રાષ્ટ્રિકા/જ્યોતિ
← હો મહાન નવજુવાન ! | રાષ્ટ્રિકા જ્યોતિ અરદેશર ખબરદાર |
માની હાક → |
જ્યોતિ
• દળગીત છંદ[૧] •
જ્યોતિ, જ્યોતિ, જ્યોતિ, જ્યોતિ : જોની જ્યોતિ ચાલી જાય !
એને પગલે પગલે કેવાં આજે અંધારાં છૂંદાય !
જ્યોતિ આગળ, જ્યોતિ પાછળ, જ્યોતિ એ સર્વત્ર જણાય :
વીરો ! રહો એ જ્યોતિમાંય ! ૧
આજે વાયાં જેનાં વહાણાં, તેને રજનીના શા શોક ?
આજે ઊઘડી જેની આંખો, તેને ઊંઘતણો ડર ફોક ;
જેને દિવ્ય થયાં જ્યોતિનાં દર્શન, તેને શા આ લોક ?
વીરો ! જ્યાંત્યાં જ્યોતિ જ છાય ! ૨
જેવી જ્યોતિ ગૃહદીપોની, તેવી તારકની છે વ્યોમ ;
ઝબુકા વીજ ભરે વાદળમાં, ઉરમાં ઝબકે સૂરજ સોમ ;
આજે ઊઘડી આતમજ્યોતિ : વીર ! ભરી દ્યો રોમેરોમ !
વીરો ! જુઓ રખે હોલાય ! ૩
જેને પ્રભુ બેઠા છે હૈયે, તેને હોય કશા જગબંધ ?
જેને ડગલાં ભરવાં વાટે, તેને ભાર કશા નિજ સ્કંધ ?
જ્યોતિ છે જોનારા માટે ; ક્યાંથી જોશે તે જન અંધ ?
વીરો ! રખે ડગવતા પાય ! ૪
જેને સૂવું છે અંધારે, તેને સૂવા દ્યો અહીં આજ :
એની આંખ ઊઘડશે ત્યારે એને પણ સમજાશે કાજ ;
રે હો જ્યોતિનાં સંતાનો ! તમને તો જ્યોતિનું રાજ !
વીરો ! જ્યોતે જ્યોત જળાય ! ૫
જળશું તોપણ એ જ્યોતિમાં, ઢળશું તોપણ બાવનવીર !
રળશું તો લાખેણા વિજયે જગને ઝૂલવશું રસતીર !
આજે સ્વર્ગ ખૂલ્યાં હો સામે ! આશિષ દે પયગંબર પીર :
વીરો ! પ્રભુનાં પદ સંભળાય ! ૬
- ↑ આ છંદ નવો રચ્યો છે. એનાં પહેલાં ત્રણ ચરણોમાં ૩૧-૩૧ માત્રા છે, અને ૧-૩-૫ એમ એકી માત્રાએ સાધારણ તાલ છે, પણ ૫-૧૩-૨૧-૨૯ માત્રાએ મહાતાલ આવે છે. ૧૬ માત્રાએ યતિ છે. ચોથું ચરણ ચોપાઇનું છે.