←  દેશભક્તની યાચના રાષ્ટ્રિકા
ભારતનો ઝંડો
અરદેશર ખબરદાર
આધુનિક ભારત (ઇ. સ. ૧૯૦૧) →



ભારતનો ઝંડો

દિવ્ય છંદ

અહીં કોણ ડરાવે આજે ?
અમે છઇએ ભારતવીર :
છો ગગન ધડાકે ગાજે,
કે આભ પડે અમ શીર !
નવ હઠિયે કદી કો કાજે,
છો વરસે બંદુક તીરઃ
જય કરશું એક અવાજે
અમ ભારતધ્વજની ધીર ! ૧

જઇને શોધો નવખંડો,
સૌ દેશતણા દરબાર;
જ્યાં ત્યાં હલ્લા ને બંડો
દે યુદ્ધતણા ભણકાર;
પણ એ હિંસાના દંડો
નથી અમ ભારતને દ્વાર
અમ ભારત કેરો ઝંડો
છે શાંતિવણો અવતાર ! ૨


નથી રે કો'ના જીવ લેવા,
નથી એ કરવાં કો ખૂન ;
નથી દંડ અવરને દેવા,
નથી ભરવું ધર્મઝનૂનઃ
નવ ડરિયે દુખ ઘા સહેવા,
નવ રહિયે સત્યે ન્યૂન :
ઉરટેક, અહિંસા, સેવા
છે ભારતધ્વજની ધૂન ! ૩

અમ ઉરના તારે તારે
ગૂંથી એ ઝંડાની કાય,
અમ શ્વાસતણા ફુંકારે
એ ફરફર ઊડતો જાય ;
અમ સ્વપ્ન ત્રિરંગ ઝગારે
સૌ ભેદ ભૂંસી એ માંહ્ય :
યુગયુગ અમ પ્રાણમિનારે
ભારતઝંડો લહેરાય ! ૪

નથી હિન્દુ મુસલમિન હ્યાં કો,
નથી આમ અને નથી ખાસ;
નથી નર નારીનો આંકો,
નથી રંક ધનીનો ભાસ :

છે એક જ હિન્દી પાકો,
છે એકજ અંતર શ્વાસ,
જ્યાં ફરફરી રહે એ બાંકો
ભારતઝંડો આકાશ ! ૫

ઝંડા ! નિત ઊડતો રહેજે -
જગશાંતિતણો સંકેત !
દિશદિશ દુનિયાને દેજે
ભારતસંયમનો બેત !
પ્રભુસત્યથકી બધું સહેજે :
તુજ સ્પર્શ ઊઠ્યાં અમ પ્રેત !
જગમાં ભારતની જેજે
તું કર ચિરકાલ સચેત ! ૬