સોર, બોત માર ખાયેગો; અક્ષયકુમાર રાય તંન, ઓરહી પ્રધાન જંન; તન ટુક ટુક કરે, કોન સહયા થાયેગો; સામળ કહે શીખ થોડી, બાળીએ જુ બાગ તોડી; કોડ પહોંચાય તેરો, કીયો એસો પાયગો. ૬૪ હસી હનુમંત ઉઠ્યો, ગાજતો ગયંદ છૂટ્યો; ઉઠો બત્રાડી સૂરપુર, લીયો સબ અંકકું; કોટિકું વલુર મારે, કેતે એક ચીર ડારે; ડારે સબ ઘરનકું, કિના છેક રંકકું; સબકો સિરદાર જાનિ, ધસી ગ્રહે ચર્ણ પાની; પહાણપેં પિછાર છાર, ઝીક નિઃશંકકું; સામલ કહે એક ગયો, નાસીને જો જિતો રહ્યો; ધાઇ મળ્યો રાબનસેં, બેથો ધડ લંકકું. ૬૫ પ્રધાન પુત્ર પ્રજાળ્યો, આપ ક્રોધ ચિત્ત આણ્યે, માનો મહા તાત આપ, હાથ મૂછ ઘાલિયે; કહેતે ધાતે કોટી જોધ, અંતરમેં આનિ ક્રોધ; શોધ લેકે ધાયે જાઓ, જીવતેકું ઝાલિયે; નાલ ગોલા બાન છુટે, રીશ કરી સુર રુઠે; ઉઠે હે હનુમાન જાન, સીખ સબ આલિયે; કહેતેમેં પકડ લીયો, રાબન હાથ જાય દિયો;

કીયો એણે કેર વેર, આપનકો વાળિયો. ૬૬ <poem>

દેખકે મહેજુત હુવો, કપિવરકો રૂપ દેખો; રાવણ-સતબોલ બાત કપિ, કીનકો પઠાયો હૈ; ગામ નામ ઠામ કહો, જત ભાત બાત લહો; લાભ કહા લેનેકું તું, લંક લગી આયો હૈ; હનુ-હું રામ કો ગુલામ ખાસો, આયો દેખને તમાસો; નાઠો કો પતિત પાપી, સીત લેકે ધાયો હૈ; સામળ કહે ઘાટ ઘડું, અન્યકી મેં ઓટ અડું; પાડું દોઇ શીંગ વાકે, આજ ચોર પાયો હૈ. ૬૭

દોહરા. કવિ-જુલમ કિયો હનુમાનકું, ધાયો શીંગ બોહો તીર; ન અડે ચીમટ આપકું, જાકે શીર રઘૂવીર. ૬૮ રાવણ-લંકાપતિ બાણી કહત, કિસબિધ મરણો તોય; જો ચાહે સુખ આપનો, તો બાત બતાવો મોય. ૬૯ હનુ-બુદ્ધ હિતે બિચાર મન, બાંદર કહે મોય બાનિ; પાવક જારે સબનકું, ઇત્ત ચતુરાઇ આનિ. ૭૦ કવિ-કપિકી બાત મનમેં બસી, અબહી મીલ્યો મેલ; આણી વસ્ત્ર બોહો ઢગકિયો, ઉપર છટક્યો તેલ. ૭૧ લિયો પૂછ લપેટકે, બાંધ્યો બંધ અપાર; પાવકસેં પરજાલિયો, ઉપર દીનો માર. ૭૨ જ્યું છૂટે દારુ દરખસેં, ગગન ગઇ ઉસ ઝાલ; ચડ્યો અટારી હુંકકે, ફક કરંતો કાલ. ૭૩ ઘેર ઘેર લોકો કરત, દોર દોર ફર ફેર; ભડક ભડક ભૂવન જલે, જલી જાય ઘેર ઘેર. ૭૪

કવિત. ખરાબ કરી લંક સબે, વાળ્યો આડિ અંક અબે; તબે ધાયો આયો પાયો, મન બહોત સુખકું; રખે માત સીત જરે, એસો શોચ આપ કરે; દેખ દૃષ્ટ પુંઠ ફરે, ઝાળ લાગી મૂખકું; સીતાકું કીયો જુહાર, કુદ ગયો ઓર પાર;

આયો રામ કે દરબાર, મેટ ગયો દુઃખકું; <poem>

રામજી બધાઇ સુની, તબહી આશિષ દીની; રામ-નિશાનીકું સત ગની, ધન માત (તેરી) કુખકું. ૭૫

છપ્પો. હનુ-શ્રી લંકાગઢ માંય, તહાં બેઠાં સિત માતા; દિવ્ય દીઠું દર્શન, પ્રસંન મુખ પામ્યો સાતા; દુઃખ દાવાનલ દેહ, તેહનું મન તુમ ચરણે; નારાયણશું નેહ, તેહ, જે અશરણ શરણે; મણિ મૂક્યો મુખ આગળે, કારણ કથી માંડી કહ્યું; કવિ-સુણિ ચિત્ત રામ લક્ષ્મણતણું, સીત થકી શીતળ થયું. ૭૬

કવિત. હનુ-ઉઠીએ મહારાજ, કપિનાથ સબે સાથ; કહું વાતજોડી હાથ, કામ શિઘ્ર સિદ્ધ કિજિયે; રામકો પ્રતાપ પ્રૌઢો, ચડો શૂર સબ આપ; કીજે લંકકું ખરાબ, છાપ દેકે મન રીજિયે; ઉઠીએ અબ આજ, બાંધો અર્ણવકું પાજ; રોળો પાપી કેરો રાજ, કાજ કરી સીત લીજિયે; કહે સામળ જું જોર, દુષ્ટ સિતાજીકો ચોર; હનુમાન કહે મોર, (તોર) શિશ દંડ દીજિયે. ૭૭

દોહરો. કવિ-બચન સુન્યો હનુમાનકો, પ્રસંન ભયે શ્રી રામ; સુગ્રીવ સહિત ઉઠે સબે, કરબો ઈસબિધ કામ. ૭૮

છપ્પા દુપટ. દિયો દદામે પોર, ઠોંરદે ચડે રઘુ નંદન; જે જે કરે સબ દેવ, બરખે કુસુમ ઓર ચંદન; કપિવર પદ્મ અઢાર, રીંછ બોહોતેર ક્રોડ જાની; સુગ્રીવ આદિસબ સૂર, સેના બડી બહોત બીખાની; અંબર છાયો ખેહ, ગગનમેં ધન જ્યું દીસે; ધસે બરાડી પૂર, સુર સામદ સહુ ટીસે; ગાજે અર્ણવ ગંભીર, ધીર શબ તીરે આયે;

પડાવ કિયો હનુમાહ, તહાં પરમ સુખ પાયે. <poem>

હુકમ કિયો કપિરાય, થયો સજ દોદિશ જાયો; ગિરિવર અષ્ટ સુજાન, પહાંન ઉઠાકર લાયો; આયો બેઆ પલકમેં, સેતુ પાજ્ય બાંધ્યો સહી; સામળ જુકે શિર રામ જોર, ચોર રાવણ જાયે કહીં. ૭૯ કો ઉદયાચલ જાય, કો અસ્તાચલ ધાયો; કો બંધાચલ બીર, તીર હિમાચલ પાયો; કોઉ ગોમે ગિરિ ઘેર, કો કંભાગિરિ પહેંચો; કો સુવેલુ શીંગ, કો મીનકાચલ એહેંચો; દુર્ગ અનેક ગિરિ જેહ; તેહકું શિરપર લાયે; રમત જુએ શ્રીરામ, કામ કર છીનમેં આયે; આદ્ય ઋષિયન કો શાપ, શીખ કવિયનકું દીનો; તાથે તારે પાહણ, કામ કાયર યહ કીનો; રામ નામ પરતાપ, ગિરિ સબ નાંખે પળમાં; તુંબર તરે જ્યું નીર, પાણ તરે ત્યું જલમાં; બાંધી પાજ વિલાસ સબ, વિકટ અર્ણવ કે નીરકું; કહે સામલ કવિ સીખ દું, બિભીષણ બડે બીરકું. ૮૦

