રાષ્ટ્રિકા/હો મહાન નવજુવાન !

← ગુજરાતનો યજ્ઞકુંડ રાષ્ટ્રિકા
હો મહાન નવજુવાન ! []
અરદેશર ખબરદાર
જ્યોતિ →





હો મહાન નવજુવાન ! []


• પદ્મ છંદ[]


ભારતના હો વીર કુમારો !
માની આશતણા આધારો !
આજ સિતારો છે તમ ન્યારો :
હો મહાન નવજુવાન !
ઊતર્યાં છે આકાશ ફરી આ,
ઊતર્યાં છે નવતેજ સરી આ,
ભારતની પળ આવી ખરી આ ;
હો મહાન નવજુવાન !

(ઝીલણપદ)


ધસજો, વીરકુમારો ધસજો !
સત્ય જીવન છે આજ :
યત્ને સિદ્ધિ : યત્ને ઋદ્ધિ :
યત્ને સત્ય સ્વરાજ્ય !



પ્રભુના અમૃતરસ રેલાતા,
આજે ભારતવીર ભીંજાતા ;
કોણ ગણે ત્યાં ઘણઘા તાતા ?
હો મહાન નવજુવાન !
જીવન નવલ ઘડાવા લાગ્યાં,
હૃદય પ્રબળ ઝબકીને જાગ્યાં,
આત્મવિજય ચોઘડિયાં વાગ્યાં :
હો મહાન નવજુવાન !

(ઝીલણપદ)



યુદ્ધ અનાયુધ આ છે એવું,
સત્ય અહિંસાનું બળ કેવું !
દુનિયાને નવલું કંઈ દેવું :
હો મહાન નવજુવાન !
આજ નથી કો રમત‌અખાડો,
આજ નથી રસગ્રંથ પવાડો ;
આજે શૂરવીરોનો દહાડો !
હો મહાન નવજુવાન !

(ઝીલણપદ)




જીવન કે નવ કાળ અટકશે,
હાથે આવી બાજી છટકશે,
જીવનભર ત્યાં હૈયું ખટકશે :
હો મહાન નવજુવાન !
જ્યોતિ જગાવો તિમિર નિચોવી !
જીવન જમાવો મૃત્યુ વલોવી !
રહેશે કોણ જુવાની વગોવી ?
હો મહાન નવજુવાન !

(ઝીલણપદ)




ભારતના હો વીરકુમારો !
અંતરના તાણો સૌ તારો !
તારક, સૂરજ, ચંદ્ર ઉતારો !
હો મહાન નવજુવાન !
જીવન તો છે આજે, આજે !
ધસો અદલ સૌ ભારત કાજે !
પ્રભુ ને સત્યે વિજય વિરાજે !
હો મહાન નવજુવાન !

(ઝીલણપદ)

  1. તા. ૬-૧૦-૩૦.
  2. તા. ૬-૧૦-૩૦.
  3. આ છંદ તેના ઝીલણપદ (કોરસ) સાથે નવો લખ્યો છે.