રાષ્ટ્રિકા/ઓ હિંદ
← સ્વાત્મનિંદા | રાષ્ટ્રિકા ઓ હિંદ અરદેશર ખબરદાર |
હિંદના વાસી - સર્વ સંન્યાસી → |
ઝૂરી ઝૂરી હવે ક્યાં સુધી જોવું ?
ઓ હિંદ ! તારું અહીં દુઃખ શુ રોવું ? ઝૂરી.
કળિમાં ખવાઈ તું શૂરવીર જાયી,
ઝરપે જખમ તેમાં તુ આ તણાઈ! ઝૂરી. ૧
ઊંચ કુલીન તારું નૂર અમીરી,
રે શું ધર્યો હવે હાલ ફકીરી ? ઝૂરી. ૨
લમણે તું હાથ રે મૂકી શું ઝૂરે ?
હાલ આ તારો હૃદય મુજ ચૂરે ! ઝૂરી. ૩
દુઃખનું છવાયું છે વાદળ માથે,
રે કોણ હાથ ધરી રહે સાથે ? ઝૂરી. ૪
કોણ ઉધ્ધારે રે કોણ ઉગારે ?
આ દુઃખસાગરથી કોણ તારે ? ઝૂરી. ૫
આજ શૃંગાર સૌ તુજથી વછૂટ્યો,
પૂર્ણ વૈરાગ્ય નિરાશે શુ ચૂંટ્યો ? ઝૂરી. ૬
રસ આઠે તારા ગયા કહીં ઊડી ?
સર્વ છબી કરુણા મહીં બૂડી ! ઝૂરી. ૭
બહુ બહુ રે રહી રાત અંધારી !
ઓ ઈશ ! ક્યાં છે અરુણની બારી ? ઝૂરી. ૮
અદલ પ્રભુ ! આ સમાધિ મુકાવો !
કે મુજ હિંદ લે શુભ દિન લહાવો ! ઝૂરી. ૯