← નાચ રાસચંદ્રિકા
રસપ્રભુતા
અરદેશર ખબરદાર
નવશક્તિનાં વધામણાં →
. પ્રીતમ પ્રાહુણા મહારાજ .




રસપ્રભુતા

♦ પ્રીતમ પ્રાહુણા મહારાજ. ♦


ઘૂંટડા ભરી ભરી પીઓ કો, રસનાં સરોવરો છલકાય !
રસનાં સરોવરો છલકાય, રસિકનું મન દેખી મલકાય !—
ઘૂંટડા ભરી.

આભ ભર્યું ઘૂમે આનંદે, બોળે ચંચૂ નિત્ય;
જડી જડી રસબિંદુ હૃદયમાં ચમકાવે સહુ ચિત્ત :
અંતર ભરી ભરી સિંચો કો, આત્મા ઊંડી ઝળે ઝળકાય !
ઘૂંટડા ભરી. ૧

કુંજે કુંજે ફૂલડાં ડોલે, ચૂમે લલિત વસંત,
વનવન પવન વહે રસ ભરતો, લીલા હસે અનંત :
ખોબે ભરી ભરીને લ્યો કો, હૈયે નવું નવું હીંચકાય !
ઘૂંટડા ભરી. ૨

છીપે છીપે ભરી મોતી દીપે સાગરને ભંડાર;
નયને નયને તેજ નચાવતાં, વસી ઊંડે અંધાર;
ડૂબકી ભરી ભરી કઢો કો, તેજે નયન નયન રંગાય !
ઘૂંટડા ભરી. ૩


કણકણમાં જો મણિ વિલસે છે, બિંદુ બિંદુ બ્રહ્માંડ;
રસગ્રાહક રજરજમાં નિરખે ભર્યો દિવ્ય રસકાંડ :
નયનાં ભરી ભરી નિરખો કો, રસરસ થળે થળે નિતરાય !
ઘૂંટડા ભરી. ૪

સરોવરો છલકે છલકતાં રસજીવવને અર્થ :
ધન્ય ઝીલે રસ રાજહંસ કો, ભગ ઊભા રહે વ્યર્થ !
આત્મા ભરી ભરી ઝીલો કો, પ્રભુની રસપ્રભુતા પથરાય !
ઘૂંટડા ભરી ભરી પીઓ કો, રસનાં સરોવરો છલકાય ! ૫