કવિત. વિભિષણ-બિભિષણ કહે સુણો ભ્રાત, આયે હે શ્રીરઘુનાથ; લક્ષ્મણ અનુજ ભ્રાત, જનમકો જતી હૈ; આપ મન જ્ઞાન આનો, વાંકો તો ગુણ બિખાનો; દેવનકો દેવ જાણો, ત્રિલોકકો પતિ હૈ; જાકે નામ મુક્તિ પાવે, જઠર ફરી ન આવે; દર્શને અધ કોટિ જાવે, અતલિબલ અતિ હૈ; સામળ કહે કામ કીજે, રંક કેરો કહ્યો કીજે; કર જોર સીત દીજે, શુભ શિરોમણિ સતી હૈ. ૮૧ કવિ-દૃઢતા કર બોલ્યો ધીર, મનમાં બોહો આને પીર; રાવણ-મેરો તુમ નાહીં બીર, (પર) કીરત બિખાની હૈ; મોયકું કહા ડરાવે, દોનું શીશ વે ધરાવે; જાવેગે કહાં વહાં આયે, બનચર પિછાની હૈ; સબકું સત ખંડ કરું, લંગુરોંસે નાંહિ ડરું;

હરું વાકો જોર વાકી, ચોહની નિશાની હૈ; <poem>

સામળ કહે માન મેલ, આ તલમેં નાંહિ તેલ; ખેલ નાંહિ શિખ મેરે, પત્થરપેં પાની હૈ. ૮૨

દોહરા. કવિ-બચન સુન્યો લઘુવીરકો, રાવનકું બોહો રીશ; ઓઠ બચન એસો કિયો, છિનમેં છેદે શીશ. ૮૩ વિભિ-મેં કહું રાવન રંક હુઓ, મત કાઢો મમ બંક; અબ તેરી સમૃદ્દિ ગઇ, છિનમેં લુંટી લંક. ૮૪

કવિત. કવિ-વિભિષન આય મલ્યો, દુઃખ શોક સબ ટલ્યો; પાય પરો રામજુ કે, ચરણ શીશ નાંમિયો; લંકની ખબર કહી, આદ્ય અંત જેહી ભઈ; વિભિ-ગઈ વાકી સાન મૂઢ, રાવન હે કામિયો; મહારાજ મોયે શીખ દીજે, લંકકું લપેટ લીજે; કીજે એહ કામ રામ , દેખ દુઃખ વામિયો; કવિ- શામળ કહે ભક્ત લહ્યો, આપ લંકધીશ કહ્યો; હુઓ હે ખુસાલ નાલ, બોત સુખ પામિયો. ૮૫ પલકમેં પાજ બાંધી, રાવનસેં રાડ સાંધી; વહાંસે નીર પાર સબ, ઉતરે હે બેટકું; બંદર વૃંદ કુદે હુકે, દોડાદોડ કરી ઢુકે; ચુકે નાહિ ફાલ આલ, કરે નર નેટકું; રાવનકું ભયે જાણ, પાણી માંહિ તારે પાણ; રામજી સુજાણ જાણ, આયે લંક ઠેઠકું; બિભિષન મળ્યો જાણ્યો, સામળ કહે સાન આણ્યો; માનો તબ તાપ આપ, (હોર) પડ્યો પૂર પેટકું. ૮૬

દોહરો. નિકટ આયે શ્રીરામજી, ભયો મંદોદરી જાન; જાકે રહી દશ કંધપેં, બોલી મુખસેં બાન. ૮૭

કવિત. મંદોદરી-મંદોદરી કહે કર, જોરકે સુનો હો પિયા;

જિયા જો ચાહો તો આપ, મલો જાકે રામકું; <poem>

આપકો અવગુણ જાતે, માનો તુમ કહ્યો મેરો; તેરો તન હે આકુલ, મેં જાણ્યું મહા કામકું; દેખ એક આયો દૂત, પ્રૌઢ હે અયુત જુત; અસહ્ય અપાર માર, ગયો લંક ગામકું; સામળ કહે એહિ કરો, રામજુકે પાય પરો; ડરો આપ મોતસેં, જો રખા ચહો નામકું. ૮૮

કવિત-ડોઢીયું ફેર. ચડેગો શ્રી રામ, લુટેગો ગામ, ફેડે સબે ઠામ; કરે બહુ કામ, ફેડેગો નામ, મટે દામ સબ હરેગો; આયગો નિઃશંક, જાની તુજવંક, રાખેગો છંક; વાલ્યો હે અંક, લૂટેગો લંક, રંક તોકું કરેગો; દુંદુભિ બજાડે, ઘડ દુર્ગ તોડ પાડે, ખેડેગો અખાડે; સબકું રમાડે, મન કોડકું પહોંચાડે, આડે હાથે ફરેગો; કહેત કવિ સામળ બાની, મનમેં તો દયા આની, તો કુતો રંક જાની; હોયેગી તોયે હાની, રાની સીત ક્યું ન દિનિ, રાવણ તું મરેગો. ૮૯

કવિત. આયે હે દોનુ વીર, લછમનજી બડે ધીર; સાયરકે નીર તીર, નિરંતર ચડેગો; બોત હે એહિ સુજાન, તેજ કે કોટિક ભાન; ખોલ સુન દોનું કાન, નિશાન વાકો ઠગેગો; સેનકે ભયે સપેટે, લંક ગામકું લપેટે; તોરે ચાકરકું ચપેટે, ઝપટ દેય ભઠેગો; સામળ કવિ કહે ઓટ, બાંદરકી લગી ચોટ ઓલંગે લંકાકો કોટ, તેરો ઘાટ ઘડેગો. ૯૦ રાવણ-સુન મંદોદરી બોલ, નાંહિ કોય મેરે તોલ; વાકું તો મેં લેઉ મોલ, તુજે ભૂલ પરી હૈ; દેખ જો સજાઇ, તોકું તો કીને વાઇ; કુંભકર્ણ જેસે ભાઇ, ખાઇ સાગરસી ભરી હૈ; અગન્ય નિપાયે અંન, ઇંદ્રજિત અનોપમ તંન;

સદા વૃષ્ટિ કરે ધન, જન સેવ કામ કરી હૈ; <poem>

આપકી તો એહિ રીત, હોવેગી અમારી જિત; ભીતિ મન નાહિ ચિત્ત, જાની સીત હરી હૈ; દશ તો હે મેરે શીશ, ભુજ તો હે બીસ; સહાય કરનેકુ ઇશ, રીશ ક્રોધ અતિ ભરહૈ; બિરંચી તો ગુન ગાય, નવ ગ્રહ બાંધે પાય; વજ્ર કી તો મેરી કાય, સૂર મન ડર હૈ; કોહુ ન જાને મરમ, ચોકી કરતે ધરમ; બિષ્ણુ તો માને શરમ, કરમ પાયે પરે હૈ; કનક કે ઘર સુત, સવા લક્ષ મેરે પૂત; દુત જેસે રામ જૂથ, મોકુ કહાં કરે હૈ. ૯૨ મંદોદરી-કહે કંથ એ સુજાન, ભયો કીયું તું અજાણ; પૂછ દેખ આપ પ્રાન, પાણ પાણિ તર્યો હૈ? દેવનકો ઠારન એ, દૈત્યનકો મારન એ; કારણ પ્રહ્‌લાદ કેરે, હિરણ્યકું માર્યો હૈ; વાકી કોન બુઝે બાત, તીચે આયે દોઉં હાથ; આયો તો એક લંગૂર, રામજી કો દેખો નૂર; સામળ કહે સદા શૂર, લંક જીને જાર્યો હૈ; ૯૩ ચોખરો. મં-ધીર મહા વીર બે, નીર અરણવ તણાં, વીર દળ ઉતર્યા દેઈ ડંકા; કહે સતી સુણ પતિ, દુર્મતિ માહેરા, ભોમ્ય ભારે ઘણી ભયે ભંકા; સીત સંતાપ મહા, પાપની છાપ છે, ત્રણ તારે શિરે વેદ વંકા; ઈસ અવળા હવે, શિશ તારે થકી, લક્ષ્મણે લુંટી લક્ષ જાણે લંકા. ૯૪ રા-વેઠ ઉઠી વનિતા તણી વાતમાં, પાનિએ બુદ્ધ એ જોર તારું; શું કરું પ્રિય છે, તું ઘણે પ્રેમદા, અન્ય કો હોય તો ઠાર મારું; રીંછડાં વાંદડાં માંકડા મેલિયાં, જુદ્ધ જિત્યાતણું સૌન્યે સારું; સુરજ ને ચંદ્રમા, દેવ સેવે સદા, છેક છોકર થકિ હું ન હારું. ૯૫ મં-ખીજ કે રીજ પણ, કહુ તુંને કંથડા, આપ એ વાત મન માન માટે; વૈમાનની સેજમાં, તેજ ત્રિલોકનું, હુંશશું હીંચિએ ખાંત ખાટે; માળિયાં જાળિયાં, ગોખ અટારિયાં, દ્રવ્ય જાશે સર્વ બાર વાટે;

