રાષ્ટ્રિકા/આધુનિક ભારત (ઇ. સ. ૧૯૦૧)

← રાષ્ટ્રિકા/ભારતનો ઝંડો ૧ રાષ્ટ્રિકા
આધુનિક ભારત (ઇ. સ. ૧૯૦૧)
અરદેશર ખબરદાર
રાષ્ટ્રિકા/સ્વાત્મનિંદા →
રાગ રામગ્રી (ઈ.સ. ૧૯૦૧)



આધુનિક ભારત*[૧]


રાગ રામગ્રી

આ શી દશા રે દેશની ? – જોઈ ઉકળે છે ઉર;
ઝાંખો દીસે ફીકો પડી, ક્યાં ગયું રે નૂર ? — આ શી.

સૂરજ જો આ દેશનો કેવો કરતો પ્રકાશ ?
હા હા તે શું ઊતરી, પડ્યો અંધારપાશ ? — આ શી. ૧

મુખપર લાલી શી દીપતી, ભાળી રહી જગ સર્વ :
ઊડી ચાલી તે ક્યાં ગઈ, ખાલી રહી ગયો ગર્વ. — આ શી. ૨

લોહચુંબક જેવો હતો, જગ ખેંચતો પાસ;
લોપ થઇ ક્યાં શક્તિ તે જગજાણીતી ખાસ ? — આ. શી. ૩

સત્ય સુવર્ણ જ પૃથ્વીનું ગણતો નિરધાર;
સૌ પરદેશ મથ્યા હતા, જોવા દિવ્ય દિદાર ! — આ. શી. ૪

ભૂમિ બધી પર જેહની પડતી હરદમ હાક;
વીર્ય ગયું ક્યાં વણસી તે, રડી રહ્યો શુ રાંક ? — આ. શી. ૫

વીર નરો પાક્યા જ્યહાં. એવી સબળ આ ભૂમિ;
રસકસ ગયો શુ લૂંટાઈને ? વીર્યહીન રહી ઝૂમી ! — આ. શી. ૬

કસર કાર્ય વિશે શી પડી ? ફૂટ્યાં નિજ ઘરબાર;
એનો સુમાર સુસંપમાં, બાંધો નેહથી યાર ! — આ. શી. ૭

ધર્મ થયો સહુ ભ્રષ્ટ ને, ભ્રષ્ટ થઇ ગયો મર્મ !
કર્મ જેથી ભ્રષ્ટ આવિયું; ભારી અન્ય શો ભર્મ ? — આ. શી. ૮

બૂડી ગઈ બાળલગ્નથી, પ્રજા સૌ દુ:ખમાંય;
હિંદ ગયું રે હાથથી, મારી હૈયે હાય ! — આ. શી. ૯

બ્રહ્મચર્ય પાળી પળાવીને, બનો સૌ નરવીર;
હિત કરવાને સ્વદેશનું, અર્પો ધન મન શીર ! — આ. શી. ૧૦

હુન્નર સર્વ પ્રકારના, પ્રિય લાવો સ્વદેશ;
આપી ઉતેજન દેશીને, કાપો દેશના કલેશ ! — આ. શી. ૧૧

સુંદર જગમાં શોભતો, પાછો દેશ આ થાય;
રે શૂરવીર! મથ્યા રહી, યોજો એવા ઉપાય ! — આ. શી. ૧૨

હિમ્મત ધીરજ ધારીને, વધો રાખી ઉમંગ;
વજડાવો જગ અદલ સૌ, હિંદ વિજયના ચંગ ! — આ. શી. ૧૩


  1. *ઇ. સ. ૧૯૦૧