← રાષ્ટ્રિકા : પ્રસ્તાવના
રાસચંદ્રિકા : ગગનનો ગરબો
રાષ્ટ્રિકા / રાસચંદ્રિકા
ગુણવંતી ગુજરાત
અરદેશર ખબરદાર
રાષ્ટ્રિકા : ગુણીયલ હો ગુજરાત
રાસચંદ્રિકા :રળિયામણી ગુજરાત →
રાગ માઢ - ગરબી (સને ૧૯૦૭ના સપ્ટેમ્બર માસમાં મુંબઇમાં મળેલી 'બીજી ગુજરાતી સાહિત્ય પરિષદ'માં ગવાયેલું ગીત.)





ગુણવંતી ગુજરાત

♦ રાગ માઢ ♦


ગુણવંતી ગુજરાત !
અમારી ગુણવંતી ગુજરાત !
નમિયે નમિયે માત !
⁠⁠અમારી ગુણવંતી ગુજરાત ! -

મોંઘેરા તુજ મણિમંડપમાં, ⁠ઝૂકી રહ્યાં અમ શીશ :
માત મીઠી ! તુજ ચરણ પડીને ⁠માગિયે શુભ આશિષ !
⁠અમારી ગુણવંતી ગુજરાત ! ૧


મીઠી મનોહર વાડી આ તારી ⁠નંદનવનશી અમોલ :
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં ⁠કરિયે નિત્ય કલ્લોલ !
⁠⁠⁠અમારી ગુણવંતી ગુજરાત ! ૨

સંત મહંત અનંત વીરોની ⁠વહાલી અમારી માત !
જય જય કરવા તારી જગતમાં ⁠અર્પણ કરિયે જાત !
⁠⁠અમારી ગુણવંતી ગુજરાત ! ૩


ઊંડા ઘોર અરણ્ય વિષે કે ⁠સુંદર ઉપવનમાંય :
દેશવિદેશ અહોનિશ અંતર ⁠એક જ તારી છાંય !
⁠⁠અમારી ગુણવંતી ગુજરાત ! ૪

સર સરિતા રસભર અમીઝરણાં, ⁠રત્નાકર ભરપૂર :
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી, ⁠માત ! રમે અમ ઉર !
⁠⁠અમારી ગુણવંતી ગુજરાત ! ૫


હિન્દુ, મુસલમિન,પારસી, સર્વે ⁠માત ! અમે તુજ બાળ :
અંગ ઉમંગ ભરી નવરંગે, ⁠કરિયે સેવા સહુ કાળ !
⁠⁠અમારી ગુણવંતી ગુજરાત ! ૬

ઉર પ્રભાત સમાં અજવાળી ⁠ટાળી દે અંધાર !
એકસ્વરે સહુ ગગન ગજવતો ⁠કરિયે જયજયકાર !
⁠⁠અમારી ગુણવંતી ગુજરાત !

નમિયે નમિયે માત ! ⁠અમારી ગુણવંતી ગુજરાત ! ૭