સાઠ સહસ્ત્ર, શૃંગાર શ્યામતણા, ઉતરે એક હરિ સીત સાટે. ૯૬ <poem>

રા-અજોધ્યા લગે, ભુમિ ઉદવસ્ત કરું, આય રાખું ઘણું જોર ઝાઝું; દુઃખ કાયર તણી, નારી તું અવતરી, મેલ્ય લવરી પરી હું જ લાજું; પાતાળ ઉપર કરું, સ્વર્ગ આણું તળે, ખંડ નવ ભોમ્યનો ભાર ભાજું; રામ લક્ષ્મણ લઘુ, બાળ બે બળ કશું, દરપણસું દેખતાં દેહ દાઝું. ૯૭ મં-વિનાશ કાળે તુંને, બુધ્ય વિપરીત થઈ, સીત સામી કુદૃષ્ટે જોયું; હુંશ થઈ વાઘનાં, દૂધને દેહની, મોતની ઘુઘરી ધ્યાન ધોયું; રસ અમૃત તણી ખાંણ જાણી હરી, વિખ હલાહલ બીજ બોયું; કહેત મંદોદરી લાભ શો કહાડિયો, ચોકડી ચૌદનું રાજ ખોયું. ૯૮ રા-ક્રોડ તેત્રિશને હોડ હાંકું અમો, કહે તો ત્રિલોક આ એક કીજે; દિગ્પાળ દશે દિશા વશ કરું વાતમાં, નાગ નદ તે તણિ લક્ષ્મી લીજે; સાત અરણવ તણાં નીર શોષું કહો, ભામ્યની ભાર બ્રહ્માંડ ભીજે; નવખંડ નરપત્ય તણાં માન મોડું ક્યમ, રામની ભીત્યથી સીત દીજે. ૯૯ મં-સીત હરી આવિયો ખઈરોગ લાવિયો, નહીં ભલો ચિત્ત ચાળો; કામી અતિ અંધ દશકંધ આપે થયો, ધંધામાં ધ્યાન એ બુદ્ધ બાળો; સીત દ્યો તો પછે ભીત કશિ રીતની, પ્રીતશું પરવરો પંથ પાળો; કંથ તુજ કારણે જાઊં વિધ વારણે, બારણે કળકળે કાગ કાળો. ૧૦૦ રા-લુણ હરામ કર્યું હેલીઓ મારું, રામ લક્ષ્મણ તણાં શું જોર જાણો; માંકડાં રાંકડાં વાંદરાં વન તણાં, તે તણાં સૈન્યને શું વિખાણો; દશાનન તણા હાથ દીઠા નથી, ત્યાં લાગી રામ સાથે મન મોજ માણો; ફુંક મારી થકી પાણ ફાટે ઘણા, એહ અહંકાર અતિ શૃંજ આણો. ૧૦૧ મં-લંકપુર પરવરી સીત એ સુંદરી, ત્યારથી પાપ વરસાદ ઉઠ્યો; તે તણાં કરસણાં ઉગશે તે જુઓ, નાઠા થકી નરપતિ નહીં છૂટો; વાત વિપરીત થઈ સર્વ સમૃદ્ધિ ગઈ, રાજ મહારાજ રઘુનાથ રુઠ્યો; કહેત મંદોદરી સોંપ્ય એ સુંદરી, ન તો જાણરે કંથડા કાળ ખૂટ્યો. ૧૦૨ રા-કામિની કહું કરગરી સાન આણે નહિ, કુણ વનિતા તુંને વેદ વારે; સાત સાગર તણી ખાઈ શોભે સદા, હોડ હરામ થકી કામ હારે; વિભિષણ જઈ રહ્યો તેહ દુશ્મન થયો, તેવું કરજો ગમે મન તારે; નેહ કરી દેહ આ શિશ નામું નહિ, એહ પ્રતિજ્ઞા છે મન મારે. ૧૦૩ ન્જાઈ ભુંડો થયો તેમ તું ભામિની, કથન સંભળાવિયાં કુડ કર્ણે;

માર ખાઈ મારા હાથનો તે ગયો, લાગિયો શત્રુને ચિત્ત ચણે; <poem>

લડવું લંકમાં તે ઘણું દોહલું, આપ ઉડ્યો જશે તુચ્છ તરણે; મહિપતિ કહે મંદોદરી તુંએ, સામળ તણા સ્વામીને જાને શરણે. ૧૦૪ મં-સ્વામિ તમ આગળે સત્ય બોલું અમો, ગાળ દેશો ઘણી વાય વાશે; વિભિષણ ભ્રાત મળ્યો રધુનાથને, નાથ અનાથનો ચિત્ત ચહાશે; લંક લુંટાવશે એહ આગળ રહી, ખાંત અમૃત તણી એહ ખાશે; ગૃહ સમ તેહના વાંકા તમ દેહના, લંકનો અધિપતિ એહ થાશે. ૧૦૫

છપ્પા.

રાવણ-શી મુરખને શીખ, શી ઘેલાશું ગોષ્ટિ; શી અદાતની કિરત, શી વેરીશું વિષ્ટિ; શી સજ્જનશું રાડ, શી રાંકશું રુઠી; નાગરા શું ગાંન, પ્રિત ત્યાં શી પીઠી; શી વાત વનિતા તણી, મોટા જન કેમ માંનિયે; સામળ કહે શાણી ઘણું, પણ પ્રમદા બુદ્ધિ પાનિયે. ૧૦૬ મંદોદરી-ગોખરુ મૂળે હાથ, હેત ઘણેથી ઘાલ્યો; મણિધર કેરી મણ, લેવા મહિપત તું માલ્યો; દાવાદલ ધરી દેહ, તાડથી પડિને જીવવું; શીંગીયો સોમલ વચ્છનાગ, ઝેર હળાહળ પીવું; રાણા રાવણ ત્યમ રામશું, અકલ ફેલાવે આડિયો; માગ્યું મોત સામળ કહે, સૂતો સિંહ જગાડિયો. ૧૦૭ રાવણ-જાય કો પર્વત મેર, કે પાતાળે પેસે; રહે સમુદ્રને શરણ, સુરજ મંડળ જઈ બેશે; છેક જ થાયે રંક, કે લક્ષ લોકોને લૂંટે; આયુર્દા ઘડી એક, નવ્ય વધે નવ્ય ખૂટે; લલાટે લખ્યું મટે નહિ, તો નીચ થઈ નમવું કશું; ગુણવંતને ગમે નહીં, એક હાણ બીજું હશું. ૧૦૮ મંદોદરી-જોબન મદ જર મદ, અહંકાર રાખે અલેખે; કામતુર નર અંધ, તેહ આંખે નવ્ય દેખે; સજ્જન મદ ને શૂર, મુરખ જન મમતી મોટા;

