← રણડંકા રાષ્ટ્રિકા
ભારતનું જયગીત
અરદેશર ખબરદાર
સૂચિ →






ભારતનું જયગીત


• રણગીત છંદ •




હે બહાદુર ને મર્દાની
ભારત ભૈયા નરવીર !
તમ બિરદાળી વિક્રમશાળી,
ભડ લડવૈયા રણધીર !
ધિમિકિટ્‌ કરતા, ધિમિકિટ્‌ કરતા,
સેનાની ને સરદાર,
ભારત ભોમ
વીંધે વ્યોમ,
જ્યારે જગવો જયજયકાર,
જ્યારે પડઘમના ઘણઘોષ પડે,
ને ગરજે જયજયકાર !



શૂરા શિખ ને પંજાબી,
ગુરખા, રજપૂત, પઠાણ ;
ભડ ગઢવાલી ને બંગાલી,
સિંધી, કાઠી બળવાન ;
ગુર્જર વીરો, દ્રાવિડ ધીરો,
ને જાટ, મરાઠા સ્વાર :
તમ યશનામ
ઠામે ઠામ
આજ જગવે જયજયકાર !
જ્યારે પડઘમના ઘણઘોષ પડે,
ને ગરજે જયજયકાર !


હે ભારતના સત્પુત્રો !
માતાનાં પ્રિય સંતાન !
કરમાં કર લઈ, રણમાં સર દઈ,
રાખો ભારતનું માન !
નામે ધર્મે વિધવિધ કર્મે,
પણ એક ધરાપરિવાર :
ભારત ટેક
રાખો નેક,
સઘળે જગવો જયજયકાર !

જ્યારે પડઘમના ઘણઘોષ પડે,
ને ગરજે જયજયકાર !


અગણિત તારા ભરતેજે
શા કૂચ કરે નભમાંય !
નિજ ધર્મપથે મુખ મૌન મથે,
ને ઝળકે ચેતનકાય :
હે ભારતના વટ ને પતના
જગમાં યશ રાખણહાર !
એ શૂરનર
ઝગવો પૂર,
{{gapકરવા માનો જયજયકાર !
જ્યારે પડઘમના ઘણઘોષ પડે,
ને ગરજે જયજયકાર !


ના શૌર્ય વિવેક વિહોણું,
ના યુક્તિ વિનાનું યુદ્ધ,
ના શક્તિ વિના સ્વર સત્યતણા,
ના વિજય ક્ષમા વિણ શુદ્ધ :
નિર્ભય કર્મે ને સદ્‌ધર્મે
ભારતનો યશટંકાર

ઘુમવો બેશ
દેશ વિદેશ,
થળથળ ગજવો જયજયકાર !
વિજયી પડઘમના ઘણઘોષ પડે,
ને ગરજે જયજયકાર !


પડઘમ આ ઘમઘમ કડકે,
ને વાગે ઝાંઝપખાજ ;
ધિમિકિટ્‌ કરતા, ઘર મીટ ધરતા,
આવો જીતી યશતાજ !
ડગલે ડગલે, પગલે પગલે,
તમ કીર્તિતણા ઉદ્‌ગારa
સહુ મુખમાંય
ધન્ય ગવાય,
ને આ ગરજે જયજયકાર !
ઘમઘમ પડઘમના જયઘોષ પડે,
ને પુષ્પ ઊડે જયકાર !


સમાપ્ત