રાસચંદ્રિકા/નવશક્તિનાં વધામણાં

← રસપ્રભુતા રાસચંદ્રિકા
નવશક્તિનાં વધામણાં
અરદેશર ખબરદાર
ગગનનો ગરબો →
. મા પાવા તે ગઢથી ઊતર્યાં, મહાકાળી રે .




નવશક્તિનાં વધામણાં

♦ મા પાવા તે ગઢથી ઊતર્યાં, મહાકાળી રે. ♦


આ આભઅટારીથી ઊતરી, ગુણગારી રે,
આવી ઊતરી ગુર્જર દેશ, ધન બલિહારી રે !
એની આંખે ઝબકે વીજળી, ગુણગારી રે,
એના કિરણિયાળા કેશ, ધન બલિહારી રે ! ૧

એના મુખમાં અમૃત ઊભરે, ગુણગારી રે,
એના નવજીવનના બોલ, ધન બલિહારી રે !
શાં અજવાળે ઘર આંગણાં, ગુણગારી રે,
એનાં હાસ્ય ઝરે અણમોલ, ધન બલિહારી રે ! ૨

એના કરમાં ડોલે કુંજરો, ગુણગારી રે,
એની કટિએ સિંહણકાય, ધન બલિહારી રે !
એને હૈયે મોજાં સિંધુનાં, ગુણગારી રે,
એના પ્રાણે પ્રગટે લાહ્ય, ધન બલિહારી રે ! ૩


એ પળપળ પાતી પ્રેરણા, ગુણગારી રે,
જાગે સૂતી અંતરજ્યોત, ધન બલિહારી રે !
એને પગલે કાયર ઊઠતા, ગુણગારી રે,
ઊઠી શૂર પ્રકાશે પોત, ધન બલિહારી રે ! ૪

આવી નવચેતનની દેવી હો, ગુણગારી રે,
ઝીલો ઝાંઝરનાં ઝમકાર, ધન બલિહારી રે !
પૂરો આંખે એનાં સોણલાં, ગુણગારી રે,
ઊંડે અંતરના અંધાર, ધન બલિહારી રે ! ૫

આ ચતુરા આવી ચોકમાં, ગુણગારી રે,
ખેલે ગરવે ગુર્જર દેશ, ધન બલિહારી રે !
એની ધમકે ધિંગા ધૃજતા, ગુણગારી રે,
નાચે નવશક્તિને વેશ, ધન બલિહારી રે ! ૬

રસશૂરી, નવરાસેશ્વરી, ગુણગારી રે !
કરો અમ સદને ચિર વાસ, ધન બલિહારી રે !
પૂરો પ્રાણે પ્રાણે પ્રેરણા, ગુણગારી રે !
ફૂંકો ચેતન શ્વાસે શ્વાસ, ધન બલિહારી રે ! ૭