સાચા જે પ્રતિબોધ, તેહને મન સહુ ખોટા; <poem>

જે આખર આવ્યો અંકનો, તે કહો ટાળ્યો ક્યમ ટળે; અંધો ભીતે અથડાય છે, ત્યારપછી પાછો વળે. ૧૦૯ રાવણ-કહે તું વાર કરોડ, શીખ માનું નહિ માઠી; કાંગડુ કણ ન રંધાય, સો મળ બાળો જો કાઠી; માંખણ ન આવે મેલ, વરસ સો વલોવે પાણી; પથ્થર ઉપર જેમ નીર, અધિક શી કહું એંધાણી; તને કામની ક્રોડ વસા કહું, મૂક તું વનિતા વારવું; રાવણને રાડ રણજંગમાં, રામ થકી નથી હારવું. ૧૧૦ મંદોદરી-સુમન તણી સુખ સેજ, હેમ હિંચો હિંદોળા ખાટે; ચિંતામણિની ખાણ, રત્ન પરવાળી પાટે; માગ્યા વરસે મેહ, છયે ઋતુની છાપે; અશોક સરિખાં વન, અલખત ભોગવિયે આપે; નવ નિદ્ધ ને રિદ્ધ સિદ્ધ, સમૃદ્ધિ સહુ જોતાં જશે; મંદોદરી કહે માને નહિ, ધન તારું ધૂળધાણી થશે. ૧૧૧ રાવણ-નિત્યે નંદે જે વિપ્ર, વંશ જરૂરી થયે; દ્રવ્ય વિના વ્યાપાર, ત્યાં દેવાળું થાયે; કાયરમાં રહે શૂર, તેહ કો વેળા નાશે; રુડી ભુંડી ખસબોઈ, પટ બેસી રહે પાસે; જે ઘેર ચાલ ગૃહિણી તણો, કંથ કામિનીનું કહ્યું કરે; ગર્ધવ જાણવો તે ગૃહસ્થને, આખર અર્થ તો નવ સરે. ૧૧૨ મંદોદરી-પ્રમદા તે જ પ્રધાન, પ્રીત પ્રમદાની પ્રોઢી; પ્રમદાથી શોભે પુરુષ, કહેવાય નરનારી જોડી; પ્રમદા વડે ઘર સૂત્ર, પુત્ર પ્રમદાથી પામે; અર્ધાંગ પુન્ય વિભાગ, દુઃખ વનિતાથી વામે; ઘર છીદ્ર ઢંકાય ગૃહિણી થકી, માન સન્માન મહિમા મળે; શુભ ઈચ્છે તે સ્વામિતણું, અંત કાળે અગ્નિમાં બળે. ૧૧૩ રાવણ-કુળ રુડે કન્યાય, ધણી બીજો નહીં ધારે; સિંહ તણી સોબત, ન હોયે વારે વારે; શાહા પુરુષોના બોલ, એક બોલ્યા તે બોલ્યા;

દંતુસર ગજરાજ, તણા ખોલ્યા તે ખોલ્યા; <poem>

મહિપત કહે સુણ મંદોદરી, રાવણે રાડ લીધી સહી; ન આપું કહી નારી હરી, હઠીલો હઠ મૂકે નહીં. ૧૧૪ મંદોદરી-તમે સકુળની નાર, નમે ફળ ફુલે વેલી; નમે સત્પુરુષ કો સાધ, નમે સલિ(રિ)તા રસ રેલી; કદી નમે નહિ કાઠ, નમે નહિ કુલય કામી; નમે નહિ કો નીચ, હઠીલો જેહ હરામી; નમે શ્રીરામ સરીખડા, જેણે ધર્મ મન ધારિયું; ન નમે રાવણ નરપતિ, જેનું સુખ પરવારિયું. ૧૧૫ રાવણ-બેશી રહે બુદ્ધ હીણ, લુણ મારું તું લજાવે; પ્રગટી કાયરની કૂખ, તોલ મારું તું તજાવે; વેરીનાં કરે વખાણ, વપુ કરે છે વાલો; લવરી કરે લખ વાર, કુંવર કંથ જાણી કાલો; તુજને પૂછી લાવ્યો નથી, જુવતી તુજ કહે તો નહીં જડે; બેશ માનિની જઇ માળિયે, જો કંથ તારો કેવો વઢે. ૧૧૬ મંદોદરી-રામ સંગાથે રાડ, કરવા નહીં સમરથ કોઇ; નરવર તે શ્રીરામ, જોરાવરમાં શું જોઇ; ધનુષ જે દૃઢ ધીર, વળગ્યા બોહો બળિયા બાથે; ટચલી આંગળિયે તરત, ભાંગ્યું હરિ એકે હાથે; એવાં પ્રાક્રમ અનેકધા રાય જોશો ઘણાં રામનાં; કંથ કેટલું કહું કરગરી, કથન કામિનીનાં કામનાં. ૧૧૭ રાવણ-અણબોલી રહે અજાણ, જક મૂક તારી ઝાઝી; નરમપણું કાં કહે નાર, રાવણ તેથી નહીં રાજી; ભલું ચિંતવો ભાગ્ય, બોલ ભલાઈ ભાતે; લક્ષ્મણ સરિખા લાખ, જિતવા જોર છે જાતે; બાજી દેવા બળવંતશું, બાજીગરથઈ આવિયો; રાવણ બીશે કેમ રામથી, લંગુર ઘણેરાં લાવિયો. ૧૧૮ ચોખરો. મં-લંકાના પૂરપતિ સાંભળો કહે સતિ, મહિપતિ છો ઘણું મેટ માઝા; લોક કહેશે કોઈ પાસે હતું નહીં, કરગરીને કહું કંથ કાજા; સુજનને દુઃખ પમાડશો સહેજમાં, શત્રુ થાશે તારા તરત તાજા;

શ્વાન રુએ ઘણાં શ્રિયે સામટાં, મેડિયે બોલિયો રાત રાજા. ૧૧૯ <poem>

રા-શુકન અપશુકન એ સરવ છે રંકને, જેહ બિએ તેને એહ સરવે; જગત જિતનું જોર બહુ ગડગડે, હોડ હડે કરી કુણ હરવે; અપશકુન ઘણાં છે તું જો એ રામને, નર ખોઇ રાન વન વન ફરવે; રાય રાવણ રામાશું કહે રીશથી, શુકન મેં બાંધિયાં પાયે સરવે. ૧૨૦ મં-શીખ લાગે નહીં તેહને કો તણી, જેહને રાજ મહારાજ રુઠ્યો; પુણ્ય કે પ્રીતની પેર પ્રીછે નહીં, જે શીરે પાપ વરસાદ વુઠ્યો; હું હું કરી ગર્વ અહંકાર અદકો કરે, તેહ છતવંતથી છેક છૂટ્યો; નિમેષ માને નહીં કથન કહે કામિની, લખવસા કંથ તુજ કાળ ખૂટ્યો. ૧૨૧ રા-મોઢે ચઢાવી ત્યમ માન માને ચડી, બોલવા માંડિયા ભાવ ભારી; હેત દેખાડિયે છે હશી વાળિયે, જાણિયે છે ઘણું એહ નારી; વાઘના બોલ બોલે મુજ વેરીના, ટેવ જાણે નહિ મૂળ મારી; આગન્યા ઇષ્ટની કોડ વરાં કહું, લખવશાં લોપશું લાજ તારી. ૧૨૨ મં-એમ અહંકાર કરતો હિરણ્ય હઇડે, તાહરી પેરથી તે ઘટાડો; બળરાય બળ રાખતો વારાહ પણ વાધતો, મોષ્યો તેનો પૂર પાડો; સહસ્ત્રાર્જુન સારખો પ્રૌઢ જન પારખો, ઘાટ ઘડ્યો તેનો જોર ઝાડો; એ રામ રણ રોળશે ચંચુવત ચોળશે, કંથજી દેખશો તેહ દાડો;૧૨૩ રા-ફટરે પાપિણી અકલ જો આપણી, શત્રુ શોભાવતે હરખ હીસે; અળશિયાં સાપથી અહિ ક્યમ ઓસરે, આગિયા તેજ આદિત બીસે? અરણવ તણાં નીર ત્યાં બીદર કુણ બાપડું, રાય ઉમરાવશું રંક રીશે; વિચાર કરજે તું વનિતા વપુ વિષે, શું લંગુરા દેખી લંકપત્ય બીશે. ૧૨૪ મં-શ્રી રામ રાજા મહારાજ ધરણીપતિ, લક્ષધા કોટિધા લક્ષ લહેરે; સમુદ્ર સુધા તણો નામ મહિમા ઘણો, મુક્તિ દાતા મહાપુણ્ય પેરે; તેહશું રાડ રણજંગ કેમ જિતીયે, જોર ચાલે કેમ જિત ઝેરે; વિશ્વપતિ સાથ જો વેર વધારશો, ઉડ્યા જશો આકના તુર પેરે. ૧૨૫ મં-આપ મત પાપથી શાપ માથે થયો, છાપ પડી તારું છેક જાવા; કામની માટે તુંને કહું છું કરગરી, દેવનાં દેવશું મેલ દાવા; બુદ્ધ બે બાળ છે, કાળના કાળ છે, સીત સોંપિયે એના ગુણ ગાવા; રામ ઋષિ રૂઠશે લંક ગઢ લુંટશે, નહીં રહે પંડકો પાણિ પવા. ૧૨૬ રા-કામિની એક તું કહે તેણે શું થશે, પાનિયે બુદ્ધ ને રાત જાયે;

