રાસચંદ્રિકા/ગગનનો ગરબો
← નવશક્તિનાં વધામણાં | રાસચંદ્રિકા ગગનનો ગરબો અરદેશર ખબરદાર |
ગુણવંતી ગુજરાત → |
ગગનનો ગરબો
♦ સોનાવાટકડી રે જે કુંકુમ ઘોળ્યાં, વાલમિયા. ♦
ગગનનો ગરબો રે કે કોણે કોર્યો, સાહેલડી ?
જ્યોતિને ઝબકે રે કે ફૂલડે ફોર્યો, સાહેલડી ? ૧
એવાં વિરાટ શાં રે કે આંગણ આંક્યા, સાહેલડી ?
કોનાં એ કામણ રે કે જોઈ જોઈ થાક્યાં, સાહેલડી ? ૨
ઊંડા આવાસમાં રે કે માજી રહેતાં, સાહેલડી,
રાસે કંઇ રમવા રે કે મન થયાં વહેતાં, સાહેલડી ! ૩
ઊંચી અટારીથી રે કે માજી ઊતર્યાં, સાહેલડી,
ગરબો ઘૂમાવતાં રે કે અમીરસભર્યાં, સાહેલડી ! ૪
ઘૂમરીની ઘેરમાં રે કે માજી તો ફર્યાં, સાહેલડી,
ડગલે ને પગલે રે કે સર્જન સર્યાં, સાહેલડી ! ૫
માજીને મુખથી રે કે દેવગંગા રેલી, સાહેલડી,
માધુરી સૂરની રે કે એવી રહી ખેલી, સાહેલડી ! ૬
માજીના બોલથી રે કે આભા આભ ઊઘડ્યાં, સાહેલડી !
ઘાડા અંધારનાં રે કે પડ પડ ઊપડ્યાં, સાહેલડી ! ૭
માજીની સોડથી રે કે સર્યું આભપાનું, સાહેલડી,
ઓજભરી આંખથી રે કે ઝર્યા કોટિ ભાનુ, સાહેલડી ! ૮
માજીની તાળીએ રે કે સૂર્ય ચંદ્ર થાપ્યા, સાહેલડી,
અણઠર્યા ઘૂમતા રે કે ગરબે વ્યાપા, સાહેલડી ! ૯
માજીને પાવલે રે કે ફાલ કંઇ ફૂટ્યા, સાહેલડી ,
કંકણ ખંખેરતાં રે કે ધૂમકેતુ છૂટ્યા, સાહેલડી ! ૧૦
માજીને ચાંદલે રે કે દિશદિશ ઝબકે, સાહેલડી ,
ઝાંઝરને ઝમકે રે કે કુંકુમ ટપકે, સાહેલડી ! ૧૧
માજીની ઓઢણી રે કે ઘેરી ભૂરી, સાહેલડી,
અકલા કલા રે કે ઊડે રસપૂરી, સાહેલડી ! ૧૨
ઊંડા ઊંડાણમાં રે કે સોણલે હાલ્યો, સાહેલડી !
માજીના શબ્દથી રે કે કાળ ઊઠી ચાલ્યો, સાહેલડી ! ૧૩
ખાલી પોલાણમાં રે કે ચેતન જાગ્યાં, સાહેલડી ,
અંધારાં સળક્યાં રે કે મૉરવા લાગ્યાં, સાહેલડી ! ૧૪
સૂતેલાં સત્યો રે કે જાગતાં ઝગારે, સાહેલડી,
સરકેલો દોરલો રે કે ફરી કર ધારે, સાહેલડી ! ૧૫
માજીને એકલાં રે કે ગાવા ન ભાવ્યાં, સાહેલડી,
દેવો ને દેવીઓ રે કે સાથમાં બોલાવ્યાં, સાહેલડી ! ૧૬
માજીને ગીતડે રે કે સૂરજ ડોલ્યા, સાહેલડી,
અગ્નિ ને અમીમાં રે કે ગ્રહો ઝબકોળ્યા, સાહેલડી ! ૧૭