પૂછ તું તાહરા તંનને તરતીબે, પૂછ તું કુંભને ચિત્ત ચાહે; <poem>

પૂછ તું વરણ અઢારના લોકને, રામના ગુણ તે કુણ ગાયે; લાવિયો સીત નચિંટ નર ભીતરથી, જોર હશે આંગમાં આપ માંહે. ૧૨૭ ઇં-ઇંદ્રજીત કહે કોટિ ઇંદ્રને જિતીયે, આકાશ ઉડાડિયે ભોમ્ય ભારી; પીતાતણું પાણી જાવા નહીં દીજિયે, આપિયે નહીં ફરી એહ નારી; બાપડાં વાંદરાંથી કેમ દીજિયે, આંબળાં ઊંબરા એ જ અહારી; ચોખુંટમાં વાત ચાલે એહ આપણે, કે રીંછથી રાયજીયે હોડ હારી. ૧૨૮ મં-પૂત સપૂત હુંતો તુંને જાણતી, પાપ બુદ્ધિ તુંને આજ પરખ્યો; ઓળખ્યો નહિ હૃદે રામ રઘુનાથને, નીચ દૃષ્ટિથી નરનેહ નરખ્યો; ભારે અલખત જોઇ ભૂર ભૂલો ભલા, હાંણ હાંસું થશે હેત હરખો; કૂખ કપૂત લજાવણો મેં લહ્યો, બીજ જેવું તેવો બાપ સરખો. ૧૨૯ કુંભ-કહે પછી કુંભકો કોપ અદકો કરી, ડાહ્યાં ઘણું દલ વિષે શુંજ થાવું; ભક્ષ કરું સર્વની દેહ ઘડી એકમાં, ઘાલી લઉં ગુંજલે ખાંતે ખાઉં; આજની રાતમાં ભો પમાડું ઘણું, મૂળ માંકડ તણાં ક્રોડ કાઢું; જીવતા ઝાલીને વીંધશું બહુ જણા, ભેટ ભાભી તણી કાલ લાવું. ૧૩૦ મં-કંથેરના ઝાડે કેળાં નવ ઉતરે, એહ શિરકટે નહિ ઇક્ષુ સાંઠો; બરાસ બહેકે કરી લસણ બોઇયે બોહો, ગંધ તજે નહિ એ જ ગંઠો; અન્યશ્વને બાંધિયે અશ્વમાંહે જઇ, ભૂંકતાં કાઢશે કોપ કંઠો; કહેત મંદોદરી સરવ સરીખડા, કડવી તુંબડીનો વેલો વંઠ્યો. ૧૩૧ રા-શ્યામા તમો શું બિહો કોપ કારણ કિયો, બીકનો એ તોલ તે શું; નામનો નાશ એ નોત્ય સર્વે કહે, જગત બાંધો જીવા જ્યોત જેશું; આવવા એ ઇહાં તું અજોદ્ધાપતિ, જોત જગદીશને જબાપ દેશું; રામની આણ જો રામથિ રીજિયે, લંક સાટે ઘણો લાભ લેશું. ૧૩૨ મં-નાર કહે નરપતિ ચળ કરે છત્રપતિ, કથન કહું કોડથી કંથ કાજા; ભય ઘણો ભીતમાં ચેત તું ચિત્તમાં, મેટશે માન મરજાદ માઝા; અપશુકન થાયે અતિ ગ્રહની અવળિ ગતિ, જુલમ તું શા કરે જુગત ઝાઝા; સ્વાન રુવે ઘણાં સામટાં શેરિયે, મેદિયે બોલિયો રાતરાજા. ૧૩૩ રા-આજ એકાંત છે ભ્રાંત ભાગું ભલી, વાત વનિતા પ્રત્યે વેણ વામું; દશરથ તણા નંદને આદ્ય ઓળખું અમો, નેહશું દેહ નહિ શીશ નામું; નેટ નિ:શંકશું લંક લગિ આવશે, સૂર સજી સહુ સેન્ય સામું;

આજ ઇચ્છું ઘણું કામ હું એટલું, વેરભાવેથી વૈકુંઠ પામું. ૧૩૪ <poem>

મં-સાબાશ રે સ્વામિજી સત્ય શ્યામા કહે, રખે હવે દીલ થકી દીન થાતો; શૂર મહા પૂરથી સુભટ સંગ્રામમાં, મમત કરી માંડ રણજંગ માતો; અંતર બુધ એ હશે કામ નિરભે થશે, તો ટળે લોહનો પાશ તાતો; અધિક કહું અંકમાં વાળિના વંકમાં, ચિત્ત માંહે રખે લંક ચહાતો. ૧૩૫ દોહરા. રાવણ-પૂછે અઢારે વરણને, કહોને સાચી વાત; સીતા આપવી કે નહીં, ખરી બતાવો ખાત. ૧૩૬ કોની રગતી રાખશો, બોલો રુડી વાણ; સત પ્રકારે સાચું કહો, ન થાયે હાંસુ કે હાણ. ૧૩૭ વેવાર વાત સહુને ગમે, એહ અક્ષર એહ આંક; રુડી કહો એ વારતા, કોય ન કાઢે વાંક. ૧૩૮ મન ગમતું કરજો તમે, એ વાતે નહિ રીશ; ખરી વાતે નહિ ખરખરો, તે જાણે જગદીશ. ૧૩૯ કવિ-અઢારે વરણ હવે બોલશે, પોતાને સુખતી પેર; પોતે બેઠો સાંભળે, તેહ ઠામ તે ઠેર. ૧૪૦ સંવાદ આ જે સાંભળે, તેને પરમેશ્વર પ્રસંન; ગાય શીખે હેતે કરી, છે રેવાનાં દર્શન. ૧૪૧ પિતા પુરષોત્તમ તણો, કહે કવિ સામળદાસ; શ્રોતા વક્તા સમજતા, કહે કવિતા કર જોડ; સામળ કહે સહુ બોલજો, જયજય શ્રી રણછોડ.

ચોખરો. રા-વિચાર પૂછ્યો એક વિપ્રને વિધવિધે, મહારાજ મહિમા કહો મંન માની; આપવી એ ઘટે કે નહિ આપિયે, દલ તમારે કશી બુધ્ય દાની; વિપ્ર-મહિપતિ માન મટકાવિયે કેમ કરી, લાજ ઘટાવિયે હોડ હાની; પાછી આપતામાં પરાક્રમ તે કશું, ભીખ તેને પછે ભૂખ શાંની. ૧૪૪

સવૈયો. વૈષ્ય-વૈષ્ય કહે વેવાર એ પાખી છે, આપતે લાજ છે પરિયામાં

અથડાવો દહાડા દશ વિશેક, હાલક બુકાલેક કરિયામાં; <poem>

રાડ જુઓ એ રીંછડા કેરી, કણ એક ભાજન ભરિયામાં; કાયર ક્યમ થઇએ આગળથી, શું વહાણ મૂક્યું છે દરિયામાં. ૧૪૫ કણબી-કહે કણબી કેમ કામિની દીજીએ, જાત જોરાવર શું એની જાણી; પાછા જશે અથડાઇને પોતે, કે લહેઅ સમુદ્રની લેશે તાણી; લંકા સરિખડો કોટ લેશે ક્યમ, રાવણ રાય દેખિતો જે દાણી; પૃથિવી એ પત મૂકે કેમ, છેલ્લે ક્યારે શું ગયું છેજી પાણી. ૧૪૬ ચોખરો. સઇ-ગજધર કહે દાહડા પાધરા દૈત્યના, શિવ વરદાનની છાપ છેરે; સાત સમુદ્રની આડ છે ઓટે, અધીપત રાણોજી આપ છેરે; દેવ હીંડે છે દશો દશ નાસતા, ત્રણ લોકમાં જેનો તાપ છેરે; ભલું લાવ્યા છો તો ભૂપતિ ભામિની, ગજે તસુ તો માફ છેરે. ૧૪૭ સવૈયો. કુંભાર-કહે કુંભાર કરો શી વાતો, એહ તો મારગ એડો છે; વઢતાં કુણ જિતે કુણ હારે, મહીપતિ માની મેડો છે; લેવો ગઢ લંકાનો દુર્લભ, વંક વેળામણ વેડો છે; શું ઘડો કે ઘેડ ઉતરશે, ચાક ઉપર હજુ પેંડો છે. ૧૪૮ લવાર-કહે લવાર મોકલો એ કુંભક, ભક્ષ કરે તોએ વાંદર ખૂટે; નહિતર જોર કરો જંજાળનું, આપ અરાબ અનેકધા છૂટે; રાક્ષસ મોકલો રીંછડાં સામા, રણ વિષે વરખા જેમ પૂઠે; બળવંત રાણા બેઠા જુઓ બારણે, લુહાર ને લોઢું આફણિયે કૂટે; સોની-કહે લાવ્યા છો સીતાને, પ્રાતે વચન એ પળવું છે; ચોટ નાંખી છે તો ચંતા શી, રાજ્ય પદવીમાં રળવું છે; આમે કરમ લેલાટ લખાણું, તે શું ટાળ્યું ટળવું છે; સોનું પહેરે જો કાન જ ત્રુટે, જતરડા વચ્ચે નીકળવું છે. ઘાંચી-ઘાંચી કહે ઘણું શું જોર એમાં, માંકડાં કેરો એ માર જોરે; બાળક બેહુમાં બુધ છે કેટલી, ભૂપ ભારેનો એ જોર જોરે; નહિ ઘોડલા જોડલા હાથિયા સાથિયા, કટક કેરો પોકાર જોરે; હડબડવું નહીં હિમ્મત રાખવી, તેલ જો તેલની ધાર જોરે. મોચી-મોચી કહે મેં તો માંકડાં દીઠડાં, નાશે જેમ રણમાં રોઝડારે;

કોઠાં બિલાંને કાજે વઢે ઘણું, તુચ્છ તરણાવત તોછડાં રે; <poem>

દૂકતાં કૂદતાં ઢુંકતાં ઝુકતાં, ફોજ નહિ એ તો ફોજડાં રે; હીંમત રાખીએ દલ એ દાખિયે, પાણી પહેલાં શાં મોજડાંરે; હજામ-નાઇ કહે છે નાત સઘળી અમને, રૈયતમાં સહુ કહેછેજી રંકા; ગત જાને કુણ ગોવિન્દ કેરી, અકલિત અક્ષર એહના અંકા; સુઝ વિચારતાં તો નથી સુઝતું, લંગુર કેમ લેઇ શકશે જી લંકા; કોથળીમાંથી સાપ જ નીસરે, વાળંદના દન હોય જો વંકા. ૧૫૩ રબારી-રબારી કહે શ્રી રામ આવ્યા છે, કેટલા દહાડા ઈહાં બેસી રહેશે; ખાવા પીવા શું પામશે પૂરણ, સુખ દુઃખ કો આગળ એ કહેશે; દશાનન સરખો દુશ્મન છે શીર, લંકામાં આવતાં લેખાં બોહો લેશે; ઢોર ને ચોર થશે એકઠાં જુઓ, ઊંટકો કુણ કિનારે બેશે. ૧૫૪ દરજી-કહે દરજી દલ જાણું છું હુંયે, ભૂપ આપણો ભોળો છે; પહાણ તારી આવ્યો પરપંચે, જનાવર સંઘાતે જોરો છે; બાળી ગયો બળવંતો કોયક, ટેક ઘણેરો તોરો છે; આરા કેડે વારો આવે, જ્યમ સોયની કેડે દોરો છે. ૧૫૫ ધોબી-પરિયટ કહે હું પ્રીછ્યો પારખું, હાથ તારે શિર હરનો છે; નવ ગ્રહે બાંધ્યા છે નરપત, તો ભાર શો એના ડરનો છે; હારીને જો હિંમત મૂકો, તો નામોશીનું નરનો છે, ધોબી કેરો કૂતરો નહિ, ઘાટ તણો નહિ ઘરનો છે. ૧૫૬ ભોઇ-ભોઇ કહે ભૂપત કહું તુજને, સીત હરી તે સાંખી છે; જોરાવર જન દીસે ઝાઝા, ભાગ્ય નિધિ શી ભાંખી છે; પચવાની નથી એહની પ્રમદા, જેવી જીવતી માંખી છે; અંગદ વિષ્ટિયે આવ્યો તો તે, કણક મચ્છને નાંખી છે. સલાટ-સલાટ કહે શાણા છો સઉકો, વેદ વચનની વાણી છે; સીતાજીને સ્ત્રી જાણો પણ, રામ તણી તો રાણી છે; એહના શાપથી ઉદવસ્ત થાશે, હુંશ થકી બહુ હાણી છે; રંકનું કહું રાવણ ક્યમ માને, પત્થર ઉપર પાણી છે. સાબળિયો-સાબળિયો કહે સઉ જાણો છો, જુવતી એહ લાવ્યો છે જાણી; એહને ગમતું આપણ બોલો, વિખાણ કરો વિધવિધની વાણી; શીખામણ દેઇને થાકી છે, રાવણની મંદોદરી રાણી;

ધરમે વાતે ધર્મ જ થાશે, દૂધનું દૂધને પાણીનું પાણી. ૧૫૯
<poem>

ભરવાડ - ભરવાડ કહે ભૂપત પૂછે છે, સાચી વાત કહો મન માની; દેશ ભંગ થાએ દેખતાં, પરથમ તો પરજાને પાણી; લંગુરાએ લંકા બાળી, જાન સહુને પહેલી બાંણી; વઢવાડ ન થાય તો સહુને રુડું, તો રહે દૂધ દહી ને દાણી. ૧૬૦ જતી - જતી કહે સહુકો સાંભળજો, ભુંડા લોક તો ભૂર ભમાડે; રામચંદ્ર મોટો રિદ્ધપત રાજા, પ્રૌઢો કોટ પણ વાંદર પાડે; આપણો રાજાજી અતિ બળિયો, જિત્યા છે મલ્લ અધિક અખાડે; એહ સાથે વઢતાં નહિ વાધે, વેચવો કાંશકો વરતિયા વાડે. ૧૬૧ ગોલો - ગોલો કહે ગુણવંતા આગળ, માહરી તો મોટમ મતી; નવ ગ્રહે જિતી બાંધ્યા નરપત, રાવણ રાયની મોટી રતી; જો જિતે તો કામ જ થાશે, નહિતર પાછી આપશે સતી; હાર જિત છે હોડે રમવું, ક્યાં ગોલાને ઘેર ગાયો હતી. ૧૬૨ કોળી - કોળી કહે કહું કર જોડી, દેશપતિ આવ્યો છે દાવે; શૂરો થઈ સીતાને લાવ્યો, તે ક્યમ કુડો કાયર કાવે; જિતવું ને વળી જશ લેવો, નીચ નિર્માલ્ય થયે તે નાવે; કુણ જાણે કિરતાર શું કરશે, ભીલનું ભાલોડ જો પાધરું આવે. ૧૬૩ ખતરી - ખતરી કહે હું ખડતલ કહું છું, હલહલ કરવા દોને હેલાં; મોટા સાથે વઢશે તે મરશે, શું ખાવાં છે સાકર કેળાં; જોર હીમત જણાશે બેનાં, ભૂપતને કહો કરને ભેળાં; એક ઘડીમાં રંગ જ હોય, તાણો વાણો મળશે તે વેળા. ૧૬૪ ચિતારો - ચિતારો કહે ચંતા મુજને, અધિક વાંદરાં આવી અડશે; ઘણાક જોજન છે ધડ ઊંંચો, પણ ચહાય તે વેળા ઉપર ચડશે; દેહવટ કરશે દેશ લંકનો, નિશ્ચે એ નરપત્યને નડશે; શ્રીરામચંદ્ર સમજે છે સર્વે, શું મોરનાં ઈંડાં ચિતરવાં પડશે. ૧૬૫ બારોટ - બારોટ કહે બળવંતો રાવણ, ગુણ હીણે કીધી ગાંડાઈ; રામ સંઘાતે રાડ સાંધવી, ખોટી જાણો એ ખાટાઇ; એક ઘડીમાં ઉદવસ્ત થાશે, પ્રૌઢું રાજ્યને પૂર પાટાઈ; વિખાણ કરિયે તે વાટ જ ઉઠે, ભલી કેવી શી ભાટભટાઇ. ૧૬૬ ભાર - કહે પરજાપત સુણ રે ભૂપત, અતિશે વાંક તમારો છે આડો;

ચંતની કેરા ચોર કહેવાણા, તેની સાથે કરો છોજી તાડો;
<poem>

હઠાવે હનમંતને જેહ હંડોલ્યે, એવો કો તમ દાસ દેખાડો; જગજીવન સાથે જિત ક્શી તમો, કોઠી ધોઇને શું કાદવ કાઢો, ૧૬૭ તંબોલી- તંબોલી કહે તમો વિચારો, ખરું લખાણું અક્ષર ખાતું; ચૌદ ચોકડીનું રાજ પામ્યાતા, શિવ પરતાપ હતું સુખ શાતું; અયુત ઇંદ્ર તણિ અલબત તે, જુલમ કરેથી દેખસો જાતું; સહુકો જાણે છે સુખ ભોગવિયું, પાન ખાઇ મુખ કરિયે રાતું. ૧૬૮ સોની વાણિયો - સોની વાણિયો કહે છે સાચું, અધિપત છે તારા મનમાં આંટો; જોરાવરસું જુદ્ધ કરવાં છે, તલપદ નહીં એ વિપરીત વાટો; કાળના કાળ પરબ્રહ્મ પોતે, એની સાથે વઢી શું ખાટો; કર્યાં કરમ ભોગવશો કુડાં, રામ હાથો રઘા સોનીનો કાંટો. ૧૬૯ વૈદ - વૈદ કહે વેરી શું વઢીએ, તો તો એક કહું તે કીજે; સામ દામ ને ભેદ કરો બહુ, ખરી વાતમાં કોય ન ખીજે; આમે જે લખ્યું તે થાશે, ઘડિયે લાવો લાખેણો લીજે; બળ દેખાડી જુઓ એ બીહે છે, પ્રથમ રેચ નેપાળાનો દીજે. ૧૭૦ વેદીયો - વેદીયો કહે એ વેદે લખાણું, મહા શાપ સતીના સુણવા છે; લંગુરને જે લંકા લેવી, તે ડુંગરા શું ખણવા છે; જેવું વાવિએ તેવું ઉગે, તેવા કણ પછે લણવા છે; રામ રોળી નાંખે રાવણને, એમાં વેદ શું ભણવા છે. ૧૭૧ ભાડભુંજો - ભાડભુંજો કહે ભલું મનાવો, વિખાણ કરીને બોલો વાણી; બાકી તો બળ એનું શું ચાલે, જિહાં કોપી છે સીતા રાણી; પ્રજાળી પ્લવંગે લંકા, જુગ બાધામાં વાત તે જાણી; ખંડાશે પુવાની પેરે, રાજરિદ્ધ થશે ધુળધાણી. ૧૭૨ જોશી - જોશી કહે જોશો સહુ લોકો, કરુણાનિધે કરુણા કીધી; રોળાશે રાવણ રણ માંહી, જો નવ્ય પાછી સીતા દીધી; ભાઇ વિભીષણ ભૂપત થાશે, ઘડી એકમાં લંકા લીધી; રામ રાજ કરશે અતિ રુડાં, આગળથી જનમોતરી કીધી, ૧૭૩ પંડિત - પંડિત કહે પ્રીછ્યા આગળથી, ગુણ હીણ મારે છે ગોથાં; જે વેળા લક્ષ્મણજી ચડશે, લંકાનો ગઢ લેશે જોતાં; રાઢ વઢવાડ માંડે છે રાવણ, એ તો સર્વે જાણો થોથાં;

શ્રીરામને હાથે મોત રાવણનું, એ તો પુરાણ લખાણાં પોથાં. ૧૭૪
<poem>

કવિ - કવિ કહે કર્મ લખ્યું તે થાશે, નિશ્ચે વાત ન થાયે નવી; વૈરભાવે અધિપત અવતરિયો, તો સીતા હરવા બુધ હવી; જદુપતિ સાથ જિતે નહિ કોઇ, જો પશ્ચિમમાં ઉગે રવી; જ્યાં ગત નહિ સુરજ ચંદ્રની, ત્યાંસુધી ગત કરતા કવી. ૧૭૫ મહેતો - મહેતો કહે મુરખ એ રાવણ, જક્ષણી કેરો એહ જણ્યો છે; હજી હાથ દીઠા નથી હરિના, કરુણાનિધિને કાન સુણ્યો છે; જ્યમ ખર દૂષણ ત્રિશિરા તાડ્યાં, તેય લેખામાં એહ ગણ્યો છે; નાઠે નહિ મૂકે નરપતને, એ કોની નિશાળે ભણ્યો છે. ૧૭૬ રુઇયો - રુઇયો કહે હવે રુડું જાણો, જઘડો કરતાં જશ જોડાશે; અહંકારી અહંકાર ન છોડે, અભિમાન કેરાં માન મોડાશે; દેવ સહુની દાઝ઼ હોલાશે, તે તે નવગ્રહ બંધનથી છોડાશે; રૈયતને તો કોય ન મારે, જ્યાં ત્યાંથી કપાસ લોઢાશે. ૧૭૭ ભવાયો - ભવાઇઓ કહે ભૂંડું માનશો પણ, તોલ વાત કહીશું તાનો; સીતા આપીને પાગે લાગે, જો દશાનન હોયે દાનો; લુંટાશે સમરધ ને રિદ્ધિ બાધી, શું પાવૈને ચડશે પાનો; સાચું કહેતાં રીજો કે ખીજો, નાચવા બેઠા ત્યાં ઘુંઘટો શાનો. ૧૭૮ આંધળો - અંધો કહે આગળથી સૂઝ઼ે, કુડાં કેરી શી કારસી; રુઠ્યો રામ રઘુનંદન જેને, તેને વળતો કોણ વારસી; દેવ આગળ ડહાપણ તે કોનું, પંડિત આગળ શી પારસી; રુડી રીત રાવણને કહેવી, તે આંધળા આગળ છે આરસી. ૧૭૯ બહેરો - બધીર કહે મારી બુદ્ધ થોડી, તોય કહું એક રુડા કાજે; રંકનું કહ્યું રાજા નવ માંને, જેને છત્ર કનકનાં છાજે; અહંકાર મહા લાવ્યો અતિ બળ, લક્ષવસા તે આપતાં લાજે; એહ આગળ કહેશો તે મિથ્યા, જ્યમ બેરા આગળ શંખ જ વાજે. ૧૮૦ ખોડો - ખોડો કહે ખડતલ છે વાતો, એને આંગણે બોલ્યા કાગા; સ્વાન રોયાં શેરીમાં શતધા, હૃદે ધાયો તે વેળા વાગા; હીમત ખોઈ જોઇ હનુમંતને, લંકા સહિત મહેલ જવ લાગા; દૈવત એહમાં શું દેખો છો, ભૂપત કેરા છે પગ ભાંગા. ૧૮૧ કાણો - એક ચક્ષ તણો નર કહે છે, અધિપત છે હજુ આડામાં;

ઐરાવત એણે નથી દીઠા, પ્રાક્રમ કીધું છે પાડામાં;
<poem>

એ હઠીલો હિમ્મત નહિ મૂકે,ટેક રાખે છે તાડામાં; કપટ કોટિધા એના મનમાં, જ્યમ બોતેર વિદ્યા બાડામાં. ૧૮૨ પાવૈ - પાવૈયો કહે પેર હું પ્રીછું, એ રીંછ વાંદરા ક્યમ વઢશે; ઉઠ જોજન છે કોટ કનકનો, તેહનો પાડ્યો કેમ પડશે; રામ રાજા ને રાવણ રાક્ષસ, નિર્બળ ક્યમ નરપતને નડશે; રીસાવી રહેશે રાવણથી તો, શું પાવઇને પાનો ચડશે? ૧૮૩ જુગારી - જુગટિઓ કહે જાણું છું હું, સહુકો વાત માનો એ સાચી; ભુંડું કામ કર્યું છે ભૂપત, લાવ્યો રામની રામા રાચી; મહારાજ રાજ રાજેશ્વર રુડા, હજુ જુએ પગ સામું નાચી; આખર તો જીવતો નહિ મૂકે, બાર સોગઠી એહની કાચી. ૧૮૪ કાછીઓ - કાછીઓ કહે કલ્પ્યું મેં કોડે, દળ અતિશે હું એનું દેખું; વાંદર રીંછ બળવતાં છે બહુ, પેર ઘણીથી હું મન પેખું; રુડો વખાણો છો રાવણને, એકલો તે હું ક્યમ ઉવેખું; શ્રીરામજીની આગળ રાવણ, તે તો મૂળાપણી શું ઝાડમાં લેખું. ૧૮૫ વણઝ઼ારો - વણઝ઼ારો કહે વારો છો એને, ગુણ વાત કહો તે ઘેલી; અગનીની આંચમાં આવ્યો અધિપત, પ્રિછ્યો પ્રીત નહીં એ પહેલી; વઢતાં વાત થશે એ વિપરીત, સીતા આપવી તે છે સહેલી; આપણ શિદ આગળથી કહિયે, શું ગુણ્ય કૂદશે બળદ પહેલી. ૧૮૬ રોગી - રોગી એક બચારો બોલ્યો, વિખાણ કરીને કોશું વઢો; સૈન્ય સજ કરાવે રાવણ, પૂર બાધે વજડાવ્યો પડો; કુણ જાણે કુણ હારે જિતે, દેશ બધાનો વળશે દડો; હિમ્મત કાં મૂકાવો એની, કુણ તાવને કહશે ચડો. ૧૮૭ દંતારો - દંતારો કહે દેશપતિને, દુનિયાં બાધી તો હસશે; રંજાડ ઘણો રૈયતને થાશે, પૂર બાધું તે પીડાશે; દેહ પડશે દશાનન કેરો, નિર્માલ્ય થઇ આપે નાસશે; ઘરડાંની કહેવત તે સાચી, જે વધતો દાંતો તે ઘસાશે. ૧૮૮ નેસ્તી - નેસ્તી એક બોલ્યો નરપતનો, સુરતા મને તો એક થઇ છે; સીતાને લાવ્યો છે રાવણ, રૌરવ રોગ ખરો એ ખઇ છે; ઇશ શિશથી રહ્યા વેગળા, લંકા કર્મ એનેથી ગઇ છે;

વિચાર કરતાં વહાણું વાશે, નેસ્તીની મા ખાટલે મુઇ છે. ૧૮૯
<poem>

પસાયતો - પટેલ એક કહે પાપી એ રાવણ, એનું મોત થોડે દિન મળશે; સુખ સાગરમાં જુગતે ઝીલતો, વૈભવ તે વેળા તો ટળશે; સીતા સતિનો શાપ થયો છે, તેહનું વૃક્ષ હવે તો ફળશે; સાચું નવ્ય કહિયે શા માટે, શું પસાયતાં ચાંપી કળશે. ૧૯૦ માળી - માળી કહે છે મુને ગમે નહિ, વાત કરો છો જે જે મોટી; રાવણ રાજા છે એ ડાહ્યો, લક્ષ વસા પડશે એ લોટી; જે કહું છું તે સાચું માનો, તમો સહુ કહો છો તે ખોટી; ઝ઼ાઝું કરશે તો સીતા લેશે, માળી રુઠ્યો ફુલ લેશે શું લેશે ચોટી? ૧૯૧ બ્રાહ્મણ - બ્રાહ્મણ કહે ભાવિક સરજ્યું છે, રામ રાવણ વેરેથી વઢશે; હાથ દેખાડ્યા વિના હઠશે નહિ, જ્યમ ત્યમ જાનકીજી ન જડશે; જે વેળા લક્ષ્મણજી કોપે, ઘડી એકમાં ઘાટ જ ઘડશે; મેળી ધાડ બેઠો છે મહીપતિ, ભિખનાં ભાંડાં ક્યમ સીકે ચડશે. ૧૯૨ કણબી - કણબી એક બેઠો તો માળે, તે કહે છે મુજને એ ભાસે; રાવણ રાઢ કરી શકશે નહિ, નીચ નિર્માલ્ય થઇને નાશે; એક વાત ઉકલતી છે નહીં, પડ્યો પાપ તણે એ પાસે; સીતા સાટે સર્વે સમરધ, ગોળો ગોફણ જોતામાં જાશે. ૧૯૩ ચોવટિયો - પટેલ એક પાદરડે બોલ્યો, રાવણની નવ્ય પોતી રળી; સીતા વેલ એ ઝેર તણિ છે, તે એહને લાગે છે ગળી; ઇંદ્ર તણી અલખત ભોગવતો, તેહ ટેક એહની તો ટળી; જાનકી જોખ એની લેઇ જાશે, જ્યમ પુંખ ન ખાધો ને હાથેલી બળી. ૧૯૪ જોગી - જોગી કહે જરૂરી જાણો, દશાનન આવ્યો છે દાવે; કુંભકરણ કુમતિ દેનારો, કૂડ કપટ જેને મન કાવે; ઈંદ્રજિત પણ અન્યા બોલે, ભૂપતના મનમાં તે ભાવે; સૂર્પનખા શિખની દેનારી, જોગી પ્રધાન તે તુંબડાં વાવે. ૧૯૫ પટેલ - પટેલ એક ચોરેથી ચેત્યો, બાળ પરી રાવણની બુદ્ધિ; બહેને કહ્યું છે ત્યાંથી છે બહેક્યો, તે છે ગુણહિણી ને ગદ્ધી; સુખ શય્યા વૈમાન તજ્યાં છે, રાજ પદવીની રીત્યો રુંધી; લંકામાં એ લાડકવાયો, પટેલની ઘોડી પાદર સૂધી. ૧૯૬ છીપો - છીપો કહે છાજ્યું નહિ એને, છતનો એને છાક ચઢે છે;

જગત જનેતાને એ લાવ્યો, સામો વેરી થઇને વઢે છે;
<poem>

જોરાવર ઝાડ વાવ્યાં છે ઝેરનાં, તેનાં એને ફળ જડે છે; રાવણ આખર રાક્ષસીનો તંન, જાત વના શું ભાત પડે છે. ૧૯૭ કંસારો - કંસારો કહે કહું કેટલું, રાવણથી શું રામ ડરે છે; ફુલ્યો ફરે છે તે સર્વે ફોકટ, પોતાને હાથે હીંમત હરે છે; ચૌદ ચોકડીનું રાજ્ય તજીને, વણ મોતેથી એ તો મરે છે; ત્રાંબા ડોળ કરે નહિ છૂટે, ફોકટ કાંસાકૂટ કરે છે. ૧૯૮ કંદોઇ - કંદોઇ કહે કુડો એહ કપટી, બુદ્ધિહીન થયો બાડુઓ; એહ જાણે છે ખાઇ સાગરની, રામને મન તો છે ખાડુઓ; રાવણ જાણે લંકા ક્યમ લેશે, વાંદરને મન ઘીનો ધાડુઓ; લંપટ લોભી સીતાને લાવ્યો, જાણે બાપનો છે લાડુઓ. ૧૯૯ સ્ત્રીઓ - વાતો કરે વનિતા લંકામાં, સખિયો સખિયોમાં સાંચલી; કહો બાઇ કુણ હારે જિતે, ઘણીક આવી છે ઘાંચલી; એક કહે એમાં શું કહેવું, અદકી બોલી છું આંચલી; એકાએક હઠે કેમ અધિપતિ, શું પેરી બેઠો છે કાંચલી. ૨૦૦ વિધવા - એક વિધવા કહે વિખાણે છે શું, તારો બોલ ગમે નહીં ગાંડો; વાર્યું નહીં કરે તે હાર્યું કરશે, કહિયે સુખે રાડજ માંડો; ઘડી બેચારેક લંક લૂંટાશે, જેને ગમે તે ગામ જ છાંડો; સુખે રાજ ક્યમ રાવણ કરશે, શું જિતવી છે રાંડીરાંડો. ૨૦૧ પંચ - પંચ મળી પરમાણ કર્યું છે, રાવણ કાજળ શ્રીરામજી કેશર; રાવણ ખાબડો રામ ગંગોદક, રામ ઐરાવત રાવણ ભેંસર; શ્રીરામ ધર્મી રાવણ અધર્મી, કહે કવિ સામળ ભટ કવેશ્વર; જિતે રામને રાવણ હારે, પંચ તિહાં પોતે પરમેશ્વર. ૨૦૨ કવિ - બ્રાહ્મણ ભાટ ચારણ કો કવિતા, ખોડ ન દેશો રંક કે રાણો; એક્ તો નામ શ્રીરામજી કેરું, બીજો અક્કલ થકી ઉખાણો; જેને જેહ વણજ તે સૂજે, પ્રીત થકી સહુ પંચ પરમાણો; નિશા ચર્ચા જોઇ નરપતિએ, સામળભટ કહે સમજે શાણો; ૨૦૩ શ્રી ગુર્જર દેશ ગરુવો ગુણનિધિ, વિપ્ર શ્રીગોડ વેંગણપુર વાસી; પિતા તે પુરુષોત્તમ કેરો, વીરેશ્વરનો પુત્ર તે વિલાસી; સામળભટ શિવજીનો સેવક, આદ્ય શક્તિ કેરો ઉપાશી; રામ ચરિત્ર આ ગાતે સુણતે, નિતપત ક્રોડ વશાએ કાશી. ૨૦૪


રાવણ મન્દોદરી સંવાદ સંપૂર્ણ.